કોરોના લૉકડાઉન-3 : કોરોનાની મહામારી સામે દક્ષિણ કોરિયાએ આ રીતે મેળવી જીત

દક્ષિણ કોરિયા હાલમાં તો કોવિડ-19 સામેનો જંગ જીતી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગત સપ્તાહે પ્રથમ વાર એવું બન્યું કે આખા દિવસમાં એક પણ લોકલ ટ્રાન્સમિશનનો કેસ નોંધાયો નહીં.

મધ્ય ફેબ્રુઆરીમાં ચેપ ફેલાવાનો શરૂ થયો, ત્યાર પછી પ્રથમ વાર નવા કેસ વિનાનો દિવસ ગયો.

જોકે ગત ગુરુવારે ફરીથી નવ નવા કેસો નોંધાયા હતા ખરા. કોરિયન સેન્ટર ફૉર ડિસીઝના જણાવ્યા અનુસાર આ નવ કેસમાંથી માત્ર એક સ્થાનિક ચેપનો કેસ હતો, બાકીના આઠ કેસ વિદેશથી આવેલાના હતા.

આ નવા ચેપના આંકડાં સહિત દક્ષિણ કોરિયામાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા 10,774 પર પહોંચી હતી.

એક સમયે વિશ્વમાં ચેપના ફેલાવા માટેના કેન્દ્રોમાંના એક તરીકે દક્ષિણ કોરિયાની ગણતરી થતી હતી.

તે સંજોગોમાં દક્ષિણ કોરિયા માટે આ બહુ મહત્ત્વની ઘડી છે, કેમ કે શહેરોમાં લૉકડાઉન કર્યા વિના જ દક્ષિણ કોરિયાના તંત્રે પદ્ધતિસર કામ કરીને ચેપને આ હદે કાબૂમાં રાખ્યો છે.

"દક્ષિણ કોરિયા અને તેના નાગરિકોની આ તાકાત છે," એમ ગુરુવારે (30/4) દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જી-ઇને ગુરુવારે કહ્યું હતું

કેવી રીતે શક્ય બન્યું?

દક્ષિણ કોરિયામાં ફેબ્રુઆરીમાં કોરોના ચેપના કિસ્સામાં અચાનક ઉછાળો આવ્યો હતો.

તે માટે જવાબદાર ગણાયો હતો કે એક ધાર્મિક સંપ્રદાય. નૈઋત્ય ખૂણામાં આવેલા દાએગુ શહેરમાં આવેલા આ પંથના અનુયાયીઓના કારણે ચેપ ફેલાયો હતો.

જીઝસ શિન્ચેઓન્જી ચર્ચના એક સભ્યને કોરોના ચેપ લાગ્યો હતો અને તેનામાંથી એક ડઝન જેટલા લોકોમાં તે ફેલાયો હતો.

બાદમાં તે જૂથના હજારો અનુયાયીઓમાં કોરોના ચેપ ફેલાયો હતો.

એક તબક્કો એવો પણ આવ્યો હતો કે દક્ષિણ કોરિયામાં કુલ કેસ નોંધાયા હતા, તેમાંથી અડધોઅડધ આ શિન્ચેઓન્જી ચર્ચના અનુયાયીઓના કેસ હતા.

ચેપ ફેલાવા લાગ્યો તે સાથે જ સરકારે કેટલીક બાબતો પર કડક પ્રતિબંધ મૂકી દીધા અને રોજબરોજની આ પ્રક્રિયાઓ પર નિયંત્રણથી ચેપને ફેલાતો અટકાવી શકાયો હતો. દક્ષિણ કોરિયાની સરકારનું એક અગત્યનું પગલું હતું

મોટા પ્રમાણમાં ચેપનું સ્ક્રિનિંગ કરવાનો કાર્યક્રમ ચલાવવો. કોરોના ટેસ્ટને ફ્રી કરી દેવાયો હતો.

એટલું જ નહીં લોકો પોતાની કારમાં આવે અને તેમાં જ બેઠા રહે અને તેમનો ટેસ્ટ થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા દેશભરમાં કરવામાં આવી હતી.

વ્યાપક સ્તરે ટેસ્ટ કરવામાં આવ્યા તેના કારણે દક્ષિણ કોરિયામાં પ્રારંભમાં નોંધાયેલા કેસની સંખ્યા પણ ઝડપથી વધવા લાગી હતી.

જોકે ફાયદો એ પણ થયો કે કોને ચેપ લાગ્યો છે તેનો પ્રારંભમાં જ ખ્યાલ આવ્યો અને તેમને સૌથી અલગ કરી શકાયા.

સાથે જ સંપર્કમાં આવેલા લોકોને શોધવાનું પણ શરૂ કરી દેવાયું. કન્ફર્મ્ડ કેસ સાથે સંપર્કમાં આવેલા લોકોને શોધીને તેમને પણ અલગ કરીને ટેસ્ટ કરવાનું શરૂ કરી દેવાયું.

કોઈનો ટેસ્ટ પૉઝિટિવ આવે ત્યારે તેની આસપાસ રહેલા અને નજીકમાં કામ કરતા લોકોને પણ ઍલર્ટ મોકલવામાં આવે.

લોકોને આ રીતે ઢગલાબંધ મૅસેજ મળતા રહ્યા હતા. એક તબક્કે શિન્ચેઓન્જી ક્લસ્ટરના કેસોની સંખ્યા દક્ષિણ કોરિયાના કુલ કેસથી અડધા જેટલી થઈ ગઈ હતી.

દક્ષિણ કોરિયાના બધા ચર્ચોને બંધ કરી દેવાયા અને જાહેરમાં લોકોને એકઠાં થવાનું અટકાવી દેવાયું.

હવે ચર્ચ ખોલવામાં આવ્યા છે, પણ પ્રાર્થના કરવા આવનારા લોકોએ એકબીજાથી દૂર ઊભા રહેવાનું અને માસ્ક પહેરી રાખવાનું ફરજિયાત છે.

પરીક્ષા લેવામાં આવી, પણ તેમાં દૂર દૂર વિદ્યાર્થીઓને બેસાડાયા અને માસ્ક પહેરી રાખવાના.

કંપનીની કૅન્ટીનમાં બધા લંચ સમયે હળેમળે તે બંધ કરી દેવાયું. વચ્ચે આડશો ઊભી કરી દેવાઈ હતી અને લંચનો સમય પણ બધા માટે અલગ-અલગ કરી દેવાયો, જેથી કર્મચારીઓ એક સાથે એકઠાં ના થઈ જાય.

દક્ષિણ કોરિયાના બધા જ રેસ્ટોરાં અને હોટલમાં અંતર જાળવવાનું વગેરે નિયમોનું પાલન થતું હશે કે કેમ તે ખાતરીથી ના કહી શકાય, પરંતુ નાગરિકોને સલાહ અપાયેલી જ છે કે તેમણે એક બીજાથી અંતર જાળવીને જ રહેવું.

ઘણા નાગરિકો માટે હવે જીવન ધીમે-ધીમે થાળે પડી રહ્યું છે. લોકો ફરી શેરીઓમાં ફરતા થયા છે.

જોકે કોઈ કાર્યક્રમમાં પ્રવેશ આપવાનો હોય કે કોઈ ઇમારતમાં વ્યક્તિનું ટેમ્પરેચર પ્રથમ તપાસવામાં આવે છે.

જોકે સરકારની સૌથી મોટી કસોટી ચૂંટણીઓ કઈ રીતે યોજવી તેનું હતું.

15 એપ્રિલે ચૂંટણી પણ યોજાઈ અને હજારો લોકો મતદાન કેન્દ્રો સમક્ષ હાજર થયા અને સંસદ માટેની ચૂંટણીમાં ભાગ લીધો.

મતદારોને પ્લાસ્ટિક મોજાં અપાયાં હતાં, લાઇનમાં દૂર-દૂર ઊભા રખાયા હતા અને મતદાન કેન્દ્રમાં દાખલ થતાં પહેલાં ટેમ્પરેચર માપવામાં આવતું હતું.

ચૂંટણીમાં મતદાન સમયે હાથમાં મોજાંને કારણે એવી ચિંતા હતી કે મતદાનને કારણે ચેપના આંકડામાં વધારો થશે.

પરંતુ મતદાનને બે અઠવાડિયા થઈ ગયા છે અને સ્પષ્ટ થઈ ગયું છે કે એવો કોઈ વધારો થયો નથી.

શાસક પક્ષને ફરી એક વાર ભારે બહુમતી સાથે જીત મળી છે, જે દર્શાવે છે કે આ સંકટમાં તેની કામગીરીને મતદારોએ સ્વીકારી છે. દેશમાં જાહેર પરિવહન વ્યવસ્થાને પણ મહદંશે ચેપથી મુક્ત રાખી શકાઈ હતી.

સબવે સ્ટેશનોમાં બહુ કાળજીપૂર્વક સાફસફાઈ કરાઈ હતી અને જંતુનાશક સ્પ્રે સાથે સફાઈ કરાઈ હતી જેથી મુસાફરો નચિંત થઈને પ્રવાસ કરી શકે.

દક્ષિણ કોરિયામાં બહુ લોકપ્રિય ખેલ બેઝ-બૉલને ચાલુ રખાયો.

જોકે મેચ જોવા માટે દર્શકો હાજર રહેતા નહોતા. ફેનને પ્રવેશ નહોતો મળતો હતો અને અમ્પાયરે પણ મોજાં પહેરી રાખવાના હતા. ખુશીમાં એક બીજાની હથેળીઓ ટકારાવાની એટલે કે હાઈફાઇવની પણ મનાઈ હતી.

શાળાનું ભણતર ચાલુ થયું છે, પણ તે ઑનલાઇન છે, જેથી ક્લાસમાં વિદ્યાર્થીઓએ જવું ના પડે. "અમે એક નવી દિશા ખોલી રહ્યા છીએ," એમ વડા પ્રધાન ચુંગ સી-ક્યૂને મધ્ય એપ્રિલમાં ઑનલાઇન ક્લાસ શરૂ કરતી વખતે કહ્યું હતું.

"રિમોટ લર્નિંગ સારી રીતે ચાલે તેવા પ્રયાસો છે, પરંતુ આખરે અમે Covid-19 રોગચાળાને હટાવીને બાળકો સ્કૂલે જતા થાય તેમ ઇચ્છીએ છીએ."

નિયંત્રણ માટેના કડક નિયમોને કારણે નાગરિકોની જીવનશૈલીને વિવિધ સ્વરૂપે અસર થઈ, પરંતુ તેના કારણે ચેપને કાબૂમાં રાખી શકાયો.

વિદેશથી આવનાર દરેકને 14 દિવસ માટે ફરજિયાત ક્વોરૅન્ટીન કરાય છે, તેથી નવા કેસની શક્યતા ઓછી છે.

જોકે અધિકારીઓ હજીય સાવચેત છે. કોરિયન સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલે જણાવ્યું છે કે રસી ના હોય ત્યાં સુધી આ ચેપનો ખતરો રહેવાનો જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો