You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અનલૉક 1 : ભારતમાં કોરોના વાઇરસનો ચેપ વધી રહ્યો છે ત્યારે લૉકડાઉન કેમ હઠાવાયું?
- લેેખક, અપર્ણા અલ્લુરી
- પદ, બીબીસી સંવાદદાતા
કોવિડ-19 સંક્રમણમાં જ્યારે ભારતમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે જનજીવનને ધીમે-ધીમે થાળે પાડવાને બદલે ઝડપથી પાટા પર લાવવા માટે પગલાં લેવાઈ રહ્યાં છે.
શનિવારે ભારત સરકારે 25 માર્ચથી ચાલી રહેલા લૉકડાઉનને તબક્કા વાર ખોલવાની જાહેરાત કરી હતી.
છેલ્લા દસ દિવસથી માર્ગપરિવહન અને વિમાનસેવા શરૂ થઈ છે એટલે વધારે છૂટ મળશે એ દેખીતું હતું.
કેટલાંક કાર્યાલયો અને વેપાર-ધંધા, નિર્માણ ગતિવિધિઓ ચાલુ છે, ત્યારે બજારો અને પાર્કોમાં પણ ભીડ જોવા મળી રહી છે. હોટલ, રેસ્ટોરાં, મૉલ, ધાર્મિક સ્થળો, સ્કૂલ અને કૉલેજો પણ ખૂલી જશે.
જનજીવન તો પહેલાની ગતિએ ચાલુ કરવાની પૂરી તૈયારી છે, પરંતુ મહામારીની ગતિ પણ ઘટી નથી.
ભારતમાં જ્યારે લૉકડાઉનની શરૂઆત થઈ ત્યારે દેશમાં 519 કેસ હતા અને મૃતાંક 10. હવે જ્યારે લૉકડાઉન ખૂલવા જઈ રહ્યું છે ત્યારે 1,73,000 કેસ છે અને મૃતાંક 4,971 છે.
શનિવારે એક દિવસમાં અંદર આઠ હજાર કેસ આવ્યા હતા, ભારતમાં એક દિવસમાં આવનારા સૌથી વધુ કેસનો આ એક રેકર્ડ છે.
તો પછી અનલૉકની આટલી ઉતાવળ કેમ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લૉકડાઉનનું આર્થિક નુકસાન
સંક્રામક રોગોના મૉડલના પ્રોફેસર અને સંશોધક ગૌતમ મેનનનું કહેવું છે, "આ લૉકડાઉન હઠાવવાનો સચોટ સમય છે."
"એક સીમા પછી, લાંબા સમયથી ચાલી રહેલું લૉકડાઉન આગળ ચલાવવું મુશ્કેલ છે, તેની સામાજિક, આર્થિક અને મનોવૈજ્ઞાનિક અસર હોય છે."
પ્રથમ દિવસથી ભારતે લૉકડાઉનની મોટી કિંમત ચૂકવવી પડી છે. દેશમાં કરોડો લોકો રોજની કમાણી પર પેટિયું રળે છે.
લૉકડાઉનથી કેટલીક જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય ચેઇન પર અસર થતા લાખો લોકોની રોજીરોટી પર સંકટ ઊભું થયું હતું.
ઑટો મૅન્યુફૅક્ચરિંગ, મોટામોટા શો રૂમથી લઈને પાનના ગલ્લા પણ બંધ પડ્યા હતા. અર્થતંત્ર બંધ થતા બેરોજગારી વધી અને ભારતના વિકાસનો અંદાજ 30 વર્ષની નીચલી સપાટીએ આવી ગયો હતો.
'રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા'ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને એપ્રિલના અંતમાં કહ્યું હતું કે દેશને ખોલવાની જરૂર છે અને લૉકડાઉન લંબાવવું દેશમાં વિનાશકારી સાબિત થશે.
વૈશ્વિક કન્સલ્ટન્સી 'મૅકૅન્સી'ના એક રિપોર્ટ પ્રમાણે સંક્રમણનો ખતરો છતાં ભારતના અર્થતંત્રને સંભાળવાની જરૂર છે.
જાહેર આરોગ્યની બાબતના નિષ્ણાત ડૉ. એન. દેવદાસન કહે છે, "લૉકડાઉનનો પ્રાથમિક હેતુ કોરોના સંક્રમણના ચરમને પાછો ઠેલવાનો હતો, જેથી ચરમ આવે તે પહેલાં આરોગ્યસેવા અને તંત્રને તૈયાર કરી શકાય. એ હેતુ પૂરો કરી લેવામાં આવ્યો છે."
છેલ્લા બે મહિનાથી ભારતે સ્ટેડિયમ, સ્કૂલ અને ટ્રેનોના કોચને ક્વોરૅન્ટીન સેન્ટર બનાવ્યાં છે. હૉસ્પિટલોમાં કોવિડ-19ના વૉર્ડનો વિસ્તાર કરવામાં આવ્યો છે.
ટેસ્ટિંગ વધારાયું છે અને પીપીઈ કિટ્સનું ઉત્પાદન પણ વધ્યું છે. ગંભીર ખતરો હજી આપણી સામે જ છે અને કેટલીક વસ્તુઓની કમી પણ છે.
મોટા ભાગના લોકો માની રહ્યા છે કે સરકારે જોઈતો હતો એટલે સમય લઈ લીધો છે.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ગત અઠવાડિયે કહ્યું હતું, "અમે લૉકડાઉનના સમયને પોતાની તૈયારીઓ માટે વાપર્યો છે. હવે અર્થતંત્રને ફરી શરૂ કરવાનો સમય છે."
આશાનું કિરણ
ભારતમાં કોરોના સંક્રમણના નિયંત્રિત કેસો જોઈને નિષ્ણાતો પણ આશ્ચર્યમાં હતા.
ગીચ વસતી, બીમારીઓનો બોજ અને ફંડના અભાવે ચાલતા આરોગ્યતંત્ર છતાં દેશમાં કોરોના સંક્રમણના કેસ નિયંત્રિત રહ્યા છે. જોકે તેની પાછળ ઓછું ટેસ્ટિંગ પણ એક કારણે હોઈ શકે છે.
ખરેખર તો વિશ્વમાં ભારતની ચર્ચા તેના કોરોના સંક્રમણના ઓછા કેસને કારણે નહીં, પરંતુ લૉકડાઉનને અસફળ રીતે લાગુ કરવાને કારણે વધારે થઈ હતી.
અસંગઠિત ક્ષેત્રના લાખો મજૂરો, ખાસ કરીને પ્રવાસી શ્રમિકો રાતોરાત બેરોજગાર થઈ ગયા. ભય અને અનિશ્ચિતતાને કારણે તેઓ ગૃહરાજ્ય જવા માટે પગપાળા પણ જતા દેખાયા. ક્યારેક સેકડો કિલોમીટર સુધી સાઇકલ લઈને તો ક્યાંક રિક્ષા લઈને જતા દેખાયા.
વાઇરસે ભારતમાં એટલી તબાહી નથી ફેલાવી જેટલી લૉકડાઉને મુશ્કેલીઓ વધારી, પરંતુ કદાચ સરકાર પાસે કોઈ અન્ય વિકલ્પ નહોતો.
પરંતુ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે, કારણ કે કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે.
ડૉ. દેવદાસન કહે છે, "મને લાગે છે કે વધારે ને વધારે કેસ સામે આવશે, પરંતુ તેમાં મોટા ભાગના લોકોમાં લક્ષણ નહીં હોય અથવા બહુ હળવાં લક્ષણ હશે."
ભારત સરકાર એ આશાએ લૉકડાઉન ખોલવાનું વિચારી રહી છે કે ભારતમાં કોવિડ-19ના મોટા ભાગના કેસ બહુ ગંભીર નથી અને દરદીઓને હૉસ્પિટલમાં રાખવાની જરૂર નથી. મુંબઈ સિવાય અન્ય જગ્યાઓ પર હૉસ્પિટલોની કમી નથી વર્તાઈ રહી.
ડેટા પર શંકા
ભારતના કોવિડ-19 મહામારીના ડેટાને લઈને શંકા-કુશંકા છે, પરંતુ આ ડેટા એટલું સૂચવે છે કે કોરોના વાઇરસથી ભારત અન્ય દેશો જેટલું અસરગ્રસ્ત નથી થયું.
દાખલા તરીકે સરકાર ભારતના ઓછા મૃત્યદરનો સતત દાવો કરી રહી છે. સરકારનું કહેવું છે કે દુનિયામાં કોરોના સંક્રમણનો સૌથી ઓછો ત્રણ ટકા જેટલો મૃત્યુદર ભારતમાં જ છે.
પરંતુ કેટલાક લોકો તેનાથી સહમત નથી. પ્રખ્યાત વાયરોલૉજિસ્ટ ડૉ. જેકબ જ્હૉન કહે છે કે ભારતમાં ક્યારેય મૃત્યુ નોંધવાનું મજબૂત તંત્ર નથી રહ્યું અને હજી પણ નથી.
તેઓ માને છે કે સરકાર હજી પણ કોવિડ-19ને કારણે થઈ રહેલાં મૃત્યુ નથી નોંધી રહી, કારણ કે તેમની પાસે બધાં મૃત્યુ નોંધવાની કોઈ રીત નથી.
તેઓ કહે છે કે "મહામારીનો કર્વ નિયંત્રિત કરવા કરતાં આપણે મૃત્યુદર સ્થિર કરવાની જરૂર છે."
કેટલાક નિષ્ણાતોની જેમ ડૉ. જ્હૉન પણ માને છે કે ભારતમાં જુલાઈ અથવા ઑગસ્ટમાં કોરોના સંક્રમણનું ચરમ આવશે અને દેશને એટલે જ ઝડપથી અનલૉક કરવામાં આવી રહ્યો છે, કારણે સરકાર પણ સમજી ગઈ છે કે એવા લૉકડાઉનનો કોઈ ફાયદો નથી જેમાં કેટલાંક લીકેજ હોય.
રણનીતિમાં ફેરફાર
તો શું ચરમ આવશે તો ફરીથી લૉકડાઉન કરશે સરકાર?
ડૉ. મેનન માને છે કે લૉકડાઉનનો સમય યોગ્ય હતો. તેઓ કહે છે કે મહામારીને ફેલાતી રોકવા માટે વિદેશથી આવતાં લોકો પર વધારે પડતું ધ્યાન આપવામાં આવ્યું હતું.
તેઓ કહે છે, "આશા હતી કે વિદેશથી આવતાં મુસાફરો પર ફોકસ કરવાથી મહામારીને ફેલાતી રોકી શકાશે, પરંતુ ઍરપૉર્ટ પર સ્ક્રિનિંગ કેટલું પ્રભાવી હતું?"
હવે તેઓ કહે છે કે હવે 'સ્થાનિક સ્તરે લૉકડાઉન'નો સમય આવી ગયો છે.
ભારતની સરકારે હવે રાજ્યોને ક્યારે, ક્યાં, કેવી રીતે અને કેટલું કડક લૉકડાઉન લાગુ કરવું એ નિર્ણય કરવાની સ્વતંત્રતા આપી છે, કારણ કે દેશમાં અલગઅલગ રાજ્યોમાં કોરોના વાઇરસ સંક્રમણની અસર પણ અલગઅલગ થઈ છે.
એકલા મહારાષ્ટ્રમાં દેશના સંક્રમણના કુલ કેસના 30 ટકા જેટલા દરદી છે. તામિલનાડુ, ગુજરાત અને દિલ્હી એવાં ત્રણે રાજ્યોમાં સમગ્ર ભારતના 67 ટકા કેસ છે.
બિહારમાં અન્ય રાજ્યોથી આવેલા પ્રવાસી મજૂરોને કારણે કોરોના સંક્રમણના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો.
ડૉ. દેવદાસન કહે છે, "પહેલાં માત્ર શહેરોમાં કોરોના સંક્રમણ ફેલાયું હતું, પરંતુ પ્રવાસી શ્રમિકો શહેરોમાં હતા અને તેમને ઘર ન જવા દેવામાં આવ્યા. હવે તેમને પાછા મોકલવામાં આવી રહ્યા છે. તેમને શહેરોમાંથી તેમના ગામ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે."
જોકે સરકારે કહ્યું છે કે લૉકડાઉનથી વાઇરસના કેસોને ત્રણ લાખના આંકે પહોંચતા અટકાવાયા છે અને 71 હજાર જેટલા જીવ બચાવ્યા છે.
લોકોને હવે માત્ર સલાહ આપવામાં આવી છે. લૉકડાઉન હઠાવતાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, "નિયમોનું પાલન કરીને કોરોના સંક્રમણને રોકવું એ લોકોની જવાબદારી છે."
ડૉ. મેનન કહે છે, "મને લોકોની પરિસ્થિતિની ચિંતા છે, તેમની પાસે સોશિયલ ડિસ્ટન્સિંગનો વિકલ્પ નથી."
ભારતમાં સંયુક્ત પરિવારો કે પછી એક નાના ઓરડાનાં ઘર, ઝૂંપડપટ્ટી, બજાર અને રસ્તામાં ભીડ કે પછી મંદિર, મસ્જિદ, લગ્નપ્રસંગ અને ધાર્મિક શોભાયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય નથી.
મૂળ વાત એ છે કે વાઇરસ આપણી વચ્ચે જ રહેવાનો છે અને આપણે તેની સાથે રહેવાનું શીખવું પડશે, એની એક જ રીત છે કે લોકોને વાઇરસની સાથે રહેવા દેવા.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો