કોરોના વાઇરસ : અમેરિકામાં 'પંજાબ મૉડલ'ની ચર્ચા કેમ?

મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત અને દિલ્હી આ ચારેય રાજ્યો સમગ્ર ભારતમાં કોરોનાના પ્રકોપથી સૌથી વધારે ત્રસ્ત છે.

આ ઉપરાંત કોરોનાનો સામનો કરવામાં કેરળે નોંધપાત્ર કામગીરી કરી છે.

નોંધનીય છે કે દેશમાં કોરોના વાઇરસના સંક્રમણનો પ્રથમ મામલો કેરળમાં જ સામે આવ્યો હતો. તેમ છતાં સમગ્ર દેશ અને દુનિયા માટે ઘાતક નીવડેલો આ વાઇરસ ત્યાં માત્ર સાત લોકોનાં મોતનું કારણ બની શક્યો છે.

પરંતુ કેરળ સિવાય પણ ભારતના અન્ય એક રાજ્યમાં કોરોનાની રોકથામમાં નોંધપાત્ર કામગીરી થઈ છે. જેની નોંધ અમેરિકાએ પણ લીધી છે.

યુનિવર્સિટી ઑફ મિશિગનમાં બાયોસ્ટૅટિસ્ટિક્સ અને મહામારી રોગ વિશેષજ્ઞ પ્રોફેસર ભ્રમર મુખરજીએ ભારતના કોરોના વાઇરસથી પ્રભાવિત રાજ્યો પર એક અભ્યાસ કર્યો છે.

તેમના અભ્યાસ પ્રમાણે કેરળ સિવાય પંજાબ એવું બીજું રાજ્ય છે, જેણે કોરોના સામે તુલનાત્મક દૃષ્ટિએ સારું કામ કર્યું છે.

કેરળ અને પંજાબને તેઓ 'ડૂઇંગ વેલ' એટલે કે સારું કામ કરનારાં રાજ્યો ગણે છે.

પ્રોફેસર ભ્રમર મુખરજીએ 'લૉકડાઉન ઇફેક્ટ ઑન કોવિડ 19 સ્પ્રેડ ઇન ઇન્ડિયા : નેશનલ ડેટા માસ્કિંગ સ્ટેટ લેવલ ટ્રેંડ્સ' પર એક રિસર્ચ-પેપર તૈયાર કર્યું છે.

આ જ પેપરમાં તેમણે કેરળ સાથે પંજાબનો પણ ઉલ્લેખ કર્યો છે. પંજાબ અને કેરળ પણ એ રાજ્યોની યાદીમાં છે, જ્યાં કોરોના સામે રાજ્ય સરકારો સારું કામ કરી રહી છે, જેનાં પરિણામો પણ કોરોનાના દર્દીઓની કુલ સંખ્યામાં દેખાઈ રહ્યાં છે.

પંજાબ અન્ય રાજ્યોથી અલગ કેવી રીતે?

પ્રોફેસર મુખરજીએ જ અગાઉ મૉડલિંગ ડેટા આધારે જણાવ્યું હતું કે ભારતમાં જુલાઈની શરૂઆત સુધીમાં 6,30,000 થી માંડીને 21 લાખ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ શકે છે.

આ સંદર્ભે જ બીબીસીએ તેમને પ્રશ્ન પૂછ્યો હતો કે બધા કોરોનાના મામલાઓમાં પીકની વાત તો કરે છે, પરંતુ મામલા આવવાના બંધ ક્યારે થશે?

આના જવાબમાં પ્રોફેસર ભ્રમર મુખરજી જણાવે છે કે, "ભારતમાં લૉકડાઉનની અસર વિશે સંશોધન દરમિયાન અમને જાણવા મળ્યું કે કેટલાંક રાજ્યોમાં કોવિડ-19ના પ્રસારની ગતિ હવે ધીમી પડતી દેખાઈ રહી છે."

"આ જ કારણે ભારતનો R નંબર જે પહેલાં ત્રણની આસપાસ હતો તે ઘટીને હવે 1.3ની આસપાસ આવી ગયો છે."

R નંબરનો અર્થ એ થાય છે રિ-પ્રોડક્શન નંબર. કોરોનાનું સંક્રમણ ત્યાં સુધી ફેલાતું રહે છે, જ્યાં સુધી સંક્રમિત વ્યક્તિનો ચેપ સરેરાશ એક કરતાં વધારે લોકોને લાગતો રહે છે.

આ દર એક કરતાં નીચે રહે એ અત્યંત જરૂરી હોય છે. લાંબાગાળા સુધી જો આ દર એક કરતાં નીચે રહે તો મહામારીના ખતરાને ટાળી શકાય છે.

આ સંદર્ભે તેમણે પંજાબ રાજ્યનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે પંજાબમાં પાછલા 7-10 દિવસથી R નંબર 1 કરતાં નીચે રહ્યો છે. આ દર ક્યારે 0.5 તો ક્યારેક 0.7 રહી છે. પ્રોફેસર મુખરજી કોરોના સંક્રમણમાં R નંબરને સૌથી વધારે મહત્ત્વપૂર્ણ માને છે.

ચીનના વુહાન શહેરમાં R નંબર 0.3 છે. તેઓ જણાવે છે કે જો પંજાબમાં નવા મામલા સામ નહીં આવે અને R નંબર આ જ સ્તરે જળવાઈ રહેશે, તો પંજાબમાંથી મહામારીનો ખતરો ટળી શકે છે.

પ્રોફેસર મુખરજી પંજાબમાં કોરોના સંક્રમણને એક ગ્રાફ વડે સમજાવે છે, આ ગ્રાફ તેમણે પોતાના રિસર્ચ પેપરમાં પણ સામેલ કર્યો છે. તેમાં ઑરેન્જ રંગ નવા મામલા દર્શાવે છે, લીલો રંગ સાજા થઈ ગયેલા મામલા માટે ઉપયોગમાં લેવાયો છે જ્યારે લાલ રંગ કોરોનાના કારણે થયેલાં મોતના આંકડાને દર્શાવે છે.

તેઓ જણાવે છે કે, પંજાબમાં 'રિકવર્ડ કેસ' એટલે કે સંક્રમણથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ અન્ય રાજ્યોની સરખામણીએ સારી છે. પંજાબમાં નવા કેસોની સંખ્યા ઘટી છે અને સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે.

પ્રોફેસર મુખરજી પ્રમાણે ભારતનાં 20 રાજ્યોમાંથી જ દેશમાં કોરોનાના 99 ટકા કેસો સામે આવ્યા છે. તેથી તમામ રાજ્યોમાં ટેસ્ટિંગ, ડબલિંગ રેટ અને મૃત્યુદરમાં ઘણી વિવિધતા જોવા મળે છે.

અને આ તમામ માપદંડોને ધ્યાનમાં રાખીએ તો પંજાબનું પ્રદર્શન કેરળની જેમ જ સારું રહ્યું છે. તેઓ આ સફળતા માટે પંજાબ સરકાર દ્વારા લેવાયેલાં પગલાંને કારણભૂત માને છે.

પંજાબના આંકડા

પંજાબની કુલ વસતિ આશરે 2 કરોડ 77 લાખની છે. તાજા આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 2139 છે. નોંધનીય છે કે આ પૈકી 1918 દર્દીઓ કોરોનાના સંક્રમણથી મુક્ત એટલે કે સાજા થઈ ચૂક્યા છે.

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે 40 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. મોતનો આ આંકડો પાછલા ચાર દિવસથી નથી વધ્યો.

રાજ્ય સરકારના પ્રવક્ત રાજેશ ભાસ્કર પ્રમાણે હાલ પંજાબમાં ડબલિંગ રેટ 91 દિવસનો છે. તેમજ કેસ ફેટેલિટી રેટ અને રિકવરી રેટ અનુક્રમે 1.8 અને 89 ટકા છે અને રાજ્યનો R નંબર 0.5થી 0.7 વચ્ચે છે.

પ્રોફેસર મુખરજી પ્રમાણે ભારતના નેશનલ ડેટાની વાત કરાય, તો આ ડેટા વડે રાજ્યોની વિવિધતા સામે નથી આવી શકતી. તેથી અત્યાર સુધી પંજાબ પર કોઈની નજર નથી પડી.

પંજાબ વ્યક્તિગત સ્તરે કોરોનાની પીક જોઈ ચૂક્યું છે અને તેનો સામનો પણ કરી ચૂક્યું છે. તેઓ એ વાતનો ઇન્કાર નથી કરતાં કે આવનારા સમયમાં કોરોનાના મામલાઓમાં વધુ પીક આવી શકે છે. પરંતુ તેમનું આ આકલન કેન્દ્ર સરકાર તરફથી 15 મેના રોજ જારી કરાયેલા લૉકડાઉન ડેટા પર આધારિત છે.

પંજાબમાં રિકવરી રેટ સારો હોવાનું એક કારણ એ પણ છે કે કેન્દ્ર સરકાર હાલમાં જ લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવાની ગાઇડલાઇન બદલી છે.

કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે હવે કોરોનાના દર્દીઓને રજા આપતાં પહેલાં ફરીવાર ટેસ્ટ નથી કરાવવો પડતો, હૉસ્પિટલમાં માત્ર ક્વોરૅન્ટિનનો સમય પસાર કરવાનો હોય છે. આ વાત સાથે રાજ્ય સરકાર પણ સંમત છે.

રાજેશ ભાસ્કર પ્રમાણે 15 મેના રોજ પંજાબે નવા નિયમોના પાલનની શરૂઆત કરી છે. આ પહેલાં પંજાબમાં રિકવરી રેટ 30-40 હતી. આજે પણ રાજ્યમાં સરેરાશ 20-25 મામલા દરરોજ સામે આવી રહ્યા છે.

પંજાબનો કોરોના ગ્રાફ

પ્રોફેસર મુખરજી પ્રમાણે પંજાબમાં શરૂઆતમાં કોરોનાના મામલા ઝડપથી વધ્યા હતા. પરંતુ કૉન્ટેક્ટ ટ્રેસિંગ અને આઇસોલેશન વડે તેમણે પરિસ્થિતિ પર જલદી કાબૂ મેળવી લીધો.

બીબીસીએ પંજાબના કોરોના ગ્રાફની પણ તપાસ કરી. બીબીસીને જાણવા મળ્યું કે પંજાબમાં 'સુપરસ્પ્રેડર'ના બે મામલા સામે આવ્યા હતા, પરંતુ તેમ છતાં પણ પંજાબમાં કોરોનાનો ગ્રાફ વધુ ઊંચે ન પહોંચ્યો.

'સુપરસ્પ્રેડર' એટલે એ મામલા કે ઘટનાઓ, જ્યાં એક સાથે અનેક લોકો સંક્રમિત મળી આવે, જેમ કે દિલ્હીનો નિઝામુદ્દીન મરકઝનો મામલો.

ત્યાં પ્રથમ મામલો ચાર એપ્રિલના રોજ સામે આવ્યો હતો, જ્યારે મોહાલીમાં એક શખ્સના 33 કૉન્ટેક્ટ પૉઝિટિવ મળી આવ્યા હતા. આવો જ બીજો મામલો 29 એપ્રિલના રોજ જાલંધરમાં સામે આવ્યો હતો, જ્યારે એક વ્યક્તિના 45 કૉન્ટેક્ટ પૉઝિટિવ આવ્યા હતા.

મહારાષ્ટ્રના નાદેડમાંથી પણ 4200 તીર્થયાત્રીઓના એક સમૂહમાંથી 1200 લોકો કોરોના પૉઝિટિવ મળી આવ્યા હતા. પરંતુ રાજ્ય સરકારે તમામ માટે સરકારી ક્વોરૅન્ટિન જરૂરી બનાવીને તેમાંથી કોઈ પણ દર્દીને સુપરસ્પ્રેડર ન બનવા દીધા.

આખરે આ મામલાને પ્રશાસને કેવી રીતે સંભાળ્યો? પ્રોફેસર મુખર્જીએ પંજાબને સુપરસ્પ્રેડર મામલાઓથી સાવધ રહેવાની સલાહ પણ આપી છે. તેમના અનુસાર હવે જો ત્યાં એક પણ સુપરસ્પ્રેડર મામલો સામે આવ્યો, તો પંજાબની બધી મહેનત પર પાણી ફરી જશે.

હાલમાં જ અમૃતસરમાં એક જ દિવસમાં 25 નવા મામલા સામે આવ્યા હતા, જે પૈકી 16 એક જ પૉઝિટિવ કૉન્ટેક્ટના હતા.

સ્થાનિક વિમાનસેવા શરૂ થયા બાદ લુધિયાણામાં પણ એક શખ્સ કોરોના પૉઝિટિવ મળી આવ્યો છે.

પરંતુ રાજ્ય સરકારે કડક નિયમ બનાવીને દરેક મુસાફર માટે 14 દિવસનું ક્વોરૅન્ટિન અનિવાર્ય બનાવી દેવાયું છે.

પ્રોફેસર મુખરજી જણાવે છે કે 1 જૂનથી ટ્રેનોની અવરજવાર શરૂ થયા બાદ પંજાબ સરકારે વધુ સાવધ રહેવાની જરૂર પડશે.

પંજાબ માટે શું છે પડકારો?

પંજાબ એવાં અમુક રાજ્યો પૈકી એક છે, જેમણે દેશવ્યાપી લૉકડાઉન પહેલાં જ સમગ્ર રાજ્યમાં કર્ફ્યુ લાદી દીધો હતો.

9 માર્ચથી જ રાજ્ય સરકારે જીઓટૅગિંગ અને જીઓફેંસિંગ સાથેની મોબાઇલ ઍપ પણ રજૂ કરી હતી. પ્રોફેસર મુખર્જી પ્રમાણે આ બંને નિર્ણયોએ કૉન્ટેક્ટ ટ્રેસિંગ અને આઇસોલેશનમાં ઘણી મદદ કરી.

પરંતુ વિપક્ષનો આરોપ છે કે પંજાબ સરકારની વ્યવસ્થા અપૂરતી છે.

અકાલીદળના વરિષ્ઠ નેતા અને પ્રવક્ત દલજીત સિંહ ચીમા પ્રમાણે પંજાબમાં જે કંઈ થઈ રહ્યું છે, તે ત્યાંના લોકોની રોગપ્રતિકારક શક્તિને કારણે બની રહ્યું છે. તેમનો આરોપ છે કે પંજાબમાં પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ નથી થઈ રહ્યું, તેમજ ક્વોરૅન્ટિન સેન્ટર અને હૉસ્પિટલની હાલત પણ સારી નથી. તેમજ ડૉક્ટરોને પૂરતા પ્રમાણમાં પીપીઈ કિટ પણ નથી મળી રહી.

જોકે, પંજાબમાં અત્યાર સુધી કોરોનાના કારણે એક પણ ડૉક્ટરનું મૃત્યુ નથી થયું.

પંજાબમાં આજની તારીખ પ્રમાણે લગભગ 2000 થી 2000 ટેસ્ટ દરરોજ થઈ રહ્યા છે.

ટેસ્ટિંગની સંખ્યા વધારવી એ પંજાબ માટે મોટો પડકાર છે.

પંજાબ સામે અન્ય એક પડકાર પણ છે અને તે એ છે કે લૉકડાઉનમાં રાહત આપ્યા બાદની સ્થિતિનો સામનો કેવી રીતે કરાય?

પાછલા બે મહિનામાં દેશના અન્ય વિસ્તારોની સરખામણીએ પંજાબમાં લોકો લૉકડાઉનના નિયમોનું કડકાઈથી પાલન કર્યું છે.

ત્રીજો પડકાર છે રાજ્યમાં સામે આવનાર એસિમ્પ્ટોમેટિક મામલા. રાજ્યના અધિકારીઓ પ્રમાણે પંજાબમાં 85 ટકા મામલા લક્ષણ વિનાના કોરોનાના છે. જેમ-જેમ પરિસ્થિતિ સામાન્ય બનતી જશે, આવા મામલા પર નજર રાખવામાં રાજ્ય સરકારને વધુને વધુ મુશ્કેલી પડતી જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો