કોરોના વાઇરસ : શું ભારતમાં હવે ફરીથી લૉકડાઉન નહીં આવે?

    • લેેખક, ગુરપ્રીત સૈની
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં રેલસેવા તબક્કા વાર શરૂ થઈ છે. શ્રમિક ટ્રેનો બાદ રાજધાની રૂટ્સ પર 30 ટ્રેન શરૂ કરાઈ છે. હવે એક જૂનથી 200 વધુ ટ્રેન દોડાવાશે. 25 મેથી હવાઈસેવા પણ શરૂ થવાની છે.

કહેવાય છે કે આવાગમનનાં આ સાધનો સૌથી છેલ્લે ખૂલશે, તો શું આ સંકેત છે કે દેશમાં લૉકડાઉન હવે આગળ નહીં વધારાય?

અર્થશાસ્ત્રી પ્રોફેસર અરુણ કુમારે કહે છે કે વેપાર-ધંધાનું પ્રેશર છે, જેને કારણે હાલના સમયમાં લૉકડાઉનમાં છૂટ મળી છે. ઉમેદ છે કે જલદી લૉકડાઉનથી છુટકારો મળશે.

હાલમાં દેશમાં લૉકડાઉન ચોથા તબક્કામાં છે, જે 31 મે સુધી ચાલશે. ચોથા તબક્કામાં જ દેશમાં ઘણી બધી છૂટ આપવામાં આવી છે. ઘણી આર્થિક ગતિવિધિઓ પણ શરૂ કરાઈ છે.

લોકોએ કામ પર જવાનું શરૂ કરી દીધું છે. રસ્તા પર મોટરસાઇકલ, કાર અને ઑટોરિક્ષા દેખાય છે.

આંતરરાજ્ય યાત્રી પરિવહન બે રાજ્યની આંતરિક સહમતી બાદ શરૂ કરવાની મંજૂરી પણ મળી છે.

જોકે મોટી સંખ્યામાં લોકોના ભેગા થવા પર રોક હજુ પણ યથાવત્ છે. બધાં સિનેમાહૉલ, શૉપિંગ મૉલ, જિમ, સ્વિમિંગ-પૂલ, એન્ટરટેઇમેન્ટ પાર્ક, થિયેટર, ઑડિટોરિયમ, બાર, સંસદહૉલ બધું બંધ છે.

સૌથી પહેલાં પ્રતિબંધ લગાવનારા દેશોમાં એક

ભારત એ દેશોમાં છે જેણે પહેલાં જ કડક યાત્રા પ્રતિબંધ લાદ્યા હતા. શરૂઆતમાં વિઝા કેન્સલ કરી દીધા હતા અને બધી ઇન્ટરનેશનલ ફ્લાઇટને રોકી દીધી હતી.

લૉકડાઉન શરૂ થતાં જ ભારતે દેશની અંદર પણ ટ્રેન અને હવાઈસેવા રોકી દીધી.

25 મેના રોજ લૉકડાઉનને બે મહિના થશે. આ સતત ચાલતાં લૉકડાઉને ભારત સામે ઘણા પડકારો પણ ઊભા કર્યા છે.

જ્યારે 21 દિવસ પછી લૉકડાઉનનો પહેલા તબક્કો પૂરો થયો અને તેને આગળ વધાર્યું ત્યારથી કોરોના સામે ઝૂઝતા દેશ સામે વધુ એક સંકટ આવી પડ્યું. દહાડી કરતા પ્રવાસી મજૂરો પોતાના વતન જવા માટે પગપાળા નીકળી પડ્યા.

તેમના માટે શ્રમિક ટ્રેનો અને બસો દોડાવાઈ, પરંતુ તેમ છતાં પ્રવાસી મજૂરોની ચિંતા ઓછી ન થઈ અને તેઓનું માદરે વતન જવાનું ચાલુ રહ્યું.

મે મહિનાની શરૂઆતમાં કેટલાક ટ્રાન્સપૉર્ટરથી વીડિયો કૉન્ફરન્સિંગથી વાત કરતાં કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ પણ કહ્યું હતું કે જલદી પબ્લિક ટ્રાન્સપૉર્ટ શરૂ કરાશે. તેનાથી લોકોમાં આત્મવિશ્વાસ આવે અને પોતાના ઘર તરફ જતાં પ્રવાસી મજૂરો પણ રોકાઈ જાય, કેમ કે તેમને એવું લાગે કે હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે.

ઍપોલો હૉસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. સુબ્રમણ્યમ પણ માને છે કે હવે લૉકડાઉન ખોલવું એટલા માટે પણ જરૂરી થઈ ગયું છે કે તેનાથી લોકોની આજીવિકાને અસર થઈ છે.

તેઓ કહે છે, "સરકારે કેટલીક છૂટ આપીને આ સમસ્યાને નિવારવાની કોશિશ કરી, પરંતુ લિમિટેડ વેપાર અને દુકાનો ખૂલશે તો માગ પણ વધશે. તેનાથી લોકોની ભીડ એક જગ્યાએ એકઠી થશે. આથી બની શકે કે સરકાર વિચાર કરે કે લૉકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવામાં આવે."

શું સ્થિતિ સામાન્ય થઈ જશે?

પરંતુ લૉકડાઉન પૂરું થતાં શું પરિસ્થિતિ સામાન્ય થઈ જશે? સ્વાસ્થ્ય વિશેષજ્ઞ આ વાત સાથે સહમત નથી.

ડૉ. સુબ્રમણ્યમ કહે છે, "સરકાર કહી રહી છે કે ટ્રેન, હવાઈસેવા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાશે. દરેક પ્રકારની સાવધાની સાથે કોરોના સાથે જીવવા શીખવું પડશે."

જોકે ભારતમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. ભારતમાં ગુરુવારે 24 કલાકમાં 5,609 નવા કેસ નોંધાયા હતા.

આથી જો લૉકડાઉન ખતમ કરી નાખવામાં આવે તો સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે આ ખતરનાક પણ થઈ શકે છે, કેમ કે વૈજ્ઞાનિક રીતે એ સલાહ આપવામાં આવે છે કે લૉકડાઉન ત્યારે ખૂલવું જોઈએ જ્યારે પ્રતિદિન કેસ ઓછા થવા લાગે.

ડૉ. સુબ્રમણ્યમ કહે છે, "જો દેશની હાલની પરિસ્થિતિ જોવામાં આવે તો મારા મતે લૉકડાઉન ધીમેધીમે હઠાવવું પડશે. પરંતુ એ જોવું પડશે કે શું લૉકડાઉન ખતમ કરવાનો આ યોગ્ય સમય છે અને જે રીતે લૉકડાઉન ખતમ કરાઈ રહ્યું છે એ યોગ્ય રીત છે. જો આપણે લૉકડાઉન ખોલી નાખ્યું અને આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરીએ અને ભીડને એકઠી થતા રોકી નહીં શકીએ તો કેસની સંખ્યા વધવાનું નક્કી છે."

રેલવેએ ટ્રેનની સંખ્યા વધુ 200 વધારવાની તૈયારી કરી લીધી છે. જોકે ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કેટલું પાલન થશે અને લોકો એકબીજાના સંપર્કમાં આવવાથી કેટલા બચી શકશે એ ચિંતાનો વિષય બન્યો છે.

સાથે જ નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપ પૂરીએ પણ કહ્યું છે કે તેઓ વિમાનમાં વચ્ચેની સીટ ખાલી નહીં રાખે. દેખીતી રીતે જ તેમાં આર્થિક કારણ છે, પરંતુ તેનાથી સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની ચિંતા વધી ગઈ છે.

સૌથી વધુ નવા કેસ આવનારા ચાર દેશોમાં સામેલ ભારત

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, દુનિયાભરમાં ગુરુવાર પહેલાં 24 કલાકમાં જે નવા કેસ સામે આવ્યા તેમાં બે તૃતીયાંશ કેસ માત્ર ચાર દેશમાં નોંધાયા છે, જેમાં ભારત પણ સામેલ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બુધવારે એ ચેતવણી આપી હતી કે 'કોરોના વાઇરસ મહામારીને લઈને એવું ન સમજવું જોઈએ કે આ સમાપ્તિ તરફ છે.'

જીનીવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડહેનૉમ ગ્રેબીયેસસે કહ્યું કે "જેમજેમ ધનિક અને વિકસિક દેશો લૉકડાઉનમાંથી નીકળી રહ્યા છે, કોરોના વાઇરસનું સંક્રમણ ગરીબ દેશોમાં ફેલાઈ રહ્યું છે."

તેઓએ કહ્યું, "આપણે બહુ લાંબું અંતર કાપવાનું છે. અમને ચિંતા છે કે આ મહામારી હવે નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશમાં વધી રહી છે."

સંક્રમણની બીજી લહેરનો ખતરો

ઘણા દેશો છે જ્યાં લૉકડાઉન ખતમ કરી દેવાયું કે પછી પ્રતિબંધોમાં છૂટ અપાઈ. જોકે ઘણી જગ્યાએ જોવા મળ્યું છે કે લૉકડાઉન બાદ ત્યાં સંક્રમણની બીજી લહેર આવવાનો ખતરો વધી ગયો છે.

ચીનમાં નવા કેસ સામે આવવા લાગ્યા છે, દક્ષિણ કોરિયામાં પણ નાઇટ ક્લબ સાથે જોડાયેલા નવા કેસ આવ્યા છે. બાદમાં અહીં ફરી પ્રતિબંધ લાદવા પડ્યા.

લાંબા લૉકડાઉન પછી યુરોપના ઘણા દેશો પણ હવે પોતાની અર્થવ્યવસ્થા પર ધ્યાન આપી રહ્યા છે અને લાગુ કરેલા પ્રતિબંધોમાં છૂટ આપી રહ્યા છે.

જોકે યુરોપિયન સંઘની એજન્સી યુરોપિયન સેન્ટર ફૉર ડિસીઝ પ્રિવેન્શન ઍન્ડ કંટ્રોલના નિદેશક ડૉક્ટર ઍડ્રિયા અમ્મૉને ચેતવણી આપી છે કે યુરોપે કોરોના વાઇરસની બીજી લહેર માટે તૈયાર રહેવું જોઈએ.

અર્થશાસ્ત્રી અરુણ કુમારે કહે છે કે લૉકડાઉન ખોલ્યું તો કદાચ ભારત સાથે પણ આવું ન થાય, કેમ કે એક વાર લૉકડાઉન ખોલ્યા બાદ ફરીથી લૉકડાઉન જેવા પ્રતિબંધ લાદવા પડે તો અર્થવ્યવસ્થાને વધુ નુકસાન થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો