કોરોના BRTS બસસ્ટૉપકાંડ : 'મારા ઘર નજીક બાપુજીનો મૃતદેહ પડ્યો હતો અને અમને ખબર જ નહોતી'

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદના દાણીલીમડા બીઆરટીએસ બસસ્ટૉપ જે કોરોના દરદીનો મૃતદેહ મળી આવ્યો હતો તેમના પુત્રે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના 'દરદીને મરજીથી ઘરે મોકલ્યા' એ મુજબના નિવેદન સામે સવાલ કર્યો છે કે, તબિયત સારી નહોતી તો પણ એમને હૉસ્પિટલથી કેમ મોકલી દેવામાં આવ્યા?

કોરોના દરદી ગણપત મકવાણાનો મૃતદેહ 14 તારીખે અમદાવાદમાં દાણીલીમડા બીઆરટીએસ બસસ્ટૉપ પર બિનવારસી મળી આવ્યો હતો.

મૃતદેહ મળી આવ્યો તેના 4 દિવસ અગાઉ તેમને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગણપતભાઈની ઉંમર 67 વર્ષ હતી અને તેઓ મિલમાં કામ કરતા હતા તથા દાણીલીમડા વિસ્તારમાં રહેતા હતા.

દાણીલીમડાનો સમાવેશ અમદાવાદના ગંભીર રીતે કોરોના સંક્રમિત વિસ્તારોમાં થાય છે અને તે કેન્ટેઇન્મેન્ટ ઝોનમાં સામેલ છે.

આ ઘટના પછી વિવાદ થતા તંત્ર જાગ્યું હતું. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા હતા.

ગણપત મકવાણાના મૃત્યુની તપાસ રાજયવેરા વિભાગના મુખ્ય કમિશનર, પ્રિન્સિપલ સેક્રેટરી જેપી ગુપ્તાને સોંપવામાં આવી હતી જે પૂર્ણ થઈ ગઈ છે અને તેનો અહેવાલ સરકારને રજૂ કરવામાં આવ્યો છે.

નીતિન પટેલે શું કહ્યું હતું?

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ નીતિન પટેલે કહ્યું કે, 'દરદી ગણપત મકવાણાની ઇચ્છા અનુસાર બસ ડ્રાઇવરે તેમને થોડે દૂર દાણીલીમડા બસ સ્ટેન્ડે ઉતાર્યા હતા.'

નાયબ મુખ્ય મંત્રીએ કહ્યું કે દરદી ગણપત મકવાણાનું ઘર એ બસસ્ટૉપથી 400 મીટર દૂર આવેલું છે.

અમદાવાદની યુ.એન. મહેતા હૉસ્પિટલ ખાતે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું, "જે પ્રમાણે મને માહિતી મળી તે મુજબ આ દરદીએ ઘરે રહેવાની માગણી કરી હતી અને જેમને અમુક શરતોને આધારે પરવાનગી આપવામાં આવી હતી. તેમના સહિત કુલ ત્રણ દરદીઓ બસમાં બેઠા હતા. તેમની ઇચ્છા અનુસાર તેમને દાણીલીમડાથી થોડે આગળ ઉતારવામાં આવ્યા હતા."

નીતિન પટેલે વધુમાં કહ્યું, "પોલીસે આપેલી માહિતી અનુસાર, ગણપત મકવાણા બસ સ્ટેન્ડે હાજર હતા અને બિસ્કિટ ખાધાં હતાં. કેટલાક લોકો સાથે વાતો કરી હતી. ઘરેથી નજીક હોવા છતાં તે ઘરે નહોતા પહોંચ્યા.

"બની શકે કે તેમનું ઑક્સિજન લેવલ ઘટી ગયું હોય અથવા કોઈ બીજું કારણ હોય. તેઓ બસ સ્ટેન્ડે 11 વાગ્યા સુધી બેસી રહ્યા અને પછી મૃત્યુ પામ્યા. તેમના પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે."

નીતિન પટેલની આ વાત સામે તેમજ હૉસ્પિટલના વ્યવસ્થાપન સામે મૃતક ગણપત મકવાણાના પુત્ર કીર્તિભાઈ મકવાણાએ સવાલો ઊભા કર્યા છે.

પુત્રના સવાલો

મૃત્યુ પામનાર કોરોના દરદી ગણપત મકવાણાના પુત્ર બીબીસીને કહ્યું કે તેમણે નીતિનભાઈ પટેલે આપેલા નિવેદન વિશે સાંભળ્યું છે.

નીતિન પટેલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા એમણે સવાલ કર્યો કે દરદીની પરિસ્થિતિ આવી ગંભીર હોય ત્યારે હૉસ્પિટલ એમની મરજીથી પણ કેવી રીતે મોકલી શકે?

બીબીસી સાથે વાત કરતાં કીર્તિભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે "જો મારા બાપુજી એક રાત કાઢી શકે તેમ નહોતા તો હૉસ્પિટલે કયા આધારે તેમને ઘરે મોકલ્યા? મારા પિતાજીએ બસસ્ટૉપ પર જીવ ગુમાવ્યો એ જ દર્શાવે છે કે તેમને સારવારની જરૂર હતી.

એમણે એમ પણ કહ્યું કે, "નીતિનભાઈએ કહ્યું કે કદાચ ઑક્સિજન લેવલ ઘટી જવાથી મારા પિતાજીનું મૃત્યુ થયું હશે પણ જો એવી ખરાબ હાલત હતી તો અમે ઘરે થોડો એમને ઑક્સિજન આપી શકવાના હતા?"

આ કેસમાં મૃત્યુ પામનાર ગણપતભાઈની સહમતીથી જ તેમને હોમ આઇસોલેશન માટે રજા આપવામાં આવી હતી તેવી માહિતી દાણીલીમડા પોલીસે આપી હતી એવું પુત્ર કીર્તિભાઈ મકવાણાએ કહ્યું હતું.

જોકે, ગણપતભાઈને રજા આપવામાં આવે છે અને તે હોમ આઇસોલેશનમાં રહેશે એવી કોઈ જાણકારી હૉસ્પિટલ દ્વારા પરિવારજનોને કરાઈ ન હતી.

કીર્તિભાઈ મકવાણાએ બીબીસીને કહ્યું કે, "બાપુજીને ઘરે મોકલે છે એવી હૉસ્પિટલ દ્વારા એવી કોઈ જાણકારી આપવામાં આવી ન હતી."

"જો તબિયત નાજુક હતી અને તેઓ એક રાત કાઢી શકે તેમ નહોતા તો કયા આધારે તેમને હોમ આઈસોલેશન માટે ઘરે મોકલી દીધા અને ઘરે આવ્યા હોત તો પણ અમે શું દવા કરી શકત?" એવો સવાલ પણ એ કરે છે.

જોકે વાત ફક્ત હૉસ્પિટલે જાણકારી ન આપી ત્યાં સુધી અટકતી નથી. ગણપત મકવાણાને બીઆરટીએસ બસસ્ટૉપ પર ઉતારવામાં આવ્યા ત્યારે પણ એમને ફોન કરીને જાણ કરવામાં આવી ન હતી અને એ રીતે એમનું મૃત્યુ થયું ત્યાં સુધી પરિવાર અજાણ રહ્યો હતો.

"મારા ઘર નજીક બસસ્ટૉપ પાસે બાપુજીનો મૃતદેહ પડ્યો હતો અને અમને ખબર જ નહોતી."

પિતાજીના મૃત્યુ વિશે માંડીને વાત કરતાં કીર્તિ મકવાણાએ બીબીસીને જણાવ્યું હતું કે "મારા બાપુજીને ત્રણ-ચાર દિવસથી તાવ હતો. છાતીમાં કફ હતો. બે દિવસથી ખોરાક નહોતો લેવાયો અને શ્વાસમાં તકલીફ પડતી હતી."

"અમે 108 બોલાવી અને 10મેએ સાંજે છ વાગ્યાની આસપાસ સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા. ત્યાં એક્સ-રે કર્યો અને કોરોનાનો રિપોર્ટ કાઢ્યો અને પછી ડૉક્ટરે તેમને દાખલ કર્યા હતા.

ગણપતભાઈને હૉસ્પિટલ કીર્તિભાઈ જ લઈ ગયા હતા. રાત્રે 10 વાગે હૉસ્પિટલે કીર્તિભાઈને ઘરે મોકલી દીધા અને મૃત્યુના એક દિવસ અગાઉ એમને હૉસ્પિટલ દ્વારા નહીં, પરંતુ વૉટ્સઍપ દ્વારા જાણ થઈ કે ગણપતભાઈને કોરોના છે.

કીર્તિભાઈ મકવાણા કહે છે કે, "એક સંબંધી દ્વારા વૉટ્સઍપ પર એક યાદી મળી હતી, જેમાં કોરોનાના દર્દીઓનાં નામ હતાં. એમાં મારા બાપુજીનું પણ નામ હતું. 13 તારીખે અમને એ જાણ થઈ અને 14 તારીખે અમારું ઘર ક્વોરૅન્ટીન કરવામાં આવ્યું."

"આ તમામ ઘટનાક્રમ બાદ અમને પોલીસ દ્વારા જાણ થઈ કે 14 તારીખે બાપુજીને સિવિલમાંથી રજા આપી દીધી હતી."

પોલીસનું કહેવું એવું છે કે તેમને હોમ આઇસોલેશન માટે મોકલવામાં આવ્યા હતા. 14 તારીખે તેમને બીઆરટીએસ બસ-સ્ટેન્ડ પાસે ઉતારી દીધા અને ત્યાંથી તેઓ ઘરે જ આવી શક્યા નહીં ત્યાં જ તેમણે દમ તોડી દીધો.

કીર્તિભાઈ મકવાણા કહે છે કે, "અમને તો ખબર જ નહોતી કે અમારા ઘર નજીક જ બાપુજીનો મૃતદેહ પડ્યો છે. બિનવારસી લાશ ગણીને તેમને પોસ્ટમૉર્ટમ માટે વીએસ હૉસ્પિટલ લઈ ગયા હતા."

"પોસ્ટમૉર્ટમ બાદ તેમના તેમના ખિસ્સામાંથી પરિવારના સભ્યનું નામ, સરનામું નીકળ્યું. એમાં અમારો મોબાઇલ નંબર હતો એને આધારે પોલીસે અમને જાણ કરી હતી. પોલીસે કહ્યું હતું કે, બિનવારસી હાલતમાં લાશ મળી હતી. તમે આવીને તપાસ કરી જાવ."

એક તપાસ પૂર્ણ પણ રિપોર્ટ સરકાર પાસે

આ કેસમાં ખૂબ હોબાળો થતા મુખ્ય મંત્રીએ આઈએએસ અધિકારી જે. પી. ગુપ્તાને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો જે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેનો અહેવાલ સરકારમાં રજૂ કરવામાં આવ્યો છે.

જે. પી. ગુપ્તાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "મને જે તપાસ સોંપવામાં આવી હતી એ તપાસ મેં પૂર્ણ કરી લીધી છે અને રિપોર્ટ સરકારને સોંપી દીધો છે."

જે.પી. ગુપ્તાને પૂછવામાં આવ્યું કે પરિવારે હૉસ્પિટલ સામે કેટલાક સવાલ ઉઠાવ્યા છે તે અંગે શું કહેશો?

જે. પી. ગુપ્તાએ એ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી પોતે તપાસ અહેવાલ રજૂ કર્યો છે અને સરકાર એને જાહેર કરશે એટલી જ વાત કરી.

આ ઘટનામાં મૃતક ગણપતભાઈના પુત્ર કીર્તિ મકવાણાએ પણ પોલીસને એક અરજી કરી તપાસ કરવા માટે વિનંતી કરી હતી જેના પર હજી તપાસ ચાલી રહી છે.

દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. આર. વસાવાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે "અમને વધુ તપાસ માટે અરજી મળી છે. અમે તપાસ કરી રહ્યા છીએ."

"અમારી જે તપાસ છે એ મુખ્યત્વે પુરાવા આધારિત રહેશે. જે કંઈ પુરાવા મળ્યા છે એ મુજબ તપાસ કરી રહ્યા છીએ અને હાલ કોઈ તારણ પર પહોંચ્યા નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો