કોરોના વાઇરસમાં મદદ : જ્યારે વિદ્યાર્થીઓએ ફાળો કરી મજૂરોને વિમાનમાં ઘરે મોકલ્યા

    • લેેખક, રવિ પ્રકાશ
    • પદ, રાંચીથી બીબીસી ગુજરાતી માટે

લૉકડાઉનમાં મજૂરોની વ્યથાની તસવીરો વચ્ચે ઝારખંડથી એક સારા સમાચાર આવ્યા છે.

રાંચીના બિરસા મુંડા ઍરપૉર્ટ પર ગુરુવારે મુંબઈથી પરત ફરનારા કેટલાક હસતાં ચહેરાને લોકોએ જોયા. આ તસવીરો એ મજૂરોની છે જે વિશેષ વિમાનથી રાંચી પહોંચ્યા છે.

ઝારખંડના આ 174 પ્રવાસી મજૂરોએ ગુરુવારની સવારે મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટથી ઉડાન ભરી હતી. સવા બે કલાક બાદ આ બધા લોકો રાંચીના બિરસા મુંડા ઍરપૉર્ટ પર હતા.

આ હવાઈયાત્રીઓમાંથી ઘણાએ પગમાં હવાઈચંપલ પહેર્યાં હતાં. તેમાંથી મોટા ભાગનાએ પહેલી વાર હવાઈયાત્રા કરી હતી.

આ લોકો રાજ્યના ગઢવા, હજારીબાગ, રાંચી વગેરે જિલ્લાના નિવાસી છે. કેટલાક મજૂરો એકલા પોતાના ઘરે ગયા, તો કેટલાક સાથે તેમનો પરિવાર પણ પરત ફર્યો હતો.

આ સુખદ છે કે તેમાંથી મોટા ભાગના લોકોને પરત ફરવા માટે ટ્રેનની ટિકિટ પણ મળી શકી નહોતી. હવે તેઓ વિમાનમાં પરત ફર્યા છે.

આ વિશેષ વિમાનનો ખર્ચ બેંગલુરુસ્થિત નેશનલ લૉ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉઠાવ્યો છે. તે લોકો અન્ય વિમાનોની પણ વ્યવસ્થા કરી રહ્યા છે, જેથી મજૂરોની સુખદ વાપસી થઈ શકે.

ઘર પરત ફરવાની ખુશી

મુખ્ય મંત્રી હેમંત સોરેને તેમને શુભકામનાઓ આપી છે.

મુખ્ય મંત્રીએ કહ્યું, "નેશનલ લૉ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સહયોગ તેમજ મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓ સહિત આ પુણ્ય કાર્યમાં સામેલ બધા કો-ઑર્ડિનેટરોના અથાક પરિશ્રમથી 174 મજૂરો સકુશળ ઘરે પહોંચ્યા. તેમના સારા અને અદ્વિતીય કાર્ય માટે હું ઍલુમનાઈ નેટવર્ક ઑફ નેશનલ લૉ સ્કૂલનો આભાર પ્રગટ કરું છું. તમારાથી પ્રેરિત થઈને અન્ય સંસ્થાઓ પણ ભવિષ્યમાં મદદ માટે આગળ આવશે."

આ વિમાનમાં આવનાર મુસાફરોમાં ગઢવા જિલ્લાના સંજયકુમાર ચૌધરી પણ છે.

તેઓએ કહ્યું, "મને ખુશી છે કે હું ઘરે પરત ફર્યો. મને નોંધણી માટે કહેવાયું હતું. તેના બે દિવસ પછી જણાવાયું કે એક પ્લેન 28 મેના રોજ સવારે મુંબઈથી રાંચી જશે. મારું પણ નામ તેમાં છે. ત્યારે મને વિશ્વાસ નહોતો થતો પણ હવે હું ઘરે આવ્યો છું. હું એક ઑપરેટર છું અને મેં અગાઉ ક્યારેય હવાઈયાત્રા કરી નથી. માટે આ બાબત આખી જિંદગી મને યાદ રહેશે."

આ વિમાનમાં આવેલાં મેરીની પણ આ પહેલી હવાઈયાત્રા હતી.

તેઓએ કહ્યું, હું એ બધા લોકોની આભારી છું, જેમની પહેલથી અમારી ઘરવાપસી થઈ. અમે હતાશ થઈ ગયા હતા, કેમ કે મુંબઈથી ઝારખંડ માટે ટ્રેનો નહોતી ચાલતી. જ્યારે ફ્લાઇટની ખબર પડી તો લાગ્યું કે કોઈ મજાક કરે છે. પણ આ મજાક નહોતી. અમે અમારી ધરતી પર આવી ગયા. હવે એ દુઃખ નહીં રહે કે પરદેશમાં એકલા છીએ."

ઝારખંડ સરકારની કોશિશ

રાંચી ઍરપૉર્ટ પર આ બધા યાત્રીઓનું સ્ક્રિનિંગ કરીને તેમને વિશેષ બસોથી તેમના ગૃહજિલ્લા માટે રવાના કરાયા. ઍરપૉર્ટ પર તેમના માટે પાણી અને સ્નેક્સની પણ વ્યવસ્થા કરાઈ હતી. બસો સેનિટાઇઝ કરીને તૈયાર રાખી હતી.

આ અગાઉ ઝારખંડ સરકારે પણ ગૃહમંત્રાલયને પત્ર લખીને મજૂરો માટે કેટલાંક ચાર્ટર્ડ પ્લેન ચલાવાની મંજૂરી માગી હતી. સરકાર અંદમાન, લદ્દાખ અને કેટલીક જગ્યાએથી મજૂરોને વિશેષ વિમાનથી ઝારખંડ પરત લાવવા માગે છે, જેમને ટ્રેન કે બસથી લાવવાનું શક્ય નથી.

રાજ્ય સરકારના એક મોટા અધિકારીએ નામ ગોપનીય રાખવાની શરતે જણાવ્યું કે આ કામ અંતિમ તબક્કામાં છે કે આ અઠવાડિયે કે કાલે પણ અમને કેટલીક ઉડાન માટે પરવાનગી મળી જાય. અમારું રાજ્ય દેશનું પહેલું એવું રાજ્ય હશે, જ્યાંની સરકાર મજૂરોને વિમાનમાં પાછા લાવશે.

પહેલી ટ્રેન પણ ઝારખંડ આવી હતી

મે મહિનામાં તેલંગણાના લિંગમપલ્લી રેલવે સ્ટેશનથી ઝારખંડના હટિયા સુધી આવનારી વિેશેષ ટ્રેન પણ દેશની પહેલી ટ્રેન હતી, જે લૉકડાઉન દરમિયાન દોડી હતી.

એ ટ્રેન બાદ રેલવેએ બેઠક કરીને શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો હતો. એ વિેશેષ ટ્રેનથી અંદાજે 1200 મજૂરો ઝારખંડ પરત ફર્યા હતા. તેને લઈને ઘણું રાજકારણ પણ થયું હતું.

શક્ય છે કે આ સંજોગ હોય, પરંતુ તેમ છતાં એ સત્ય યાદ રાખવું પડશે કે પહેલી ટ્રેન અને પહેલી ફ્લાઇટ બંને ઝારખંડ માટે ચાલી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો