કોરોના : નવ મહિનાની ગર્ભવતી પત્ની અને દિલ્હીથી બિહારની મુસાફરી

    • લેેખક, સીટૂ તિવારી
    • પદ, પટનાથી, બીબીસી ગુજરાતી માટે

35 વર્ષના સંદીપ યાદવ 14મેએ સાંજે 6 વાગ્યે પિતા બન્યા પરંતુ તેઓ બિહાર સરકારથી ઘણા નારાજ હતા.

ગોપાલગંજ સદર હૉસ્પિટલના આઈસોલેશન વૉર્ડમાં રહેતા સંદીપની મુશ્કેલીઓ તેમનાં અવાજમાં ભળી ગઈ છે.

તેઓ અને તેમનાં પત્ની રેખા દેવી પોતે ગોપાલગંજ જિલ્લામાં છે, જ્યારે તેમની આઠ અને છ વર્ષની બે દીકરીઓ સુપૌલના બલહા ક્વોરૅન્ટીન સેન્ટરમાં એકલી છે.

ગામથી પૈસા મંગાવીને ભાડું આપ્યું

સંદીપ દિલ્હી પાસેના નોએડાના સેક્ટર 122માં રસ્તા પર છ વર્ષથી ખાવાના મસાલાની નાની દુકાન ચલાવે છે.

તેઓ કહે છે કે, 21 માર્ચે વહીવટીતંત્રએ દુકાનો બંધ કરાવી દીધી. એ પછી તેમણે દોઢ મહિના સુધી લૉકડાઉન પૂર્ણ થવાની રાહ જોઈ.“

“પરંતુ જ્યારે લૉકડાઉન પૂર્ણ થવાના કોઈ અણસાર ન દેખાયા તો 12 મેએ પોતાની ગર્ભવતી પત્ની રેખા દેવી અને બાળકોને લઈને બિહાર જવા માટે નીકળી ગયા.

તેમણે બીબીસીને ફોન પર કહ્યું, “મકાનમાલિકે સરકારના કહેવા પર એક મહિનાનું ભાડું માફ કરી દીધું હતું પરંતુ આ રીતે કોઈ કામ વગર ખાવાનું શું?“

“મેં ગામમાં રહેતાં પિતા પાસેથી પૈસા મંગાવ્યાં અને અમારા જિલ્લાના 30 લોકોએ મળીને એક ટ્રક નક્કી કરી. આ ટ્રકે અમારા પતિ-પત્નીનું 5000 રૂપિયાનું ભાડું લીધું. બાળકોનું ભાડું ટ્રકવાળાએ ન લીધું. ટ્રકને રસ્તામાં બે-ત્રણ જગ્યાએ પોલીસવાળાએ રોક્યો. એક જગ્યાએ કેટલાક લોકોએ ખાવા-પીવાનો સામાન આપ્યો.”

9 મહિનાનાં ગર્ભવતી, 7 કિલોમિટર ચાલ્યાં

નોએડાથી ગોપાલગંજની 900 કિલોમિટરથી વધારેની મુસાફરી સંદીપ અન રેખાના પરિવારે ટ્રકમાં કરી. પરંતુ ટ્રકવાળાએ પકડાઈ જવાની બીકે યુપી-બિહારની ગોપાલગંજ સરહદેથી 7 કિલોમિટર પહેલાં આ તમામ લોકોને ઊતારી દીધા.

બિહારના સુપૌલ જિલ્લાની બલહા પંચાયતમાં રહેતાં સંદીપ કહે છે, “ટ્રકવાળાએ કહ્યું કે સરહદ બસ એક કિલોમિટર દૂર છે. રાત્રે બે વાગ્યે એણે અમને ઉતારી દીધા. મારી પત્નીને નવમો મહિનો ચાલી રહ્યો હતો, તે સાત કિલોમિટર સુધી ઘણો દુખાવો સહન કરીને ચાલી. સરહદ પર પહોંચતા જ તેમણે તાપમાનની તપાસનો સ્ટેમ્પ લગાવી દીધો. પત્નીનાં પેટમાં ઘણો દુ:ખાવો હતો, માટે અમે સૌથી પહેલાં 100 રૂપિયાનું ખાવાનું ખરીદી પત્ની અને બાળકોને ખવડાવ્યું.”

આ વચ્ચે ગોપાલગંજની સરહદ પર પહોંચતા પહેલાં જ સંદીપના કહેવા પ્રમાણે તે એક નાની હૉસ્પિટલમાં ગયા હતા. જેમાં તેમને એ કહીને ભગાડી મૂકવામાં આવ્યા કે “દિલ્હીના દરદીને અહીં લઈને કેમ આવ્યા છો?”

બસમાં સોશિયલ ડિસ્ટનસિંગ નિષ્ફળ

સંદીપના કહેવા પ્રમાણે સરહદ પર તેમને સુપૌલ જિલ્લામાં જવા માટે બસમાં બેસવા માટે કહેવામાં આવ્યું. પરંતુ હવે તેમણે બસની અંદર જોયું તો તેમાં લોકોને ભરી દેવામાં આવ્યા હતા.

તે કહે છે, “સોશિયલ ડિસ્ટન્સિંગ બસમાં નિષ્ફળ હતું. કોઈને કોરોના ના પણ હોય, પરંતુ તે જો બસની મુસાફરી કરશે તો તેને કોરોના થવાનો ડર હતો. તો અમે લોકોએ એક ગાડી કરી. જે ગામ પહોંચાડી દે. પરંતુ પત્નીને ઘણો દુ:ખાવો થવા લાગ્યો તો ગોપાલગંજ સદર હૉસ્પિટલ લઈ ગયા.”

સરકારી હૉસ્પિટલમાં ભરતી રેખા

સરકારી હૉસ્પિટલમાં પણ 30 વર્ષના રેખા દેવીને દાખલ કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો. પછી વરિષ્ઠ અધિકારીઓએ દખલગીરી કરતાં હૉસ્પિટલે રેખાને ભરતી કર્યાં. જ્યાં તેમની નૉર્મલ ડિલિવરી થઈ અને તેમણે એક બાળકીને જન્મ આપ્યો. નોએડામાં ડૉક્ટરોએ તેમને ડિલિવરીની તારીખ 26 મે આપી હતી.

સદર હૉસ્પિટલના હેલ્થ મૅનેજર અમરેન્દ્ર કુમારે બીબીસીને કહ્યું, “બાળક અને માતા બંને સ્વસ્થ છે. આશા છે કે તેમને જલદી રજા આપી દેવામાં આવશે. પરંતુ તે પોતાના ઘર એટલે સુપૌલ સુરક્ષિત પહોંચે તે પણ અમારી ચિંતા છે. ”

સંદીપ અને રેખાની આ પાંચમી દીકરી છે.

પહેલાંથી જ ચાર બાળકીનાં પિતા છે સંદીપ

સંદીપ અને રેખાની આ પાંચમી દીકરી છે. તેમને પહેલાંથી જ ચાર દીકરીઓ છે. જે પૈકી એક અઢી વર્ષની બાળકી સદર હૉસ્પિટલમાં સાથે રહે છે. બે દીકરીઓ બલહાના ક્વોરૅન્ટીન સેન્ટરમાં છે, જ્યારે ચાર વર્ષની એક દીકરી પોતાના નાના-નાની સાથે રહે છે.

દર મહિને ઍવરેજ 13 હજાર રૂપિયા કમાનાર પાંચ ધોરણ ભણેલાં સંદીપને જ્યારે મેં બાળકીઓ અંગે પુછ્યું ત્યારે તેમણે કહ્યું, “ગામથી મા-બાપનું દબાણ રહે છે છોકરા માટે. તમામ કહે છે કે આ વખતે છોકરી થઈ, પરંતુ આવતી વખતે છોકરો થશે. હવે કહો આટલી છોકરી થઈ ગઈ છે, આમને ખવડાવવું અને ભણાવવું મારા જેવા ગરીબ માટે ઘણી મોટી સમસ્યા છે.”

સંદીપનો પરિવાર પોતાના ગામમાં પરત ફરવા તૈયાર છે. નોએડામાં 3500 રૂપિયાના ભાડાના ઘરમાં રહેતાં સંદીપે પોતાનો બધો સામાન નોએડામાં છોડી દીધો છે. તે કહે છે, “જ્યારે લૉકડાઉન ખૂલશે, ત્યારે પરત જઈશું, અહીં બિહારમાં કોઈ રોજગારી નથી.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો