કોરોના વૅક્સિન : રસીના એ છ પ્રયોગો જેના પર છે લોકોની આશા

    • લેેખક, મારિયા એલીના નવાસ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

કોરોના વાઇરસના ચેપને રોકવા માટે દુનિયાભરમાં વિજ્ઞાનીઓ રસી તૈયાર કરવા માટેની આકરી મહેનત કરી રહ્યા છે.

જાણકારોનું કહેવું છે કે જે અસાધારણ ઝડપથી વિજ્ઞાનીઓ કોરોના વાઇરસની રસી માટે સંશોધન કરી રહ્યા છે.

આપણે એ યાદ રાખવું રહ્યું કે કોઈ પણ રસી વિકસાવવા માટે વર્ષો લાગે છે અને ક્યારેક તો દાયકાઓ પણ થઈ જાય.

દાખલા તરીકે ઇબોલાની રસીને હાલમાં જ મંજૂરી મળી છે. તેને વિકસાવતા 16 વર્ષ લાગ્યા હતા.

રસીને તૈયાર કરવા માટે અનેક તબક્કાનું સંશોધન કરવાનું હોય છે. પ્રથમ તબક્કે લૅબોરેટરીમાં કામ થાય, ત્યારબાદ પશુઓ પર તેનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે.

આ પ્રયોગોમાં એવું લાગે કે રસી સુરક્ષિત છે અને પ્રતિકાર કરી શકે તેવી છે, ત્યારપછી મનુષ્યોમાં તેનું પરીક્ષણ શરૂ થતું હોય છે.

કોરોના રસી માટે છ આશા

મનુષ્યોમાં પરીક્ષણ થાય તેમાં પણ ત્રણ તબક્કા હોય છે. પ્રથમ તબક્કે બહુ ઓછી સંખ્યામાં લોકો પર ટેસ્ટ કરવામાં આવે છે અને તે લોકો તંદુરસ્ત હોય છે.

બીજા તબક્કે થોડી વધુ સંખ્યામાં લોકો પર પરીક્ષણ થાય છે, પરંતુ તે એક નિયંત્રિત જૂથમાં કરવામાં આવે છે, જેથી ખાતરી થઈ શકે કે રસી સુરક્ષિત છે.

નિયંત્રિત જૂથનો અર્થ કે રસીનો ટેસ્ટ કરવામાં આવ્યો તેવા લોકોને બીજા લોકોના સંપર્કથી દૂર રાખવામાં આવે છે.

ત્રીજા તબક્કાના પરીક્ષણમાં એ જોવામાં આવે છે કે રસીની કેટલી માત્રા અસરકારક સાબિત થશે.

અત્યારે આશાસ્પદ સ્થિતિ એટલા માટે છે કે માત્ર ત્રણ જ મહિનામાં કોવિડ-19ની રસી પર 90 સંશોધન ટીમોનું કામ શરૂ થઈ ગયું હતું.

તેમાંથી છ ટીમ એ તબક્કે પહોંચી ગઈ છે કે હવે મનુષ્યમાં પરીક્ષણ કરી શકાય. આ બહુ મોટી વાત માનવામાં આવે છે.

છ અલગ-અલગ રસીનું પરીક્ષણ થઈ રહ્યું છે તે કેવું છે તેના પર કરીએ એક નજર.

mRNA-1273 રસી

અમેરિકાની બાયોટેકનૉલૉજી કંપની મૉડર્ના થેરાપ્યુટિક્સ મૅસેચુસેટ્સમાં આવેલી છે. આ કંપનીએ કોવિડ-19ની રસી વિકસીત કરવા માટે સંશોધનનો નવો વ્યૂહ અપનાવ્યો છે.

કંપનીનો ઇરાદો એવી રસી તૈયાર કરવાનો છે, જે વ્યક્તિની રોગ પ્રતિકારશક્તિને કોરોના વાઇરસ સામે લડવા માટે સજ્જ કરે.

આના માટે પરંપરાગત રીતે જીવિત, પરંતુ નબળા પડેલા અને નિષ્ક્રિય વિષાણુઓનો પ્રયોગ કરવામાં આવતો હોય છે.

પરંતુ મૉડર્ના થેરાપ્યુટિક્સ કંપનીએ mRNA-1273 રસી તૈયાર કરવા માટે કોવિડ-19 બીમારી પેદા કરતા વિષાણુઓનો ઉપયોગ નથી કર્યો.

કંપનીને ટ્રાયલ માટે અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ તરફથી ફન્ડિંગ મળ્યું છે. આ રસી મૅસેન્જર RNA (રાઇબોન્યૂક્લિક એસિડ) પર આધારિત છે.

વિજ્ઞાનીઓએ લૅબોરેટરીમાં કોરોના વાઇરસનો જિનેટિક કોડ તૈયાર કરી લીધો છે. તેના એક નાના હિસ્સાને મનુષ્યના શરીરમાં ઇન્જેક્ટ કરવાનો રહેશે.

વિજ્ઞાનીઓને આશા છે કે તેમ કરવાથી વ્યક્તિની પ્રતિકારશક્તિમાં વધારો થશે અને તે ચેપને હટાવવા માટે પ્રતિક્રિયા કરશે.

INO-4800 રસી

અમેરિકાના પેન્સિલવેનિયામાં આવેલી બાયૉટેકનૉલૉજી કંપની ઇનોવિયો ફાર્માસ્યુટિકલ્સે પણ સંશોધનની નવી પદ્ધતિ અપનાવી છે.

કંપની એવી રસી તૈયાર કરવા ધ્યાન કેન્દ્રીત કરી રહી છે કે દર્દીની કોષિકાઓમાં પ્લાઝ્મિડ (એક નાની જિનેટિક સંરચના)ના માધ્યમથી ડીએનએ દાખલ કરવામાં આવે.

તે દાખલ થવાથી દર્દીના શરીરમાં ચેપ સામે ઍન્ટીબોડી તૈયાર થશે તેવી આશા છે.

ઇનોવિયો અને મૉડર્ના બંનેએ આ નવીન પદ્ધતીએ રસી વિકસાવાનો માર્ગ અપનાવ્યો છે, જેમાં જિનેટિક્સની રચનામાં ફેરફાર કરવાની ગણતરી રાખવામાં આવી છે.

રસી સામે પડકાર

જર્મનીની મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટના બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ ગ્રૂપના નિષ્ણાત ડૉક્ટર ફેલિપે ટાપિયા કહે છે કે હજી સુધી દવા કે ઇલાજ શોધવા માટેના પ્રયાસો થયા નથી.

તેઓ કહે છે, "હજી સુધી મનુષ્યોને રસી આપવા માટેની મંજૂરી પણ મળી નથી. જોકે લોકોને આ રસી તૈયાર થાય તેની બહુ અપેક્ષા છે તે સમજી શકાય છે."

ડૉક્ટર ફેલિપે ટાપિયા કહે છે, "પણ આપણે થોડું સાવચેત રહેવું પડશે, કેમ કે આ એવી રસી હશે, જેનું ઉદાહરણ ઇતિહાસમાં મળતું નથી."

"મૉડર્ના થેરાપ્યુટિક્સના વિજ્ઞાનીઓએ સ્વંય કહ્યું છે કે તેમની સામે રસી તૈયાર કરીને માર્કેટમાં મૂકવા સામે હજી ઘણા પડકારો છે, કેમ કે હજી સુધી મૅસેન્જર આર.એન.એ. આધારિત રસી માટેની મંજૂરી ઉપલબ્ધ નથી."

ચીનમાં શું ચાલી રહ્યું છે?

ચીનમાં રસી માટેના ત્રણ પ્રોજેક્ટ્સ છે, જેમાં મનુષ્ય પર પરીક્ષણ ચાલી રહ્યું છે. પરંપરાગત રીતે રસી તૈયાર કરવાની રીત અહીં અપનાવાઈ રહી છે.

AD5-nCoV રસી

મૉડર્ના થેરાપ્યુટિક્સે મનુષ્યોમાં રસીનું પરીક્ષણ શરૂ કર્યું તે જ દિવસે 16 માર્ચે ચીનની બાયૉટેક કંપની કેન્સિનો બાયૉલૉજિકલે પણ મનુષ્યો પર પરીક્ષણ શરૂ કરી દીધાં હતાં.

આ પ્રોજેક્ટમાં કંપની સાથે ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોટેકનૉલૉજી અને ચાઇનીઝ એકૅડેમી ઑફ મિલિટરી મેડિકલ સાયન્સિઝ પણ જોડાયા છે.

AD5-nCoV રસીમાં એડેનો વાઇરસના એક વિશેષ વર્ઝનનો ઉપયોગ વૅક્ટર તરીકે કરવામાં આવ્યો છે. એડેનો વાઇરસ વિષાણુઓનો એક સમૂહ છે, જે આપણી આંખો, શ્વાસનળી, ફેફસા અને નર્વસ સિસ્ટમમાં ચેપ લગાવતા હોય છે.

આ વિષાણુઓના ચેપનાં લક્ષણો છે તાવ આવવો, ગળામાં તકલીફ થવી, ડાયેરિયા અને આંખ લાલ થઈ જવી. વૅક્ટર એટલે વાઇરસનો એક એવો એજન્ટ જેનો ઉપયોગ કોઈ કોષના ડી.એન.એ. (Deoxyribonucleic acid)માં દાખલ થવા માટે કરવામાં આવે છે.

વિજ્ઞાનીઓનો અંદાજ છે કે વૅક્ટરને કારણે એ પ્રોટીન સક્રિય થઈ જશે, જે ચેપ સામે લડવા માટે જરૂરી રોગ પ્રતિકારશક્તિને ઉપયોગી થશે.

LV-SMENP-DC રસી

ચીનના શેન્ઝેન જિનોઇમ્યુન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પણ એક રસી LV-SMENP-DC તૈયાર થઈ છે અને તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે.

એચઆઈવી જેવી બીમારી માટે કારણભૂત લેન્ટી વાઇરસમાંથી રસી તૈયાર કરાઈ છે. તે પણ રોગ પ્રતિકારશક્તિને મજબૂત કરવાનું કામ કરે છે.

વુહાનમાં પણ તૈયાર થઈ રહી છે રસી

ચીનમાં ત્રીજી એક રસીનું કામ ચાલી રહ્યું છે, જેમાં નિષ્ક્રિય વાઇરસનો ઉપયોગ કરીને રસી તૈયાર કરવાની છે. વુહાન બાયોલૉજિકલ પ્રોડેક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં તેના પર કામ ચાલી રહ્યું છે.

આ રસીમાં નિષ્ક્રિય વાઇરસમાં એવો ફેરફાર કરવામાં આવે છે કે વાઇરસ બીમારી પેદા કરવાની પોતાની ક્ષમતા ગુમાવી દે છે.

ડૉક્ટર ફેલિપે ટાપિયા કહે છે, "રસી તૈયાર કરવાની આ સર્વસામાન્ય રીત છે. મોટા ભાગની રસી આ રીતે જ તૈયાર કરાતી હોય છે."

"તેમાં મંજૂરી લેવા માટેની અડચણ ઓછી હોય છે. તેથી 12 કે 16 મહિનામાં કોઈ રસી તૈયાર કરવી હોય તો તે આ પદ્ધતિ પર જ આધારિત હશે."

ChAdOx1 રસી

બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીની જેનર ઇન્સ્ટિટ્યૂટમાં ChAdOx1 રસી તૈયાર થઈ રહી છે. 23 એપ્રિલથી યુરોપની આ પ્રથમ રસીની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે.

ચીની કંપની કેન્સિનો બાયૉલૉજિકલ જે ટેક્નિક પર સંશોધન રહી છે કે તે ટેકનિકથી જ જેનર ઇન્સ્ટિટ્યૂટના વિજ્ઞાનીઓ રસી વિકસાવી રહ્યા છે.

જોકે ઑક્સફૉર્ડની ટીમે ચિમ્પાન્ઝીમાંથી લીધેલા એડેનો વાઇરસના નબળા વર્ઝનનો ઉપયોગ કર્યો છે. તેમાં કેટલાક ફેરફારો કરીને મનુષ્યમાં તે પોતાની સંખ્યા વધારી ના શકાય તેની ખાતરી કરાઈ છે.

ડૉક્ટર ફેલિપે ટાપિયા કહે છે, "તે લોકો હકીકતમાં લેબમાં વાઇરસ તૈયાર કરી રહ્યા છે, જે નુકસાનકારક ના હોય.""તેની સપાટી પર કોરોના વાઇરસનું પ્રોટીન છે. એવી આશા છે કે આ પ્રોટીનના કારણે પ્રતિકારશક્તિ સક્રિય થઈ જશે."

વિજ્ઞાનીઓ અગાઉ પણ આ ટેકનિક પર કામ કરી ચૂક્યા છે. આવી રીતે જ મર્સ કોરોના (MERS-CoV) વાઇરસની રસી તૈયાર કરવામાં આવી હતી. એવું જણાવાઈ રહ્યું છે કે આ રસીની ક્લિનિકલ ટ્રાયલના સકારાત્મક પરિણામો આવી રહ્યા છે.

મોટા પાયે ઉત્પાદનનો પડકાર

કોવિડ-19ની રસી માટે ભલે યુદ્ધના ધોરણે તડામાર તૈયારીઓ થઈ રહી હોય, પરંતુ હજી ખાતરી નથી થઈ કે આમાંની કોઈ રસી ઉપયોગી થશે.

ડૉક્ટર ફેલિપે ટાપિયા કહે છે તે પ્રમાણે, "હજી તે સ્પષ્ટ નથી. દાખલા તરીકે રસીને કારણે અણધારી શું પ્રતિક્રિયા થશે તે નક્કી નથી.""જુદી-જુદી વસિતમાં અને જુદી-જુદી ઉંમરના લોકોમાં શું અસર થશે તે પણ ખબર નથી. સમયાંતરે જ તેની ખબર પડશે."

બીજું કે અસરકારક રસી તૈયાર કરવી અને તેની મંજૂરી મેળવવી તે પ્રથમ કદમ હશે. ત્યારપછી અસલી પડકારએ હશે કે તેનું ઉત્પાદન મોટા પ્રમાણમાં કરીને કરોડો લોકો સુધી કેવી રીતે પહોંચાડવી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો