કોરોના વાઇરસ ટેસ્ટિંગ : ભારતના આ બે વૈજ્ઞાનિકો શું કમાલ કરવાના છે?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

તમે બંગાળી વાર્તાઓના શોખીન ન હો તો કદાચ તમને 'ફેલુદા'નો પરિચય પણ નહીં હોય. તેથી આજે અમે તમારો પરિચય 'ફેલુદા' સાથે પહેલી વાર કરાવીએ છીએ.

બંગાળી ફિલ્મસર્જક સત્યજિત રેનું નામ તમે જરૂર સાંભળ્યું હશે. આ ફેલુદા તેમની અનેક ફિલ્મોનું પાત્ર હતું અને અનેક વાર્તાઓનો હિસ્સો પણ. ફેલુદા બંગાળમાં રહેતા પ્રાઇવેટ જાસૂસનું પાત્ર છે. તપાસ કરીને દરેક સમસ્યાનું રહસ્ય શોધી કાઢતો જાસૂસ. થોડા અંશે વ્યોમકેશ બક્ષી જેવો.

તમે ફેલુદા વિશે ગૂગલ કરશો તો એ પાત્ર ભજવી ચૂકેલી અનેક મહાન ફિલ્મી હસ્તીઓનાં નામ જાણવા મળશે, પણ આજે અમે સત્યજિત રેના ફેલુદાની વાત કરવાના નથી.

કોરોનાના આ દોરમાં ફેલુદા ફરીથી ચર્ચાનું કેન્દ્ર શા માટે બન્યા છે તેની વાત આજે અમે તમને જણાવીશું.

કોરોના 'ફેલુદા'ટેસ્ટ કિટ

વાસ્તવમાં કોરોના ટેસ્ટિંગ સંબંધે ભારત સરકારે એક નવો દાવો કર્યો છે અને તેનાથી ખળભળાટ સર્જાઈ શકે છે.

કોરોના ટેસ્ટ બાબતે રોજ નવા સમાચાર આવી રહ્યા છે. ક્યારેક દેશમાં ટેસ્ટિંગની સંખ્યા બાબતે વિવાદ થાય છે તો ક્યારેક ટેસ્ટિંગ કિટની કિંમત બાબતે.

આ બધાની વચ્ચે, બધું અપેક્ષા અનુસાર આગળ વધશે તો ભારત સરકારનો નવો દાવો સમગ્ર દુનિયામાં ખળભળાટ સર્જી શકે છે.

વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદે (સીએસઆઈઆર) એક નવા પ્રકારનો ટેસ્ટ શોધવાનો દાવો કર્યો છે.

આ ટેસ્ટમાં એક પાતળી સ્ટ્રીપ હશે, જેના પર બે કાળી લાઇન નહીં જોવા મળે તો તમને ખબર પડી જશે કે તમે કોરોના પૉઝિટિવ છો.

સીએસઆઈઆરના જણાવ્યા મુજબ, આ વાત સાંભળવામાં તમને જેટલી સરળ લાગે છે, એટલો જ આસાન તેનો ઉપયોગ હશે.

વિજ્ઞાન અને ટેક્નોલૉજી મંત્રાલયના કાર્યક્ષેત્ર હેઠળ સીએસઆઈઆરમાં કામ કરતા બે વિજ્ઞાનીઓએ આ ટેકનિક વિકસાવી છે.

આ ટેકનિકને આગળ વધારવાની મંજૂરી ભારત સરકારે આપી દીધી છે અને તેના ઉત્પાદનના કરાર ટાટા સાથે કર્યા છે.

કેન્દ્ર સરકારે બહાર પાડેલી અખબારી યાદીમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ ટેસ્ટ સંપૂર્ણપણે ભારતીય છે અને તેનાથી અનેક સામૂહિક ટેસ્ટ કરવાનું કામ આસાન બનશે.

કેવી રીતે કામ કરશે આ ટેસ્ટ?

સીએસઆઈઆરનાડિરેક્ટર જનરલ ડૉ. શેખર માંડેએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "આ પેપર બેઝ્ડ ડાયગ્નૉસ્ટિક ટેસ્ટ છે. તેમાં એક સૉલ્યુશન લગાવવામાં આવેલું હોય છે. કોરોના વાઇરસના આરએનએને કાઢ્યા પછી આ પેપર પર મૂકતાંની સાથે જ એક ખાસ પ્રકારની પટ્ટી જોવા મળે છે. તેનાથી ખબર પડે છે કે તમને કોરોના પૉઝિટિવ છો કે નહીં."

આ પેપર સ્ટ્રીપ ટેસ્ટ કિટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિનોમિક્સ ઍન્ડ ઇન્ટિગ્રેટિવ બાયૉલૉજીના બે વિજ્ઞાનીએ ડિઝાઇન કરી છે.

દેવજ્યોતિ ચક્રવર્તી અને સૌવિક મૈતી નામના આ વિજ્ઞાનીઓ મૂળ બંગાળના છે તથા સાથે જ કામ કરે છે.

બીબીસી સાથે વાત કરતાં સૌવિક મૈતીએ જણાવ્યું હતું કે આ સ્ટ્રીપ પર બે બૅન્ડ એટલે કે પટ્ટી હશે. પહેલું બૅન્ડ કંટ્રોલ બૅન્ડ છે. એ બૅન્ડનો રંગ બદલાય એનો અર્થ એ કે સ્ટ્રીપનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.

બીજું બૅન્ડ ટેસ્ટ બૅન્ડ છે. એ બૅન્ડનો રંગ બદલાવાનો અર્થ, દર્દી કોરોના પૉઝિટિવ છે એવો થાય છે. કોઈ બૅન્ડ નહીં દેખાય તો દર્દીને કોરોના નૅગેટિવ માનવામાં આવશે.

ફેલુદા (FELUDA) નામ કેમ?

ખાસ વાત એ છે કે આ ટેસ્ટ રેપિડ ટેસ્ટ પણ નથી કે આરટી-પીસીઆર ટેસ્ટ પણ નથી. આ ત્રીજા પ્રકારનો આરએનએ આધારિત ટેસ્ટ છે.

આ ટેસ્ટને સત્યજિત રેની ફિલ્મોના જાસૂસી પાત્ર 'ફેલુદા'નું નામ આપવામાં આવ્યું છે.

જોકે, આ નામ એક યોગાનુયોગ છે, કારણ કે આ ટેસ્ટમાં ડિટેક્શનની જે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને FNCAS9 EDITOR LINKED UNIFORM DETECTION ASSAY (FELUDA) કહેવાય છે.

સત્યજિત રેના ફેલુદા સાથેની આ ટેસ્ટની સમાનતા જણાવતાં સૌતિક કહે છે કે સત્યજિત રેની ફિલ્મોની માફક આ ફેલુદા પણ કોરોનાના દર્દીને જાસૂસની માફક શોધી કાઢશે.

ભારતમાં સૌથી પહેલો ઉપયોગ

ડૉ. શેખર માંડેના જણાવ્યા મુજબ, "આ પ્રકારના પેપર ટેસ્ટ સંબંધે દુનિયાના બીજા દેશોમાં પણ કામ થયું છે, પરંતુ અમારું કામ અન્ય દેશોની સરખામણીએ થોડું અલગ છે. અલગ એ કારણે કે અમે આ ટેસ્ટમાં બીજા એન્ઝાઇમનો ઉપયોગ કરીએ છીએ."

"આ ટેસ્ટમાં જે ટેકનિકનો ઉપયોગ થાય છે તેને CRISPR- CAS9 ટેકનિક કહેવામાં આવે છે. બીજા દેશો આ ટેસ્ટમાં CAS9ના સ્થાને CAS12 અને CAS13નો ઉપયોગ કરે છે."

"આ પ્રકારના ટેસ્ટ વિશે અમેરિકાની બર્કલે યુનિવર્સિટીમાં કામ થયું છે, પણ અત્યારે તેઓ તેનો ઉપયોગ કોરોના ટેસ્ટ માટે કરતા નથી."

ડૉ. માંડેના જણાવ્યા મુજબ, મે મહિનાના અંત સુધીમાં ભારતમાં આ ટેસ્ટની શરૂઆત થઈ શકે છે.

આ ટેસ્ટની ગુણવત્તા વિશે માહિતી આપતાં ડૉ. માંડેએ જણાવ્યું હતું કે ભારતમાં ઉપયોગમાં લેવાતા RT-PCRની માફક આ ટેસ્ટનું પરિણામ પણ એટલું જ સટિક જોવા મળે છે.

કેટલા દિવસમાં તૈયારી થઈ?

ભારતના વિજ્ઞાનીઓએ આ ટેસ્ટ બનાવવાનું કામ 28 જાન્યુઆરીથી જ શરૂ કરી દીધું હતું.

આ ટેસ્ટનું નિર્માણ કરનારા વિજ્ઞાની સૌવિકે કહ્યું હતું કે "આ ટેસ્ટ અમે ચોથી એપ્રિલની આસપાસ તૈયાર કરી લીધી હતી, પણ આ ટેસ્ટ કિટના જથ્થાબંધ ઉત્પાદન માટે અમને કોઈ કંપનીની સાથની જરૂર હતી. પછી એ માટે ટૅન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં અને બાકીની જરૂરી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આખો મહિનો ગયો હતો."

રેપિડ ટેસ્ટિ કિટથી કેવી રીતે અલગ?

ભારતે ગત દિવસોમાં ચીનથી રેપિડ ટેસ્ટ કિટ્સ મંગાવી હતી, પણ તેનું પરિણામ યોગ્ય મળ્યું ન હતું. ત્રણ રાજ્યોએ એ કિટ બાબતે ફરિયાદ કરી એટલે આઈસીએમઆરે ખુદ ટેસ્ટ કિટનું પરીક્ષણ કર્યું હતું. આઈસીએમઆરના પરીક્ષણમાં પણ એ ટેસ્ટ કિટ નિષ્ફળ રહી હતી. એટલે ભારતે એ ટેસ્ટ કિટ્સ ચીનને પાછી મોકલાવી દીધી હતી. ટેસ્ટિંગની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ભારત સરકાર રેપિડ કિટ્સ ભારતમાં આયાત કરવા ઇચ્છતી હતી.

સવાલ એ પણ છે કે આ પેપર ટેસ્ટ કિટ પછી રેપિડ ટેસ્ટ કિટની જરૂર નહીં પડે?

આ સવાલના જવાબમાં ડૉ. માંડેએ કહ્યું હતું કે "આ ટેસ્ટ કિટ અન્ય કોઈથી બહેતર કે ખરાબ નથી હોતી. વાસ્તવમાં RT-PCR ટેસ્ટ કરવામાં થોડો વધારે સમય લાગે છે અને તેની કિંમત પણ વધારે છે. પેપર આધારિત ટેસ્ટમાં સમય ઓછો લાગશે અને કિંમત તો ઘણી ઓછી હશે."

પેપર આધારિત ટેસ્ટમાં સૅમ્પલનું પરિણામ મળવામાં એકથી બે કલાકનો સમય લાગશે, જ્યારે કિંમત વિશે વાત કરતાં ડૉ. માંડેએ જણાવ્યું હતું કે જથ્થાબંધ ઉત્પાદન કરવામાં આવશે તો એક ટેસ્ટ કિટની કિંમત લગભગ 300થી 500 રૂપિયા થશે.

આગામી દિવસોમાં ભારત કેટલી ટેસ્ટ કિટ્સનું ઉત્પાદન કરવાનું છે એ બાબતે તો ડૉ. માંડેએ કશું સ્પષ્ટ જણાવ્યું ન હતું, પણ તેઓ માને છે કે આગામી દિવસોમાં કોરોનાના કેસ વધશે અને ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારવું પડશે. "એ બન્ને સંજોગોમાં અમે ભારતની માગને સંતોષી શકીશું."

નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પોલે પણ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી બે મહિનામાં ભારત રોજ પાંચ લાખ ટેસ્ટ કરવાની ક્ષમતા ધરાવતું થઈ જશે. જરૂર પડશે તો ટેસ્ટિંગની વ્યૂહરચનામાં પરિવર્તન કરીને બધાના ટેસ્ટ કરાવવા પડે તો ભારત એ માટે પણ તૈયાર છે.

દેશમાં હાલ RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેનું પરિણામ છ કલાકમાં મળી જતું હોવાનો દાવો કરવામાં આવે છે, પણ અત્યારે લોકોએ કોરોના ટેસ્ટનું પરિણામ જાણવા માટે એકથી બે દિવસ સુધી રાહ જોવી પડે છે.

શું ઘરે થશે ટેસ્ટ?

આ સવાલના જવાબમાં સૌવિકે કહ્યું હતું કે "એવું નથી. પહેલાં તો તમારે બીમારીને સમજવી જોઈએ. આ વાઇરસથી ફેલાય છે. તેથી આ બીમારીનું સૅમ્પલ લેવાની પ્રક્રિયામાં બહુ સાવચેતી રાખવી પડે છે. એ પછી સૅમ્પલમાંથી આરએનએ કાઢવાની પ્રક્રિયા પણ જટિલ છે. આ ટેસ્ટ લૅબોરેટરીમાં જ કરી શકાય. તેમાં ખાસ પ્રકારનાં મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તબીબી વ્યવસાય સાથે જોડાયેલા લોકો જ આ ટેસ્ટ કરી શકે."

આ ટેસ્ટમાં પણ વ્યક્તિનાં નાક તથા મોંમાંથી સ્વેબ લેવામાં આવે છે. એ સ્વેબને બફર ટ્રાન્સપૉર્ટ મટીરિયલમાં રાખવામાં આવે છે. આ મટીરિયલની ખાસિયત એ છે કે તેમાં નવા વાઇરસ બની શકતા નથી. એ પછી સ્વેબને લૅબોરટરીમાં લાવવામાં આવે છે, જ્યાં તેમાંથી RNA કાઢવામાં આવે છે અને એ પછી ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ટેસ્ટ દેશની કોઈ પણ પૅથૉલૉજી લૅબોરેટરીમાં કરી શકાય છે.

જોકે, આ ટેસ્ટ કિટ મે મહિનાના અંત સુધીમાં લૅબોરેટરીઝમાં ઉપલબ્ધ થશે. એટલે ત્યાં સુધી આખા દેશે રાહ જોવી પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો