કોરોના વાઇરસ : ભારત લૉકડાઉન બાદની પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળશે?

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

"અમારી હાલત ખરાબ છે. હૉસ્પિટલમાં દર્દીઓ જ દર્દીઓ છે. કાલે જ્યારે સંક્રમણ ફેલાશે તો ન જાણે શું થશે..."

આ ચિંતા એ શખ્સની છે જે ગત બે મહિનાથી એક સ્વાસ્થ્યકર્મીના રૂપમાં કોરોના વાઇરસ સામે સંઘર્ષ કરી રહ્યા છે.

પરંતુ આ બધી ચિંતા વચ્ચે ભારત સરકારે જૂન મહિનાની પહેલી તારીખ એટલે કે સોમવારથી લૉકડાઉન દૂર કરવાનું શરૂ કરી દીધું છે.

આ મહિનાના પહેલા અઠવાડિયામાં રોડ પર અવરજવર સામાન્ય થયા બાદ બીજા અઠવાડિયાથી મંદિર-મસ્જિદ અને શૉપિંગ-મૉલ જેવી જગ્યાએ ભીડ જમા થવાની શક્યતા પ્રબળ છે.

તમે આ સમાચાર વાંચી રહ્યા છો ત્યાં સુધીમાં ભારતના ખૂણેખૂણેથી લોકો પોતાનાં ઘરોમાંથી નીકળીને કામકાજમાં જોતરાઈ ગયા છે.

વેપારી પોતાની દુકાનોમાં અઠવાડિયાંઓથી લાગેલી ધૂળને ઝાપટીને કામકાજ શરૂ કરી રહ્યા છે અને નોકરિયાત લોકો ઑફિસ જવાની તૈયારીમાં લાગી ગયા છે.

જોકે આ દરમિયાન લાખો પ્રવાસી મજૂરો-કામદારોએ પોતાના જીવનની સૌથી દુખદ યાતનાઓ વેઠી.

કોરોના વાઇરસે ધીમેધીમે એક-એક કરીને ભારતમાં લગભગ બે લાખ લોકોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે અને પાંચ હજારથી વધુ લોકોના જીવ લીધા છે.

ફ્લાઇટમાં આવેલો આ વાઇરસ હવે ભારતનાં ગામડાંમાં પહોંચ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે.

સતત બે મહિના સુધી કોરોના સામે જંગ લડ્યા બાદ કોરોના વૉરિયરો માનસિક અને શારીરિક રીતે થાક અનુભવી રહ્યા હોવાના સંકેત પણ મળી રહ્યા છે.

જોકે હજુ સુધી કોરોનાની પીક આવી નથી. અને કહેવાય છે કે આ પીક જુલાઈના અંતિમ અઠવાડિયામાં આવી શકે છે.

એવામાં સવાલ ઊઠે કે ભારતનાં શહેરોથી લઈને ગામડાં સુધી કોરોના સામે લડતું સરકારી અને ખાનગી સંસ્થાઓનું તંત્ર આગામી પડકારો માટે કેટલું તૈયાર છે.

કેવી સ્થિતિમાં છે ભારતનું પ્રશાસન?

વુહાનથી આવેલા ભારતીય વિદ્યાર્થીઓનું વિમાન ભારતમાં ઊતર્યા બાદ સ્વાસ્થ્ય મંત્રાલયથી લઈને જિલ્લાસ્તરની સંસ્થાઓ અભૂતપૂર્વ રીતે કામ કરી રહી છે.

છેલ્લા બે મહિનામાં એવી તમામ ખબરો આવી કે અધિકારીઓ અને સ્વાસ્થ્યકર્મીઓએ પોતાના જીવ જોખમમાં નાખીને કોરોના વાઇરસને રોકવા માટે દિવસરાત કામ કર્યું.

ઘણાં મહિલા અધિકારીઓએ બાળકને જન્મ આપ્યાં બાદ થોડા જ દિવસો બાદ કામ શરૂ કરી દીધું, તો કેટલાક અધિકારીઓએ પોતાના નવજાત બાળકને અઠવાડિયાં સુધી જોયાં વિના કામ કર્યું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભા બેઠક વારાણસીમાં કોરોના સામેના જંગમાં વૉરરૂમ સંભાળી રહેલા આઈએએસ અધિકારી ગૌરાંગ રાઠી એવા તમામ અધિકારીઓમાં સામેલ છે.

બીબીસી સાથે વાત કરતાં ગૌરાંગ કહે છે કે તેમની ટીમ આવનારા સમયમાં માટે કેટલી તૈયાર છે.

તેઓ કહે છે, "કોરોના વાઇરસ સામેના જંગમાં વૉરરૂમ શરૂ થયાને બે મહિના પૂરા થઈ ગયા છે. આ બે મહિનામાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત દરેક વિભાગના કર્મચારીઓએ કોરોના વાઇરસને રોકવામાં કોઈ કસર છોડી નથી. "

"ગત બે મહિનામાં એક પણ ક્ષણ એવી નથી આવી કે અમારા કર્મચારીઓએ એક ક્ષણ પણ આરામ કર્યો હોય, કેમ કે સતત નવા પડકારો સામે આવી રહ્યા છે. પહેલા શહેરને આ આફત માટે તૈયાર કરવાનું હતું, પછી લોકોને જાગરૂક કરવા અને પછી પ્રવાસી શ્રમિકો આવતાં નવા પડકારો આવ્યા. ઘણી વાર અમારે અમારા સાથીઓનું મનોબળ વધારવા માટે પણ કામ કરવું પડ્યું, કેમ કે આ ખૂબ જરૂરી હતું."

ગૌરાંગ રાઠીને પૂછવામાં આવ્યું કે લૉકડાઉન ખૂલવાથી નવા પડકારો માટે તેઓ કેટલા તૈયાર છે.

આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "એ વાત સાચી છે કે કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે અને એવામાં લૉકડાઉન ખોલવું થોડું પડકારજનક છે, પરંતુ અમે સામાન્ય લોકોમાં સાફસફાઈ સાથે જોડાયેલી સમજ વિકસિત કરી છે. આથી હવે લોકો પર આ જવાબદારી છે કે તેઓ બે મહિનાથી ચાલુ સાફસફાઈના નિયમોનું પાલન કરે, કેમ કે કોરોના વાઇરસ એક એવી ચીજ છે, જેની સામે હળીમળીને જીત મેળવી શકાય તેમ છે."

વારાણસી ભારતનાં એ તમામ શહેરો જેવું છે જ્યાં મંદિરો અને મસ્જિદોમાં ભારે ભીડ જમા થાય છે.

આથી દેશભરના જિલ્લાઓમાં પ્રશાસનિક અધિકારીઓ માટે આવનારા દિવસોમાં પડકારો હોવા સ્વાભાવિક છે.

ગત બે મહિનામાં દિલ્હી સહિત મુંબઈ અને ઘણી જગ્યાએ પોલીસકર્મીઓ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 25 પોલીસકર્મીઓનાં મૃત્યુ થયાં છે અને 2211 પોલીસકર્મીઓ આ વાઇરસથી સંક્રમિત થયા છે.

તાજેતરમાં એક પોલીસકર્મીનું મૃત્યુ કોવિડ-કૅર સેન્ટરમાંથી ડિસ્ચાર્જ થયાના કેટલાક કલાકો બાદ થયું.

તો દિલ્હીમાં અત્યાર સુધીમાં 445 પોલીસકર્મીઓ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. તેમજ ત્રણ પોલીસકર્મીનાં મૃત્યુ પણ થયાં છે.

કેવી સ્થિતિમાં છે સ્વાસ્થ્ય તંત્ર?

સ્વાસ્થ્ય તંત્રની વાત કરીએ તો દેશભરમાં સ્વાસ્થ્યકર્મીઓ કોરોના વાઇરસથી સંક્રમિત થવાની ખબરો આવી રહી છે.

દેશની સૌથી પ્રતિષ્ઠિત હૉસ્પિટલ એઇમ્સમાં કોરોના વાઇરસથી સંક્રમિત થનારા સ્વાસ્થ્યકર્મીઓની સંખ્યા 206 પર પહોંચી ગઈ છે.

દિલ્હીની અન્ય એક મોટી હૉસ્પિટલ એલએનજેપીના નિદેશક કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. આ દર્શાવે છે કે કેવી રીતે હૉસ્પિટલ એક-એક કરીને સંક્રમણનું હૉટસ્પૉટ બની રહી છે.

કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓના ઇલાજમાં રાતદિવસ ગુજારતા સ્વાસ્થ્યકર્મીઓ આવનારા દિવસોને લઈને ચિંતિત જોવા મળે છે.

એક મોટી હૉસ્પિટલમાં કામ કરતાં રાજકુમાર (બદલેલ નામ છે) કહે છે કે હૉસ્પિટલોની હાલત ખરાબ છે.

તેઓ કહે છે, "કોઈ કંઈ પણ કહી શકે છે, ગમે તેટલા મોટા દાવા કરી શકે છે. પણ અમને સ્વાસ્થ્યકર્મીઓને પૂછો તો ખબર પડે કે હૉસ્પિટલની અંદર શું હાલ છે. જો તમે એમ કહો કે મારી વાત મારા નામ સાથે જશે તો હું પણ કહીશ કે બધું બરાબર છે. પરંતુ સાચું કહું તો અમે બધું જ ટ્રાય કરી રહ્યા છીએ, આ કંઈક રીતે અંધારામાં તીર છોડવા જેવું છે. સરકાર ક્યારેક એમ કહે છે કે આ ગાઇડલાઇન ફૉલો કરો ને ક્યારેક કંઈક બીજું."

"તમે એમ પૂછતાં હતા કે કેટલી પથારી ઉપલબ્ધ છે તો સ્થિતિ એવી છે કે પથારી મેળવવા માટે ગાઇડલાઇન બદલાઈ રહી છે. અગાઉ 14 દિવસનું ક્વોરૅન્ટીન હતું. ત્રણ ટેસ્ટ થતા હતા. છેલ્લો ટેસ્ટ નૅગેટિવ આવે તો દર્દીઓને ઘરે જવા દેવાતા હતા. હવે પહેલા ટેસ્ટ પછી દર્દીમાં કોઈ લક્ષણ ન દેખાય તો તેને ઘરે મોકલી દેવાય છે."

"આ રીતે કેમ ચાલે, જો તેમાંથી કોઈ વ્યક્તિ પોતાના ઘરે પહોંચીને સંક્રમણ ફેલાવી દે તો શું કરીશું? કોઈ આ સવાલનો જવાબ નથી આપતું. આ કારણે સરકારે પ્રેસ-કૉન્ફરન્સ કરવી બંધ કરી દીધી છે."

તેઓ કહે છે, "હૉસ્પિટલોની અંદર પ્રશાસક પોતાનો ગુસ્સો ડૉક્ટરો પર કાઢે છે, ડૉક્ટરો નર્સિંગ સ્ટાફ પર અને નર્સિંગ સ્ટાફ તેમની નીચેના વ્યક્તિ પર ગુસ્સો કાઢે છે, કેમ કે બે મહિનાથી સતત કામ કરવાને કારણે લોકો માનસિક અને શારીરિક રીતે થાકી ગયા છે."

"કોઈને કદાચ એ વાતનો અંદાજ નહીં હોય કે પીપીઈ સૂટમાં કામ કરવું કેટલું મુશ્કેલ છે. તમે આમાં છ કલાકથી વધુ સમય સુધી પાણી પીધા કે ખાધા વિના કામ કરો છે. વધતી ગરમીમાં કામ કરવું મુશ્કેલ થઈ જાય છે, કેમ કે તમે પાણી પીવો કે નહીં. ગરમીને કારણે તમે પીપીઈ કિટમાં પરસેવાથી નહાતા રહો છો. ગત બે મહિનામાં ઘણા લોકોનું વજન ઊતરી ગયું છે."

"હવે લૉકડાઉન ખૂલી રહ્યું છે એ દેશ માટે સારું પણ છે, પરંતુ હૉસ્પિટલોની હાલત આવનારા દિવસોમાં કેવી થશે એ અમે જાણતા નથી."

લૉકડાઉન ખૂલતાં પહેલાં જ મુંબઈની હૉસ્પિટલોમાં વ્યવસ્થા ખોરવાતી નજરે ચડે છે.

હાલમાં આવેલા મીડિયા રિપોર્ટથી જાણવા મળ્યું છે કે મુંબઈની હૉસ્પિટલોની હાલત કેટલી ખરાબ છે.

બ્લૂમબર્ગમાં પ્રકાશિત એક રિપોર્ટ મુંબઈની હૉસ્પિટલોની હાલતને વિસ્તારથી દર્શાવે છે.

આ રિપોર્ટમાં એ વીડિયોનો પણ ઉલ્લેખ છે, જેમાં મુંબઈની લોકનાયક હૉસ્પિટલના વૉર્ડમાં જીવતાં કોવિડના દર્દીઓની સાથે પથારીઓ પર મૃતદેહ રાખેલો દર્શાવાયો છે.

આ મામલો સામે આવતા હૉસ્પિટલના ડીનને બદલી દેવાયા છે.

તેમજ કિંગ ઍડવર્ડ સ્મારક હૉસ્પિટલની ગૅલરીમાં મૃતદેહો પડ્યા હોવાની તસવીરો સામે આવી હતી.

નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારની સ્થિતિ ખરાબ

પ્રવાસી મજૂરો ગામમાં પહોંચ્યા બાદ એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ વાઇરસ ગ્રામીણ વિસ્તાર સુધી પણ પહોંચી ગયો છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ કહી ચૂક્યા છે કે મુંબઈથી પરત ફરેલા 75 ટકા શ્રમિકો અને દિલ્હીથી આવેલા 50 ટકા શ્રમિકો કોરોના વાઇરસથી સંક્રમિત છે.

ઉત્તર પ્રદેશ સરકાર અનુસાર, કમસે કમ 25 લાખ શ્રમિકો અન્ય રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ પાછા ફર્યા છે.

આ સાથે જ ઘણા પ્રવાસી મજૂરો પગપાળા પોતાનાં ગામોમાં પહોંચી ચૂક્યા છે.

આથી જો ગામડાંમાં કોરોના વાઇરસ ફેલાય તો સરકાર સામે નવા પડકારો ઊભા થઈ શકે છે.

ઉત્તર પ્રદેશની જેમ બિહારમાં પણ લાખો પ્રવાસી શ્રમિકો-કામદારો પોતપોતાના વિસ્તારમાંથી નીકળીને ગામ પહોંચ્યા છે.

બીબીસી માટે નીરજ પ્રિયદર્શી સાથે વાત કરતાં બિહારની કોરોના હૉસ્પિટલ (NMCH)ના એક જુનિયર ડૉક્ટરે નામ ન છાપવાની શરતે કહ્યું, "હવે પહેલાં જેવી મુશ્કેલીઓ નથી. પીપીઈ કિટ અને તમામ ચીજો ઉપલબ્ધ છે. પણ કેટલાક દિવસોથી સંક્રમિતોની સંખ્યા વધીને 3200ને પાર કરી ગઈ છે, હવે નવી સમસ્યાઓ આવવાની છે."

કોરોના હૉસ્પિટલના ડૉક્ટર કહે છે, "પરંતુ અમે અમારી જાતને મનાવી લીધી છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે, અમે ફરજ બજાવીશું. સાચું કહું તો જીવન અને પરિવાર માટે અમે લાચાર બની ગયા છે."

બિહારમાં અત્યાર સુધીમાં કોવિડ-19થી 15 લોકોનાં મૃત્યુ થયાં છે. આ સંક્રમણને લીધે રાજ્યમાં પહેલું મૃત્યુ એઇમ્સ (પટના)માં થયું હતું.

એઇમ્સ પટનાના નિદેશક કહે છે, "શરૂમાં અમે બધા ડરેલા હતા. બીમારી અંગે કંઈ ખબર નહોતી, પણ હવે બધું ખબર છે. હવે દબાણ બહુ ઓછું થઈ ગયું છે, કેમ કોરોના વાઇરસની સારવાર માટે અલગથી હૉસ્પિટલ પસંદ કરી છે."

અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે બિહારની વસતી લગભગ 12 કરોડ છે, પરંતુ હજુ પણ તપાસની ગતિ પ્રતિદિન 10,000 સુધી પણ પહોંચી શકી નથી.

તો અન્ય એક રાજ્ય મધ્ય પ્રદેશની વાત કરીએ તો ત્યાં લૉકડાઉન દરમિયાન પણ સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે.

મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં 7891 લોકો સંક્રમિત છે અને અત્યાર સુધીમાં 343 લોકોનાં મૃત્યુ થયાં છે.

કોરોના વાઇરસના હૉટસ્પૉટ જેવા મહારાષ્ટ્ર વગેરેથી પોતાનાં ગામોમાં પાછા ફરતા લોકોથી અન્ય લોકોમાં વાઇરસ ફેલાવાનો ડર દક્ષિણ ભારત સુધી પહોંચી ગયો છે.

વરિષ્ઠ પત્રકાર ઇમરાન કુરેશી જણાવે છે કે સામાન્ય લોકોમાં કોરોના વાઇરસ ફેલાયાની ખબર આવતાં દક્ષિણ ભારતમાં ડૉક્ટરો અને નીતિનિર્માતા પરેશાન છે.

દક્ષિણ ભારતની સ્થિતિ

કર્ણાટકમાં એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે પહેલાં લોકો વિદેશથી સંક્રમિત થઈને આવતા હતા ત્યારે જુદી વાત હતી, પરંતુ હવે લૉકડાઉન ખૂલતાં લોકો વાઇરસ લઈને પોતાના ઘરે જઈ રહ્યા છે.

આ અધિકારી કહે છે, "હવે એ શક્ય નથી કે આ લોકો કઈ રીતે સંક્રમિત થયા. અમે એ સમયથી ટ્રેસ કરી કરી રહ્યા છીએ જ્યારે તેઓ રાજ્યમાં આવ્યા હતા."

કર્ણાટકના મંડ્યામાં ચિંતાજનક સ્થિતિ છે, કેમ કે "મંડ્યામાં આવનારા લોકોમાં મોટા ભાગના ધારાવી કે તેની આસપાસથી આવ્યા છે. એટલે સંક્રમણનો સ્રોત શોધવો અશક્ય છે."

તામિલનાડુમાં પણ એવું જ થયું. ઇરોડમાં એક ડ્રાઇવર કોરોના વાઇરસથી સંક્રમિત થયો હતો. જ્યારે એ શોધવાની કોશિશ કરાઈ કે તે ક્યાંથી સંક્રમિત થયો હતો તો ખબર પડી કે તેને દક્ષિણ ભારતની સૌથી મોટી શાકભાજી મંડીમાં એક વાણંદની દુકાનેથી ચેપ લાગ્યો હતો.

આ વાણંદની દુકાન લૉકડાઉનના પહેલા તબક્કામાં ચોરીછૂપીથી ચાલતી હતી. આથી કોઈને ખબર નથી કે ત્યાંથી કેટલા લોકો સંક્રમિત થયા છે.

ક્યારે આવશે સંક્રમણની સૌથી ઊંચી સ્થિતિ?

એઇમ્સના નિદેશક રણદીપ ગુલેરિયા સહિત ઘણા વિશેષજ્ઞોએ કહ્યું છે કે ભારતમાં હજુ સુધી કોરોના વાઇરસની પીક આવી નથી.

તેમજ વિશેષજ્ઞો એ વાતને લઈને અનુમાન કરવામાં અસમર્થ છે કે પીક આવતાં કેટલા લોકો સંક્રમિત થશે.

જોકે એ ચોક્કસ કહેવાઈ રહ્યું છે કે આ સમય જૂન કે જુલાઈમાં આવી શકે છે.

પરંતુ આ બધી ચેતવણી વચ્ચે ભારતમાં લૉકડાઉન ખૂલતું દેખાઈ રહ્યું છે.

અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા બે લાખની નજીક પહોંચતી દેખાઈ રહી છે.

તેમાંથી પાંચ હજારથી વધુ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. એ રીતે ભારતમાં કોરોના વાઇરસથી મૃત્યુદર લગભગ અઢી ટકા છે.

હાલમાં કોઈ અધિકારી કે વિશ્લેષક એ બતાવવાનું જોખમ નથી ઉઠાવી શકતા કે આવનારા દિવસોમાં વાઇરસથી કેટલા લોકોનાં મૃત્યુ થશે, કેમ કે હાલમાં કોઈ પ્રકારની રસી બનતી જોવા મળતી નથી.

આથી ખૂલતાં ભારતની સામે ખુદને કોરોના વાઇરસથી બચાવવા માટે માત્ર એક વિકલ્પ નજરે આવે છે.

અને એ વિકલ્પનું નામ છે - 'બચાવ'.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો