લૉકડાઉન : પાકિસ્તાનમાં ફસાયેલા એ ગુજરાતીઓ જે ભારત પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે

    • લેેખક, હરિતા કાંડપાલ અને દક્ષેશ શાહ
    • પદ, નવી દિલ્હી અને ગોધરાથી, બીબીસી ગુજરાતી

ગુજરાતના ગોધરાના ઇશાકભાઈ બોકડા અઢી મહિનાથી પાકિસ્તાનમાં ફસાયેલા છે.

ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવતા ઇશાકભાઈ બોકડા પાકિસ્તાનના કરાચીમાં એક લગ્નપ્રસંગમાં સામેલ થવા માટે 11 માર્ચે ભારતથી ગયા હતા.

તેમનું કહેવું છે કે માર્ચમાં જ તેમને ત્યાંથી પરત આવવાનું હતું, પરંતુ લૉકડાઉનને કારણે 26 લોકો ત્યાં ફસાઈ ગયા છે.

ઇશાકભાઈ અને તેમની સાથેના અન્ય ભારતીય નાગરિકો પણ ભારત પરત આવવા માગે છે અને એ માટે તેમણે ભારત સરકારની મદદ પણ માગી છે.

તેમણે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે અમે ઇસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશનને અરજી કરી છે, પરંતુ હજી સુધી કોઈ ઠોસ માહિતી નથી મળી.

બીબીસીએ આ અંગે વાત કરવા માટે ભારતીય વિદેશમંત્રાલયનો સંપર્ક કર્યો હતો, પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ જવાબ મળી શક્યો નથી.

ઇશાકભાઈ કહે છે કે અમૃતસરથી ગુજરાત આવવા માટે તેમણે ચાર જૂનની ટ્રેનની ટિકિટનું બુકિંગ પણ કરાવી લીધું છે અને અન્ય તમામ વ્યવસ્થા થઈ ગઈ છે, પરંતુ પાકિસ્તાનથી ભારત આવવા માટે અટારી-વાઘા સરહદ પાર કરવાની પરવાનગી મળી શકી નથી.

ગોધરાના આ પરિવારે રમઝાન અને ઈદ પણ પાકિસ્તાનમાં ઊજવી છે.

ઇશાકભાઈ જણાવે છે કે "રમઝાન અને ઈદ પણ અમે પરિવારથી દૂર અહીં પાકિસ્તાનમાં ઊજવી છે, પણ હવે ઘરે જવું છે."

ઇશાકભાઈ પોતાનાં પત્ની, પુત્રી, ભાણેજ અને અન્ય બે લોકો સાથે પાકિસ્તાનના કરાચીમાં છે.

તેમણે કહ્યું, "ગોધરાથી વરરાજા સાથે 26 લોકો બારાતમાં પાકિસ્તાનના કરાચી ગયા હતા. નિકાહ માર્ચની 14 તારીખે પઢવામાં આવ્યા હતા. દુલ્હા અને દુલ્હનને જરૂરી દસ્તાવેજ તૈયાર કરીને થોડો સમય પાકિસ્તાનમાં રોકાવાનું હતું, પરંતુ બાકીના લોકો જે નિકાહમાં સામેલ થવા માટે ભારતથી ગયા હતા તેમને પાછું આવવાનું હતું."

તેઓ જણાવે છે કે 22 માર્ચે જનતા કર્ફ્યુ જાહેર થયા પછી બૉર્ડર બંધ કરવામાં આવી હતી એટલે તેઓ પાછા ફરી ન શક્યા.

ઇશાકભાઈ વધુમાં કહે છે કે પાકિસ્તાનમાં નવવિવાહિત દંપતી તો સાથે છે, પરંતુ તેમની બારાતમાં આવેલા નવયુવાનોના પરિવારો ભારતમાં તેમની રાહ જોઈ રહ્યા છે.

'અબ્બુ ક્યારે ઘરે આવશો?'

તો ગોધરામાં દરજીકામ કરતા ઇમરાનભાઈનું કહે છે, "વતન તો વતન છે, બાળકો ઘરે રાહ જોઈ રહ્યાં છે."

ઇમરાનભાઈ તેમનાં પત્ની આયેશા અને સાસુ મેહરુનિસ્સા સાથે કરાચીમાં એક નિકાહમાં સામેલ થવા માટે ફેબ્રુઆરીની 28 તારીખે ગયા હતા.

તેમણે બીબીસીને જણાવ્યું કે તેઓ કરાચીમાં પોતાનાં ફોઈનાં પુત્રીનાં નિકાહમાં ગયા હતા. 19 માર્ચે પાછું આવવાનું હતું પણ જનતા કર્ફ્યુ અને પછી લૉકડાઉનને કારણે તેમણે ત્યાં જ રહી દસ દિવસ વધુ રોકાવાનું નક્કી કર્યું હતું.

તેઓ કહે છે, "મારી બે પુત્રી છે અને એક નાનો પુત્ર. આઠ વર્ષનો પુત્ર દરરોજ ફોન પર કહે છે કે અબ્બા ક્યારે આવશો? "

ઇમરાનભાઈનું કહેવું છે. "આ વખતે તો ઈદ પણ બાળકો વગર સરહદ પાર ઉજવવી પડી. હવે તો બસ રાહ જોઈએ છીએ કે ક્યારે અમને અમારા ઘરે જવાનો મોકો મળે. માતાપિતા, ભાઈ બહેન બાળકો બધાં જ ત્યાં અમારી રાહ જોઈ રહ્યાં છે. "

ઇમરાનભાઈ જણાવે છે કે પાકિસ્તાનના કરાચીમાં ઈદની નમાજ પઢવા તેઓ મસ્જિદમાં ગયા હતા.

મસ્જિદમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને નમાજ પઢવામાં આવી હતી.

પાકિસ્તાનમાં લૉકડાઉનમાં છૂટછાટ

પાકિસ્તાનમાં ઈદ અને રમઝાનમાં બજાર ખોલી દેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ત્યાં ભીડ પણ જોવા મળી હતી અને ત્યાં કોરોના સંક્રમણ વધવાના પણ અહેવાલ આવ્યા હતા.

20 મેથી પાકિસ્તાનમાં આંશિક રીતે રેલસેવા પણ શરૂ કરવામાં આવી હતી.

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે, પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 66 હજારથી વધારે કેસ આવ્યા છે અને 1395 મૃત્યુ થયાં છે.

ઇશાક બોકડાનું કહેવું છે કે અન્ય દેશોમાંથી ભારતના નાગરિકોને વતન પાછા લાવવામાં આવ્યા છે તો પાકિસ્તાનમાંથી તેમને લાવવામાં આવે.

ઇશાકભાઈએ ગોધરાથી બીબીસીના સહયોગી દક્ષેશ શાહને એક ઈમેલ પણ મોકલ્યો છે, જેમાં ભારતીય વિદેશમંત્રાલયને 26 ભારતીય નાગરિકો અંગેની માહિતી અને ચાર જૂનની 'ગોલ્ડન ટેમ્પલ ટ્રેન'ની ટિકિટની કૉપી મોકલીને તેમને પાકિસ્તાનથી ભારતમાં આવવાની પરવાનગી માટે મદદ કરવા જણાવાયું છે.

ઇશાકભાઈનું કહેવું છે કે જો તેમને ચોક્કસ માહિતી આપવામાં આવે તો તેઓ કરાચીથી લાહોર જવા માટે સ્થાનિક પ્રશાસન પાસેથી ડિપાર્ચર પાસ માટે અરજી કરી શકે અને અટારી-વાઘા સુધીની યાત્રાની વ્યવસ્થા કરી શકે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં તારીખ 31 મેથી લૉકડાઉન પૂર્ણ થઈ રહ્યું છે અને એ બાદ અનલૉક-1 અંતર્ગત લૉકડાઉનની મુદ્દત વધારવામાં આવી છે.

જોકે, આ દરમિયાન 'વંદે ભારત મિશન'માં 45 હજારથી વધુ ભારતીયોને વિદેશમાંથી વતન લાવવામાં આવ્યા છે.

વંદે ભારત મિશનમાં 45 હજારથી વધારે ભારતીય વતન આવ્યા

ભારત સરકાર દ્વારા આ અભિયાન હેઠળ કોરોના મહામારી વચ્ચે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટેની કામગીરી ચલાવવામાં આવી રહી છે.

નોંધનીય છે કે કોરોના સંક્રમણ વધતાં આંતરરાષ્ટ્રીય યાત્રા બંધ કરવામાં આવી હતી, જેથી અનેક દેશોમાં ભારતીય નાગરિકો ફસાયેલા છે.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે "વંદે ભારત મિશન હેઠળ અત્યાર સુધી વિદેશમાં ફસાયેલા 45 હજાર જેટલા ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા હતા."

તેમણે એમ પણ જણાવ્યું કે 13 જૂન સુધીમાં બીજા એક લાખ જેટલા ભારતીયોને પરત લાવવામાં આવશે.

વિદેશમાં કોરોના મહામારીને કારણે ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા માટે ભારત સરકારે વંદે ભારત મિશન તારીખ સાત મેના રોજ લૉન્ચ કર્યું હતું.

આફ્રિકા, લૅટિન અમેરિકાના દેશો અને યુરોપના કેટલાક ભાગોમાંથી ભારતીય નાગરિકોને વતન લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અનુરાગ શ્રીવાસ્તવે ગુરુવારે જણાવ્યું હતું કે અત્યાર સુધી 45,216 ભારતીયોને વતન લાવવામાં આવ્યા હતા, જેમાંથી 8,069 પ્રવાસી શ્રમિકો, 7656 વિદ્યાર્થીઓ અને 5,107 વ્યવસાયિકોને પાછા લાવવામાં આવ્યા છે.

પાડોશી દેશો નેપાળ અને બાંગ્લાદેશમાંથી જમીનના રસ્તે સરહદ પાર કરીને પાંચ હજાર જેટલા ભારતીયો વતન પાછા ફર્યા છે.

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ પાકિસ્તાનમાં ફસાયેલા 300 ભારતીય નાગરિકોને શનિવારે ભારત પાછા લાવવામાં આવશે.

મીડિયા અહેવાલો મુજબ આ ભારતીયો અટારી-વાઘા બૉર્ડર પરથી સરહદ પાર કરીને વતન પાછા ફરશે. જોકે બીબીસી આ દાવાની પુષ્ટિ નથી કરી શક્યું.

ભારતથી વતન પાછા ફર્યા પાકિસ્તાની નાગરિકો

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ તારીખ 27 મેના દિવસે બાળકો સહિત 179 પાકિસ્તાની નાગરિકો અટારી બૉર્ડરથી પાકિસ્તાન પાછા ગયા હતા. તેઓ લૉકડાઉનને કારણે ભારતમાં ફસાયા હતા.

179 પાકિસ્તાની નાગરિકોમાંથી કેટલાક લોકો મેડિકલ વિઝા પર ભારત આવ્યા હતા અને હૃદયરોગો, કિડની અને લીવરની બીમારીની સારવાર કરાવી રહ્યા હતા. કેટલાક લોકો ધાર્મિક યાત્રા પર હતા અને કેટલાક લોકો સંબંધીઓને મળવા આવ્યા હતા.

પીટીઆઈ મુજબ તેમાંથી 120 હિંદુ, બે શીખ અને બાકી મુસ્લિમ લોકો હતા. આ લોકો ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવાં રાજ્યોમાં ગયા હતા.

આ પહેલાં લૉકડાઉન દરમિયાન પાંચમી મેના દિવસે 193 પાકિસ્તાની નાગરિકોને પાકિસ્તાન જવા દેવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો