You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૉકડાઉન : શ્રમિક ભાઈઓ અધીરા થઈ ગયા હતા - કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના કૃષિ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ ખાતાના મંત્રી નરેન્દ્રસિંહ તોમરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું છે કે લૉકડાઉન દરમિયાન પગપાળા અથવા સાઇકલ પર પોતાનાં ઘરે જવા માટે નીકળેલા કામદારો અધીરા થઈ ગયા હતા.
નરેન્દ્ર તોમરનું માનવું છે કે પ્રવાસી મજૂરોએ રાહ જોવાની જરૂર હતી.
જ્યારે એમને પૂછવામાં આવ્યું કે પ્રથમ તબક્કાનું લૉકડાઉન કરતી વખતે પ્રવાસી મજૂરોના સંકટ અંગે અંદાજ આવી જવો જોઈતો હતો, તો શું આ અંગે ચર્ચા થઈ હતી?
આ અંગે તેમણે જવાબ આપતાં કહ્યું, "સરકારને હંમેશાંથી ખ્યાલ હતો અને સરકારને પૂરતી જાણ છે કે આર્થિક પરિસ્થિતિઓ માટે લોકો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જાય છે."
"સ્વાભાવિક છે કે લૉકડાઉન જેવી સ્થિતિમાં લોકો અસુરક્ષા અનુભવે અને પોતાનાં ઘરે જવા ઇચ્છે અને એવું જ થયું."
જે સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં અને જે હાલાંકીઓ વેઠવી પડી, શું તે એ વાતનું પ્રમાણ નથી કે યોજના બનાવવામાં અને તેના અમલીકરણમાં ખામી રહી ગઈ?
બીબીસીએ માહિતી એકઠી કરી છે અને એ પ્રમાણે 26 મે 2020 સુધીમાં ઘરે જવાના પ્રયાસમાં 224 પ્રવાસી મજૂરોનાં મૃત્યુ થયાં છે.
'શ્રમિક ભાઈઓ અધીરા થઈ ગયા હતા'
"મુશ્કેલ વખતમાં તમામ હાલાંકીઓ વેઠવાની થાય છે. જોકે આમ છતાં લોકોએ પૂરો સહયોગ આપ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સ્વાસ્થ્ય અંગેનાં અને લૉકડાઉનનાં દિશાનિર્દેશો પાલન થયું. કમનસીબે પગપાળા જઈ રહેલા અને રેલવેટ્રૅક પર ચાલીને જઈ રહેલા લોકોનાં મૃત્યુ થયાં."
"જોકે આપણે એ પણ જોવાનું રહ્યું કે દરેક વ્યક્તિ ઝડપથી ઘરે જવા માગતી હતી. એક જ સ્થળે જનારી ટ્રેન ઉપલબ્ધ હતી પણ દસ સ્થળોએ જનારા લોકો એકઠા થઈ ગયા હતા."
"આ સ્થિતિમાં જ્યાં સુધી આગામી ટ્રેન ન આવે, ત્યાં સુધી લોકોએ રાહ જોવી પડે."
"તો એવામાં આપણા મજૂર ભાઈઓ અધીરા થઈ ગયા હતા અને રાહ જોયા વગર સાઇકલો પર અને પગપાળા ચાલી નીકળ્યા."
"હાડમારી સૌએ વેઠવી પડી, એ લોકોએ પણ જેઓ પોતાનાં ઘરોમાં હતા."
પ્રવાસી મજૂરોની સ્થિતિ પર ટિપ્પણી કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે "આટલા મોટા સંકટના વખતમાં ચોક્કસપણે કોઈ એવો દાવો ન કરી શકે કે કોઈને કોઈ જ તકલીફ થઈ નથી."
"શ્રમિક, પ્રવાસી મજૂર ભાઈ-બહેન, નાનાં-નાનાં ઉદ્યોગોમાં કામ કરતાં કારીગરો વગેરે લોકોએ અસીમ કષ્ટ વેઠ્યું છે. એમની તકલીફો દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."
રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન
28 મેના રોજ ભારતની સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારને કહ્યું કે અત્યાર સુધી એક કરોડ કામદારોને પોતાના ઘરે પહોંચાડી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી તમામને ઘરે પહોંચાડી દેવામાં આવશે નહીં ત્યાં સુધી પ્રયાસો રોકવામાં આવશે નહીં.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મજૂરોનું રજીસ્ટ્રેશન, વાહનવ્યવહાર અને અને તેમને રહેવા માટે કરવામાં આવેલી વ્યવસ્થામાં લાપરવાહી થઈ છે.
રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાતના કેટલાક દિવસો બાદ જ અનેક જગ્યાએ મજૂરો અને પ્રવાસી શ્રમિકોની ભીડ એકઠી થઈ હતી. અનેક જગ્યાએ પોલીસે ભીડને વિખેરવી પડી હતી અને અનેક જગ્યાએ લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પ્રવાસી શ્રમિકોની ભીડ એકઠી થવાનું કારણ સરકારી આદેશ હતા.
શ્રમિકોનું પલાયન
ઉદાહરણ તરીકે 28 માર્ચના સમાચાર એજન્સી પીટીઆઈએ સમાચાર આપ્યા હતા કે ઉત્તર પ્રદેશ સરકારે એક હજાર બસો દિલ્હી સરહદ પર મજૂરોને લેવા માટે મોકલી છે. એ આદેશ બાદ હજારો લોકો બસ સ્ટેશન પર એકઠા થઈ ગયા પરંતુ તેમને બસ મળી શકી નહીં. આ અંગેનો અહેવાલ બીબીસીમાં પણ પ્રકાશિત થયો હતો.
એ ત્યારે થયું જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો એ વાત પર જોર આપી રહી હતી કે શ્રમિકો જ્યાં છે ત્યાં જ રહે.
31 માર્ચના રોજ કેન્દ્ર સરકારે એલાન કર્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 21,064 રાહત કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. જેમાં 6 લાખથી વધારે શ્રમિકો આશ્રય લઈ રહ્યા છે અને 23 લાખ શ્રમિકોને ભોજન આપવામાં આવ્યું છે.
સરકારે કહ્યું કે પ્રવાસિઓનું પલાયન થયું એ નિયંત્રણમાં હતું.
જ્યારે નરેન્દ્ર સિંહ તોમરને પૂછવામાં આવ્યું કે સરકારે મજૂરોના ખાતામાં સીધા પૈસા કેમ ના નાખ્યા અને તબક્કાવાર શટડાઉન કેમ ના કર્યું, જેનાથી શ્રમિકોનું પલાયન રોકી શકાયું હોત.
તેમણે જવાબમાં કહ્યું, "સરકાર કંઈક કરશે તેવી આશા રાખવી સ્વાભાવિક છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો જે કરી શકતી હતી તે કર્યું છે."
તમામ દાવા છતાં પણ
રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થવા પર મીડિયામાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો કે કેન્દ્ર સરકારે કૅમ્પમાં રહેલા મજૂરોનું ધ્યાન રાખવા માટે રાજ્ય સરકારોને 11 હજાર કરોડ રૂપિયા આપ્યા છે.
બીબીસીને એવા ઘણા મજૂરો મળ્યા જે સરકારના તમામ દાવા છતાં પણ પગપાળા પોતાના ઘરે જઈ રહ્યા હતા. તેમાંથી ઘણાએ અમને જણાવ્યું કે કાં તો તેને ઓછું રાશન મળ્યું છે અથવા કંઈ જ મળ્યું ન હતું.
તેમણે ભોજન માટે લાંબી લાઇનોમાં ઊભું રહેવું પડતું હતું. તડકામાં કલાકો ઊભા રહ્યા બાદ એક ટાઇમનું ભોજન મળતું હતું.
મજૂરોનું કહેવું હતું કે આવા મુશ્કેલ સમયે તેઓ તેમના પરિવાર સાથે રહેવા માગતા હતા.
રાહત પૅકેજથી મદદ
બીબીસી સાથે વાત કરનાર અનેક પ્રવાસી મજૂરોનું કહેવું હતું કે સરકાર તરફથી પહેલાં લૉકડાઉન દરમિયાન જાહેર કરાયેલા રાહત પૅકેજથી મદદ મળી રહી નથી. નિષ્ણાતોએ સલાહ આપી હતી કે મજૂરોને રોકડ સહાય કરવી જોઈએ.
'યોગ્ય સમય આવશે ત્યારે કૅશ-ટ્રાન્સફરનો નિર્ણય લેવામાં આવશે.'
26 માર્ચે ભારત સરકારે વીસ કરોડ મહિલાઓનાં જન ધન ખાતાઓમાં ત્રણ મહિના સુધી દર મહિને પાંચસો રૂપિયા મોકલવાની જાહેરાત કરી હતી.
આ ત્રણ મહિના જૂન મહિનામાં પૂર્ણ થઈ રહ્યા છે.
શું આ યોજનાને આગળ વધારાશે?
તોમરે કહ્યું, "અમે 26 માર્ચે કરેલી જાહેરાત અનેક જાહેરોતોનું સંકલન હતી. જ્યારે લોકોને ટીકા કરવી હોય છે ત્યારે તે અનેક બિંદુઓને પકડી લેતા હોય છે. વધારે પૈસા માગી શકે પણ જ્યાં તેમની સરકાર છે ત્યાં તેઓ કંઈ આપતા નથી."
"કૉંગ્રેસ એ રાજ્યોમાં શું કરી રહી છે જ્યાં તેમની સરકાર છે? હવે ત્રીજો હપતો જઈ રહ્યો છે. આર્થિક પ્રવૃતિ શરૂ થઈ રહી છે, આપણે કોરોના વાઇરસની બીમારીમાંથી બહાર નીકળી રહ્યા છીએ, એવામાં સરકાર યોગ્ય સમયે પરિસ્થિતિ જોઈને નિર્ણય કરશે."
ગ્રામીણ ભારતમાં મહામારી
16 એપ્રિલે ભારત સરકાર મુજબ દેશના 325 જિલ્લા એવા હતા જ્યાં કોરોના વાઇરસનો એક પણ કેસ ન હતો.
હવે માત્ર 168 જિલ્લા એવા છે જ્યાં કોરોના વાઇરસનું સંક્રમણ પહોંચ્યું નથી.
અમે કેન્દ્ર સરકારના મંત્રીને પૂછ્યું કે ગ્રામીણ ભારતમાં સ્થિતિ કેટલી ગંભીર છે અને સરકારની યોજના શું છે?
તેમણે કહ્યું, "હા, એ સાચું છે કે કોરોના વાઇરસથી મુક્ત જિલ્લાઓની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ જ્યારે બધું ખૂલશે તો સંક્રમણના કેસો પણ વધશે. આમાં ચોકવું ન જોઈએ. અમે આરોગ્યસેવાઓની ક્ષમતા પણ વધારી છે."
મુંબઈ જેવા શહેરી વિસ્તારો સંઘર્ષ કરી રહ્યા હોય, એવા વખતમાં શું ગ્રામીણ ભારત કોરોના મહામારી સામે લડાઈ જીતી શકશે? એ પણ ઓછાં સ્વાસ્થ્યસંસાધનો સાથે?
તોમર કહે છે, "દરેક ગામમાં જરૂરી સ્વાસ્થય સેવાઓ આપવી સંભવ નથી. પરંતુ જિલ્લા સ્તરે અમારી પાસે ડૉક્ટર છે. પેરામેડિકલ સ્ટાફ છે અને જાણકારીનો પ્રવાહ છે."
"એવામાં ગામોમાં કેસ રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. એવું કોઈ ગામ નથી જેના પંદર કિલોમિટરના વિસ્તારમાં પ્રાથમિક આરોગ્યકેન્દ્ર ન હોય. જિલ્લા હૉસ્પિટલમાં પર્યાપ્ત સુવિધાઓ અને સંસાધન છે. જરૂરિયાત વધશે તો ક્ષમતા વધારી લેવાશે. સરકારે પૂરી તૈયારી કરી છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો.
શું કોરોના મહામારીને જોતાં હવે આ પણ સરકારની પ્રાથમિકતા છે?
આ અંગે મંત્રીએ કહ્યું, "અમને થોડો સમય લાગી શકે છે પરંતુ આ કામ યોગ્ય અંજામ સુધી પહોંચશે. જે સમયે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવામાં આવશે અને અમે પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં લાગી જઈશું."
'તીડનો હુમલાઓ ગંભીર થશે'
તીડના ઝુંડે અનેક હુમલાઓ કર્યા છે. કેન્દ્રીય કૃષિમંત્રીએ કહ્યું કે સરકાર આ સંકટ સામે લડવાની કેવી તૈયારી કરી રહી છે.
તાજેતરમાં ગુજરાત સહિત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, જેવાં રાજ્યોનાં ગામો અને શહેરોમાં તીડના અનેક થયા છે.
તોમરનું કહેવું છે કે સરકાર વધારે ગંભીર હુમલાઓ સામે લડવા તૈયાર છે.
તેઓ કહે છે, "કેન્દ્ર સરકારની પચાસ ટીમો હાલ કામ કરી રહી છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાત પ્રભાવિત વિસ્તાર છે."
"અમે બ્રિટનથી દવાના છંટકાવ માટે 60 મશીનો મંગાવ્યાં છે પરંતુ લૉકડાઉનના કારણે પહોંચવામાં વાર લાગી રહી છે. છંટકાવ માટે ડ્રૉન, વિમાન અને હૅલિકૉપ્ટરોનો ઉપયોગ કરવામાં આવશે. આ સંકટ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કુલ કેટલો વિસ્તાર પ્રભાવિત છે તો તેમણે કહ્યું, "અમે ચાર લાખ એકર વિસ્તારમાં તીડને રોકવાનો પ્રયત્ન કર્યો છે."
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો