જ્યારે ગોધરાકાંડ વખતે જ્યોર્જ ફર્નાન્ડિઝ નરેન્દ્ર મોદીની વહારે આવ્યા

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

સમીસાંજ થવા આવી હતી અને દિલ્હીના 7, રેસ કૉર્સ રોડ ( હવે 7 લોકકલ્યાણ માર્ગ) પર આવેલા ભારતના વડા પ્રધાનના અધિકૃત આવાસમાં ફેબ્રુઆરી મહિનાની ઠંડક વર્તાઈ રહી હતી.

દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ અંગે એ વખતના સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝ દેશના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને માહિતગાર કરી રહ્યા હતા.

ત્યાં જ તેમની વાતચીતમાં ખલેલ પહોંચાડતો ફૅક્સ આવ્યો.

ગુજરાતના એ વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી રાજ્યમાં સ્થિતિ થાળે પાડવા સૈન્યની મદદ માગી રહ્યા હતા.

ફર્નાન્ડિઝ સીધા જ તેમના નિવાસી કાર્યાલય પહોંચ્યા અને સંબંધિત અધિકારીઓ માટે આદેશ છુટ્યા, 'તત્કાલ રક્ષાભવન પહોંચો.'

એ વખતે રાજસ્થાન સરહદ પર 'ઑપરેશન પરાક્રમ' ચાલી રહ્યું હતું. ત્યાંથી સૈનિકોની ટુકડીને પરત બોલવાઈ અને મધરાતે જ ગુજરાત માટે રવાના કરી દેવાઈ.

એ રાત જ્યોર્જે રક્ષાભવનમાં જ વિતાવી અને બીજે દિવસે વહેલી સવારે અમદાવાદ માટે નીકળી ગયા.

વાત એમ હતી કે ગુજરાતમાં અયોધ્યાથી પરત ફરી રહેલી 'સાબરમતી એક્સપ્રેસ'ને ગોધરા રેલવે સ્ટેશન પર આગ લગાડી દેવાઈ હતી.

જેના પગલે ગુજરાતમાં કોમી હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં અને તંત્રના કાબૂ બહાર જતાં રહ્યાં હતાં.

રાજ્યમાં પુનઃશાંતિ સ્થાપવા માટે જ મોદીએ ફૅક્સ કર્યો હતો. ઉપરોક્ત કિસ્સો જ્યોર્જની નજીક મનાતાં જયા જેટલીએ 'ધ ન્યૂઝ મિનિટ'માં લખેલા બ્લૉગમાં ટાંક્યો હતો.

જ્યોર્જનો જન્મ તા. ત્રીજી જૂન 1930ના રોજ તત્કાલીન મદ્રાસ રાજ્યના મેંગ્લોર ખાતે થયો હતો, જ્યારે 29 જાન્યુઆરી 2019ના રોજ નવી દિલ્હી ખાતે તેમનું નિધન થયું હતું.

'ન્યાયપૂર્ણ વર્તવાની સલાહ'

એવો દાવો કરાતો હતો કે એનડીએ સરકારમાં સરંક્ષણમંત્રી બન્યા બાદ જ્યોર્જના લડાયક મિજાજમાં ઓટ આવી હતી પણ કોમી તોફાનમાં સપડાયેલા અમદાવાદે જ્યોર્જ ફર્નાન્ડિઝમાં કટોકટીકાળનો એ જ 'સમાજવાદી યુનિયન નેતા'નો ફરીથી અનુભવ કર્યો હતો.

શાંતિ સ્થાપવા અને લોકો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ સર્જાય એ માટે જોખમ વચ્ચે પણ જ્યોર્જ રસ્તા પર ઊતર્યા હતા.

એ વખતે ગુજરાત પહોંચેલી સૈન્યટુકડીનું નેતૃત્વ કરી રહેલા લેફ્ટનન્ટ જનરલ(નિવૃત) ઝમીરઉદ્દીન શાહ પોતાના પુસ્તક 'ધ સરકારી મુસલમાન'માં લખે છે :

'એ વખતે હું રાતે 2 વાગ્યે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને મળ્યો હતો. સંરક્ષણમંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ પણ એ વખતે ત્યાં હાજર હતા.'

એ મુલાકાત દરમિયાન શાહે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે જરૂરી વસ્તુઓની યાદી ગુજરાત સરકારને સોંપી હતી

લેફ્ટનન્ટ જનરલ(નિવૃત) જણાવે છે કે બીજા જ દિવસે સવારે જ્યોર્જ સૈન્યની ટુકડીને મળ્યા અને સ્થિતિ થાળે પાડવા છૂટો દોર આપ્યો.

શાહ અનુસાર જ્યોર્જે કહ્યું, "તમારે ન્યાયપૂર્ણ વ્યવહાર જ કરવાનો છે. લોકોમાં સંદેશો જવો જોઈએ કે સૈન્ય તહેનાત કરી દેવાયું છે. તમારી જે પણ જરૂરિયાત હશે એ પૂરી કરવામાં આવશે."

જોકે, શાહના જણાવ્યા અનુસાર સમય પર સુવિધાઓ પૂરી પાડવામાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી.

શાહ કહે છે, "અમદાવાદ ઍરફિલ્ડ પર 1 માર્ચની સવારે સાત વાગ્યે પહોંચેલા ત્રણ હજાર સૈનિકોને સ્થિતિ સંભાળવા માટે એક દિવસની રાહ જોવી પડી."

"કેમ કે તંત્ર દ્વારા તેમને વાહનવ્યવહારની સુવિધા નહોતી અપાઈ. આ દરમિયાન શહેરમાં કેટલાય લોકોનો ભોગ લેવાઈ ગયો હતો."

"જો યોગ્ય સમયે યોગ્ય સુવિધા મળી હોત તો એ લોકોનો જીવ બચાવી શકાયો હોત."

'મોદીની વહારે'

એ વખતની પરિસ્થિતિ અંગે વાત કરતા જાણીતા સ્કૉલર હર્ષ શેઠી 'ધ હિંદુ'માં લખે છે,

'એ વખતે કેન્દ્રીય નેતૃત્વનું વલણ પણ નિરાશાજનક હતું. ઘટના પર શોક વ્યક્ત કરવામાં વડા પ્રધાનને બે દિવસ લાગ્યા અને ઉત્પાત મચાવનારાઓને માટે તેમની પાસે કોઈ કડક સંદેશ નહોતો.'

'ગૃહમંત્રી ગુજરાતના જ હતા. જોકે, એમ છતાં એમને ગુજરાત પહોંચતા ત્રણ દિવસ લાગ્યા.'

'એક માત્ર સંરક્ષણમંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ જ હતા, જેમેણે પોતાના જૂના ગુણો ઉજાગર કર્યા હતા. ગુજરાત પહોંચનારા તેઓ પ્રથમ હતા.'

'પોલીસને સક્રિય થવા એમણે હાક મારી હતી. સૈન્યની તહેનાતી પર નજર રાખી હતી અને શાંતિ જાળવી રાખવા જોખમ ખેડીને પણ લોકો વચ્ચે ગયા હતા.'

શેઠી લખે છે, 'એમના થકી કેટલાક લોકોનો જીવ બચાવી શકાયો એવું કેટલાય લોકો કહે છે.'

શેઠીની વાતમાં સુર પૂરાવતા વરિષ્ઠ લેખક પ્રકાશ ન. શાહ જણાવે છે,

"લોકો વચ્ચે જવાની અને શાંતિ સ્થાપવાની અગાઉની કૉગ્રેસની સરકારમાં જે ભાવના હતી, એ ભાવનાનો પરિચય જ્યોર્જે એ વખતે ગુજરાતીઓને કરાવ્યો હતો."

"હુલ્લડના એ સમયમાં જે રીતે એ બહાર નીકળ્યા અને લોકો વચ્ચે ફર્યા એ બહાદુરીનું કામ હતું."

શાહના મતે "એ વખતે લોકો વચ્ચે જવાની શાસક પક્ષની જરૂરીયાત તેમણે સાચવી લીધી હતી."

જોકે, એ વખતની ભાજપની સરકારના સંકટમોચક ગણાતા જ્યોર્જે આ રીતે મોદીની કાર્યશૈલીને છાવરવામાં પરોક્ષ રીતે મદદ પણ કરી હોવાનું શાહ માને છે.

શાહના જણાવ્યા અનુસાર "બાદમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ અને લાલકૃષ્ણ અડવાણીએ અટલ બિહારી વાજપેયીને કરેલા 'રિપોર્ટ' થકી અટલની ઇચ્છા ના હોવા છતાં મોદી મુખ્ય મંત્રી બની રહ્યા હતા."

શાહ માને છે કે ગુજરાતનાં હુલ્લડો બાદ મોદી સરકારમાં બની રહ્યા એ પાછળ ક્યાંકને ક્યાંક અડવાણી અને જ્યોર્જનો ફાળો રહેલો છે.

શાહની આ માન્યતાને બળ આપતી વાત ખુદ જ્યોર્જે કરી હતી.

ગોધરાકાંડ અને એ બાદ રાજ્યમાં ફાટી નીકળેલાં હુલ્લડો મામલે સરકારનો બચાવ કરતા જ્યોર્જે કહ્યું હતું, "સરકારે એનું કામ કર્યું છે."

એ વખતે હિંસાની પરિસ્થિતિની કમ આંકતાં તેમણે ટૂંક સમયમાં શાંતિ સ્થપાઈ જવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

'રાજકારણમાં સમાધાન'

સામાજિક ન્યાય અને માનવવાદને કેન્દ્રમાં રાખીને જ્યોર્જ ફર્નાન્ડિઝે રાજકારણની શરૂઆત કરી હતી અને સમાજવાદી રાજકારણના તેઓ 'ચૅમ્પિયન' ગણાતા હતા.

જોકે, એનડીએના શાસન દરમિયાન તેમના વલણમાં આવેલા ફેરફારે સૌને ચોંકાવી દીધા હતા.

લોકસભામાં નિંદાપ્રસ્તાવ દરમિયાન તેમણે ગુજરાતનાં તોફાનોની ભયાનકતા ઘટાડીને રજૂ કરવા પ્રયાસ કરતા કહ્યું હતું કે 'ગુજરાતમાં જે થયું એ દેશમાં પ્રથમ વખત નથી થઈ રહ્યું.'

1984ના શીખવિરોધી તોફાનો ઉલ્લેખ કરીને તેમણે સોનિયા ગાંધી પર પણ નિશાન તાક્યું હતું. જ્યોર્જનું આ વલણ લાલકૃષ્ણ અડવાણીને પણ 'અટપટું' લાગ્યું હતું.

જ્યોર્જ ફર્નાન્ડિઝનો સમાવેશ એ રાજકારણીઓમાં થતો હતો કે જેઓ વિચારધારાને રાજકારણનો પ્રમુખ આધાર ગણતા. જોકે, કેટલાય લોકોને જ્યોર્જનું આ વલણમાં તેમનામાં આવેલું પરિવર્તન દેખાયું હતું.

જ્યોર્જ કટોકટીકાળના નાયક હતા. કટોકટી ઉઠાવી લેવાયા બાદ તેમણે કહ્યું હતું કે 'હું હંમેશાં વિપક્ષમાં રહીશ' પણ એ અલગ વાત છે કે જનતા પક્ષની સરકાર બનતા જ તેઓ મંત્રી બની ગયા હતા.

રાજકારણના જાણકારોનું માનવું હતું કે કૉંગ્રેસ નબળી પડ્યા બાદ સત્તામાં આવવા અને સત્તામાં બની રહેવા માટે જ્યોર્જે તમામ પ્રકારનાં સમાધાન કર્યાં હતાં.

1994માં જ્યોર્જે 'સમતા પક્ષ'ની રચના કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારતીય જનતા પક્ષ સાથે તેઓ કોઈ પણ પ્રકારનું રાજકીય કે ચૂંટણીલક્ષી સમાધાન નહીં કરે.

આ એ સમય હતો કે જ્યારે તેમને બિનસાંપ્રદાયિક વિચારના કટ્ટર પક્ષધર માનવામાં આવતા હતા.

જોકે, 1998 આવતા સુધીમાં તેઓ ખુલીને ભાજપના પક્ષે બોલવા લાગ્યા હતા.

જ્યોર્જ બદલાઈ ગયા હતા?

વાજપેયી સરકાર દરમિયાન સમગ્ર દેશમાં ખ્રિસ્તીઓ પર થઈ રહેલા હુમલાઓનો મુદ્દો હોય કે ઓડિશામાં ઑસ્ટ્રેલિયાઈ મિશનરી ગ્રાહમ સ્ટેન્સ અને તેમનાં બે બાળકોને જીવતા સળગાવી દેવાની ઘટના હોય, જ્યોર્જે તેમને 'વિદેશી કાવતરું' ગણાવી સરકારનો બચાવ કર્યો હતો.

કેટલાંક વર્ષોથી ફર્નાન્ડિઝે પોતાની ધર્મનિરપેક્ષ સમાજવાદી વિચારધારાને અલગ રીતે પરિભાષિત કરવાનું શરૂ કર્યું હતું.

તેમના વિવેચકો કહેતા હતા કે જ્યારથી તેઓ ભારતીય જનતા પક્ષની નજીક આવ્યા હતા અને અટલ બિહારી વાજપેયીની સરકારના પ્રમુખ સંકટમોચક બન્યા હતા, ત્યારથી તેમણે પોતાના ધર્મનિરપેક્ષ સિદ્ધાંતોને તિલાંજલિ આપી દીધી હતી.

ધર્મનિરપેક્ષતાને લઈને તેમના વિચારોમાં આવેલા પરિવર્તન પર ઘણી વખત તેમને સવાલ કરવામાં આવતો ત્યારે તેઓ હલકી-ફુલકી પણ રસપ્રદ ટિપ્પણીઓ કરીને ટાળી દેતા હતા.

તેઓ કેટલીય વખત કહેતા "હું માનું છું કે ભારતમાં બે પ્રકારના લોકો રહે છે, એક ધર્મનિરપેક્ષ અને બીજા નૉર્મલ." તેઓ પોતાને નૉર્મલ ગણતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો