You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૉકડાઉન 5.0 : 31 મે બાદ લૉકડાઉન રહેશે કે છૂટછાટો અપાશે?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં દેશવ્યાપી ચોથા તબક્કાનું લૉકડાઉન પૂરું થવામાં હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે.
આ દરમિયાન આગળની રણનીતિ પર વાત કરવા માટે ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક પણ કરી હતી. નોંધનીય છે કે અત્યાર સુધી રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે આ ચર્ચા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ કરતા હતા.
આ બેઠક બાદથી જ એ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ભારતમાં પાંચમાં તબક્કાના લૉકડાઉનનું સ્વરૂપ કેવું હશે? કયાં શહેરો અને વિસ્તારોને લૉકડાઉનમાં છૂટ અપાશે તેમજ કઈ વસ્તુઓ અને સેવાઓ ફરીથી પૂર્વવત્ બનાવાશે?
ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠક પહેલાં કૅબિનેટ સૅક્રેટરી રાજીવ ગાબાએ રાજ્યોના મુખ્ય સચિવો સાથે વાત કરી હતી. તેમનું ધ્યાન 13 શહેરો પર કેન્દ્રિત હતું, જ્યાં કોરોનાના સૌથી વધુ કેસો સામે આવ્યા છે.
ચોથા તબક્કાના લૉકડાઉનમાં રાહતો આપવાની સાથે દેશમાં કોરોના સંક્રમણની ઝડપમાં પણ વધારો જોવા મળ્યો છે. જોકે, તેની આશંકા પહેલાંથી વ્યક્ત કરાઈ રહી હતી. પરંતુ જે પાંચ રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે, તે રાજ્યો કેન્દ્ર સરકાર માટે પણ ચિંતાનો વિષય બની ગયાં છેતેથી સંભવ છે કે સરકારના આગામી નિર્ણયોનું ફોકસ આ રાજ્યો પર વધુ હશે. એ વાતથી પણ ઇન્કાર ન કરી શકાય કે પાછલા તબક્કાની જેમ આ વખતે પણ મોટા ભાગના અધિકારો રાજ્ય સરકારોને જ આપવામાં આવશે.
કર્ણાટક સરકારે ટ્વીટ કરીને કહ્યું કે તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે જે રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ વધુ છે, એ રાજ્યોમાંથી સીમિત સંખ્યામાં ફ્લાઇટ તેમના રાજ્યમાં મોકલવામાં આવે.
તેમજ સડકમાર્ગે પણ અન્ય રાજ્યોથી કર્ણાટકમાં આવનાર મુસાફરો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ એ વાતનો સંકેત આપે છે કે રાજ્ય સરકારો લૉકડાઉનના આગામી તબક્કામાં પોતાની ભૂમિકા વધુ મોટી કરવા માગે છે.
ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેને મુખ્ય મંત્રીઓની બેઠકમાં પહેલાં જણાવ્યું કે તબક્કાવાર લૉકડાઉનની પરિસ્થિત હળવી બનાવવા માટે જે પણ શ્રેષ્ઠ ઉપાયો હશે તે તેઓ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તેમની સરકાર કેન્દ્રના નિર્ણયનો અમલ કરશે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી જયંત પાટિલે બે દિવસ પહેલાં પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું કે રાજ્ય સરકાર વધુ કેટલીક સેવાઓમાં રાહત આપવાનું વિચારી રહી છે, પરંતુ તેઓ કેન્દ્રના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.
હાલમાં જ હિમાચલ પ્રદેશની સરકારે બે જિલ્લામાં લૉકડાઉનને સ્થાને કર્ફ્યુના આદેશ આપી દીધા છે. આ તમામ રાજ્યોના ઉદાહરણ વડે એ અનુમાન લગાવી શકાય છે કે આવનારા દિવસોમાં રાજ્ય સરકારો પોતપોતાના સ્તરે આ પ્રકારના નિર્ણયો લેતી રહેશે.
એ પણ શક્ય છે કે કેન્દ્ર સરકારના આગામી આદેશને લૉકડાઉન ન કહેવામાં આવે, બલકે પરંતુ તેઓ માત્ર એ નિયમોની યાદી જાહેર કરી શકે છે, જે 15 દિવસ સુધી અમુક પ્રવૃત્તિઓ કે સેવાઓ પર પ્રતિબંધ લાદશે કે જે તે પ્રવૃત્તિઓ કે સેવાઓને પૂર્વવત્ બનાવવાની ભલામણ કરાઈ હોય.
રેડ ઝોન અને માર્કેટ
ઉદ્યોગજગતે પાછલા લૉકડાઉન પહેલાં આર્થિક પૅકેજની માગણી કરી હતી. તેમની એ માગણી સંતોષાઈ ચૂકી છે અને મોટા ભાગની જગ્યાઓએ કામ શરૂ થઈ ચૂક્યું છે. હાલ તેઓ શ્રમિકોની અછતના પડકારનો સામનો કરી રહ્યા છે.
પરંતુ હાલ તેમની પાસે જેટલા મજૂરો છે તેમની મદદથી તેમણે કામ શરૂ કરી દીધું છે.
જથ્થાબંધ વેચાણ કરતા વેપારીઓ દ્વારા દુકાનો ખોલવામાં તો આવી, પરંતુ તેઓ ગ્રાહક અને કર્મચારી બંનેની અછત સામે ઝઝૂમી રહ્યા છે.
કૉફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅટ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ ખંડેલવાલે બીબીસીને જણાવ્યું કે હાલ માત્ર 10 ટકા દુકાનો જ ખૂલી છે, પરવાનગી મળ્યા છતાં હજુ પણ લોકોમાં ભય છે.
રેડ ઝોનમાં આવેલા કેટલાંક બજારો હજુ પણ બંધ છે. વેપારીઓ રાજ્ય સરકારને માગ કરી રહ્યા છે કે દુકાનો ખોલવાનો સમય વધારવામાં આવે, જેથી તેમની આવક વધે, સાથે જ વીજળી-પાણીના બિલમાં પણ રાહત આપવામાં આવે.
23 મેના રોજ જ દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશને પણ પોતાની તૈયારીઓને લગતી એક તસવીર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ ટ્રેન સેવા શરૂ કરવા માટે બિલકુલ તૈયાર છે, પરંતુ હજુ સુધી તેમને મંજૂરી નથી મળી.
દિલ્હીમાં ગુરુવારે એક હજાર કરતાં વધુ નવા મામલા સામે આવ્યા છે. આવી પરિસ્થિતિમાં મેટ્રો શરૂ કરવાનો નિર્ણય જોખમરૂપ હોઈ શકે છે.
આ સિવાય મહારાષ્ટ્ર સરકારે પણ સરકારી કર્મચારીઓની અવરજવાર માટે મુંબઈ લોકલ શરૂ કરવાની પરવાનગી કેન્દ્ર સરકાર પાસેથી માગી છે. ડોમેસ્ટિક વિમાનસેવા અને ટ્રેનસેવા શરૂ કરવાના કારણે પણ કેન્દ્ર સરકાર હાલ દબાણમાં હોય તેવું લાગી રહ્યું છે.
જોકે, આંતરરાષ્ટ્રીય વિમાનસેવા શરૂ કરવા માટે ઑગસ્ટ માસ સુધી રાહ જોવી પડી શકે છે. જેમ જેમ લૉકડાઉનમાં રાહતોની સંખ્યા વધારાતી જઈ રહી છે, તેમ તેમ લોકો જરૂરિયાત સિવાયની અન્ય વસ્તુઓની માગ પણ કરી રહ્યા છે. કર્ણાટક સરકારે એક જૂનના રોજ કેટલાંક મંદિર, મસ્જિદ અને ચર્ચ ખોલવાના સંકેત આપ્યા છે.
માત્ર કર્ણાટકમાં જ મંદિરોમાં આવનાર દાન બંધ થઈ જવાને કારણે 133.56 કરોડનું નુકસાન થયું છે. કંઈક આવી જ પરિસ્થિતિ કેરળના મંદિરોની પણ છે. તેમજ પંજાબમાં પણ અકાલ તખ્ત કહી રહ્યું છે કે જો દારૂની દુકાનો શરૂ થઈ શકે છે તો પછી ગુરુદ્વારા કેમ નહીં.
ઉત્તર પ્રદેશના કાદંબરી મઠના મહંતે પણ કંઈક આવી જ માગ ઉઠાવી છે. પરંતુ મંદિર ખોલવાથી સૌથી વધુ સમસ્યા પ્રસાદ વિતરણમાં આવશે. કોરોના સંક્રમણને લીધે કોઈ પણ વસ્તુને અડક્યા બાદ હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે, આવી પરિસ્થિતિમાં પ્રસાદવિતરણ માટે મંદિરોમાં શી વ્યવસ્થા હશે, એ બાબતે સ્પષ્ટતા નથી.
આ સિવાય સિરિયલો અને ફિલ્મોના શૂટિંગનો મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે. પાછલા બે માસથી ફિલ્મોની રિલીઝ અને સિરિયલોનું શૂટિંગ સદંતર અટકી ગયું છે. મહારાષ્ટ્રમાં મનોરંજનઉદ્યોગના પ્રતિનિધિઓએ આ મુદ્દે સરકાર સાથે વાતચીત કરી હતી.
આ બેઠકમાં કયા પ્રકારના નિયમોનું અનુસરણ કરીને ફરીથી કામ શરૂ કરવામાં આવે એ મુદ્દે ચર્ચા કરાઈ હતી. સાથે જ મનોરંજનઉદ્યોગ માટે પણ રાહતપૅકેજ જાહેર કરવાની માગ કરાઈ હતી. જોકે, હાલ ફિલ્મોના પોસ્ટ પ્રોડક્શનનું કામ કેટલીક હદે શરૂ થઈ ચૂક્યું છે.
ગ્રીન ઝોનમાં ફિલ્મોના શૂટિંગની પણ પરવાનગીઓ અપાઈ છે. પરંતુ બીજી તરફ મૉલ, સિનેમાઘર, સ્કૂલો અને રેસ્ટૉરાંમાં પરિસ્થિતિ પહેલાં જેવી બને એ માટે થોડી વધુ રાહ જોવી પડશે. સાથે જે જગ્યા રાહત કે છૂટછાટ આપવામાં પણ આવશે તે એક મીટરનું અંતર જાળવવાની અને માસ્ક પહેરવાની અને વારંવાર હાથ ધોવાની શરતો સાથે જ આપવામાં આવશે તે નક્કી છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો