કોરોના વાઇરસ : લૉકડાઉન વચ્ચે અમદાવાદમાં કેવા વીતી રહ્યા છે રમજાનના દિવસો?

કોરોના વાઇરસના કહેર વચ્ચે મુસ્લિમો માટે પવિત્ર મહિનો ગણાતો રમજાન મહિનો હાલ ચાલી રહ્યો છે.

રમજાન મહિનો શરૂ થતા જ લોકોને સલાહ આપવામાં આવી હતી કે આ મહિનામાં થતી ઇબાદત લોકો ઘરે રહીને જ કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે.

અમદાવાદના દાણીલીમડા, ખાનપુર, જમાલપુર સહિત મોટાભાગના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને ક્લસ્ટર કન્ટેઇનમૅન્ટ કરવામાં આવ્યાં છે.અહીં લોકોની અવરજવર નિયંત્રિત કરવામાં આવી છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ મુસ્લિમોને ઘરમાં રહીને જ રમજાનના રોજા રાખવા અપીલ કરી છે.

સામાન્ય રીતે વહેલી સવારે સેહરીથી દિવસ શરૂ થાય છે અને સાંજે પરિવાર કે મિત્રો સાથે રોઝા ખોલવાથી અને ઇફ્તારીથી પૂર્ણ થાય છે.

પરંતુ લૉકડાઉનના ત્રીજા તબક્કામાં સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી બહાર નહીં નીકળવાની સૂચના આપવામાં આવી છે.

રમજાન મહિના દરમિયાન લોકો ઈદની ખરીદી માટે અમદાવાદના ત્રણ દરવાજા પર જવાનું પસંદ કરે છે.

ત્રીસ દિવસ સુધી રોજા રાખ્યા બાદ ઈદ-ઉલ-ફિતરને માટે નાના-મોટા સૌકોઈ માટે ખરીદી કરવામાં આવે છે અને ઈદ સમયે મોટેરાં તેમનાથી નાના લોકોને ચીજવસ્તુ કે રોકડની બેંટ આપે છે, જે 'ઈદી' તરીકે ઓળખાય છે.

અહીં ખરીદદારોની દર વર્ષે ભીડ લાગેલી હોય છે, પણ હાલ અહીં બધું જ શાંત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો