કોરોના વાઇરસ : જાપાને લૉકડાઉન વિના મહામારીને કેવી રીતે હરાવી?

    • લેેખક, બ્રિજેશ મિશ્ર
    • પદ, બીબીસી સંવાદદાતા

દુનિયાભરમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસ જેમજેમ વધ્યા તેમતેમ મોટા ભાગના દેશોએ લૉકડાઉન અને વધુ ટેસ્ટિંગ પર ભાર આપ્યો છે. તેમ છતાં ઘણા દેશોમાં સંક્રમણના કેસ ઓછા થતા નથી.

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કુલ અંદાજે 1.75 લાખ કેસ છે અને અત્યાર સુધીમાં અંદાજે પાંચ હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતમાં 24 માર્ચથી લૉકડાઉન છે, પરંતુ જેવી લૉકડાઉનમાં છૂટ અપાઈ કે સંક્રમણના કેસ ઝડપથી વધવા લાગ્યા.

સંક્રમણના કેસ વધતાં લોકો સરકારની ટીકા પણ કરી રહ્યા છે કે સંક્રમણ વધી રહ્યું છે તો લૉકડાઉનમાં છૂટ કેમ અપાઈ રહી છે.

અમેરિકા, રશિયા, બ્રિટન, ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ પણ કોરોના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન કર્યું. જોકે ટીકાઓ અને અનેક સવાલો છતાં જાપાને સંપૂર્ણ લૉકડાઉન લાગુ નથી કર્યું.

અહીં કટોકટી લાગુ હતી, પરંતુ આ દરમિયાન લોકોને ઘરમાંથી બહાર નીકળવા અને કામ કરવાની છૂટ હતી.

દુનિયાના અન્ય દેશોની જેમ જાપાનની સરકાર પાસે સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાનો કાનૂની અધિકાર નથી.

જોકે સ્થાનિક ગવર્નર કારોબાર બંધ રાખવાની અને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી શકે છે, પણ તેનું પાલન ન કરવા પર કોઈ સજા કે દંડની જોગવાઈ નથી.

જોકે આંકડા પર નજર કરીએ તો ખબર પડે કે સંક્રમણની અસરને જોતા લોકોની અવરજવર થોડી ઓછી થઈ છે.

સંક્રમણથી બચવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને તમામ દેશોએ વધુમાં વધુ ટેસ્ટ પર ભાર આપ્યો છો, તો જાપાને માત્ર એ લોકોના ટેસ્ટ કર્યા જેમનામાં ગંભીર લક્ષણો હોય. જાપાને કુલ વસતીમાંથી માત્ર 0.2 ટકા ટેસ્ટ કર્યા છે.

જાપાનમાં ઓછા થયેલા ટેસ્ટ પર પણ સવાલ થયા છે, પરંતુ વડા પ્રધાન શિન્ઝો આબેનું કહેવું છે કે કૉન્ટ્રેક્ટ ટ્રેસિંગની તેમની રણનીતિ મોટા ભાગના વિસ્તારોમાં કારગત નીવડી છે, જેનાથી તેઓ સંક્રમણને રોકવામાં સફળ રહ્યા.

'જાપાન મૉડલ' કેટલું કારગત?

જે સમયે દુનિયામાં સંક્રમણ ફેલાવાની શરૂઆત થઈ હતી ત્યારે ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ શિપમાં ફેલાયેલા સંક્રમણને રોકવામાં ઢીલ દાખવવાને લઈને જાપાનની ટીકા થઈ હતી.

ઘણા વિશેષજ્ઞોએ જાપાનની સ્વાસ્થ્ય સિસ્ટમ ફેલ થવાની આશંકા વ્યક્ત કરી હતી અને અનુમાન લગાવ્યું હતું કે અહીં સંક્રમણને લીધે લાખો લોકોના જીવ જઈ શકે છે. પરંતુ સરકારે પોતાની રણનીતિ પ્રમાણે કામ કર્યું અને કોરોનાથી જીતની જાહેરાત કરાઈ.

વડા પ્રધાન શિંજો આબેએ અંદાજે દોઢ મહિનાથી ચાલતી કટોકટીને ખતમ કરવાની જાહેરાત કરી છે.

કટોકટી ખતમ કર્યાની જાહેરાત બાદ વડા પ્રધાન આબેએ કહ્યું, "જાપાને પોતાની ખાસ રીત અપનાવીને સંક્રમણની લહેરને લગભગ પૂરી રીતે હરાવી દીધી છે."

તેઓએ કહ્યું કે આ વૈશ્વિક મહામારીને નાથવા માટે 'જાપાન મૉડલ' ઘણું કારગત સાબિત થયું છે.

તો હવે સવાલ એ થાય કે જાપાન મૉડલમાં એવું તો શું છે જેણે કોરોના સંક્રમણ પર આટલી ઝડપી જીત મેળવી લીધી. અને આ મહામારીને મોટા પાયે ફેલાવવા ન દીધી, કેમ કે અમેરિકા કે રશિયા જેવા દેશોની તો હાલત ખરાબ થઈ ગઈ છે.

સ્વાસ્થ્ય રેન્કિંગમાં જાપાન બીજા સ્થાને છે. અહીંની ઓછામાં ઓછી 26 ટકા વસતીની ઉંમર 65 વર્ષથી ઉપર છે. એટલે કે તેમને કોવિડ-19ના સંક્રમણનો ખતરો વધુ છે.

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં અહીં સંક્રમણના કુલ 16716 કેસ છે અને 888 લોકોનાં મૃત્યુ થયાં છે.

જોકે અહીં મોટા પાયે ટેસ્ટિંગ થયું નથી, પરંતુ સ્વાસ્થ્ય સેવાઓ એટલી સારી અને સસ્તી છે કે થોડી તકલીફ થતાં જ લોકો ડૉક્ટર પાસે જાય છે, ગંભીર તકલીફ થવાની રાહ જોતા નથી.

ન્યુમોનિયાથી બચાવ

એશિયા ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, જાપાનમાં ન્યુમોનિયાને કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે. વર્ષ 2014થી 65 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોને ન્યુમોનિયાની રસી મફતમાં આપવાની શરૂઆત કરાઈ છે. જોકે આ ન્યુમોનિયાના એક ચોક્કસ પ્રકાર માટે હતી અને તેને ફરજિયાત નથી કરાઈ.

આ રસીકરણ બાદ વર્ષ 2017થી ન્યુમોનિયાથી થનારાં મૃત્યુમાં ઘણો ઘટાડો થયો છે.

વર્ષ 2018માં ન્યુમોનિયા જાપાનમાં મૃત્યુનાં કારણોની સૂચિમાં ત્રીજા સ્થાનેથી પાંચમાં સ્થાને આવી ગયો. તેનું કારણ નવી દવાઓ અને તપાસની સુવિધાને માનવામાં આવે છે.

કોરોના સંક્રમણનાં લક્ષણોમાં ન્યુમોનિયા પણ છે અને તેને કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ન્યુમોનિયાની સારી સારવાર થતાં જાપાન તેને નાથવાની સ્થિતિમાં છે.

બીબીસી ટ્રાવેલના એક રિપોર્ટમાં ટોક્યોનાં ડૉક્ટર મીકા વાશિયો કહે છે, "સિટી સ્કેનથી ન્યુમોનિયાની શરૂઆતની ખબર પડી શકે છે, પછી તરત તેની સારવાર શરૂ થઈ જાય છે." તેને કારણે જાપાનમાં ગંભીર કેસ ઓછા થયા.

સામુદાયિક સંક્રમણની તપાસ કરીને અને પછી તેને રોકીને વાઇરસના પ્રસારને સીમિત રાખવા પર કામ કરાયું.

સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક જાપાની સંસ્કૃતિને કારણે પણ કોવિડ-19ની અસરને ઓછી કરાઈ શકી.

વાશિયો કહે છે, "ઘણા લોકો પહેલેથી માસ્ક પહેરતા હતા, ખાસ કરીને શિયાળામાં. આથી વાઇરસ બહુ ફેલાયો નહીં."

જાપાન અંદાજે 60 ટકા લોકો દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવે છે અને તંદુરસ્ત રહેવાની કોશિશ કરે છે.

તેનો મતબલ એ નથી કે આગળ પડકારો નથી. કોવિડ-19ના ઘણા દર્દીઓ હૉસ્પિટલમાં હોવા જોઈએ, પરંતુ જાપાન ગંભીર કેસ માટે જ હૉસ્પિટલમાં બેડ બચાવીને રાખી રહ્યું છે.

સાંસ્કૃતિક કારણ

અમેરિકા, ફ્રાન્સ અને ઇટાલીની અહીં લોકો મળવા માટે કે સ્વાગત માટે બહુ નજીક આવતા નથી. અહીં લોકો સ્વાસ્થ્ય અને સાફસફાઈ પ્રત્યે ઘણા જાગૃત છે.

જાપાનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સામાન્ય જિંદગીનો ભાગ છે, ખાસ કરીને ઠંડી ઋતુમાં. તેને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવો અને અન્ય નિયમોનું પાલન મુશ્કેલ નથી.

ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ શિપમાં કોરોના સંક્રમણને રોકતી વખતે જ જાપાનને આ મહામારીની ભયાવહ સ્થિતિનો અંદાજ આવી ગયો હતો અને તેણે ત્યાંથી પગલાં લેવાની શરૂઆત કરી.

બિઝનેસ ઇનસાઇડરના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જાપાનમાં કૉન્ટેક્ટ ટ્રેસિંગ નેટવર્ક જાન્યુઆરીથી સક્રિય હતું અને અહીંના શોધકર્તાઓએ એવી શક્યતા વ્યક્ત કરી હતી કે યુરોપ કરતાં એશિયામાં વાઇરસનો પ્રકોપ ઓછો હશે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની દખલ અને જનતાના સહિયારા પ્રયાસને કારણે અહીંની સ્થિતિ થોડી અલગ રહી.

જાપાનમાં લૉકડાઉન લાગુ કરવાની જગ્યાએ લોકોને અપીલ કરાઈ કે તેઓ એવી જગ્યાએ એકઠા ન થાય જ્યાં પૂરતું વૅન્ટિલેશન ન હોય, એટલે કે નાની જગ્યાએ મોટી સંખ્યામાં લોકોને એકઠા ન થવાની અપીલ, જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં જમા ન થવાની અપીલ અને અન્ય લોકોની નજીક ન જવાની અપીલ પણ કરાઈ.

ગત સોમવારે જાપાનના વડા પ્રધાને એક પત્રકારપરિષદમાં કહ્યું, "આપણે હવે નવી જીવનશૈલી અપનાવવી પડશે. આપણે વિચારસરણી બદલવાની જરૂર છે."

જોકે ઘણા વિશેષજ્ઞો જાપાનના આ પ્રયાસો પર સવાલ ઉઠાવે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ પ્રયત્નો એટલા કારગત નથી, કેમ કે અન્ય દુનિયામાં પણ લોકોએ આવી બાબતો અપનાવી છે, જોકે ત્યાં કેસ ઓછા થયા નથી. જાપાન પર આંકડા છુપાવવાનો પણ આરોપ લાગી રહ્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ડૉ. ટ્રેડ્રૉસ ગૅબ્રેયેસસે ગત સોમવારે કોરોના સંક્રમણને નાથવાના જાપાનના પ્રયાસોને 'સફળ' ગણાવ્યા.

જીનિવામાં થયેલી પત્રકારપરિષદમાં WHOના પ્રમુખે હાલના દિવસોમાં જાપાનના એ પ્રયાસોનાં વખાણ કર્યાં છે, જેને કારણે સંક્રમણના કેસ વધ્યા નથી.

જોકે તેઓએ જાપાનના લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અપનાવાની અને અન્ય સામાન્ય સાવધાનીઓ રાખવાની પણ અપીલ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો