You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૉકડાઉન વચ્ચે સરકારી ભરતી મામલે યુવાનોએ રૂપાણી સરકારનો વિરોધ કેમ કર્યો?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં કોરોના વાઇરસ અને લૉકડાઉનની વચ્ચે ટ્વિટર પર #ResumeGujRecruits ટ્રૅન્ડ કરી રહ્યું હતું.
કેટલાક બેરોજગારી યુવાનો ટ્વિટર પર #ResumeGujRecruits લખીને મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિતના લોકોને ટેગ કરીને નોકરી અને ભરતીપ્રક્રિયા માટે વાત કરી રહ્યા છે.
ગુજરાતમાં કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં શાળાઓમાં જાહેરાત અનુસાર શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવા માગ કરી છે.
તેઓએ ટ્વિટર પર આ પત્ર પણ શૅર કર્યો છે.
મનીષ દોશીએ ટ્વિટર પર લખ્યું- “ગુજરાતમાં યુવક-યુવતીઓ ટેટ-ટાટ પાસ થયાં હોવા છતાં લાંબા સમયથી શિક્ષક તરીકેની નોકરીથી વંચિત છે. જે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય માટે ચિંતાનો વિષય છે.”
તો ભાવિક રાજા નામના સામાજિક કાર્યકરે પણ આ મામલે ટ્વીટ કર્યું છે.
તેઓએ લખ્યું કે અમે આ આંદોલનને ટેકો આપીએ છીએ. શિક્ષકો શિક્ષણપ્રણાલિનો મૂળ આધાર છે.
ટ્વિટર પર આ ટ્રૅન્ડ બાદ બીબીસી ગુજરાતીએ ગુજરાતના બેરોજગાર શિક્ષિત યુવાનો સાથે વાત કરી હતી અને તેની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાયકાત મેળવી લીધી, હવે ભરતીની રાહ
સ્પર્ધાત્મક પરીક્ષા અને ખાસ કરીને શિક્ષણક્ષેત્રે નોકરી માટે તૈયાર કરતાં ઉમેદવારોએ કહ્યું કે તેઓ હાલ ભરતીની રાહ જોઈ રહ્યા છે.
વડોદરા જિલ્લાના 30 વર્ષીય રોહિત રતિલાલ પહેલા ધોરણથી લઈને પ્રોફેસર બની શકે ત્યાં સુધીની બધી જ લાયકાત ધરાવે છે.
તેઓએ પીટીસી, બીએ, બીએડ, એમએ, એમએડની ડિગ્રી મેળવી છે અને હાલમાં ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી કરે છે.
રોહિતે શિક્ષક બનવા માટેની ટેટ-ટાટ, સીબીએસસીની ટેટ સહિત પ્રોફેસર બનવા માટેની નેટ (બે વાર) અને સ્લેટ પણ પાસ કરી છે.
હાલ તેઓ સરકારી નોકરીની ભરતી માટેની રાહ જોઈ રહ્યા છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, “મેં ટાટ-ટેટ, નેટ, સ્લેટ એમ બધી જ પરીક્ષા પાસ કરેલી છે. પણ ભરતી ન હોવાને કારણે હાલ નોકરીની રાહ જોઈ રહ્યો છું.”
તેઓ કહે છે, “ડિસેમ્બર મહિનામાં 11-12 ધોરણમાં શિક્ષક માટેની પરીક્ષાની જાહેરાત આવી હતી. સરકારે કામચલાઉ મેરિટ બહાર પાડ્યું હતું. મેરિટના આધારે ડૉક્યુમૅન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું હતું. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે થોડા સમયમાં બીજું મેરિટ બહાર પાડવામાં આવશે. પછી તમને જિલ્લા પસંદગી માટે ગાંધીનગર બોલાવાશે.”
તેઓ વધુમાં કહે છે, “એક-બે દિવસમાં મેરિટ બહાર આવવાનું હતું, પણ એ સમયે એલઆરડીની પરીક્ષાના પરિપત્રનો વિવાદ સામે આવ્યો હતો. આથી સરકારે ઉમેદવારોને એવી હૈયાધારણા આપી હતી કે એલઆરડીનો વિવાદ પૂરો થાય પછી પ્રક્રિયા આગળ વધારીશું.”
'પ્રક્રિયા વધારવા આંદોલન કરવું પડે છે'
2014થી શિક્ષક માટેની તૈયારી કરતાં બી.જી. ગોહિલ ભાવનગર જિલ્લાના વતની છે.
તેઓ બીબીસી સાથે વાત કરતાં કહે છે કે તેઓ વર્ષ 2014થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. હાલ તેઓ પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરે છે.
તેમણે પણ સારા માર્ક્સે સાથે ટાટ-1,2 અને ટેટની પરીક્ષા પાસ કરી છે.
સોશિયોલોજી વિષયમાં એમએ, બીએડ થયેલા ગોહિલે પ્રાથમિકથી માંડીને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક બનવા માટેની તમામ પરીક્ષા પાસ કરી છે.
તેઓ કહે છે પરીક્ષા તો પાસ કરીને બેઠા છીએ, હવે ભરતીની રાહ જોઈ રહ્યા છીએ.
હાલ વડોદરા જિલ્લામાં પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા નરેન્દ્ર પણ ભરતીની રાહ જોઈને બેઠા છે.
2012થી તૈયારી કરતાં નરેન્દ્રે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેમાં સારા માર્ક્સ મેળવ્યા છે.
તેઓએ પીટીસી, બીએ, એમએ, બીએડ, એમએડની ડિગ્રી મેળવી છે.
તેમના કહેવા પ્રમાણે શિક્ષક બનવા માટેની બધી જ પરીક્ષા તેઓએ બે-બે વાર પાસ કરેલી છે.
બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, “છેલ્લે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા 2016માં પૂર્ણ થઈ હતી. 2017માં ફરી ટાટની પરીક્ષા લેવાઈ હતી."
"એમાંથી માધ્યમિકની એક પરીક્ષા રદ કરાઈ હતી. અને ફરી એ પરીક્ષા 2018માં લેવાઈ હતી. અને પછી એની ભરતી 2019માં ભરતી પડી હતી. પછી તેના પરિણામ માટે આંદોલન, પરિણામ પછી ભરતી માટે આંદોલન, પછી પ્રોવિઝનલ મેટિર માટે આંદોલન કરવું પડ્યું હતું.”
ઉમેદવારો આરોપ લગાવે છે કે સરકાર પ્રેસ-નોટ જાહેર કરે છે એ પ્રમાણે ભરતીપ્રક્રિયા કરતી નથી.
ગુજરાતમાં શિક્ષકોની ભરતીની જાહેરાત
મનીષ દોશીએ ટ્વિટર પર માહિતી આપતાં લખ્યું કે ગુજરાતમાં 3 ડિસેમ્બર, 2019ના રોજ રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 557, સરકારી માધ્યમિક શાળાઓમાં 1,239, અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 1,913, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3,193 અને આશરે 7,000 જગ્યાઓ પર શિક્ષણ સહાયકની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી હતી.
તેમજ પ્રાથમિક શાળાઓમાં 3,200 ખાલી જગ્યાની ભરતી માટે જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે એક સ્થાનિક ચેનલના માધ્યમથી કહ્યું કે ભરતીપ્રક્રિયા અંગે હાલ કોઈ વિચારણા હાથ ધરાઈ નથી. આગામી સમયમાં નવેસરથી વિચારણા કરીને આગળ વધીશું
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો