કોરોના વાઇરસની દુનિયાના ત્રણ ખતરનાક ઉગ્રવાદી સંગઠનો પર શું અસર થઈ?

    • લેેખક, બીબીસી મૉનિટરિંગ
    • પદ, સમાચારનું રિપોર્ટિંગ અને વિશ્લેષણ

કોરોના વાઇરસની મહામારીના કારણે આખી દુનિયા ઠપ થઈ ગઈ છે પરંતુ આની મોટી અસર દુનિયાના પ્રમુખ ઉગ્રવાદી સંગઠન પર જોવા મળી રહી નથી. આમાંથી કેટલાંક સંગઠન માની રહ્યા છે કે વાઇરસને ભગવાને જ તેમની દુશ્મન, પશ્ચિમી દુનિયાને ખતમ કરવા માટે મોકલ્યો છે.

બીબીસી મૉનિટરિંગે ત્રણ સૌથી ખતરનાક ઉગ્રવાદી સંગઠનોની પ્રવૃતિઓનું નિરીક્ષણ કર્યું છે. આ નિરીક્ષણમાં ઇસ્લામિક સ્ટેટ, અલ કાયદાની સાહેલ શાખા જમાત નુસરત અલ ઇસ્લામ વાલ મુસ્લિમીન(જે.એન.આઈએ.મ.) અને સોમાલિયાના અલ-શબાબનો સમાવેશ થાય છે.

આ ત્રણેય ઉગ્રવાદી સંગઠનોના પ્રમુખ અથવા તેમના સહયોગી મીડિયા આઉટલેટ્સ પર જાહેર આંકડા પ્રમાણે, માર્ચમાં જ્યારે દુનિયાના કોવિડ-19ની ઝપેટમાં આવી હતી, ત્યારે પણ ગત બે મહિનાની સરખામણીએ આ સંગઠનોના હુમલા ઓછા થયા નથી.

આનાથી એ ખ્યાલ આવે છે કે ઉગ્રવાદી સંગઠનોએ કોરોના વાઇરસને કારણે પોતાની પ્રવૃતિઓ પર અંકુશ લગાવ્યો નથી. આનાથી ઉલટું ઇસ્લામિક સ્ટેટે પોતાના લડવૈયાઓને આ સમયનો ફાયદો ઉઠાવીને વધારે હુમલા કરવાની માગ કરી છે.

જોકે હાલ સુધી આનું અવલોકન કરી શકાયું નથી કે જે દેશોમાં આ સંગઠનોનો વધારે પ્રભાવ છે, ત્યાં કોવિડ-19નું સંક્રમણ ફેલાયા પછી આ સંગઠનોનું વલણ કેવું રહ્યું છે.

આ સંગઠન મિડલ ઇસ્ટ, પશ્ચિમ અને પૂર્વ આફ્રિકામાં સક્રિય છે. હાલ સુધી આ સંગઠનો કોરોના વાઇરસની મહામારીને ચીન, અમેરિકા અને યુરોપિય દેશના સંકટ તરીકે જુએ છે.

આ આકલનની મૅથડૉલૉજી કઈ છે?

આ આકલન માટે ઇસ્લામિક સ્ટેટ, જેએનઆઈએમ અને અલ શબાબની પસંદગી એટલા માટે કરવામાં આ કારણ કે આ દુનિયાના સૌથી ખતરનાક અને સક્રિય ઉગ્રવાદી સંગઠનો છે.

આ સિવાય આ સંગઠનોના ઑનલાઇન મીડિયા આઉટલેટ્સ છે જેને કારણે આંકડા એકઠા કરવા સરળ રહે છે.

આ આંકડાંઓમાં એ હુમલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને કરવાનો દાવો તે સંગઠનોએ પોતાના મીડિયા આઉટલેટ્સમાં કર્યો છે, જોકે બની શકે છે કે પોતાની તાકાતને વધારે બતાવવા અતિશયોક્તિના પ્રયાસમાં તેમણે હુમલાની સંખ્યા વધારે દર્શાવી હોય.

ઇસ્લામિક સ્ટેટના આંકડા માટે આઈ.એસ.ની અધિકૃત ન્યૂઝ એજન્સી નાશિર ન્યૂઝ એજન્સી પર નોંધાયેલાં આકંડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં અલ-નબા સમાચાર પત્રમાં છપાયેલાં દાવાઓને સામેલ કરવામાં આવ્યા નથી, કારણ કે તેમાં હુમલાની સંખ્યા વધારે છે.

કયા ઉગ્રવાદી સંગઠનો સામેલ નથી?

29 ફેબ્રુઆરીએ અમેરિકાની સાથે થયેલાં શાંતિ કરાર પછી માર્ચમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં ઘટાડો નોંધાયો છે.

આ કરાર પ્રમાણે અફઘાન સરકાર તાલિબાનના લડવૈયાઓને પોતાની જેલમાંથી છૂટાં કરશે, અફઘાન તાલિબાન આ હુમલાઓની સંખ્યા વધારીને પોતાના સાથીઓની આઝાદીને સંકટમાં નાખવા માગતા નથી.

એવું માનવામાં આવી રહ્યું છે કે ઉનાળામાં તાલિબાનના હુમલાઓની સંખ્યા વધી શકે છે, જોકે આની કોઈ જાહેરાત થઈ નથી.

બોકો હરામ ઐતિહાસિક રીતે સ્થિર અને સરળતાથી માહિતી આપતું ઑનલાઇન મીડિયા આઉટલેટ્સ વિકસાવી શક્યું નથી. એટલે સમૂહની પ્રવૃત્તિને વ્યવસ્થિત રીતે ટ્રૅક કરવી ઘણી મુશ્કેલ બને છે.

ઉત્તર સીરિયાનું ઉગ્રવાદી સંગઠન હયાત તહરીર અલ શામ(એચટીએસ)નું નિયંત્રણ ઇદબિલ પ્રાંતના મોટાભાગના વિસ્તાર પર છે.

આ સમૂહની પ્રવૃતિઓને પણ ટ્રૅક કરી શકાય તેમ નથી, કારણ કે સંગઠનની પ્રવૃતિઓમાં 6 માર્ચે કરેલાં શાંતિ કરાર બાદ ઘટાડો નોંધાયો છે.

જોકે આ કરારને વિવિધ પાર્ટી દ્વારા તોડવામાં આવી રહ્યો છે છત્તાં આના કરાર પછી ઇદબિલ અને તેના નજીકના વિસ્તારોમાં ઉગ્રવાદી હુમલાઓમાં ઘટાડો જોવા મળ્યો છે.

અલ કાયદાની સીરિયાની શાખા તરીકે કામ કરતા સંગઠન હુર્રાસ અલ દીને માર્ચ મહિનામાં કેટલીક ઘટનાઓને અંજામ આપ્યો છે, પરંતુ તે લો-પ્રોફાઇલ ઘટનાઓ હતી.

માર્ચના છેલ્લાં મહિનામાં સીરિયા પર ફોક્સ કરનારી જેહાદી પત્રિકાએ દાવો કર્યો હતો કે કોવિડ-19 પછી ઉત્તર સીરિયા સંઘર્ષમાં ઘટાડો જરૂર થયો છે, પરંતુ તે ઉગ્રવાદીઓના લાભમાં છે.

બાલાહ પત્રિકાએ વિસ્તારથી કહ્યું કે મહામારીના કારણે સીરિયા અને રશિયાના સશસ્ત્ર દળની પ્રાથમિક્તાઓ બદલાઈ ગઈ છે અને હવે તેમનું ધ્યાન મહામારી પર અંકુશ લાવવા પર છે.

આ સિવાય અન્ય સંગઠનોને આ અભ્યાસમાં એટલે સામેલ કરવામાં આવ્યા નથી કારણ કે તેમની અસર ઘણી સીમિત છે અને તે છુટી-છવાઈ ઉગ્રવાદી ઘટનાઓમાં સામેલ હોય છે.

જેમ કે યમનમાં સક્રિય અલ કાયદાની શાખા (એક્યૂએપી)એ ત્રણ મહિનામાં એવી ઘણી ઘટનાઓને અંજામ આપ્યો છે.

ઇસ્લામિક સ્ટેટે કરેલા હુમલા

ઇસ્લામિક સ્ટેટે માર્ચમાં કરેલાં હુમલાથી નક્કી થાય છે કે સંગઠનની પ્રવૃતિઓમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીની સરખામણીએ માર્ચમાં કોઈ ફરક પડ્યો નથી.

વાસ્તવિક્તા એ છે કે માર્ચના અંત અને એપ્રિલની શરૂઆતમાં, ઇસ્લામિક સ્ટેટે અનેક ખતરનાક હુમલા કર્યા છે, આમાં અફઘાનિસ્તાનમાં શીખો પર થયેલાં હુમલાથી લઈને મૉઝામ્બિક અને પશ્ચિમ આફ્રિકાના દેશોમાં સુરક્ષા દળ પર થયેલાં હુમલાનો સમાવેશ થાય છે.

દુનિયાભરમાં કોવિડ-19ના સંકટને ઇસ્લામિક સ્ટેટ અવસરમાં બદલવાના પ્રયત્નમાં લાગેલું છે.

માર્ચમાં ઇસ્લામિક સ્ટેટે પોતાના ઉગ્રવાદી હુમલાખોરો અને સમર્થકોને અપીલ કરી છે કે આ મહામારીના સમયમાં દુનિયાભરમાં વધારે ઉગ્રવાદી હુમલાઓ કરવામાં આવે.

સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે સરકાર અને તેમની સેના આ સમયે કોવિડ-19 પર અંકુશ મેળવવાના કામમાં છે આ સમયનો ફાયદો ઉઠાવવો જોઈએ.

ઉગ્રવાદી સંગઠને પોતાના સમર્થકોને કોવિડ-19થી બચવાની અપીલ પણ કરી છે. સંક્રમણથી બચવા માટે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા સિવાય સ્વચ્છતા રાખવાની પણ અપીલ કરી છે.

આ સિવાય સંક્રમિત વિસ્તારોમાં અવર-જવર પર મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે કેટલાંક પશ્ચિમી મીડિયા આઉટલેટ્સ પ્રમાણે ઇસ્લામિક સ્ટેટે પોતાના સાથીઓની યુરોપ યાત્રા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે જોકે ઇસ્લામિક સ્ટેટની ઍડવાઇઝરીમાં આવું કહેવામાં નથી આવ્યું.

આઈએસના હુમલાઓ

ઇસ્લામિક સ્ટેટે દુનિયાભરમાં માર્ચ મહિનામાં 163 હુમલાઓ કરવાનો દાવો કર્યો છે. ફેબ્રુઆરી મહિનામાં સંગઠન તરફથી 165 હુમલાઓનો દાવો કરવામાં આવ્યો હતો, જ્યારે જાન્યુઆરી મહિનામાં આ સંખ્યા 163 હતી.

એવામાં સ્પષ્ટ છે કે ત્રણ મહિનામાં ઇસ્લામિક સ્ટેટની પ્રવૃતિઓમાં ફેરફાર થયો હોય તેનો કોઈ સંકેત મળી રહ્યો નથી.

એપ્રિલ મહિનાના પહેલાં બે અઠવાડિયાં એટલે 15 એપ્રિલ સુધી વિવિધ દેશોમાં ઇસ્લામિક સ્ટેટે 95 હુમલા કર્યાનો દાવો કર્યો છે.

ઇસ્લામિક સ્ટેટના ઉગ્રવાદી હુમલાઓમાં મૃત્યુ પામનાર લોકોનો સિલસિલો હજુ ચાલુ છે. જાન્યુઆરીમાં ઇસ્લામિક સ્ટેટે કરેલાં હુમલાઓમાં 372 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે માર્ચ મહિનામાં 371 લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે ફેબ્રુઆરીમાં આ સંખ્યા 259 હતી.

ઇસ્લામિક સ્ટેટના નિશાના પર મુખ્યત્વે ઇરાક અને સીરિયા છે. આ સિવાય નાઇજિરિયા, ઇજિપ્ત, યમન અને અફઘાનિસ્તાનમાં સંગઠન સક્રિય છે. આ સિવાય માલીનું સાહેલ, નાઇઝર અને બુક્રિના ફાસો આ વિસ્તારોમાં છે જ્યાં ઇસ્લામિક સ્ટેટ હુમલો કરતું રહે છે.

ઇસ્લામિક સ્ટેટે પોતાના અઠવાડિક પત્ર અલ-નાબામાં સાહેલમાં થયેલાં હુમલા અંગે દાવો કરતો રહે છે પરંતુ આ સમાચાર પત્રમાં કરવામાં આવેલા દાવાનું અધ્યયન આમાં સામેલ કરવામાં આવ્યું નથી.

ઇરાકમાં એપ્રિલ મહિનામાં હુમલામાં વૃદ્ધિ જોવા મળી છે. 15 એપ્રિલ સુધી ઇસ્લામિક સ્ટેટે ઇરાકમાં 50 હુમલાની જવાબદારી લીધી છે.

આ પહેલાં આખા મહિના દરમિયાન પણ લગભગ એટલાં જ હુમલાઓની જવાબદારી સંગઠન લઈ રહ્યું હતું. જાન્યુઆરીમાં સંગઠને 40, ફેબ્રુઆરીમાં 50 અને માર્ચમાં 59 હુમલાઓની જવાબદારી લીધી હતી.

કોવિડ-19ના કારણે ઇરાકમાં અમેરિકાના નેતૃત્વવાળા સંગઠનની પ્રવૃતિઓ પર અસર અને ઇરાકમાં અમેરિકાના અભિયાનના અંકુશને કારણે ઇસ્લામિક સ્ટેટ સતત રિપોર્ટિંગ કરી રહ્યું છે. આ ઈરાન સમર્થિત શિયા ઉગ્રવાદીઓના અમેરિકન ઠેકાણાઓને નિશાને લેવાના ઉદ્દેશ્યને પણ વધારો આપે છે.

25 માર્ચે, ઇસ્લામિક સ્ટેટે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક ગુરુદ્વારા પર હુમલો કર્યો જેમાં 35 લોકો મૃત્યુ પામ્યા હતા. ઘટનાના બીજા દિવસે ઇસ્લામિક સ્ટેટે શોકમાં ડૂબેલા શીખ અને હિંદુઓ પર હુમલો કર્યો.

અહીં એ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે ઇસ્લામિક સ્ટેટ શીખ સમુદાય પર સામાન્ય રીતે હુમલો કરતું નથી. પરંતુ આ સંગઠને શીખો પર એટલે હુમલો કર્યો કારણ કે એક મહિના પહેલાં ઇસ્લામિક સ્ટેટની સામે તાલિબાન અને અફઘાનિસ્તાનના સૈનિકોએ કરેલાં સંયુક્ત અભિયાનનો તેઓ જવાબ આપવા માગતા હતા.

આના બે દિવસ પહેલાં, દુનિયાના બીજા છેડે એટલે મોઝામ્બિકના મહત્ત્વના શહેર અને ઉત્તરના ભાગમાં સ્થિત મોકિમબોઆ ધ પરિયા પર હુમલો કર્યો.

આ પછી આ જ પ્રકારે એપ્રિલમાં પણ ઉત્તર મોઝામ્બિકના શહેરોમાં ઇસ્લામિક સ્ટેટના ઉગ્રવાદીઓએ હુમલો કર્યો અને શહેરમાં ફરતાં હતા તેનો વીડિયો બનાવ્યો.

વીડિયોમાં ઇસ્લામિક સ્ટેટના ઉગ્રવાદીઓએ પોલીસ ફૉર્સ જેવા જોવા મળી રહ્યા હતા.

23 માર્ચે નાઇજીરિયાના ઉત્તર પૂર્વ રાજ્ય યોબેમાં ઇસ્લામિક સ્ટેટના હુમલામાં ઓછામાં ઓછા 70 સૈનિકો મૃત્યુ પામ્યા હતા. જોકે ઇસ્લામિક સ્ટેટે 100 લોકોને મારવાનો દાવો કર્યો છે.

છ એપ્રિલે ચાડની સરહદ પાસેના લેક ચાડ બેસિનમાં થયેલાં હુમલામાં પણ ઇસ્લામિક સ્ટેટે મલ્ટિનેશનલ આફ્રિકી ટાસ્ક ફોર્સના 70 સૈનિકોને મારી નાખવાનો દાવો કર્યો હતો.

27 માર્ચે ઇસ્લામિક સ્ટેટે કેટલીક તસવીર જાહેર કરી હતી જેમાં ઉગ્રવાદી લેક ચાડ બેસિનના સ્થાનિક લોકોની વચ્ચે ધાર્મિક કાર્ય કરતા જોવા મળી રહ્યા છે.

ઇસ્લામિક સ્ટેટના ઉગ્રવાદીઓની આવી તસવીર પહેલીવાર સામે આવી છે.

સાહેલમાં અલકાયદાનું સહયોગી સંગઠન, જેએનઆઈએમ

અલ કાયદાના સૌથી સક્રિય જૂથ જમાત નુસરત અલ સ્લામ વાલ મુસલીમીન (જેએનઆઈએમ)ની ઉગ્રવાદી હિંસામાં મૃત્યુ પામનારની સંખ્યા 2020ના પહેલાં બે મહિનાની સરખામણીએ માર્ચમાં વધી ગઈ છે.

આ ઉગ્રવાદી જૂથ પશ્ચિમ આફ્રિકાના સાહેલ વિસ્તારમાં સક્રિય છે, ખાસ કરીને માલી, બુર્કીના ફાસો અને નાઇઝરમાં આની સક્રિયતા છે. અને આ એ વિસ્તાર છે જ્યાં કોવિડ-19નું સંક્રમણ હજુ મોટા પ્રમાણમાં ફેલાયું નથી.

એપ્રિલ મહિના સુધી આ ત્રણ દેશમાં કોવિડ-19ના કેસની સંખ્યા હજાર સુધી પહોંચી ગઈ હતી અને મૃત્યુ પામનારની સંખ્યા ઘણી ઓછી છે.

કોરોના વાઇરસના સંક્રમણથી જેએનઆઈએમની પ્રવૃતિમાં ઘટાડો થયો નથી પરંતુ મધ્ય માર્ચમાં માલીમાં થનારી ચૂંટણી રદ થઈ છે.

આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો જેનએઆઈએમે જેટલાં હુમલા જાન્યુઆરીમાં કર્યા, લગભગ તેટલાં જ માર્ચમાં કરવામાં આવ્યા પરંતુ ફેબ્રુઆરીમાં આની સંખ્યા હંમેશ કરતા ઓછી રહી. જેએનઆઈએમે માર્ચમાં 87 લોકોને મારવાનો દાવો કર્યો છે. આ આંકડો જાન્યુઆરી કરતાં બે ગણો વધારે છે અને ફેબ્રુઆરીમાં 10 લોકોનાં મૃત્યુથી ઘણો વધારે છે.

19 માર્ચે, જેએનઆઈએમે 2020ના પહેલાં ત્રણ મહિનામાં સૌથી ખતરનાક હુમલો સેન્ટ્રલ માલીના મિલિટરી બૅઝ પર કર્યો અને 30 સૈનિકોની હત્યા કરવામાં આવી.

સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર આ હુમલામાં 30 સૈનિક મૃત્યુ પામ્યા હતા.

જેએનઆઈએમે પહેલીવાર કોવિડ-19નો ઉલ્લેખ 10 એપ્રિલે પોતાના નિવેદનમાં કર્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારી એક રીતે ફ્રાન્સને ખુદા દ્વારા આપવામાં આવેલી એક સજા છે.

ઉગ્રવાદી સંગઠને એક નિવેદનમાં એ આશા દર્શાવી હતી કે વાઇરસની ઝપેટમાં આવ્યા પછી ફ્રાન્સ માલીથી પોતાનું સૈન્ય હઠાવશે.

આ દરમિયાન સમૂહ રાજકીય રીતે પણ ઘણો સક્રિય રહ્યો. માર્ચમાં જેએનઆઈએમે અકલ્પનીય પગલું ભરતાં કહ્યું કે વર્ષોથી ચાલી રહેલી આ હિંસા પૂર્ણ કરવા માટે માલી સરકાર સાથે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ વાતચીત માટે માત્ર એક શરત હતી કે ફ્રાન્સ માલીમાંથી પોતાના સૈન્યને બહાર કાઢે.

જોકે જેએનઆઈએમે કહ્યું કે વાતચીતની રજૂઆતનો એ મતલબ નથી કે તે હુમલાઓ બંધ કરી દેશે.

આના પછી 25 માર્ચે ટિમ્બક્ટૂના ઉત્તરી વિસ્તારમાંથી વિપક્ષના નેતા સુમાઈલા સિસેના અપહરણનો આરોપ આ સંગઠન પર લાગ્યો.

આ હાઈપ્રોફાઇલ અપહરણની જવાબદારી જેએનઆઈએમએ હાલ સુધી સ્વીકારી નથી. જોકે, સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર જેએનઆઈએના વરિષ્ઠ નેતાએ એમબાડૂ કોઉફાએ કહ્યું છે કે આ અપહરણ પાછળ તેમના સંગઠનનો હાથ છે.

સોમાલિયાનું અલ-શબાબ

સોમાલિયામાં કોરોના વાઇરસની અસર મોટા પ્રમાણમાં જોવા મળી નથી અને સોમાલિયામાં અલ કાયદાના સહયોગી સંગઠન અલ શબાબની પ્રવૃતિઓ પર કોરોનાની કોઈ અસર થઈ નથી.

માર્ચમાં અલ શબાબે 101 ઉગ્રવાદી હુમલાઓની જવાબદારી લીધી છે જ્યારે સંગઠને ફેબ્રુઆરી મહિનામાં 95 અને જાન્યુઆરી મહિનામાં ઓછામાં ઓછા 83 હુમલા કર્યા હતા.

એપ્રિલના પહેલાં બે અઠવાડિયા દરમિયાન અલ શબાબે કુલ 59 હુમલા કર્યા હતા.

અલ કાયદાનું સમર્થન કરતું મીડિયા સમૂહ થાબાત, દુનિયામાં અલ કાયદાના હુમલાઓનું રાઉન્ડ અપ પ્રકાશિત કરે છે.

આ પ્રકાશન પ્રમાણે માર્ચમાં અલ શબાબે 130 હુમલાઓને અંજામ આપ્યો છે જેમાં કથિત રીતે 487 લોકોનાં મૃત્યુ થયા છે. આમાં કેન્યામાં પણ સાત હુમલાઓ થયા છે.

અલ શબાબે બે મોટા હુમલામાં એક હુમલો 29 માર્ચે કર્યો હતો. દક્ષિણી શાબેલે વિસ્તારમાં થયેલાં બૉમ્બ બ્લાસ્ટમાં આફ્રિકી યુનિયનના સાત શાંતિદૂતના મૃત્યુ થયા હતા.

સેન્ટ્રલ અને દક્ષિણ સોમાલિયામાં અલ શબાબના લડવૈયા પર સરકારી સૈન્ય અભિયાનમાં પણ કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી.

સોમાલિયામાં પણ કોરોના વાઇરસના મોટા પ્રમાણમાં કેસ જોવા મળી રહ્યા નથી. જ્હોન હૉપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર લેખ લખાયો ત્યાં સુધીમાં 1731 કેસની પુષ્ટિ થઈ છે અને 97 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

માર્ચના અંતિમ દિવસોમાં અલ શબાબે મહામારી દરમિયાન હુમલા ચાલુ રાખવાનું એલાન કર્યું હતું.

સોમાલિયાની સરકારે દેશભરમાં 16 માર્ચે સાર્વજનિક જગ્યાઓ પર ભીડ કરવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સાથે જ સ્કૂલ અને મસ્જિદ બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું.

અલ શબાબે મસ્જિદ બંધ કરવાનો નિર્ણયની નિંદા કરતાં 6 એપ્રિલે કહ્યું હતું કે કોવિડ-19ને અલ્લાહે કાફિરોને સજા આપવા માટે મોકલ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો