ગુજરાતમાં સ્કૂલ શરૂ થાય એ પહેલાં જ ફીની ઉઘરાણીઓનો વિવાદ કેમ થઈ રહ્યો છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

લૉકડાઉન દરમિયાન બંધ રહેલી શાળાઓ હવે ખૂલે એવા અણસાર છે ત્યારે શાળાના સંચાલકો અને વાલીઓ ફરી એક વાર ફીને લઈને સામસામે આવી ગયા છે.

સરકાર સાથે બેઠક યોજીને શાળાના સંચાલકોએ જાહેરાત કરી હતી કે નવું સત્ર શરૂ થતી વખતે કોઈ પણ પ્રકારનો ફી વધારો કરવામાં નહીં આવે.

જોકે, લૉકડાઉનને હઠાવવાની શરૂઆત થતાં જ શાળાઓ દ્વારા ફી ઉઘરાવાતા વિવાદ થયો છે.

કોરોના વાઇરસને લીધે સર્જાયેલા સંકટને પગલે 12મી એપ્રિલે ગુજરાત સરકાર અને ખાનગી શાળાના સંચાલકો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં વર્ષ 20-21ના નવા સત્રમાં ફી વધારો નહીં કરવાનું નક્કી કરાયું હતું.

આ બેઠકમાં એવું પણ નક્કી કરાયું હતું કે આર્થિક રીતે સક્ષમ વાલીઓની યાદી બનાવવામાં આવશે અને તેમની પાસેથી નમ્રતાપૂર્વક ફી ઉઘરાવવામાં આવશે. જ્યારે આર્થિક રીતે નબળા વાલીઓને ફીની ચૂકવણીમાં હપ્તા કરી દેવાશે કાં ફીમાફી આપવામાં આવશે.

જોકે, આ જાહેરાત બાદ લૉકડાઉન ખૂલતાંની સાથે જ કેટલીક શાળાઓ દ્વારા ફી-ઉઘરાણી કરવામાં આકરાં પગલાં લેવાતાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

'શાળાઓ બળબજરી કરે છે'

ગુજરાત વાલીમંડળના સચિવ અમિત પંચાલે જણાવ્યું છે, "સરકાર સાથે સમાધાન સધાયા બાદ પણ મોટા ભાગની ખાનગી શાળાઓ ફી ઉઘરાવવા માટે બળજબરી કરી રહી છે. સિનિયર કે. જી.માંથી પહેલા ધોરણમાં પ્રવેશનારા બાળકની ફી માટે પણ કડક ઉઘરાણી કરાય છે. આ સિવાય જ્યાં સુધી ફી ભરવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને પરિણામ મળતું નથી."

"આવું જ શાળા છોડવાના પ્રમાણપત્રનું છે. પહેલાં ફી ઉઘરાવવામાં આવે છે અને બાદમાં પ્રમાણપત્ર અપાય છે. કોરોના વાઇરસને લીધે લાગુ કરાયેલા લૉકડાઉન બાદ અત્યારે વાલીઓ ફી ભરી શકવાની સ્થિતિમાં નથી, ત્યારે આ પ્રકારની દાદાગીરી કરાઈ રહી છે."

ગુજરાત વાલીમંડળના ઉપાધ્યક્ષ નરેશ શાહ જણાવે છે, "સરકાર દ્વારા આદેશ અપાયો હોવા છતાં પણ શાળાઓ દ્વારા નફો રળવામાં આવી રહ્યો છે. હજુ નવું સત્ર પણ શરૂ કરાયું નથી અને શાળાઓ દ્વારા કડકપણે ફી ઉઘરાવવામાં આવી રહી છે."

ઇતર પ્રવૃત્તિના નામે વસૂલવામાં આવતી ફીને શાહ 'ચોખ્ખી લૂંટ' ગણાવે છે.

જોકે 'ગુજરાત સ્વનિર્ભર શાળાસંચાલક મહામંડળ'ના અધ્યક્ષ ભરત ગાજીપરાએ જણાવ્યું, "12 એપ્રિલે સરકાર સાથે યોજાયેલી બેઠકમાં ગુજરાતભરની ખાનગી શાળાના સંચાલકોએ ફી રેગ્યુલેટરી કમિટીના નિયમ પ્રમાણે વર્ષ 20-21માં ફી વધારો નહીં કરીએ. માર્ચના અંતમાં લેવાતી ફી પણ નહીં લઈએ."

તેઓએ વધુમાં કહ્યું, "અમે વાલીની આવકના દાખલા જોઈને ફી માગવાનું નક્કી કર્યું હતું. ખાનગી શાળામાં ભણતા મોટા ભાગના લોકોની આવક જોઈ ફી ભરવા કહ્યું છે. જે લોકોની આવક નથી એવા લોકોને હપ્તાથી નવેમ્બર મહિના સુધી ફી ભરવાની છૂટ આપી છે, પણ કેટલાક લોકો ઘર્ષણ ઊભું કરવા પ્રયાસ કરી રહ્યા છે."

"સ્કૂલને પણ એમની શાળાના શિક્ષકોને પગાર આપવાનો હોય અને સ્વનિર્ભર કૉલેજ પાસે રિઝર્વ ફંડ રાખવાની ફી રેગ્યુલેશન કમિટીએ ના પાડી છે. નવું સત્ર શરૂ થવાનું છે ત્યારે સ્કૂલ ફી માગી રહી છે, એ બળજબરી નથી."

'ફી માગી એમાં ખોટું શું છે?'

તો ફી રેગ્યુલેશન કમિટી દ્વારા ખાનગી સ્કૂલમાં ફી વધારાને રોકવાના સરકારના નિર્ણય સામે હાઈકોર્ટમાં ગયેલા અમદાવાદના ખાનગી શાળાના સંચાલક અને આગેવાન અર્ચિત ભટ્ટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "શાળા દ્વારા કોઈની સાથે બળજબરી કરવામાં આવતી નથી અને એક્સ્ટ્રા ઍક્ટિવિટીના જે પૈસા શાળા માગી રહી છે એ 19-20ના સત્રના માગી રહી છે."

"16 માર્ચ સુધી શાળા ચાલુ હતી અને આમેય એપ્રિલમાં પરીક્ષા હોય અને જૂનમાં નવું સત્ર શરૂ થાય, તો ગયા વર્ષે એક્સ્ટ્રા ઍક્ટિવિટી કરાવી એની ફી માગી રહ્યા છીએ એમાં ખોટું શું છે?"

"જે લોકો સ્કૂલ છોડીને જવા માગતા હોય અને બીજી સ્કૂલમાં એડમિશન લેવાના હોય તો એમને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપતી વખતે જૂની ફી લેવામાં આવે તો ખોટું શું છે?"

"હા, જેમની આર્થિક નબળી સ્થિતિ છે એવા વિદ્યાર્થીઓના વાલીઓને અમે હપ્તે ફી ચૂકવવાની સવલત કરી આપી છે, પણ હવે સ્કૂલ શરૂ થશે અને અમારે શિક્ષકોના પગાર ચૂકવવાના હોય ત્યારે આર્થિક સધ્ધર લોકો પાસેથી ફી માગી છે."

તેઓ એમ પણ કહે છે કે ખાનગી શાળાના સંચાલકોને પરેશાન કરવા માટે આ પ્રયાસ થઈ રહ્યો છે.

સરકાર શું કહે છે?

આ અંગે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અમે વાલીઓની આર્થિક હાલત જાણીએ છીએ. ગુજરાતમાં 55,000 શાળાઓમાં સવા કરોડ બાળકો ભણે છે. કોરોનાને કારણે લૉકડાઉનની સ્થિતિને જોતા એમની આર્થિક હાલત પ્રમાણે સ્કૂલની ફી લેવાનું નક્કી થયું હતું.

"એમને હપ્તા વાર ફી ચૂકવવાનું પણ નક્કી થયું હતું. એટલું જ નહીં આ વર્ષે ફી નહીં વધારવાનું નક્કી થયું છે. આમ છતાં જો કોઈ શાળા દ્વારા વાલી કે વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવતા હશે તો સરકાર એમની સામે કડક પગલાં લેશે અને આની તપાસ કરવામાં આવશે, જેથી કોરોનાની મહામારી વચ્ચે કોઈ બાળકનું શિક્ષણ બગડે નહીં અને વાલીઓને પરેશાની ઊભી ના થાય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો