કોરોના વાઇરસ સ્ત્રી અને પુરુષમાં આ રીતે કરે છે ભેદભાવ

    • લેેખક, માર્થા હેનરિક્સ
    • પદ, બીબીસી સંવાદદાતા

કોવિડ-19ની મહામારીમાં બ્રિટનના શાહી પરિવારથી માંડીને શાકભાજી વેચનારા બધા સપડાઈ રહ્યા છે. લોકો કહે છે કે કોરોના કંઈ જાતિ, ધર્મ કે લિંગ જોઈને આવતો નથી, પણ આંકડા આ વાતને ખોટી સાબિત કરે છે.

નોવેલ કોરાના વાઇરસ ભેદભાવ કરી રહ્યો છે. કોવિડ-19ની બીમારી પુરુષો અને સ્ત્રીઓને અલગ અલગ રીતે અસર કરી રહી છે. માત્ર પુરુષો અને મહિલાઓની આરોગ્યની બાબતમાં જ નહીં, આર્થિક બાબતમાં પણ જુદી જુદી અસર દેખાઈ રહી છે.

કોવિડ-19ના મૃત્યુદર પરથી ખ્યાલ આવે છે કે વાઇરસ લિંગભેદ કરી રહ્યો છે. દાખલા તરીકે અમેરિકામાં કોવિડ-19થી મરનારી મહિલાઓ કરતાં પુરુષોની સંખ્યા બેગણી છે.

આ જ રીતે પશ્ચિમ યુરોપમાં કોવિડ-19નો ભોગ બનેલા 69 દર્દીઓ પુરુષ છે. ચીન અને કોરોનાની ઝપટમાં આવી ગયેલા બીજા દેશોમાં પણ આવી જ સ્થિતિ છે.

કોરોનાને કારણે થઈ રહેલા મોતનાં આંકડા પર નજર રાખી રહેલી સંશોધકોની ટીમ તેની પાછળનું કારણ જાણવા મથામણ કરી રહી છે. જોકે હજી સુધી કોઈ નક્કર કારણ મળતું નથી.

શું મહિલાઓમાં છે વધારે શક્તિ?

ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ફિલિપ ગોલ્ડર કહે છે કે, મહિલાઓની રોગ પ્રતિકારકશક્તિ પુરુષો કરતાં વધારે સારી હોય છે. કોઈ પણ વાઇરસ અને ખાસ કરીને કોરોના સામે સક્રિય થવા માટે જે પ્રોટીનની જરૂર હોય છે તે 'એક્સ ક્રોમોઝોમ'માં હોય છે. મહિલાઓમાં બે 'એક્સ ક્રોમોઝોમ' હોય છે, જ્યારે પુરુષોમાં એક. એટલે મહિલાઓમાં ચેપ સહન કરવાની વધારે ક્ષમતા હોય છે.

પુરુષોને વધારે વાઇરસ વળગી રહ્યો છે તેનું કારણ જીવનશૈલી પણ છે. પુરુષો ગુટકા, તંબાકુ અને સિગારેટનું સેવન વધારે કરે છે.

આ વ્યસનોને કારણે બીમારી થઈ શકતી હોય છે. સિગારેટ પીવાવાળાને ઝડપથી ચેપ લાગતો હોય છે. મહિલા કરતાં પુરુષ વધારે સિગારેટ પીતો હોય છે.

ચીનના 50 ટકા પુરુષો સિગારેટ પીવી છે, જ્યારે સ્ત્રીઓમાં તેનું પ્રમાણ માત્ર પાંચ ટકા છે. જોકે મહામારી વચ્ચે અત્યારે આ બાબતના કોઈ નક્કર પુરાવા નથી, એટલે માત્ર અનુમાન જ ગણી શકાય.

લૉકડાઉનના કારણે મોટા ભાગના વેપારધંધા ઠપ થઈ ગયા છે. મોટા પાયે લોકો બેરોજગાર બન્યા છે. દુનિયાભરમાં મંદી બેસી જવાની છે. પરંતુ આ વખતની મંદી એ રીતે જુદી હશે કે સૌથી વધુ અસર મહિલાઓ પર પડશે.

અમેરિકામાં માર્ચ મહિનામાં 10 લાખ લોકો બેકાર બન્યા. 1975 પછી અમેરિકાનો બેરોજગારીનો આ સૌથી મોટો આંકડો છે. તેમાં પુરુષો કરતાં મહિલાઓની નોકરીઓ વધારે જતી રહી છે.

એક કારણ એ કે પુરુષો એવા વ્યવસાયમાં હોય છે જે અર્થતંત્ર માટે આવશ્યક મનાતા ક્ષેત્રમાં હોય છે. જેમ કે મેન્યુફેક્ચરિંગ અથવા બાંધકામ.

સ્ત્રીઓને મોટા ભાગે એવી નોકરીઓ મળતી હોય છે, જે અર્થતંત્ર તેજીમાં હોય ત્યારે વધી હોય છે, જેમ કે શિક્ષણ અને આરોગ્ય સેવા, રેસ્ટોરન્ટ અને બાર વગેરે.

મહિલાઓની રોજગારી પર અસર

લૉકડાઉનને કારણે સૌ પ્રથમ આ બધું જ બંધ થઈ ગયું હતું. લૉકડાઉન પૂર્ણ થયા પછી સૌથી છેલ્લે આ સેવાઓ ખુલશે અને તે પછી પણ તેનું કામકાજ પહેલાં જેવું થવા વાર લાગશે.

બાર અને રેસ્ટોરન્ટમાં લોકો મોજ કરવા એકઠા થાય તે માટે બહુ વાર લાગશે. આર્થિક તંગીમાં આવા મોજશોખ ઘટી જવાના અને તેની સીધી અસર મહિલાઓની રોજગારી પર પડવાની.

પર્યટન ક્ષેત્રમાં પણ વિશ્વભરમાં સૌથી વધુ સ્ત્રીઓ કામ કરતી હોય છે. પર્યટનઉદ્યોગને બેઠો થવામાં ઘણો સમય લાગી જશે, ત્યારે તે ઉદ્યોગ સાથે સંકળાયેલા બધા લોકોએ, મહિલાઓએ પણ નુકસાન ભોગવવું પડશે.

પુરુષો કરતાં મહિલાઓની આર્થિક સ્થિતિ કથળશે તેનું એક કારણ એ પણ છે કે પુરુષો કરતાં સ્ત્રીઓને ઓછું વેતન મળતું હોય છે.

'ધ વર્લ્ડ વી વૉન્ટ'ની સહસ્થાપક નતાશા મુધર કહે છે કે સમાન હોદ્દા પર કામ કરવાનું હોય તો પણ દુનિયાભરમાં પુરુષ કર્મચારી કરતાં સ્ત્રી કર્મચારીનો પગાર ઓછો હોય છે.

મહિલાઓની સ્થિતિ કપરી થશે

અમેરિકામાં પુરુષના પગારની સરખામણીમાં 85 ટકા જ પગાર સ્ત્રીઓને મળે હોય છે. ઑસ્ટ્રેલિયામાં આ પ્રમાણ 86 ટકાનું અને ભારતમાં 75 ટકાનું જ છે.

રંગભેદ હોય ત્યાં પણ સ્ત્રીઓને નુકસાન થાય છે. દાખલા તરીકે અમેરિકામાં શ્વેત મહિલા કરતાં અશ્વેત મહિલા કર્મચારીને 27 ટકા ઓછો પગાર મળતો હોય છે.

એકલા હાથે સંતાનનો ઉછેર કરી રહેલા પુરુષ કે સ્ત્રીઓની સ્થિતિ વધારે કપરી બનવાની છે. અમેરિકામાં આવા લોકોની સંખ્યા 2 કરોડ જેટલી છે. તેમાંથી 75 ટકા મહિલાઓ છે.

આવી મહિલાએ નોકરી કરવા સાથે સંતાનને સંભાળવાનું હોય છે અને તે માટે તેઓ નર્સ નહીં રાખી શકે. મતલબ, જ્યાં સુધી ડે કેર સેન્ટરો ના ખૂલે ત્યાં સુધી તેમના માટે નોકરીએ જવું મુશ્કેલ બનશે.

મહામારીની લૈંગિક અસર

લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં પૉલિટિકલ સાયન્સનાં પ્રોફેસર ક્લેયર વેન્હમ કહે છે કે, દરેક મહામારી વખતે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઈ જાય છે. સ્ત્રીઓએ જ વધુ મુશ્કેલી સહન કરવી પડે છે. આમ છતાં નીતિ નિર્ધારણ કરનારા લોકો તેના તરફ ધ્યાન આપતા નથી.

પ્રોફેસર વેન્હમ અને તેમના સાથીઓએ ઝીકા અને ઇબોલા મહામારી વખતે લિંગ પ્રમાણે શું અસર થઈ તેનું સંશોધન કર્યું હતું.

હવે કોવિડ-19 પછી પણ એ જ પ્રકારનો અભ્યાસ થઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે ઇબોલા મહામારી વખતે પ્રસૂતાના મૃત્યુદરમાં અચાનક વધારો થઈ ગયો હતો.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ કહ્યું હતું કે મહામારી વખતે ગર્ભવતી મહિલાઓ માટેની સ્વાસ્થ્ય સેવાઓ ચાલુ રહેવી જોઈએ.

હકીકતમાં આવી સ્થિતિમાં સ્ત્રીઓને ગર્ભનિરોધક પસંદ કરવાની પણ તક મળતી નથી. તેને આવશ્યક વસ્તુ ગણવામાં આવતી નથી.

પરિવાર નિયોજન સંસ્થા મેરી સ્ટોપ્સનું કહેવું છે કે કોવિડ-19 મહામારીના કારણે 90 લાખ 50 હજાર મહિલાઓ અને યુવતીઓ ગર્ભનિરોધક અને ગર્ભપાતની સેવાથી વંચિત રહેશે.

મહિલાઓ સામેની હિંસામાં વધારો

મહામારી વખતે કૌટુંબિક હિંસામાં પણ વધારો થાય છે. ફ્રાન્સમાં લૉકડાઉનના પ્રથમ જ અઠવાડિયે કૌટુંબિક હિંસાના કિસ્સામાં 33 ટકા વધારો થયો હતો.

ઑસ્ટ્રેલિયામાં આવી ઘટનાઓ 75 ટકા વધી, જ્યારે લેબનોનમાં બમણી થઈ ગઈ હતી. કૌટુંબિક હિંસામાં પુરુષો પણ ભોગ બને, પરંતુ તેમાં મહિલાઓને જ વધુ ભોગવવાનું આવતું હોય છે.

અમેરિકામાં હિંસા સહન કરનાર સ્ત્રીઓની સંખ્યા બેગણી છે. 14 ટકા એવા અપરાધ હોય છે, જેમાં કિશોરીનાં નજીકના સગાએ જ બળાત્કાર કર્યો હોય.

વૃદ્ધો માટે પણ સ્થિતિ સરળ નથી. વૃદ્ધ પુરુષો ચેપનો ભોગ બને તેવી શક્યતા વધારે હોય છે. ચેપ લાગ્યા પછી સાજા થવાની શક્યતા પણ પુરુષો કરતાં સ્ત્રી દર્દીઓની જ વધારે હોય છે.

મહામારીને કારણે આર્થિક રીતે મુશ્કેલીમાં આવી ગયેલા લોકો માટે સરકાર ઇચ્છે તો હજી પણ પગલાં લઈ શકે છે. જેમ કે મહામારી પછી જીવન થાળે પડે ત્યારે લોકોને તરત રોજગારી મળવી જોઈએ. એકલા હાથે સંતાનનો ઉછેર કરનારા વાલીઓ માટે પણ વિચારવું જોઈએ.

હાલમાં ઘણી કંપનીઓ ઘરેથી જ કામ કરવા માટેની વ્યવસ્થા કરી રહી છે. ટેલિકૉન્ફરસથી મીટિંગ કરીને કામ ચલાવી લેવાય છે.

અમેરિકામાં માર્ચમાં ટેલિ કૉન્ફરન્સમાં 200 ટકાનો વધારો થયો હતો. એકલે હાથે સંતાનો ઉછેરતા લોકોને આ લાભ બાદમાં પણ આપવો જોઈએ, જેથી તેઓ ઘરે રહીને કામ કરી શકે.

જોકે, અત્યારે તો સમગ્ર દુનિયામાં એકસમાન સ્થિતિ છે અને સૌ રાહ જોઈ રહ્યા છે કે મુશ્કેલીનો આ સમય પણ પસાર થઈ જાય.

સૌએ સંયમ સાથે આમાંથી બહાર નીકળવાનું છે. પરંતુ એટલું ખરું કે વાઇરસ ભેદભાવ કરતો નથી તેમ કહેવું સાચું નથી. હકીકતમાં સમાજનો ઢાંચો જ એવો બનેલો છે કે સ્ત્રીઓએ જ હંમેશા વધારે સહન કરવું પડતું હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો