શું કોરોના વાઇરસ જૂન-જુલાઈમાં વિનાશ વેરશે?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઑલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (ઍઇમ્સ)ના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાનું એક નિવેદન દેશની તમામ મીડિયા ચેનલો તથા સોશિયલ મીડિયામાં વ્યાપકપણે ચમક્યું હતું.

એ નિવેદનમાં ડૉ. રણદીપ ગુલેરિયાને એવું કહેતા ટાંકવામાં આવ્યા હતા કે "જૂન-જુલાઈમાં તેના ચરમ પર હશે કોરોના વાઇરસ."

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ શુક્રવારે વર્ચ્યૂઅલ પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોરોનાનું ચરમ શિખર આવી રહ્યું છે. આ સંબંધે રાહુલ ગાંધીને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું, "હું નિષ્ણાત નથી, પણ મને લાગે છે કે ચરમ શિખર થોડા વિલંબથી આવશે."

"એ સ્થિતિ જૂનમાં આવે કે જુલાઈમાં કે ઑગસ્ટમાં, આપણે લૉકડાઉનમાંથી ટ્રાન્ઝિશન માટે તૈયાર રહેવું જોઈએ."

કેન્દ્રના આરોગ્યવિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શુક્રવારે જણાવ્યું હતું કે સરકારે જે દિશાનિર્દેશ આપ્યા છે તેનું બરાબર પાલન કરવામાં આવે તો કોરોનાની ચરમની સ્થિતિ આવે જ નહીં એ શક્ય છે.

સવાલ એ છે કે આ પીક એટલે કે ચરમ શિખરની સ્થિતિ કોને કહેવાય તેનો અર્થ સમજાવવામાં આવ્યો નથી. એ પીકમાં રોજ કેટલા કેસ બહાર આવશે એ વિશે કોઈ વાત કરતું નથી.

પીકવાળા નિવેદનનો અર્થ દરેક લોકો પોતપોતાની સમજણ અનુસાર કરી રહ્યા છે. કોઈ કહે છે કે લૉકડાઉનને વધુ લંબાવવામાં આવશે, હવે દુકાનો ફરીથી બંધ કરવી પડશે...વગેરે...વગેરે..

ડૉ. રણદીપ ગુલેરિયાએ શું કહ્યું હતું?

બીબીસીએ આ તમામ સવાલો સાથે ઍઇમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના સમગ્ર વકતવ્યને બે વખત કાળજીપૂર્વક સાંભળ્યું હતું અને ક્યા આધારે તેમણે આ નિવેદન કર્યું હતું એ સમજવાનો પ્રયાસ કર્યો હતો.

વાસ્તવમાં ડૉ. ગુલેરિયાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે "શું ભારતમાં કોરોનાનું પીક આવવાનું બાકી છે?"

તેના જવાબમાં ડૉ. ગુલેરિયાએ કહ્યું હતું, "અત્યારે તો કેસ વધી રહ્યા છે. પીક તો આવશે જ. પીક ક્યારે આવશે તેનો આધાર મૉડલિંગ ડેટા પર હોય છે.""અનેક નિષ્ણાતોએ તેનું ડેટા મૉડલિંગ કર્યું છે. ભારતીય નિષ્ણાતોએ અને વિદેશ નિષ્ણાતોએ પણ એ કામ કર્યું છે."

"મોટાભાગના લોકોનું માનવું છે કે જૂન-જુલાઈમાં પીક આવી શકે છે. કેટલાક નિષ્ણાતોએ તે પહેલાં પીક આવવાની વાત કરી છે."

"કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે ઑગસ્ટ સુધીમાં પણ પીક આવી શકે છે."

ડૉ. ગુલેરિયાએ ઉમેર્યું હતું, "મૉડલિંગ ડેટાનો આધાર અનેક બાબતો પર હોય છે. તમે નોંધ્યું હોય તો અગાઉના મૉડલિંગ ડેટામાં જણાવવામાં આવ્યું હતું કે કોરોનાનું પીક મે મહિનામાં આવશે."

"એ મૉડલિંગ ડેટામાં લૉકડાઉનના વિસ્તરણને ધ્યાનમાં લેવામાં આવ્યું ન હતું. હવે એ ફૅક્ટરને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. તેથી પીકટાઇમ આગળ વધી ગયો છે."

"આ એક ડાયનેમિક પ્રોસેસ એટલે કે નિરંતર બદલાતી રહેલી પ્રક્રિયા છે. અઠવાડિયા પછીની પરિસ્થિતિ જોઈને મૉડલિંગ ડેટા આપનારાઓ તેમનું પૂર્વાનુમાન બદલી નાખે એ શક્ય છે."

આમ ડૉ. ગુલેરિયાનું આખું નિવેદન સાંભળવાથી સ્પષ્ટ થાય છે કે તેમના નિવેદનનો આધાર મૅથેમૅટિકલ ડેટા મૉડલિંગ પર છે.

સવાલ એ છે કે આ ક્યું ડેટા મૉડલિંગ છે? એ ક્યા નિષ્ણાતે કર્યું છે? એ તેમણે પોતે કર્યું છે? આ બાબતે ડૉ. ગુલેરિયાને કોઈ સવાલ કરવામાં આવ્યા ન હતા.

હા, ડૉ. ગુલેરિયાએ એવું જરૂર જણાવ્યું હતું કે ઘણીવાર પાયાની પરિસ્થિતિના કારણે આ પ્રકારનું પૂર્વાનુમાન બદલાઈ પણ જતું હોય છે.

ડૉ. ગુલેરિયા પાસેથી ઉપરોક્ત સવાલના જવાબ મેળવવા માટે બીબીસી ગુરુવારે સાંજથી તેમના સંપર્કના પ્રયાસ કરી રહ્યું છે, પણ આ સ્ટોરી લખાઈ ત્યાં સુધી તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

ડેટા મૉડલિંગ કેવી રીતે કરવામાં આવે છે?

ડેટા મૉડલિંગને સમજવા માટે બીબીસીએ પ્રોફેસર શમિકા રવિનો સંપર્ક કર્યો હતો. પ્રોફેસર શમિકા રવિ અર્થશાસ્ત્રી છે અને સરકારની નીતિઓ વિશે સંશોધન કરે છે. તેઓ વડા પ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના સભ્ય પણ હતાં.

કોરોનાના આ સમયમાં તેઓ રોજ કોરોના ગ્રાફનો અભ્યાસ કરે છે અને પોતાના નિરીક્ષણ ટ્વિટર પર પોસ્ટ કરતાં રહે છે.

શમિકા રવિએ બીબીસીને કહ્યું હતું, "આ પ્રકારનો ડેટા મૉડલિંગ અભ્યાસ બે પ્રકારના જાણકારો કરતા હોય છે."

"એક તો મેડિકલક્ષેત્ર સાથે જોડાયેલા ઍપિડેમિયૉલૉજિસ્ટ એટલે કે રોગચાળાશાસ્ત્રીઓ આ પ્રકારનો અભ્યાસ કરતા હોય છે."

"આ નિષ્ણાતો ઈન્ફૅક્શન ડેટાના આધારે પોતાનું અનુમાન જણાવતા હોય છે. એ મોટાભાગે થિયોરિટિકલ મૉડલ હોય છે."

"બીજું, અર્થશાસ્ત્રીઓ વર્તમાન ડેટાને જોઈને, ટ્રૅન્ડને સમજવાનો તથા સમજાવવાનો પ્રયાસ કરતા હોય છે."

"તેઓ દેશની સમકાલીન નીતિના આધારે આ વિશ્લેષણ કરતા હોય છે, જે મહદંશે પુરાવા પર આધારિત હોય છે."

શમિકાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેમણે ડૉ.ગુલેરિયાનું નિવેદન સાંભળ્યું નથી. તેથી તેમને ખબર નથી કે ડૉ. ગુલેરિયા ક્યા મૉડલની વાત કરી રહ્યા છે.

શમિકાના જણાવ્યા અનુસાર, ઍપિડેમિયૉલૉજિકલ ડેટામાં મુશ્કેલી એ હોય છે કે સંબંધિત અભ્યાસ બે મહિના પહેલાં કરાયેલો હોય તો તેનું પરિણામ અલગ આવે છે.

આજની પરિસ્થિતિમાં પરિણામ બદલાઈ જાય છે.

દાખલા તરીકે, પીક મે મહિનામાં આવશે, એવું માર્ચના અભ્યાસમાં જણાવવામાં આવ્યું હોય તો શક્ય છે કે તેમાં નિઝામુદ્દીનના મરકઝની ઘટના, લૉકડાઉન વિસ્તારવાના નિર્ણય કે લૉકડાઉનના ત્રીજા તબક્કામાં દારૂની દુકાનો ખોલવાની પરવાનગીની વાતનો ઉલ્લેખ ન હોય.

શમિકાએ જણાવ્યું હતું, "ઍપિડેમિયૉલૉજિકલ મૉડલના અનેક માપદંડ હોય છે અને એ તેના ડેટાનો આધાર હોય છે."

"તેથી તમે ભારતના ડેટાને, શહેરી-ગ્રામીણ ડેટાને, ભારતીયોના ઍજ-પ્રોફાઇલને અને સંયુક્ત પરિવારના કૉન્સેપ્ટને ધ્યાનમાં નહીં લો, તો તમારા અભ્યાસનું તારણ એકદમ ચોક્કસ નહીં હોય."

"મોટાભાગના અભ્યાસમાં યુરોપના માપદંડ અપનાવવામાં આવી રહ્યા છે. તેથી આ મૉડલિંગ ડેટા દર અઠવાડિયે નવું પીક દર્શાવે છે."

પીકની લેટેસ્ટ તારીખ પર કેટલો ભરોસો કરવો?

શમિકા રવિએ જણાવ્યું હતું કે ડૉક્ટર મૉડલિંગ ડેટાના માપદંડને સાબિત ન કરે ત્યાં સુધી ભારત માટે તેની યોગ્યતા બહુ મર્યાદિત હશે.

છેલ્લા ત્રણ દિવસથી દેશમાં કોરોના પૉઝિટિવના 3,000 નવા કેસ રોજ બહાર આવી રહ્યા છે, પરંતુ દસ દિવસ પહેલાં સુધી એ પ્રમાણ રોજ 1,500થી 2,000 નવા કેસનું હતું.

એટલું જ નહીં, જે ડબલિંગ રેટનો ઉલ્લેખ કરીને સરકાર અગાઉ પોતાની પીઠ થાબડી રહી હતી.

અગાઉ તે 12 દિવસ સુધી પહોંચી ગયો હતો, પરંતુ હવે તે 10 દિવસની આસપાસના સ્તરે છે.

લૉકડાઉનના પહેલા અને બીજા તબક્કાની કેટલીક ઘટનાઓને બાદ કરીએ તો લૉકડાઉનનું ચુસ્તીપૂર્વક પાલન થતું જોવા મળ્યું છે, પણ લૉકડાઉનના ત્રીજા તબક્કામાં કેટલાક વિસ્તારોમાં રાહત આપવામાં આવી એ પછી દારુની દુકાનો પર ઉમટેલાં લોકોનાં ટોળાં આપણે બધાએ જોયાં છે.

લાખો પરપ્રાંતીય શ્રમિકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રેનો મારફત પહોંચાડવામાં આવી રહ્યા છે. હવે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પણ સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે. તેથી કોરોનાના કેસોની સંખ્યા વધવાનું અનુમાન તો કરી જ શકાય.

શમિકા રવિએ કહ્યું હતું, "લૉકડાઉન ખતમ કરીને વધુ એક લૉકડાઉન તો લાદી ન શકાય. કોરોના વાઈરસની બીમારીની સારવાર આપણી પાસે નથી."

"તેથી તેના માટે વ્યવસ્થા કરવાની રહેશે. આપણે સંક્રમણનો દર ઘટાડી શકીએ. કોરોનાને હાલ સંપૂર્ણપણે ખતમ તો કરી શકીએ તેમ નથી."

"તૈયારી માટે જેટલો સમય જરૂરી હતો એટલો સમય સરકારને મળી ગયો છે, પણ અત્યારે જેવું ચાલે છે એવું આગળ ચાલી શકે નહીં. દેશના ડૉક્ટરોએ આ વાત સમજવી પડશે."

ઍઇમ્સના ડિરેક્ટરના નિવેદનને પગલે સર્જાયેલા સવાલો

  • સૌથી મહત્વનો સવાલ એ છે કે જૂન-જુલાઈની પીકવાળા મૉડલિંગ ડેટાનો આધાર શું છે?
  • આ ડેટા કઈ સરકારી એજન્સીનો છે? કે પછી ઍઇમ્સના ડિરેક્ટરે પોતે ડેટા આપ્યો છે?
  • તેનાં વેરિએબલ્સ કે આધાર ક્યા-ક્યા છે?
  • એ ડેટા ભારતીય માપદંડને આધારે એકત્ર કરાયા છે કે નહીં?
  • આ અભ્યાસનો સમયગાળો ક્યો હતો?
  • લોકડાઉનના ત્રીજા તબક્કામાં આપવામાં આવેલી રાહત અને ટ્રેન તથા પ્લેન મારફત લોકોને તેમના વતન મોકલવા-લાવવાની છૂટને તેમાં ધ્યાનમાં લેવામાં આવી છે?
  • આ પીકની પરિભાષા શું છે?

આ સવાલોના જવાબ નહીં મળે ત્યાં સુધી આ પ્રકારના અભ્યાસ અને દાવાઓ પર વિશ્વાસ કરવાનું થોડું મુશ્કેલ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો