You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : શું 2021માં આંતરરાષ્ટ્રીય વેપાર સુધરશે?
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
વર્લ્ડ ટ્રૅડ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, કોરોના વાઇરસને કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટને કારણે વિશ્વવ્યાપારમાં ચાલુ વરસ 2020માં 13થી 30 ટકા ઘટાડો થવાની સંભાવના છે.
2008-09ની વૈશ્વિક નાણાકીય કાટોકટી પછીની સૌથી મોટી સમસ્યાનો સામનો વિશ્વવ્યાપાર સાથે સંકળાયેલા દેશો કરી રહ્યા છે.
આયાત-નિકાસ વેપારનું નિરીક્ષણ કરતી સંસ્થાઓએ નોધ્યું છે કે ઘણાખરા દેશોના વેપારના વૉલ્યુમમાં ખાસ કરીને ઉત્તર અમેરિકા અને એશિયામાં બે-અંકોના ઘટાડો માલૂમ પડ્યો છે.
ઇલેક્ટ્રૉનિક્સ અને ઑટોમોટિવ પ્રોડક્ટ્સના ક્ષેત્રોમાં તીવ્ર ઘટાડો થવાને કારણે નિકાસવ્યાપાર ઉપર ભારે ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે સેવાઓ અને વેપાર-પરિવહન અને મુસાફરી પ્રતિબંધો પર લૉકડાઉન પરિસ્થિતિને લીધે તેની સીધી અસર થઈ શકે છે.
વિખેરાઈ વેપારતુલા
માગ અને પુરવઠામાં ભારે ઘટાડો થવાને કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં તેની ભારે અસર પડી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નિયંત્રણોના અમલને કારણે ઍરકાર્ગોથી માંડી કન્ટેનર શિપમૅન્ટ માટે પરિવહન મોકૂફ થતાં મલ્ટિ-કન્ટ્રી વૅલ્યૂ ચેઇન બ્રેક થઈ છે, જેના પગલે ઉત્પાદિત વસ્તુઓ, ખાદ્યપદાર્થો અને કાચા માલના મોટાભાગના વેપારનું પરિવહન અત્યારે સ્થગિત છે, ત્યારે આ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ નાણાકીય ખેંચનો સામનો કરી રહી છે.
વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે 2019માં મર્કેન્ડાઇઝ વેપારનું પ્રમાણ પહેલાંથી 0.1% ઘટ્યું હતું, વેપારમાં ઘટાડો અને આર્થિક વૃદ્ધિદર ધીમો થવાને કારણે વરસ 2019માં વિશ્વની કુલ નિકાસનું ડૉલર મૂલ્ય 3% ઘટીને 18.89 ટ્રિલિયન ડૉલર થયું છે.
ગત ઑક્ટોબરમાં ડબ્લ્યુ.ટી.ઓ.એ આગાહી કરી હતી કે વર્ષ 2019માં 1.2% વધ્યા પછી 2020 માં વેપારનો વિકાસ 2.7% વધશે, પરંતુ હવે તેમાં કોરોનાને કારણે ભારે ઘટાડો થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ આ આંકડાઓને અન્ય વૈશ્વિક મંદીની પરિપ્રેક્ષ્યમાં જોતાં 2008-09માં વૈશ્વિક નાણાકીય કટોકટીને કારણે 12% જેટલો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે વરસ 1929થી 1932 સુધીના મહામંદીનાં પ્રથમ ત્રણ વર્ષ દરમિયાન જોવા મળતા વિશ્વવેપારમાં થયેલા ઘટાડા સાથે સમાનતા ધરાવે છે.
અનિશ્ચિતતાના એંધાણ
જોકે 2021 માટે, વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશને વૈશ્વિક માલના વેપારમાં 21થી 24%ની વચ્ચે તેજીની આગાહી કરી છે, જે મોટાભાગે કોરોનાવાઇરસ ફાટી નીકળવાની અવધિ અને નીતિ પ્રતિક્રિયાઓની અસરકારકતા ઉપર આધાર રાખે છે.
2021માં અપેક્ષિત રિરિકવરી કરવાનો અંદાજ પણ એટલો જ અનિશ્ચિત છે.
ભારતની વાત કરીએ તો આ વરસે યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગ્ડમ તેમજ અન્ય યુરોપિયન બજારોમાં માગ તળિયે ગઈ છે, ત્યારે 50 ટકા જેટલા નિકાસ ઑર્ડર કૅન્સલ થતાં અને નવા નિકાસ ઑર્ડરો ઓછા મળતાં ભારતીય નિકાસકારો વ્યાકુળ બન્યા છે.
સંકટમાં નિકાસ સૅક્ટર
જોઈતી રોકડ પ્રાપ્ત ન હોવાથી ફેડરેશન ઑફ ઇન્ડિયન ઍક્સ્પૉર્ટર્સે વડા પ્રધાનને પત્ર લખી નિકાસકારોને આ અંગે મદદ માટે રજૂઆત કરી છે
માર્ચ 2020 માં ભારતનો નિકાસ વ્યાપાર આજ સમય ગાળાની સરખામણીમાં 34.6% ઘટીને 21.41 અબજ યુ.એસ. ડૉલર થઈ જવા પામ્યો જે દરમિયાન વેપારી આયાત પણ 28.7% ઘટીને 31.16 અબજ યુ.એસ. ડૉલર થઈ છે.
માર્ચ 2020 માં વેપા ખાધ 11.3% ઘટીને 9.77 અબજ ડૉલર થઈ છે, જે માર્ચ 2019માં 10.89 અબજ ડૉલર હતી.
જ્યારે એપ્રિલથી માર્ચ 2020 દરમિયાન વેપારી નિકાસ લગભગ 5 ટકા ઘટીને 314.3 અબજ ડૉલર થઈ છે, જે વર્ષ 2018-19માં 330.1 અબજ ડૉલર હતી.
ગત ચાર વર્ષમાં પ્રથમ વખત નિકાસ વ્યાપારમાં ઘટાડો નોંધાયો છે. નિકાસ થતાં મુખ્ય ઉત્પાદનોમાં ઑઈલ મિલ્સ 69.9 ટકા, મીટ, ડેરી અને પૉલ્ટ્રી ઉત્પાદનોમાં 45.5 ટકા, એન્જિનિયરિંગ ગુડ્ઝ માં 42.3 ટકા, જેમ્સ ઍન્ડ જ્વેલરીમાં 41.1 ટકા, લેધર અને લેધર પ્રોડક્ટસ માં 36.8 ટકા, જ્યારે પેટ્રોલિયમ પ્રોડકસ માં 31.1 ટકા જેટલો ઘટાડો થયો છે.
બીજી તરફ ભારતના આયાત બિલમાં 28.7 ટકા જેટલા સૌથી મોટા ઘટાડા સાથે આયાત બિલ 31.2 અબજ ડૉલર થયું છે.
ક્રૂડઑઈલની આયાતમાં 15 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે નૉન-ઑઇલ આયાતમાં 33.8 ટકાનો ઘટાડો થયો છે.
ફેડરેશન ઑફ ઈન્ડિયન ઍક્સ્પૉર્ટર્સે વડા પ્રધાનને લખેલા પત્રમાં કહ્યું છે કે લાખો ભારતીયોને રોજગાર આપતા ક્ષેત્રને નિકાસ ઑર્ડર 50 ટકાથી વધુ રદ થવાથી મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યા છે.
સૌથી વધુ અસરગ્રસ્ત ઉદ્યોગો ચામડાં, કાર્પેટ, હસ્તકલા, અને એપરલ્સ છે. જ્યાં લગભગ 75 ટકા ઑર્ડર રદ કરવામાં આવ્યા છે.
નિકાસમાં કાશ
આમ મોટા પ્રમાણમાં ઑર્ડર રદ થવાની દેશ માટે ફોરેન એક્સ્ચેન્જ કમાવી આપતા આ ઉદ્યોગોને આસર થશે, જેની અસર દેશની ચાલુ ખાતાની ખાધ ઉપર પડશે.
નિકાસકારોએ વર્કિંગ કૅપિટલ માટે સરકાર પાસે રૂ. 30,000 કરોડના પૅકેજની માંગ કરી છે, જેમાં પગાર, વેતન, ભાડું અને વીજળીના ખર્ચનો સમાવેશ થાય છે.
નિકાસકારોએ કોલેટરલ ફ્રી લૉનવાળી બૅન્કો પાસેથી સરળ ધિરાણની પણ માગ કરી છે.
તેઓએ એવી પણ માંગ કરી છે કે ચુકવણીઓ 18 સમાન હપ્તામાં કરવામાં આવે અને મુદત લંબાવીને ત્રણ મહિનાથી છ મહિના કરવામાં આવે.
એજ રીતે ફેડરેશન દ્વારા સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રોવિડન્ટ ફંડ યોજનાનો અંતર્ગત લાભ લેવા મહત્તમ પગારની યોગ્યતાને ઘટાડીને રૂ. 15,000 કરવાની વિનંતી કરવામાં આવી છે, જેમાં સરકાર ઍમ્પ્લૉયરના હિસ્સાની ચૂકવણી કરશે.
પૅકેજનો પ્રસ્તાવ
તાજેતરમાં ચીને નિકાસકારોને ટેકો આપવા માર્ચ, 2020માં નિકાસ પર ત્રણ ટકા રિબેટ આપ્યું છે.
ફેડરેશને પીએમને વિનંતી કરી છે કે તેઓ 27 માર્ચે જાહેર કરેલા રાહત પગલાં અમલમાં મૂકવા માટે આરબીઆઈ તેને ઝડપથી કામે લગાડે.
તેઓએ એક વર્ષ માટે હોટલ, ઉડ્ડયન, મુસાફરી અને ટૂર ઑપરેટરો માટેના જીએસટી દર અડધો કરવાની માંગ કરી છે.
સમય મર્યાદામાં જી.એસ.ટી. (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ) રિફંડ, ડ્યૂટી ડ્રો-બેક જે આગામી 15 દિવસમાં લાગુ પડતું હતું તેમાં છૂટછાટ આપવી અને ફ્રી કૅપિટલ એ તેમની મુખ્ય માંગ છે.
સરકારે અત્યાર સુધીમાં રૂ. એક લાખ 70 હજાર કરોડના રાહત પૅકેજ સહિત બે પૅકેજની જાહેરાત કરી છે; નિયમોમાં સરળતા અને આરબીઆઈ દ્વારા આશરે ચાર લાખ કરોડની પ્રવાહિતા જેવાં પગલાં લીધાં છે, ત્યારે સરકારે ચાવીરૂપ નિકાસક્ષેત્રને વેગ આપવા એકમો માટે મૂડીની તરલતા, લૉન ઉપરની ચુકવણી માં સરળ હપ્તા જેવાં પગલાંની જાહેરાત કરી છે.
ઑર્ડરમાં આશંકા
ફેડરેશન ઑફ ઇન્ડિયન ઍક્સ્પૉર્ટ ઑર્ગેનાઇઝેશન (FIEO)નું કહેવું છે કે, કોરોનાને કારણે દેશમાં નિકાસ ક્ષેત્રે કામ કરતા દોઢ કરોડ લોકો બેકાર બનશે તેમજ બૅન્ક ડિફોલ્ટર્સ ની સંખ્યા પણ વધશે.
નિકાસ ક્ષેત્રે અડધાથી વધુ ઑર્ડરો કૅન્સલ થવાથી નિકાસ ઉપર અસર થતાં એકમો જ્યાં સુધી નવા ઓર્ડર્સ ન મળે ત્યાં સુધી ભયંકર નાણાં ખેચનો સામનો કરી રહ્યાં છે, જેમાં પગાર, વિજળી જેવા દૈનિક ખર્ચા તેમજ ઑર્ડર કૅન્સલ થતાં તૈયાર માલનો ભરવો જેવી બાબતો મુખ્ય છે.
વૈશ્વિક વ્યાપારના સંદર્ભમાં જોતાં આજે અમેરિકામાં પણ આયાત અને નિકાસના ઑર્ડર્સમાં છથી સાત ટકાનો ઘટાડો આવ્યો છે.
આમ નિકાસક્ષેત્રે આજે વિશ્વના બધાજ દેશો સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
ચીનનું નુકસાન, ભારતનો લાભ?
પરંતુ આ બધી નિરાશાઓમાં એક આશાનું કિરણ સામે આવ્યું છે, જેમાં અમેરિકન વિદેશવિભાગના વરિષ્ઠ અધિકારી અને ભારતમાં કાર્યરત મોટી અમેરિકન કંપનીઓના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં, ચાઇનાથી સ્થળાંતર થનારા ધંધા માટે સંભવિત સ્થળ તરીકે ભારતનું મહત્વ સૂચવવામાં આવ્યું હતું.
દક્ષિણ એશિયાના રાજ્યના સહાયક સચિવ થૉમસ વાજડાએ જણાવ્યું હતું, "હાલમાં ચીનમાં જે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ થઈ રહી છે તેના માટે ભારત ઝડપથી એક અનુકૂળ અધિકારક્ષેત્ર બની શકે છે."
આમ ચીનમાંથી ઘણી બધી કંપનીઓ ભારત આવવા આતુર છે આને આ બધી કંપનીઓ મુખ્યત્વે નિકાસ વ્યાપાર સાથે સંકળાયેલી હશે, જેનો ફાયદો રોજગારીથી લઈ વિદેશી હૂંડિયામણ કમાવી આપવામાં દેશને થશે.
જોકે ભારત સરકારના આ અધિકારીનો આશાવાદ તાજેતરમાં મળતા સમાચારો ખોટો પાડે છે. મે મહિને અપેક્ષા મુજબ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વેગ ન પકડે તો નિકાસના 20 ટકા ઑર્ડર અન્ય દેશોમાં શિફ્ટ થઈ જવાનો ભય ઊભો થયો છે.
ગાર્મેન્ટ, હીરા-રતન, જ્વેલરી, લેધરની વસ્તુઓ, કાર્પેટ, એન્જિનિયરિંગ માલસામાન, વિગેરે વસ્તુઓના નિકાસના ઑર્ડરને અસર થશે.
ફૅશનની સિઝનમાં ફટકો
તૈયાર કપડાં એટલે કે ગાર્મેન્ટ્સના નિકાસકારોના જણાવ્યા મુજબ, વિદેશી બજારોમાં સિઝન મુજબ ફૅશન ઝડપથી બદલાતી હોવાથી ડિલિવરીમાં વધારે વિલંબ થાય, તો જે-તે દેશમાં આયાત કરનાર વ્યાપારી પોતે ઑર્ડર મૂકેલો હોય તે માલ લેવાનો ઇન્કાર કરી દે.
ફેડરેશન ઑફ ઇન્ડિયન ઍક્સ્પૉર્ટેર્સ ઑર્ગેનાઇઝેશન (FIEO)ના પ્રમુખ શરદ કુમાર શરાફનું એવું માનવું છે કે જો મે મહિના માં નિકાસ ફરી શરૂ થાય તો 20થી 25 ટકા નિકાસ બીજા દેશોમાં ચાલી જાય તેવું બની શકે છે.
આમ લૉકડાઉન લાંબુ ચાલે તો દેશના રહ્યાંસહ્યાં નિકાસવ્યાપાર પર મોટો ફટકો પડશે.
ભારત અત્યાર સુધી એવા આશાવાદ સાથે ચાલી રહ્યું હતું કે ચીન છોડી જનાર કંપનીઓ ભારતમાં અને તેમાંય ગુજરાતમાં આવશે.
ચીનમાં મજૂરી મોંઘી થતાં અને જિનપિંગની સત્તા આવ્યા પછી સરકારી હસ્તક્ષેપ વધવાને કારણે કેટલીક મોટી કંપનીઓ ચીન છોડીને જઈ રહી હોવાના અહેવાલ છે.
ભારત પાછળ
ભારત સરકારને આશા હતી કે ચીન છોડી જનારા કંપનીઓ ભારતમાં આવશે પણ આવું થયું નથી.
નોમુરા ગ્રૂપના જણાવ્યા અનુસાર, તાજેતરમાં 56 કંપનીઓએ પોતાનું ઉત્પાદન ચીનમાંથી બીજા દેશોમાં ખસેડ્યું છે. જેમાં 26 કંપનીઓ વિયેતનામ, 11 કંપનીઓ તાઇવાન અને ચાર કંપનીઓ થાઇલૅન્ડમાં પોતાની ફેકટરીઓ શરૂ કરી હોવાનું નોંધ્યું છે.
ભારતમાં વિપુલ યુવા માનવબળની પ્રાપ્તિ અને પ્રમાણમાં સસ્તી મજૂરી હોવાં છતાં માત્ર 56માંથી ત્રણ જ કંપનીઓ ભારત આવી છે.
1990ના સમયમાં 10 કરોડની વસ્તી ધરાવતા દેશ વિયેતનામે પોતાના અર્થતંત્રમાં ઉદારીકરણ કર્યું ત્યારથી તે છથી સાત ટકાનો સાતત્યપૂર્ણ વિકાસ કરી રહ્યો છે.
જમીન શ્રમ, મૂડી અને કાયદાકીય સુવિધાઓમાં મોટા બદલાવ લાવીને એ બહારથી આવતા રોકાણ માટે ખૂબ સાનુકૂળ વાતાવરણ પેદા કર્યું છે.
ભારત આ બધા ક્ષેત્રે વિયેતનામ, તાઇવાન કે થાઇલૅન્ડની સરખામણીમાં ઊભો રહી શકે તેમ નથી.
બાંગ્લાદેશ જેવા નાના દેશે પણ મોટાપાયે ચીનમાંથી સ્થાનાંતરિત થતાં ટૅક્સ્ટાઇલ એકમોને આકર્ષ્યા છે, ત્યારે કોવિડ-19 તેમજ જીઓ-પોલિટિકલ તણાવની પરિસ્થિતિ અને ચીનના મજૂરીદરો વગેરે કારણોથી વિદેશી મૂડીરોકાણ ત્યાંથી સ્થળાંતરિત થઈ ભારતમાં આવે એવો તર્ક વધુ પડતો આશાવાદી છે.
વિશ્વ વ્યાપાર સંસ્થાન (WTO)એ નિર્દેશિત અંદાજો પ્રમાણે, 2021ની સાલમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર ક્ષેત્રે સુધારો થવાની સંભાવના છે.
આથી ભારતીય નિકાસકારોએ આ કપરા સમયમાં ટકી રહી આગળની લડાઈ લડવી પડશે.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો