કોરોના વાઇરસ : પાકિસ્તાનમાં લૉકડાઉનમાં ઢીલ પછી 10,000 નવા કેસો

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં લૉકડાઉનમાં ઢીલ આપ્યા પછી કોરોના વાઇરસ સંક્રમણના 10,000 નવા કેસો સામે આવ્યા છે.

પાકિસ્તાનમાં અત્યાર સુધી 30,000થી વધારે કેસો સામે આવ્યા છે અને 660 લોકોનાં મૃત્યુ થયા છે.

ગત અઠવાડિયે પાકિસ્તાને મસ્જિદો ખોલવા ઉપરાંત કેટલીક રાહતો આપવામાં આવી હતી. આ અઠવાડિયામાં જ 200 લોકોનાં મૃત્યુ થયા અને 10,000 નવા કેસો સામે આવ્યા.

ઉલ્લેખનીય છે કે ડૉક્ટરોની ચેતવણી છતાં બલૂચિસ્તાનમાં સરકારે બજાર, શોપિંગ મૉલ વગેરે ખોલવાની પરવાનગી આપી અને સિંધ પ્રાંતમાં પણ અઠવાડિયામાં 4 દિવસ દુકાનો ખોલવાની પરવાનગી આપી.

ચીનમાં ફરી શરૂ થયો કોરોના, શુલાન શહેર લૉકડાઉન કરાયું

દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 40 લાખને પાર કરી ગઈ છે. કોવિડ-19ને લીધે રવિવાર સુધીમાં 277,092 લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 67,152 થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 2206 લોકોનાં મૃત્યુ થયાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22,171 કેસ છે અને અહીં 832 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ દરમિયાન ચીનમાં કોરોના વાઇરસના સંક્રમણના 17 નવા કેસો સામે આવ્યા છે. 17 પૈકી 5 નવા કેસો ફરીથી જ્યાંથી વાઇરસની શરૂઆત થઈ તે વુહાન શહેરમાં છે. સંક્રમણના અન્ય કેસો શુલાન શહેરમાંથઈ આવ્યા છે અને ત્યાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. શુલાન શહેરમાં 11 નવા કેસ છે.

કોરોના સંક્રમણને લીધે આફ્રિકામાં 83000થી એક લાખ 90 હજાર લોકોનાં એક વર્ષમાં મૃત્યુ થવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે જો સંક્રમણને નહીં રોકવામાં આવે તો એક વર્ષમાં અહીં અંદાજે ત્રણ કરોડથી સાડા ચાર કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે.

અમેરિકામાં અંદાજે 80 લોકોનાં કોરોનાને કારણે મૃત્યુ થયાં છે, સૌથી વધુ મૃત્યુ ન્યૂયૉર્કમાં થયાં છે.

રશિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના રેકર્ડ 11,012 કેસ નોંધાયા છે. સાથે જ આખા દેશમાં સંક્રમણના કેસ 209,688 થઈ ગયા છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને કહ્યું કે હાલમાં લૉકડાઉન નહીં હઠે અને તેઓએ લોકોને સાવધ રહેવાની અપીલ કરી છે.

જર્મનીમાં કોરોના વાઇરસને રોકવા લગાવેલા પ્રતિબંધોમાં છૂટ અપાતાં સંક્રમણના નવા કેસની સંખ્યા વધવા લાગી છે. એવી પણ ચિંતા વ્યક્ત કરાઈ છે કે સ્થિતિ ફરી બેકાબૂ થઈ શકે છે.

દક્ષિણ કોરિયાએ સંક્રમણના નવા કેસમાં આવેલી તેજીને જોતાં કોરોના વાઇરસની બીજી લહેરને લઈને ચેતવણી આપી છે. જ્યારે દેશમાં લૉકડાઉનમાં છૂટ આપવાની શરૂઆત થઈ છે એવા સમયે આ ચેતવણી આપવામાં આવી છે.

ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં પ્રશાસને શુક્રવારે રેસ્ટોરાં, રમતનું મેદાન અને આઉટડોર પૂલને ખોલવાની મંજૂરી આપી છે. મોટા પાયે ટેસ્ટિંગ બાદ અહીં કેસની સંખ્યામાં ઘટાડો થયો છે.

રેલવેએ લીધો વિશેષ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય

ભારતીય રેલવેએ 12મી મે એટલે કે મંગળવારથી ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શરૂમાં 15 ટ્રેન જ શરૂ કરાશે.

ટિકિટોનું વેચાણ 11મી મે એટલે કે સોમવારથી થઈ શકશે. જોકે માત્ર વિશેષ ટ્રેનો જ શરૂ કરવામાં આવી છે.

ટિકિટ ધરાવતા લોકોને જ રેલવે-સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવશે.

રશિયામાં બે લાખ લોકો સંક્રમિત

રશિયામાં છેલ્લા 24 કલાકમાં 11,102 લોકોના રિપોર્ટ પૉઝિટિવ નોંધાયા પછી દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,09,688એ પહોંચી છે.

રવિવારે 88 લોકોનાં મૃત્યુ થતાં કુલ મૃતકાંક 1915એ પહોંચ્યો છે. રશિયામાં ગત અઠવાડિયાથી દરરોજ 10 હજારથી વધારે લોકોના સંક્રમિત થવાના અહેવાલ આવી રહ્યા છે.

અધિકારીઓનું કહેવું છે કે ટેસ્ટ વધુ થવાથી કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

રશિયા હાલ સુધીમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યામાં દુનિયામાં પાંચમાં નંબરે પહોંચી ગયું છે.

અમેરિકાની જોહ્ન હૉપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર દુનિયામાં સૌથી વધારે પ્રભાવિત દેશ:

અમેરિકા - 13,09,541

સ્પેન - 2,23,578

ઇટાલી - 2,18, 268

બ્રિટન - 2,16,525

રશિયા - 2,09,688

સમાચાર સંસ્થા એએનઆઈ ભારત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયને ટાંકીને લખે છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3277 નવા પૉઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 127 લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 60 હજારને પાર પહોંચી ગઈ છે. ભારતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 62,939એ પહોંચી છે. જ્યારે કુલ મૃતકાંક 2,109એ પહોંચ્યો છે.

ભારતમાં હાલ ઍક્ટિવ કેસની સંખ્યા 41,472 છે. હાલ સુધીમાં 19,358 લોકો સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના હાલના આંકડા અનુસાર વિશ્વભરમાં 40 લાખથી વધુ લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. જ્યારે ભારતમાં આ આંક 60 હજારથી નજીક પહોંચી ગયો છે.

જાણકારોએ ચેતવણી આપી છે કે સંક્રમણના વાસ્તવિક આંકડા આનાથી ક્યાંય વધારે હોઈ શકે છે. તેમના મતે કેટલાય દેશોમાં બહુ ઓછા પ્રમાણમાં પરીક્ષણ કરાઈ રહ્યાં છે અને એટલે ચેપગ્રસ્ત દરદીઓની સાચી સંખ્યા સામે નથી આવી રહી.

આ 40 લાખ મામલાઓમાંથી માત્ર 13 લાખ મામલા તો એકલા અમેરિકાના જ છે.

ભારતના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગના આંકડા અનુસાર સમાચાર લખાઈ રહ્યા હતા ત્યાં સુધી દેશમાં કોરોના વાઇરસના કુલ 39,834 ઍક્ટિવ કેસો હતા અને 17,846 દરદીઓ સારવાર બાદ સાજા થઈ ગયા હતા. જ્યારે મૃતાંક 1981 થયો હતો.

કોરોના વાઇરસ : યુરોપીય દેશમાં સાઇકલ ચલાવીને લૉકડાઉનનો વિરોધયુરોપીય દેશ સ્લોવેનિયાની રાજધાની લુબ્લિયાનામાં હજારો લોકોએ સાઇકલ પર નીકળીને લૉકડાઉનનો વિરોધ કર્યો છે. અહીં માર્ચ મહિનાથી લૉકડાઉન છે.

અહીં બે અઠવાડિયાં પહેલાં લૉકડાઉનમાં છૂટ આપવામાં આવી હતી પણ પ્રદર્શનકારીઓએ વડા પ્રધાન યાનેઝ યાન્સા પર આરોપ લગાવ્યો કે તેઓ મહામારીના બહાને આઝાદી પર લગામ લગાવવાની કોશિશ કરી રહ્યા છે.

સ્લોવેનિયામાં અત્યાર સુધીમાં 1,450 કેસ સામે આવી ચૂક્યા છે અને 100 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

યુરોપમાં મૃતાંક 30 હજારને પાર

યુરોપમાં ઇટાલી બાદ બ્રિટનમાં કોરોના વાઇરસને લીધે મૃતાંક 30 હજારને પાર કરી ગયો છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી જોન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર ઇટાલીમાં વાઇરસે 30,201 લોકોનો ભોગ લીધો છે, જ્યારે યુ.કે.માં 31,315 લોકોનાં મૃત્યુ થયાં છે.

કોરોના વાઇરસને લીધે વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ અમેરિકામાં થયાં છે. અમેરિકામાં 77,178 લોકોએ આ વાઇરસને લીધે જીવ ગુમાવ્યો છે.

વાઇરસના ચેપના ફેલાવાની વાત કરવામાં આવે તો સૌથી વધુ ચેપ અમેરિકામાં ફેલાયો છે. અમેરિકામાં 12,83,846 લોકોને આ વાઇરસનો ચેપ લાગ્યો છે, જ્યારે સ્પેનમાં કુલ 2,22,857, ઇટાલીમાં 2,17,185, બ્રિટનમાં 2,12,629, રશિયામાં 1,87,859, ફ્રાન્સમાં 1,76,202, જર્મનીમાં 170,588 લોકો આ વાઇરસની ઝપેટમાં આવ્યા છે.

ભારતની વાત કરીએ તો ભારતના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ હાલ દેશમાં કોરોના સંક્રમણના 56,000થી વધુ કેસોની પુષ્ટિ થઈ છે. જ્યારે 1900થી વધુ દરદીઓના મૃત્યુ થયાં છે. જોકે, સરકારી આંકડા અનુસાર ભારતમાં રિકવરી રેટ 29.36 ટકા છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શુક્રવારે આ અંગે માહિતી આપી છે.

કોરોનાએ અમેરિકામાં બે કરોડ નોકરીઓનો ભોગ લીધો, બેરોજગારી 14.7 ટકા થઈ

અમેરિકા, સ્પેન, ઇટાલી, બ્રિટન અને રશિયા એ ટોચના પાંચ દેશો છે જ્યાં સૌથી વધારે સંક્રમણ છે.

અમેરિકામાં કોરોના મહામારીને પગલે બેરોજગારીનો દર 14.7 ટકા થઈ ગયો છે. બે મહિના અગાઉ દેશમાં બેરોજગારીનો દર 3.5 ટકા હતા. આમ અમેરિકામાં બે કરોડ જેટલા લોકો બેરોજગાર થયા છે.

કોરોના મહામારીને લઈને ચીન પર વાંરવાર નિશાન તાકવામાં આવે છે ત્યારે ચીને કહ્યું છે કે તે મહામારી ખતમ થયા પછી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આગેવાનીમાં થનારી સમીક્ષા સમર્થન કરશે. ઉલ્લેખનીય છે કે ચીન અગાઉ સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસની માગનો ઇન્કાર કરતું હતું.

ભારતમાં 56 હજારથી વધારે કેસો, રિકવરી રેટ 29.36 ટકા

ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ હાલ દેશમાં કોરોના સંક્રમણના 56342 કેસની પુષ્ટિ થઈ છે અને ભારતમાં રિકવરી રેટ 29.36 ટકા છે

છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 સંક્રમણના 3,390 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 1,273 લોકો પૂર્ણ રીતે સાજા થઈને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શુક્રવારે કહ્યું કે દેશમાં કોરોના મહામારીમાં રિકવરી રેટ 29.36 ટકા થયો છે.

તેમણે કહ્યું કે 42 જિલ્લાઓમાં છેલ્લા 28 દિવસથી કોરોના સંક્રમણના નવા કેસ સામે નથી આવ્યા.

29 જિલ્લાઓમાં છેલ્લા 21 દિવસમાં કોરોના સંક્રમણના નવા કેસ સામે નથી આવ્યા. 36 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 14 દિવસમાં સંક્રમણનો એક પણ કેસ સામે નથી આવ્યો. 46 જિલ્લાઓ એવા છે જ્યાંર છેલ્લા સાત દિવસમાં કોરોના સંક્રમણના કેસ નથી નોંધાયા.

હાલ દેશમાં 216 જિલ્લા એવા છે જ્યાં કોવિડ-19 સંક્રમણનો એક પણ કેસ સામે નથી આવ્યો.

દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાયા છે, ત્યાં કોરોના ચેપગ્રસ્તોનો આંકડો હવે 17974 સુધી પહોંચી ગયો છે અને મરણાંક 694 થઈ ગયો છે.

ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા સાત હજારને પાર થઈ ગઈ છે.

દિલ્હીમાં ચેપગ્રસ્તોની સંખ્યા છ હજારની પાસે પહોંચી ગઈ છે અને અહીં મરણાંક 66 છે. અહીં સાજા થનાર દર્દીઓની સંખ્યા 1900થી ઊપર છે.

ભારત સરકારે કોરોના મહામારી સામે લડતમાં સહયોગ માટે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક (એઆઈઆઈબી) સાથે 50 કરોડ ડૉલરના એક પ્રૉજેક્ટ પર હસ્તાક્ષર કર્યા છે.

નાણા મંત્રાલય પ્રમાણે આ બૅન્કે પ્રથમ વખત ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સહયોગ માટે કોઈ સમજૂતી કરી છે.

કોરોના બેકાબૂ બનતા મુંબઈના કમિશનર પ્રવીણ પરદેશીને હઠાવાયા

ભારતમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત છે અને એમાં પણ સૌથી વધારે ખરાબ સ્થિતિ મુંબઈની છે.

મહારાષ્ટ્રમાં કેસોનો આંકડો 18 હજાર નજીક છે અને તે પૈકી 11 હજારથી વધારે કેસો મુંબઈમાં છે.

મુંબઈના કમિશનર પ્રવીણ પરદેશીને હઠાવીને શહેરી વિકાસ વિભાગમાં એડિશનલ મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે.

પ્રવીણ પરદેશીને સ્થાને ઇકબાલ ચહલને બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર બનાવવામાં આવ્યા છે.

આફ્રિકામાં એક લાખ 90 હજાર મોત થઈ શકે છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે જો કોરોના વાઇરસના સંક્રમણને કડક રીતે રોકવામાં ન આવે તો આફ્રિકામાં 83 હજારથી એક લાખ 90 હજાર લોકોનાં મોત થઈ શકે છે.

વિશ્વ આરોગ્ય સંગઠને એેવું પણ કહ્યું છે કે અહીં કોરોના વાઇરસથી 2.9 કરોડથી 4.4 કરોડ લોકો સંક્રમિત થાય એવી શક્યતા છે.

વિશ્વ આરોગ્ય સંગઠનનો આ નવો અભ્યાસ છે. આફ્રિકામાં કોરોના વાઇરસને લઈને ગંભીરતા દેખાઈ નથી રહી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકામાં અર્થતંત્રને ફરી શરૂ કરવાની દિશામાં રણનીતિ બનાવી રહ્યા છે. જોકે અમેરિકામાં વધતા કોરોના સંક્રમણને લઈને હજી ચિંતાનો માહોલ છે.

બુધવારે તેમણે માન્યું કે લૉકડાઉન હઠાવી લેવાથી કોરોના સંક્રમણને કારણે થનાર મૃત્યુ વધે તેની શક્યતા છે પરંતુ તેમણે કહ્યું કે "આશા રાખીએ કે આવું ન થાય."

તેમણે કહ્યું કે કોરોના વાઇરસ સામે લડત માટે બનાવવામાં આવેલ ટાસ્ક ફોર્સ અર્થતંત્રને ફરી શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સ અનિશ્ચિત કાળ સુધી પોતાનું કામ ચાલુ રાખશે. જોકે એક દિવસ પહેલા જ ટ્રમ્પે આ ટાસ્ક ફોર્સ વિશે કહ્યું હતું કે તેનું કામ જલદી પૂર્ણ થઈ જશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ટાસ્કફોર્સ પર એ કહીને પ્રશ્ન ઉઠાવ્યા હતા કે 'આ ટાસ્ક ફોર્સ અસલમાં કેટલી લોકપ્રિય છે.'

ડોનાલ્ડ ટ્રમ્પે એક અમરિકન ટીવી ચૅનલ સાથે વાત કરતા કહ્યું, "આપણે દેશને વર્ષો સુધી બંધ ન રાખી શકીએ. આપણે યોદ્ધાઓની જેમ વિચારવું પડશે અને નાગરિકોએ એ વાતને સ્વીકારવી કરવી પડશે કે અર્થતંત્ર ખોલવાથી મોતની સંખ્યા વધશે."

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે અમેરિકામાં કોરોના સંક્રમણના 12 લાખથી વધારે કેસોની પુષ્ટિ થઈ છે અને 73 હજાર કરતા વધારે મૃત્યુ થયા છે.

અમેરિકામાં કોરોના સંક્રમણને કારણે લાદવામાં આવેલા નિયંત્રણને લીધે કરોડો લોકો ઘરે બેસી રહેવા મજબૂર થયા હતા અને ત્રણ કરોડથી વધારે લોકોએ બેરોજગારી ભત્તા માટે અરજીઓ કરી છે.

કોરોના મહામારી દુનિયાની ગતિવિધિ પર એક નજર

  • અમેરિકાની જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે દુનિયામાં અત્યાર સુધી 37 લાખ 55 હજારથી વધારે લોકોમાં કોરોના વાઇરસ સંક્રમણની પુષ્ટિ થઈ છે. એમાંથી 2,63,831 ( બે લાખ 63 હજારથી વધારે) લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે.
  • ન્યૂઝીલૅન્ડનાં વડા પ્રધાન જૅસિન્ડા અર્ડર્ને લૉકડાઉનના પ્રતિબંધોમાં થોડી વધારે ઢીલ આપવાની જાહેરાત કરી છે જેને લૉકડાઉન ખોલવાના લેવલ-2 તરીકે ઓળખાય છે. જોકે સરકારે નાગરિકોને પહેલાથી વધારે સતર્ક રહેવાનું સૂચન કર્યું છે. આ આદેશ પછી ન્યૂઝિલૅન્ડમાં સો જેટલા લોકો જ એક જગ્યાએ એકત્ર થશે.
  • સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના રાજદૂતે કહ્યું છે કે ચીન આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને કોવિડ-19ના સ્રોતની તપાસ કરવા માટે પોતાને ત્યાં નહીં આવવાનું આમંત્રણ નહીં આપે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયો ખોટું કહી રહ્યા છે કે તેમની પાસે પુરાવા છે કે કોરોના વાઇરસ ચીનની કોઈ પ્રયોગશાળામાંથી નીકળો છે.
  • યુરોપીય સંઘના ઇકૉનૉમિક કમિશ્નરે ચેતવણી આપી છે કે કોરોના વાઇરસ મહામારીને કારણે આર્થિક સંકટથી બહાર આવવામાં બધા તેના 19 સભ્ય દેશોમાં જો સમાન આર્થિક રિકવરી ન થઈ તો સંધના અસ્તિત્વ પર પ્રશ્નો ઊભા થઈ જશે. તેમણે કહ્યું કે અમુક દેશોને આ મહામારીને કારણે અન્ય દેશઓની સરખામણીમાં વધારે મુશ્કેલી ઉઠાવવી પડશે.
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલે ચેતવણી આપી છે કે લૉકડાઉન ખોલી રહેલા દેશો જો તબક્કાવાર અને વ્યવસ્થિત રીતે લૉકડાઉન નહીં હઠાવે તો ફરી લૉકડાઉન કરવાની ફરજ પડે તેની ઘણી શક્યતા છે.
  • જર્મનીમાં આ મહિને દેશની સૌથી મોટી ફુટબૉલ ઇવેન્ટ બુંદસલીગાના આયોજનની તૈયારી શરૂ થઈ છે.
  • બ્રિટનની સરકારે કહ્યું છે કે આવતા અઠવાડિયાથી અમુક ઢીલ આપવામાં આવશે. સરકારે લૉકડાઉનમાં છૂટ આપવા સંબંધી એક પ્લાન તૈયાર કર્યો છે.
  • સ્પેનની સરકારે વિચારણા પછી દેશમાંથી કટોકટી વધારવાનો નિર્ણય કર્યો છે. પેડ્રો સૅંચેજની સરકારે સ્પેનમાં 24 મે સુધી કટોકટી વધારી દીધી છે.

ઈરાનમાં ફરી કોરોનાનો કેર? સંક્રમણની ગતિ વધી

ઈરાનની ચિંતા અચાનકથી વધી ગઈ છે. એવું લાગી રહ્યું હતું કે ઈરાનમાં કોરોના વાઇરસનું સંક્રમણ નિયંત્રણમાં છે, પરંતુ બુધવારના રોજ અચાનક સંક્રમણના 1680 નવા કેસ સામે આવ્યા.

આ 11 એપ્રિલ બાદ એક દિવસમાં સંક્રમણના કેસની સૌથી મોટી સંખ્યા છે.

ઈરાનમાં હવે સંક્રમણના કુલ કેસ 1 લાખને પાર પહોંચી ગયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનમાં કોરોના વાઇરસે ફરી પોતાનો કહેર વર્તાવાનું શરૂ કર્યું છે. કેમ કે છેલ્લા 4 દિવસથી સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે.

મધ્ય પૂર્વમાં સૌથી ખરાબ રીતે કોરોના વાઇરસની ઝપેટમાં આવેલો દેશ ઈરાન છે. ઈરાનમાં કોરોના વાઇરસના બીજો તબક્કો શરૂ થયો હોવાની વાત કહેવામાં આવી રહી છે.

ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા કિઅનોઉશ જહાંપોરે કહ્યું છે, "અમે જોઈ રહ્યાં છીએ કે છેલ્લા 3-4 દિવસમાં સંક્રમણના કેસ વધી રહ્યા છે. શક્ય છે કે દેશમાં બિન-જરૂરી યાત્રાઓના કારણે કેસ વધ્યા હોય."

ઈરાને 11 એપ્રિલથી લૉકડાઉનમાં ઘણા પ્રકારની છૂટ આપી દીધી હતી. જે વિસ્તારમાં જોખમ ઓછું હતું, ત્યાં મસ્જિદો પણ ખોલી દેવાઈ હતી.

છેલ્લા 24 કલાકમાં ઈરાનમાં 78 લોકોનો કોરોના વાઇરસના કારણે જીવ ગયો છે અને તેની સાથે મૃતકોની સંખ્યા 6418 થઈ છે.

ઇટાલી કરતાં બ્રિટનમાં વધારે ઝડપથી સંક્રમણ

હાલમાં જ રજૂ કરાયેલા સરકારી ડેટા અનુસાર બ્રિટન અને ઇટાલીમાં કોરોના વાઇરસને લીધે યુરોપમાં સૌથી વધુ મૃત્યુ થયાં છે.

બ્રિટનમાં કોરોના વાઇરસને લીધે અત્યાર સુધી 29,427 લોકોનાં મૃત્યુ થયાં છે અને વિદેશ સચિવ ડૉમિનિક રાબે આ આંકડાને 'બહુ મોટી ત્રાસદી' ગણાવ્યો છે.

આ પહેલાં યુરોપમાં કોરોના વાઇરલને લીધે થયેલાં સૌથી વધુ મૃત્યુ ઇટાલીમાં 29,315 નોંધાયાં હતાં.

બીબીસીના સ્ટેટિસ્ટિક હેડ રૉબર્ટ કફે જણાવ્યું છે કે ઇટાલી કરતાં બ્રિટન આ સ્તરે વધુ ઝડપથી પહોંચ્યું છે.

આ દરમિયાન વિશ્વમાં કોરોના વાઇરસને લીધે સૌથી વધુ મૃત્યુ અમેરિકામાં થયા છે. અમેરિકામાં અત્યાર સુધી મૃતાંક 71 હજારને પાર થઈ ગયો છે. જ્યારે 12 લાખ કરતાં વધુ લોકોને આ વાઇરસનો ચેપ લાગ્યો છે.

અમેરિકા બાદ સૌથી વધુ દરદીઓની સંખ્યા સ્પેનમાં છે. અહીં 2.18 લાખ લોકો ચેપગ્રસ્ત બન્યા છે.

જ્યારે ભારતમાં કોરોના વાઇરસના સક્રિય ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 46,711 થઈ ગઈ છે.

ઇઝરાયલે કોરોના ઍન્ટિ બૉડીઝની શોધ કરી, પેટન્ટ માટે દાવો કરશે

ઇઝરાયલના સંરક્ષણ મંત્રી નૅફટાલી બેનેટે કહ્યું છે કે ઇઝરાયલના એક મહત્ત્વપૂર્ણ શોધ સંસ્થાનના વૈજ્ઞાનિકોએ કોરોના વાઇરસ સામે લડી શકે તેવા ઍન્ટિ બૉડીઝ વિકસાવવામાં સફળતા મેળવી છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ તેમણે કહ્યું કે સંશોધકો હવે ઍન્ટિ બૉડી વિકસાવવાનો તબક્કો વટાવીને પેટન્ટ અને સંભવિત સારવાર માટે મોટા પાયે ઉત્પાદનના તરફ આગળ વધી રહ્યા છે.

તેમણે ઇઝરાયલના ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોલૉજિકલ રિસર્ચ (આઈઆઈબીઆર)ની મુલાકાત લીધી હતી. અહીં ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલયના નિર્દેશાનુસાર વૅક્સિન વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે.

તેમના કાર્યાલયના નિવેદન મુજબ વાઇરસ પર મોનોક્લોનલ રીતે ઍટેક કરનાર ઍન્ટિ બૉડીઝ વિકસાવવામાં આવ્યા છે અને તે દરદીના શરીરમાં ન્યૂટ્રલાઇઝ પણ થઈ જાય છે.

નિવેદન મુજબ ઍન્ટિ બૉડીઝને વિકસાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને ઇન્સ્ટિટ્યૂટ તેની પેટેન્ટ કરાવશે. પછીના તબક્કામાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ મળીને ઍન્ટિ બૉડીઝનું વ્યવયાસિક ધોરણે ઉત્પાદન અંગે વાતચીત કરશે.

બેનેટે કહ્યું કે આ મહત્ત્વપૂર્ણ સફળતા માટે મને ઇન્સ્ટિટ્યૂટના સંશોધકો પર ગર્વ છે.

આઈઆઈટી-જેઈઈની મેઇન પરીક્ષા તથા નીટની પરીક્ષા જુલાઈ

કોરોના મહામારીને પગલે ભારતમાં લૉકડાઉન-3 અમલમાં છે ત્યારે શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જાહેરાત કરી છે કે આઈઆઈટી-જેઈઈની મેઇન પરીક્ષા તથા નીટની પરીક્ષા જુલાઈ માસમાં થશે.

એમણે કહ્યું કે, આઈઆઈટી-જેઈઈ એડવાન્સની પરીક્ષા ઑગસ્ટમાં થશે.

શિક્ષણ મંત્રીના જણાવ્યા મુજબ જુલાઈ 18, 20, 21, 22 અને 23ના રોજ આઈઆઈટી-જેઈઈ(મેઇન)ની પરીક્ષા થશે. નીટની પરીક્ષા 26 જુલાઈએ થશે.

આઈઆઈટી-જેઈઈ(એડવાન્સ)ની પરીક્ષા ઑગસ્ટ મહિનામાં થશે અને તેની તારીખની જાહેરાત પછીથી કરવામાં આવશે.

શિક્ષણ મંત્રીએ એમ પણ કહ્યું કે, 10 અને 12ની પરીક્ષા જે અગાઉ નથી લેવામાં આવી તેના પર પણ સીબીએસસી જલ્દી નિર્ણય કરશે.

ભારતમાં પ્રતિકલાકે 8 મૃત્યુ અને પ્રતિકલાકે 160 કેસો : મંગળવાર સાંજ સુધીની સ્થિતિ

ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે 24 કલાકમાં કોરોનાના 3900 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 195 લોકોનાં મૃત્યુ થયા છે.

આ ભારતમાં એક દિવસમાં સૌથી વધારે પૉઝિટિવ કેસ અને મૃત્યુના કેસ નોંધાયા છે.

આ કેસોની સંખ્યાને જોઈએ તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં પ્રતિક્લાક 8 લોકોએ જીવ ગુમાવ્યો છે તો પ્રતિકલાક 160 સંક્રમણના કેસો સામે આવ્યા છે.

ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 46,333 થઈ ગઈ છે જ્યારે હાલ સુધીમાં આ મહામારીથી હાલ સુધી 1558 દરદીઓના મૃત્યુ થયા છે.

ભારતમાં સૌથી વધુ ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં 14 હજાર કરતાં વધારે છે અને એ બાદ ગુજરાતમાં પાંચ હજારથી વધુ દરદીઓ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 583 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે ગુજરાતમાં 319 લોકોના જીવ ગયા છે.

નોંધનીય છે કે ભારતમાં ત્રીજા તબક્કાના લૉકડાઉનનો અમલ કરાઈ રહ્યો છે, જે 17 મે સુધી ચાલશે.

અમેરિકાનું બજેટ બગડ્યું, ત્રણ ટ્રિલિયન ડૉલરનું ઋણ લેવું પડશે

અમેરિકાનું કહેવું છે કે કોરોના વાઇરસ સંબંધિત રાહત પૅકેજને લીધે તેનું બજેટ બહુ વધી ગયું છે અને બીજા ત્રિમાસિક ગાળામાં વિક્રમજનક ત્રણ ટ્રિલિયન ડૉલરનું ઋણ લેવું પડશે.

આ પહેલાં કોઈ પણ ત્રિમાસિક ગાળા દરમિયાન લેવામાં આવેલા પૈસા કરતાં આ રકમ પાંચ ગણી વધારે છે. આ પહેલાં આર્થિક કરજની જરૂરિયાત વર્ષ 2008માં આવેલા નાણાકીય સંકટ વખતે પડી હતી. એ સાથે જ અમેરિકન સરકારનું દેવું 25 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે.

વર્ષ 2019માં અમેરિકાએ 1.28 ટ્રિલિયન ડૉલરનું કરજ કર્યું હતું.

આરોગ્યસેવાઓ અને સ્પષ્ટ રીતે લોકોને રાહત આપવા માટે અમેરિકાએ આ રાહત પૅકેજને મંજૂરી આપી દીધી છે.

એક અનુમાન અંતર્ગત આ રાહત પૅકેજ દેશના અર્થતંત્રના 14 ટકા જેટલું છે. અમેરિકન સરકારે કોરોના વાઇરસની મહામારીને પગલે ટૅક્સ ભરવાની તારીખ 15 એપ્રિલ સુધી વધારી દીધી છે, જેને લીધે સરકાર પર વધારાનો બોજો પડી રહ્યો છે.

અમેરિકાને નવા સંકટને પહોંચી વળવા માટે એક અંદાજ અનુસાર ત્રણ ટ્રિલિયન ડૉલરની જરૂર પડશે. જે સરકારના ગત અંદાજ કરાતાં ભારે વધુ છે.

વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવશે કેન્દ્ર સરકાર

કોરોના મહામારીમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા ભારતમાં લઈ આવવાની પરવાનગી ભારત સરકારે આપી દીધી છે.

ફસાયેલા લોકોને વિમાનો દ્વારા તેમજ ભારતીય નૌસેનાના જહાજો દ્વારા પરત લાવવામાં આવશે.

વિદેશ મંત્રાલય અને દૂતાવાસ આવા લોકોની યાદી તૈયાર કરી રહ્યું છે. આ સુવિધા મેળવવા માટે પ્રવાસીઓ ચૂકવણી કરવી પડશે.

સરકારે કહ્યું છે કે, પરત લાવતા અગાઉ તેમની મેડિકલ તપાસ કરાશે. જે લોકોમાં કોરોનાનું કોઈ લક્ષણ નહીં હોય તેમને પરત લવાશે. પરત આવ્યા પછી પણ એમની તપાસ થશે અને 14 દિવસ માટે ક્વોરૅન્ટીન કરાશે. એ પછી એમનો કોરોના ટેસ્ટ થશે અને એ બાદ જ તેમને ઘરે મોકલાશે.

આ પ્રક્રિયા 7 મેથી શરૂ કરવામાં આવશે.

ભારતમાં કેસોની સંખ્યા 42 હજારને પાર: સોમવાર રાતની સ્થિતિ

ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલા આંકડા મુજબ દેશમાં સોમવાર સુધી કોરોનાના કેસોની સંખ્યા 42,533 થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 2553 નવા કેસો સામે આવ્યા છે અને ગત 24 કલાકમાં 67 લોકોનાં મૃત્યુ થયા છે.

આમ દેશમાં કુલ મરણાંક 1373 થઈ ગયો છે.

દેશના વિવિધ જિલ્લાઓને રેડ, ઑરૅન્જ અને ગ્રીન ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે અને આજથી ત્રીજા તબક્કાનું લૉકડાઉન શરૂ થયું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે 11,707 લોકો સારવાર બાદ ઠીક થઈ ગયા છે. આમ દેશમાં ઍક્ટિવ કેસોની સંખ્યા 28,453 છે.

કોરોનાને પગલે યુપીએસસીની પ્રારંભિક પરીક્ષા હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે. નવી તારીખનું એલાન 20 મેના રોજ થશે.

ઉલ્લેખનીય છે કે યુપીએસસીની પરીક્ષા 31મેના રોજ લેવાનાર હતી.

કોરોના વાઇરસ : રશિયામાં સતત બીજે દિવસે 10 હજારથી વધારે કેસો

રશિયામાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. રશિયામાં સતત બીજે દિવસે સંક્રમણના 10,000થી વધારે કેસો સામે આવ્યા છે.

અધિકારીઓએ પૃષ્ટિ કરી છે કે રશિયામાં છેલ્લા 24 કલાકમાં 10,581 કેસો સામે આવ્યા છે. આ સાથે જ રશિયામાં કોરોનાના કેસોની સંખ્યા 1,45,268 થઈ ગઈ છે.

રાષ્ટ્રપતિ પુતિને સમગ્ર દેશમાં 11 મે સુધી લૉકડાઉન જાહેર કરેલું છે.

બીજી તરફ ઇટાલીમાં 60 દિવસો પછી લૉકડાઉનમાં રાહત આપવાની શરૂઆત કરવામાં આવી છે.

ઇટાલીમાં હવે લોકો બહાર નીકળી શકે છે, સંબંધીઓને મળી શકે છે, પાર્કમાં ટહેલવા જઈ શકે છે અને રેસ્ટોંરામાંથી ખાવાનું પૅક કરાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાને પગલે લૉકડાઉન જાહેર કરનારો ઇટાલી દુનિયાનો સૌપ્રથમ દેશ હતો.

વિશ્વભરમાં કોરોના વાઇરસનાકેસોની સંખ્યા 35 લાખને પાર કરી ગઈ છે અને જ્યારે મૃતકાંક અઢી લાખ થવા પર છે.

જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, અમેરિકામાં કોરોના વાઇરસના11 લાખ 58 હજારથી વધુ કેસ નોંધાયા છે. બે લાખ 17 હજારથી વધુ કેસ સાથે સ્પેન બીજા ક્રમે, જ્યારે બે લાખ 10 હજારથી વધુ કેસ સાથે ઇટાલી ત્રીજા ક્રમે છે.

જ્યારે અમેરિકામાં કોરોનાને કારણે 61 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. આ સિવાય મરણાંકની બાબતમાં સ્પેન (25,264) અને ફ્રાન્સ (24,864) કરતાં યુ.કે. (28,446) આગળ નીકળી ગયું છે. જ્યારે 28 હજાર 884 મૃત્યુ સાથે ઇટાલી બીજા ક્રમ પર છે .

ભારત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં 29.453 ઍક્ટિવ કે છે, જ્યારે 1373 મૃત્યુ થયાં છે.

વિદેશમાંથી ભારતીયોને મફત લાવી શકાય તો મજૂરો માટે ભાડું કેમ? : સોનિયા ગાંધી

કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ પ્રવાસી મજૂરોને પોતાના ગૃહરાજ્યમાં છોડવા માટે રેલવે દ્વારા કરાઈ રહેલી ભાડાની વસૂલાતનો વિરોધ કર્યો છે.

સોનિયા ગાંધી દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે પ્રદેશ કૉંગ્રેસ સમિતિનાં તમામ એકમ જરૂરિયાતવાળા મજૂરોને ઘરે પરત ફરવા માટે રેલવેની ટિકિટ આપશે.

સોનિયા ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કરતાં જણાવ્યું, "મજૂરો રાષ્ટ્રનિર્માણના દૂતો હોય છે. આપણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને આપણી ફરજ ગણીને મફતમાં પરત લાવી શકીએ છીએ. ગુજરાતમાં માત્ર એક કાર્યક્રમ માટે સરકારી ખજાનામાંથી 100 કરોડ ખર્ચ કરી શકીએ છીએ. રેલ મંત્રાલય કોરોના ફંડમાં 151 કરોડ રૂપિયા આપી શકે છે. તો પછી મજૂરોને મફતમાં ઘરે કેમ પહોંચાડી ના શકાય?"

ભારતમાં કોરોના વાઇરસના કારણે 1373 લોકો મૃત્યુ પામ્યા

સમાચાર સંસ્થા એએનઆઈ આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયને ટાંકીને લખે છે કે ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે 1373 લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતમાં કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 42,533એ પહોંચી છે. જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા 29,453એ પહોંચી છે.

ફ્રાન્સ, ઇટાલી અને સ્પેનમાં મૃતકોની સંખ્યામાં ભારે ઘટાડો

વિશ્વભરમાં કોરોના વાઇરસના કોપ વચ્ચે ફ્રાન્સ, ઇટાલી અને સ્પેનમાંથી સારા સમાચાર આવ્યા છે. અહીં સપ્તાહો બાદ ઓછામાં ઓછા લોકોનાં મૃત્યુ નોંધાયાં છે.

ફ્રાન્સમાં 135, સ્પેનમાં 164 અને ઇટાલીમાં 174 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ દરમિયાન ફ્રાન્સના તબીબોનું કહેવું છે કે કોરોના વાઇરસના દરદીઓના નવાં સૅમ્પલના આધારે એવું કહી શકાય કે ફ્રાન્સમાં કોરોના વાઇરસ ગત વર્ષે જ પહોંચી ગયો હતો.

પેરિસાના એક ડૉક્ટર અનુસાર 27 ડિસેમ્બરે જ કોરોના વાઇરસનો ચેપ ફેલાયો હતો.

ફ્રાન્સમાં કોરોના વાઇરસ હોવાની અધિકૃત પુષ્ટિ સરકારે આના કેટલાંય અઠવાડિયાં બાદ કરી હતી.

માર્ચ બાદ એક જ દિવસમાં થયેલાં 135 મૃત્યુ ફ્રાંસમાં સૌથી ઓછાં છે.

ફ્રાન્સમાં 11 મેથી લૉકડાઉન હઠાવવાની તૈયારી કરાઈ રહી છે. એ બાદ બાળકો શાળાએ જઈ શકશે. કેટલાક કારોબાર ખોલી દેવામાં આવશે અને વગર કોઈ દસ્તાવેજે લોકો 100 કિલોમિટર સુધી જઈ શકશે.

રવિવારે ફ્રાન્સના આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે ઘણું બધું એ વાત પર નિર્ભર કરે છે કે નવા મામલાઓમાં કેટલો ઘટાડો આવે છે.

ફ્રાન્સમાં હવેથી યુરોપિયન સંઘ અને બ્રિટનમાંથી આવનારી વ્યક્તિને બે સપ્તાહ માટે ક્વોરૅન્ટીનની પણ જરૂર નહીં પડે.

સ્પેનમાં 24 કલાકમાં 164 લોકોનાં મૃત્યુ છેલ્લા દોઢ મહિનામાં સૌથી ઓછાં નોંધાયેલાં મૃત્યુ છે. અહીં સાત સપ્તાહ બાદ શનિવારે વયસ્કોને બહાર નીકળવાની છૂટ અપાઈ.

સોમવારથી અહીં લોકો પબ્લિક ટ્રાન્સપૉર્ટમાં માસ્ક પહેરીને પ્રવાસ કરી શકશે અને કેટલાક વેપાર-ધંધા ખુલ્લી શકશે.

ઇટાલીમાં પણ બે મહિના દરમિયાન સૌથી ઓછાં મૃત્યુ નોંધાયા. અહીં 24 કલાકમાં 174 લોકોનાં મૃત્યુ થયાં.

ઇટાલીમાં પણ સોમવારથી લૉકડાઉનમાં છૂટ અપાઈ રહી છે. જોકે, અહીં શાળા, સિનેમાઘર અને મૉલ બંધ રહેશે.

ઇટાલીમાં અત્યાર સુધી કોરોના વાઇરસને લીધે 28884 લોકો માર્યા ગયા છે. જે અમેરિકા બાદ બીજા ક્રમે છે. અમેરિકામાં અત્યાર સુધી 68000થી વધી લોકો માર્યા ગયા છે.

કોરોના વાઇરસ : કેસ નોંધાતા દિલ્હીમાં CRPFનું વડું મથક સીલ

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સના ઉચ્ચ કર્મચારીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં નવી દિલ્હી ખાતે અર્ધલશ્કરી બળના મુખ્યમથકને સીલ કરી દેવામાં આવ્યું છે.

ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ મુજબ ઉચ્ચ અધિકારીના સ્ટાફનો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. CRPF અનેક ઉચ્ચ અધિકારીઓ હોમ ક્વોરૅન્ટીનમાં રહેશે.

આ સિવાય સંગઠનના ડાયરેક્ટર જનરલની કચેરી તથા સ્પેશિયલ ડાયરેક્ટર જનરલની ઑફિસને પણ સૅનિટાઇઝ કરવામાં આવશે.

સૅનિટાઇઝેશનની કામગીરી પૂર્ણ ન થાય, ત્યાર સુધી કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશવાની મંજૂરી નહીં અપાય.

મુખ્યાલય ફરી ક્યારે શરૂ થશે, તે અંગે હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં નથી આવી.

ઉલ્લેખનીય છે કે સી.આર.પી.એફ.ની બિલ્ડિંગમાં કંટ્રોલ રૂમ પણ આવેલો છે, જે સંગઠનના દરેક યુનિટ સાથે જોડાયેલો છે, જ્યાંથી સંદેશા મેળવી શકાય છે અને નિર્દેશ આપી શકાય છે.

ભારતના લૉકડાઉનની અસર મલેશિયામાં?

કોરોના વાઇરસના ચેપને ફેલાતો અટકાવવા માટે ભારતમાં લાગુ લૉકડાઉને માત્ર દેશવાસીઓને જ પ્રભાવિત કર્યા એવું નથી. આ લૉકડાઉનની અસર વિદેશીઓને પણ પડી છે.

સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર મલેશિયામાં ભારત ટોચનું માંસનિકાસકાર છે. જોકે, લૉકડાઉનને પગલે દેશમાં મીટ-પ્રોસેસિંગ પ્લાન્ટ બંધ છે અને એટલે મલેશિયામાં માંસની નિકાસ પણ બંધ છે.

એટલે રમઝાન મહિનામાં અહીં માંસની ઘટ જોવા મળી છે અને કિંમતો આભને આંબી રહી છે. રૉયટર્સ અનુસાર ભારત દર મહિને સરેરાશ એક લાખ ટન ભેંસનું માંસ વેચે છે.

જોકે, માર્ચ મહિનામાં આ વેચાણ 40 હજાર ટન જ રહ્યું. એપ્રિલમાં આ આંક હજુ ઘટે એવી આશંકા છે.

સમગ્ર એપ્રિલ માસમાં લૉકડાઉનનો અમલ કરાવાયો હતો અને મે માસમાં પણ આ મામલે ખાસ આશા જોવા મળી રહી નથી.

ઉત્તર પ્રદેશના માંસના નિકાસકારોએ જણાવ્યું છે કે મીટ-ઇન્ડસ્ટ્રીમાં હજુ કંઈ પણ થતું જોવા નથી મળી રહ્યું. રમઝાન મહિનામાં મલેશિયામાં ગત વર્ષની સરખામણીમાં ફ્રૉઝન માંસની કિંમત 15-20 ટકા વધી ગઈ છે.

કુઆલાલમ્પુરના એક માંસવેપારીએ રૉયટર્સને જણાવ્યું, "મલેશિયન એક મહિનામાં સરેરાશ ભારતમાં આવનારા ભેંસના માંસના 350 કન્ટેનરનો ઉપભોગ કરે છે. જે આંક હવે અડધો થઈ ગયો છે. "

નોંધનીય છે કે વર્ષ 2019માં ભારતે 15 લાખ ટન માંસ વિદેશોમાં વેંચ્યું હતું.

ઍરફૉર્સનાં વિમાનોએ કોરોના વૉરિયરો પર ફૂલ વરસાવ્યાં

ભારતીય વાયુસેનાએ જેટ અને ટ્રાન્સપોર્ટ વિમાનો થકી હૉસ્પિટલ અને કોરોના વાઇરસ વિરુદ્ધની લડાઈમાં રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતાં સંસ્થાનો પર ફૂલ વરસાવ્યાં. ઍરફૉર્સના વિમાનો મોટા ભાગના જિલ્લાની હૉસ્પિટલો પરથી ઉડ્યાં અને સૈન્યબૅન્ડ પણ વાગ્યું.

કોરોના વાઇરસ વિરુદ્ધની લડાઈમાં સામેલ લોકોનું સન્માન કરવા માટે આવું કરાઈ રહ્યું છે.

નૌકાદળનાં જહાજો પણ સાંજે કોરોના વૉરિયરોનાં સન્માન માટે નીકળશે.

ગત 24 કલાકમાં 83 મૃત્યુ

એક મહિના કરતાં લાંબા લૉકડાઉન બાદ પણ ભારતમાં શનિવારે અત્યાર સુધીના એક દિવસમાં સૌથી વધુ મામલા સામે આવ્યા.

ગત 24 કલાકમાં ભારતમાં 2,644 નવા કેસો સામે આવ્યા જ્યારે 83 લોકોનાં મૃત્યુ થયાં. મૃત્યુનો આ આંકડો પણ અત્યાર સુધીનો સૌથી વધારે છે.

હવે ભારતમાં ચેપગ્રસ્ત દરદીઓની કુલ સંખ્યા 39,980 થઈ ગઈ છે. જ્યારે મૃતકોનો આંકડો 1,301 થઈ ગયો છે.

મને ઘણા લિટર ઑક્સિજનની જરૂર પડી હતી : બ્રિટિશ વડા પ્રધાન

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને તેમના ઇલાજ સાથે જોડાયેલી ઘણી બાબતો સાર્વજનિક કરી છે.

વડા પ્રધાન જૉન્સન 26 માર્ચના રોજ કોરોના પૉઝિટિવ હોવાનું સામે આવ્યું હતું, જ્યારબાદ તેમને લંડનની સેન્ટ થૉમસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજા જ દિવસે તેમને ICUમાં દાખલ કરવા પડ્યા હતા.

પરંતુ સંપૂર્ણપણે ઠીક થયા બાદ તેઓ કામ પર પરત ફર્યા છે.

'સન ન્યૂઝપેપર'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બોરિસ જૉન્સને કહ્યું કે હૉસ્પિટલમાં તેમને જીવતા રાખવા માટે ડૉક્ટરોએ તેમને ઘણા લિટર ઑક્સિજન આપ્યો હતો.

તેમણે કહ્યું કે તેઓ હૉસ્પિટલમાં માત્ર એ જ વિચારતા હતા કે તેઓ આ પરિસ્થિતિમાંથી ક્યારે બહાર નીકળશે.

તેમનાં પાર્ટનર કૅરી સાઇમંડ્સે કહ્યું છે કે તેમણે પોતાના દીકરાનું નામ એ બે ડૉક્ટરોના નામે રાખ્યું છે, જેઓ વડા પ્રધાનના ઇલાજમાં સામેલ હતા,

તેમણે પોતાના દીકરાનું નામ વિલ્ફ્રેડ લૉરી નિકોલસ જૉનસન રાખ્યું છે.

વડા પ્રધાન હૉસ્પિટલમાંથી બહાર આવ્યા તેના થોડા જ દિવસોમાં તેમના દીકરાનો જન્મ થયો હતો.

બોરિસ જૉન્સને કહ્યું કે ડૉક્ટરોએ એ માટે પણ વ્યવસ્થા કરી લીધી હતી કે જો તેમની હાલત વધારે ખરાબ થશે તો તેઓ શું કરશે.

જૉનસનનું કહેવું હતું, "એ વિશ્વાસ કરવું મુશ્કેલ હતું કે માત્ર થોડા જ દિવસોમાં મારી હાલત આટલી ખરાબ થઈ ગઈ હતી."

તેમણે કહ્યું કે ડૉક્ટરોએ તેમનું ખૂબ સારી રીતે ધ્યાન આપ્યું હતું જેના કારણે તેઓ ઠીક થઈ શક્યા.

સોશિયલ મીડિયા પર પોતાના બાળકની તસવીર પોસ્ટ કરતાં કેરી સાઇમંડ્સે કહ્યું કે તેમનાં બાળકનું બીજુ મિડલ નામ નિકોલસ ડૉક્ટર નિક પ્રાઇસ અને ડૉક્ટર નિક હાર્ટના નામે રાખવામાં આવ્યું છે.

બીબીસીના રાજકીય સંવાદદાતા જોનાથન બ્લેકના જણાવ્યા પ્રમાણે આ વાતથી જાણી શકાય છે કે વડા પ્રધાનની પરિસ્થિતિ કેટલી ખરાબ થઈ હશે.

બન્ને ડૉક્ટરોએ એક નિવેદન જાહેર કરી વડા પ્રધાન અને તેમનાં પાર્ટનરને શુભકામનાઓ અને ધન્યવાદ વ્યક્ત કર્યો છે.

બન્ને ડૉક્ટરોએ નિવેદન જાહેર કરી જણાવ્યું, "આ રીતે ઓળખ પ્રાપ્ત કરી અમે લોકો સન્માનિત અને વિનમ્ર અનુભવીએ છીએ. સેન્ટ થૉમસ હૉસ્પિટલમાં જે ડૉક્ટરો સાથે અમે લોકો કામ કરીએ છીએ તેમનો ધન્યવાદ કરીએ છીએ. અને અમે લોકો એ વાતને સુનિશ્ચિત કરીએ છીએ કે દરેક દર્દીને સૌથી શ્રેષ્ઠ ઇલાજ મળે, નવા પરિવાર સાથે સારા સ્વાસ્થ્ય અને ખુશીઓને અમે કામના કરીએ છીએ.

કોરોના વાઇરસ : વિશ્વભરમાં શનિવાર રાત સુધીની સ્થિતિ

  • જૉન હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર દુનિયામાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 34,26,711 થઈ ચૂકી છે. તેમાંથી અત્યાર સુધી 2,43,795 લોકોનાં મૃત્યુ થયાં છે.
  • યુનિવર્સિટીના પ્રમાણે અમેરિકામાં અત્યાર સુધી કોરોના વાઇરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 65 હજાર પાર કરી ગઈ છે.
  • બ્રિટનમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોનો મૃતકાંક 28,131 પર પહોંચ્યો છે. હવે બ્રિટનમાં મૃત્યુના કેસ ઇટાલીથી થોડા જ ઓછા છે. ઇટાલી બાદ અમેરિકામાં સૌથી વધુ લોકોનાં મૃત્યુ થયા છે.
  • કોરોના વાઇરસથી ગંભીર રૂપે સંક્રમિત દર્દીઓને ઇમરજન્સી પરિસ્થિતિમાં રૅમડેસિવિર આપવાની પરવાનગી અપાઈ છે.
  • યુરોપિય નેતાઓએ કોરોના વાઇરસની વૅક્સિન બનાવવા માટે 6 અબજ પાઉન્ડનું ફંડ એકત્રિત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ મામલે જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને નૉર્વે વચ્ચે વાતચીત થઈ છે.
  • બ્રિટિશ મેડિકલ વિશેષજ્ઞોનું કહેવું છે કે તેમને એ વાતના પર્યાપ્ત પુરાવા મળ્યા નથી કે કોઈ વ્યક્તિ ફરી વખત કોરોના વાઇરસથી સંક્રમિત થઈ શકે છે કે નહીં.

આરોગ્ય સેતુ ઍપ અંગે રાહુલ ગાંધીએ શું સવાલો ઉઠાવ્યા?

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને આરોગ્ય સેતુ ઍપ પર સવાલ ઉઠાવ્યા છે.

તેમણે ટ્વીટમાં લખ્યું છે કે આ એક જટિલ પ્રણાલી છે, જેને એક ખાનગી ઑપરેટરથી આઉટસોર્સ કરવામાં આવી છે અને તેની પર કોઈ સંસ્થાગત નિરીક્ષણ નથી કે જે ડેટા સુરક્ષા સંબંધે એની પર સવાલ ઉઠાવી શકે.

તેઓ લખે છે, "તકનીક આપણને સુરક્ષિત રાખી શકે છે પણ લોકોના ભયનો લાભ લઈને તેમની સંમતિ વગર તેમને ટ્રેક કરવા તે યોગ્ય નથી."

સમાચાર સંસ્થા પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે દિલ્હીમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફૉર્સના 122 જવાનોને બે સપ્તાહ દરમિયાન કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. હજુ બીજા 100 જવાનોનો રિપોર્ટ આવવાનો બાકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતને ધ્યાને લીધી છે અને સીઆરપીએફના વડાને પૂછ્યું છે કે એવી કઈ પરિસ્થિતિ હતી કે સંક્રમણને અટકાવી શકાયું નહીં.

સીઆરપીએફનો આ 31 બટાલિયન કૅમ્પ દિલ્હીના મયૂરવિહાર ફેઝ-3માં આવેલો છે. બટાલિયનમાં છેલ્લા બે દિવસથી ચેપ લાગવના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ સપ્તાહના આરંભમાં જ એક 55 વર્ષના જવાનનું સફદરજંગ હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. શુક્રવારે બટાલિયનના 12 જવાનો કોરોના પૉઝિટિવ મળ્યા હતા.

બે દિવસ પહેલાં 45 લોકોને વાઇરસનો ચેપ લાગ્યો હતો. મંડાવલીમાં આ જવાનોની સારવાર ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે સીઆરપીએફના એક પૅરામેડિકલ સ્ટાફ થકી આ ચેપ ફેલાયો હતો. મહિનાની શરૂઆતમાં આ સ્ટાફ પૉઝિટિવ આવ્યો હતો. સૌ પહેલાં 17 એપ્રિલે એક જવાનમાં લક્ષણો દેખાયાં હતાં અને 21 એપ્રિલે તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

કોરોના વાઇરસ : અમેરિકા ચીન પર પ્રતિબંધ લગાવશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ચીન પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહ્યા છે.

તેમણે કહ્યું, "કોરોના વાઇરસનો ચેપ ફેલાતા અટકાવવામાં ચીનની નિષ્ફળતાને પગલે એના પર અમેરિકન પ્રતિબંધની સંભાવનાથી ઇન્કાર ન કરી શકાય."

તેમણે આ વાત ત્યારે કરી કે જ્યારે તેઓ અમેરિકન રાષ્ટ્રપતિઓ માટે બનેલા ફાર્મહાઉસ કૅમ્પ ડેવિડ જવા માટે હેલિકૉપ્ટરમાં બેસી રહ્યા હતા.

કહેવાઈ રહ્યું છે કે તેઓ આ ફાર્મહાઉસમાં વીકૅન્ડમાં પણ કામ કરશે. ટ્રમ્પ 28 માર્ચથી વ્હાઇટ હાઉસમાંથી બહાર નથી નીકળ્યા.

વાઇરસને લઈને વિશ્વની સ્થિતિ

જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર વિશ્વભરમાં કોરોના વાઇરસના સંક્રમણના મામલાઓની સંખ્યા 31 લાખથી વધુ થઈ ગઈ છે. અત્યાર સુધી વિશ્વમાં બે લાખ 37 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં કોરોના વાઇરસને લીધે અત્યાર સુધી 1,152 લોકોનાં મૃત્યુ થયાં છે. દેશમાં ચેપનો કુલ આંકડો 35,365 પહોંચી ગયો છે. જ્યારે 9,065 લોકો સાજા પણ થઈ ગયા છે.

અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશને કોરોના વાઇરસના ચેપની સારવાર માટે ઈબોલાની દવા રૅમડેસિવિયરના ઉપયોગને આપાતકાલીન મંજૂરી આપી દીધી છે.

ભારતમાં ત્રીજા તબક્કાનું લૉકડાઉન 17 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. જોકે, ગ્રીન અને ઑરૅન્જ ઝોનવાળા વિસ્તારોમાં પ્રતિબંધો પર કેટલીક ઢીલ આપવામાં આવશે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 326 કેસો નોંધાયા છે. જ્યારે કુલ 22 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

સાથે જ રાજ્યમાં કુલ દરદીઓની સંખ્યા 4721 થઈ છે, જ્યારે મૃતકાંક 236 થયો છે. જોકે, આ દરમિયાન 736 લોકો સાજા થઈને ડિસ્ચાર્જ પણ કરાયા છે.

લૉકડાઉન દરમિયાન શુંશું ખુલ્લું રહેશે?

  • દેશભરમાં હવાઈ, રેલ, મેટ્રો અને આંતરરાજ્ય આવનજાવન પર રોક યથાવત રહેશે.
  • જોકે, વિશેષ ઉદ્દેશ્યો માટે ગૃહ મંત્રાલયની પરવાનગીથી માર્ગ, રેલ અને વાયુમાર્ગે યાત્રા કરવાની અનુમતિ મળી શકે છે.
  • લૉકડાઉનના ત્રીજા તબક્કામાં બધાં શૈક્ષણિક સંસ્થાનો અને એવા સ્થળો બંધ રહેશે જ્યાં લોકો ભેગા થતા હોય.
  • ગૃહમંત્રાલયે લોકોને સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી બિનજરૂરી કામ માટે બહાર ન નીકળવાનું સૂચન કર્યું છે.
  • ઉપરાંત 65 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધ લોકો અને દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ બિનજરૂરી કામ માટે બહાર નહીં નીકળવાનું સૂચન કરવામાં આવ્યું છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસથી સંક્રમણના નવા 1,993 કેસ સામે આવ્યા છે.

આ સાથે જ ભારતમાં સંક્રમિતોની સંખ્યા 35 હજારને પાર પહોંચી ગઈ છે. તેમજ કોરોના વાઇરસને લીધે કુલ 1,147 લોકોનાં મૃત્યુ થયાં છે.

ગુરુવારે પણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણના કેસ સામે આવ્યા હતા.

દુનિયાભરમાં 10 લાખ લોકો રિકવર

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર, દુનિયાભરમાં 10 લાખ લોકો કોરોના વાઇરસના સંક્રમણ બાદ સાજા થયા છે. જોકે દુનિયાભરમાં અત્યાર સુધીમાં સંક્રમિતોની કુલ સંખ્યા 32 લાખથી વધુ છે.

10 લાખ લોકો સાજા થવાનો અર્થ શું છે? એટલે કે કોવિડ-19થી મૃત્યુદર બહુ ઓછો છે. મતલબ કે 32 લાખ લોકોમાંથી પણ મોટા ભાગના લોકો સાજા થઈ જાય એમ બની શકે છે.

મેડિકલ જર્નલ ધ લાન્સેટે કહ્યું કે કોવિડ-19નો મૃત્યુદર ઍન્ફ્લુએન્ઝાથી 0.1 ટકા વધુ છે અને સાર્સથી 9.5 ટકા ઓછો છે.

મારી પાસે પુરાવો છે કે કોરોના વાઇરસ ચીનની લૅબમાંથી શરૂ થયો - ટ્રમ્પ

એક તરફ અમેરિકાની તપાસસંસ્થાઓ વાઇરસ માનવસર્જિત હોવાનો ઇન્કાર કરે છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરના વાઇરસ કોવિડ-19 ચીનની એક લૅબમાંથી ફેલાયો હોવાનો દાવો કરે છે.

ગુરૂવારે એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે, તમે આ વાઇરસને ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીમાં પેદા કરવામાં આવ્યો એવું આત્મવિશ્વાસથી કેવી રીતે કહી શકો છો? શું તમારી પાસે કોઈ પુરાવા છે?

આ સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે ''બિલકુલ, મારી પાસે છે. મને લાગે છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને શરમ આવવી જોઈએ કે તે ચીનના પ્રચાર-પ્રસારનું કામ કરે છે. તે ચીનના પબ્લિક રિલેશનની જેમ કામ કરે છે.''

ટ્રમ્પે કહ્યું કે ''એ નથી ખબર કે ચીને આ ભૂલથી કર્યું કે જાણીજોઈને કે પછી કોઈ લક્ષ્ય સાધવા માટે. હું એ વાત નથી સમજી શકતો કે લોકોને હૂબેની બહાર બાકીના ચીનમાં જવા પર પાબંદી હતી પરંતુ આખી દુનિયામાં જવા પર કોઈ પાબંદી ન હતી. આ ખૂબ ખરાબ થયું છે. આ ખૂબ કઠિન સવાલ છે અને તેનો જવાબ મળવાનો બાકી છે.''

દેશ અને દુનિયાની શુક્રવાર સુધીની અપડેટ

  • જૉન હોપકિન્સ યુનિવર્સિટી મુજબ દુનિયામાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઓછામાં ઓછી 2 લાખ 32 હજાર 817 થઈ ગઈ છે. સૌથી વધારે મૃત્યુ અમેરિકામાં થયા છે. અમેરિકામાં 63,763, ઇટાલીમાં 27,967 લોકોનાં મૃત્યુ થયાં છે.
  • જર્મનીએ લૉકડાઉનમાં રાહતો આપવાની જાહેરાત કરી છે. જર્મનીએ કહ્યું કે, તેઓ સંગ્રહાલયો, ગેલેરીઓ, પંખીઘરો અને રમતના મેદાનો તથા ધાર્મિક સેવાઓ ફરી શરૂ કરશ. લૉકડાઉનમાં આ છૂટ શરતોને આધિન રહેશે. મોટી સંખ્યામાં લોકોને ભેગા થવા પરનો પ્રતિબંધ હજી લાગુ રહેશે.
  • બ્રાઝિલમાં કોરોના વાઇરસના વિક્રમજનક 7218 કેસોની પૃષ્ટિ થઈ છે. એ સાથે જ બ્રાઝિલમાં કુલ કેસોની સંખ્યા 85 હજારને પાર કરી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના કહેવા મુજબ મૃતકોની સંખ્યા 435થી વધીને 5901 થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ વાઇરસને લઈને જે રણનીતિ અપનાવી તેનાથી લોકો ગુસ્સામાં છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ અગાઉ કોરોના વાઇરસને લઈને હિસ્ટીરિયા શબ્દનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.
  • રશિયાના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્તિને કહ્યું છે કે એમને વાઇરસનું સંક્રમણ થયું હતું અને સરકારે તેમને સેલ્ફ આઇસોલેશનમાં જવાનું કહ્યું હતું. વડા પ્રધાનનો રશિયાનો હાઈપ્રોફાઇલ કેસ છે.
  • મિશુસ્તિને કહ્યું કે વ્લાદિમિર પુતિન સાથે એક વીડિયો કૉલ વખતે તેમને ચેપ લાગ્યો. ગુરૂવારે રશિયાની સરકારી સમાચાર સંસ્થાએ આ જાણકારી આપી. જોકે, વડા પ્રધાનની હાલત કેટલી ગંભીર છે એ હજી સ્પષ્ટ નથી.
  • ન્યૂ યોર્કના સબ-વે પહેલીવાર રાતે બંધ રહેશે
  • દાયકાઓમાં પહેલીવાર ન્યૂ યોર્ક રાતે પણ નહીં ઉંઘનારું શહેર નહીં રહે એવી સ્થિતિ ઊભી થઈ છે. ગર્વનર એંડૂ કૂમોએ ન્યૂ યોર્કના ગર્વનર બિલ ડે સાથે મળીને જાહેરાત કરી છે કે દરરોજ રાત્રે એક વાગ્યાથી સવારના પાંચ સુધી સફાઈ અને દવા છાંટવા માટે ટ્રેન સર્વિસ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે ન્યૂ યોર્કમાં 3 લાખે કેસો છે અને 18 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.
  • પૉર્ટુગીઝ સરકારે જાહેરાત કરી છે કે દેશની ફૂટબૉલ લીગ 30 મેથી બંધ દરવાજાઓમાં ફરી શરૂ થઈ શકે છે. વડા પ્રધાન અંતોનિયો કોસ્ટાએ કહ્યું કે રમત બંધ દરવાજા પાછળ રમી શકાય છે. કોઈ પણ સ્ટેડિયમમાં દર્શકો મૅચ જોવા નહીં આવી શકે. કોસ્ટાએ ધીરેધીરે લૉકડાઉન હઠાવવાની ઘોષણા કરી છે.
  • યુરોપની સેન્ટ્રલ બૅન્કના પ્રમુખે જાહેરાત કરી છે કે બીજા ત્રૈમાસિક ગાળામાં યુરોઝોનમાં 15 ટકાનો ઘટાડો આવી શકે છે.

લૉકડાઉનમાં ફસાયેલા પ્રવાસીઓ હવે ઘરે જઈ શકશે

લૉકડાઉનની જાહેરાતથી જ પ્રવાસી મજૂરો અને પોતાના ઘરથી દૂર અન્ય રાજ્યમાં ફસાઈ ગયેલા લોકોની સ્થિતિ મોટો પ્રશ્ન બની રહી હતી ત્યારે આ મુદ્દે સરકારે જાહેરાત કરી છે.

ગૃહ મંત્રાલયે આ પ્રવાસીઓને પરત મોકલવા અંગેના નિયમો બહાર પાડ્યા છે અને તેની પરવાનગી આપી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રવાસી મજૂરો અને તંત્ર વચ્ચે ઘર્ષણની પણ ઘટનાઓ બની છે.

દેશમાં ઘરે પરત ફરવાની કોશિશમાં અનેક મજૂરોએ જીવ ગુમાવ્યો છે તો અનેક લોકો હજારો કિલોમિટર સાઇકલ, પેડલ રિક્ષા કે પગપાળા પહોંચવાની કોશિશ કરી એવી ઘટનાઓ પણ બની છે.

બીજા તબક્કાનું લૉકડાઉન 3 તારીખે પૂર્ણ થવાનું છે એ અગાઉ હવે ગૃહ મંત્રાલયે કહ્યુ કે પ્રવાસીઓ પોતાના રાજ્યમાં પરત જઈ શકશે.

અલગ અલગ રાજ્યમાં ફસાયેલા મજૂરો, વિદ્યાર્થીઓ અને યાત્રીઓ જો સંબંધિત રાજય સાથે સમજૂતી સધાય તો સડક માર્ગે પરત જઈ શકશે.

આની વ્યવસ્થા નૉડલ અધિકારી દ્વારા થશે અને પરત ફરતી વખતે તેમણે બે સ્થળોએ સ્ક્રિનિંગમાંથી પસાર થવું પડશે તેમજ 14 દિવસ ક્વોરૅન્ટીન પણ થવું પડશે.

ઉલ્લેખનીય છે કે અનેક રાજ્યોએ પ્રવાસીઓને પરત મોકલવા માટેની માગણી કરી હતી.

અમેરિકામાં દસ લાખ લોકો સંક્રમિત, 58 હજારથી વધુનાં મૃત્યુ

અમેરિકામાં અંદાજે દસ લાખ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે અને આ વાતની અમેરિકાએ ખરાઈ કરી છે.

અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણને લીધે 58 હજાર જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે, ઉલ્લેખનીય છે કે આના કરતાં ઓછા અમેરિકન્સનાં વિયેતનામ સામેના યુદ્ધમાં મોત થયાં હતાં.

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા એક જ દિવસમાં 50 લાખ કોરોના વાઇરસના ટેસ્ટ કરશે. અમેરિકા હાલ દરરોજ 2 લાખ ટેસ્ટ કરે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના વાઇરસથી 58 હજારથી પણ વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. એક મહિનાથી વધારે સમયમાં અહીં 58,355 લોકોનાં મૃત્યુ થયાં છે.

અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણમાં મૃત્યુ પામનારની સંખ્યા બે દસક સુધી ચાલેલા વિયેતનામ યુદ્ધ કરતાં પણ મૃત્યુ પામેલાં લોકોથી સંખ્યા વધી ગઈ છે. વિયેતનામ યુદ્ધમાં 58,220 લોકોના મૃત્યુ થયા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના મેડિકલ એડવાઇઝર ડૉ. એન્થની ફુકીએ ચેતવણી આપતાં કહ્યું કે હાલ ભય ટળ્યો નથી.

તેમણે કહ્યું કે, અસરકારક સારવાર વગર આવનારા મહિનામાં હજી અનેક લોકોનાં જીવ જઈ શકે છે.

જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31 લાખને પાર કરી ગઈ છે. દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31,16,680 છે.

દુનિયામાં કોરોના વાઇરસના કારણે 2,17,183 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે 9 લાખથી પણ વધુ લોકો સાજા થયા છે. સાજા થનાર લોકોની સંખ્યા 9,28,930 છે.

દુનિયામાં સૌથી વધારે કેસ અમેરિકા (10,12,583), સ્પેન (2,32,128), ઇટાલી(2,01,505), ફ્રાન્સ(1,69,053) અને બ્રિટનમાં(1,62,350) છે.

સૌથી વધુ મૃત્યુ અમેરિકામાં થયા છે. ત્યારબાદ ઇટાલી(27,359), સ્પેન(23,822), ફ્રાન્સ(23,660) અને બ્રિટન(21,678)માં થયા છે.

'વિશ્વમાં એક અબજ લોકોને ચેપ લાગી શકે છે'

જો કમજોર દેશોને તાત્કાલિક મદદ કરવામાં નહીં આવે તો દુનિયાભરમાં કોરોના વાઇરસના સંક્રમણની ઝપેટમાં અંદાજે એક અબજ લોકો આવી શકે છે.

આ ચેતવણી ઇન્ટરનેશનલ રેસ્ક્યૂ કમિટી (આઈઆરસી)એ કહ્યું છે કે કોરોના વાઇરસના સંક્રમણની વૈશ્વિક અસરને રોકવા માટે આર્થિક અને માનવીય સહાયની જરૂર છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ઇંપિરિયલ કૉલેજ ઑફ લંડનના આંકડાના આધારે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં લખ્યું છે કે દુનિયામાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા 50 કરોડ અને એક અબજની વચ્ચે હોઈ શકે છે.

અંદાજે 30 લાખ લોકો જીવ ગુમાવે એવી શક્યતા છે.

સુરત-અમદાવાદની કામગીરી બિરદાવાઈ

કેન્દ્ર સરકારની IMCT ટીમે સુરત તથા અમદાવાદમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની પ્રશંસા કરી છે.

ગ્રામ કોરોના યૌદ્ધા સમિતિનું મૉડલ અપનાવવા અન્ય રાજ્યોને પણ ભલામણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અલગ-અલગ રાજ્યોમાં હૉટસ્પૉટ્સમાં સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ટર મિનિસ્ટરિયલ સેન્ટ્રલ ટીમ (IMCT)નું ગઠન કરવામાં આવ્યું છે.

મંગળવારની પત્રકાર પરિષદ દરમિયાન ગૃહવિભાગના પ્રવક્તા પુણ્ય શૈલા શ્રીવાસ્તવે સુરત મહાનગરપાલિકા દ્વારા ઊભા કરવામાં આવેલા વૉરરૂમ તથા ડેટાને GIS (ગ્લોબલ ઇન્ફર્મેશન સિસ્ટમ) ઉપર પ્લોટ કરી રહી છે અને તેના આધારે આગામી વ્યૂહરચના ઘડવાની પ્રશંસા કરી હતી.

કેન્દ્રીય ટીમે અમદાવાદ તથા સુરતમાં કન્ટેઇનમૅન્ટ ઝોન તથા હૉટસ્પૉટ્સ ફરતે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા તથા તબીબી તપાસની પણ પ્રશંસા કરી હતી. આ સિવાય ડ્રોન અને સીસીટીવી દ્વારા લૉકડાઉનનો અમલ કરાવવાની પણ પ્રશંસા કરી હતી.

સમિતિએ અમદાવાદની સરદાર વલ્લભભાઈ હૉસ્પિટલ ખાતે કોવિડને લગતા સાધનોનું પરીક્ષણ કરતી સવલત ઊભી કરવી જોઈએ. આ સિવાય હૉટસ્પૉટના અંદરના ભાગોમાં લૉકડાઉનનો અસરકારક અમલ થાય તે માટે કેટલાક સૂચન કર્યા હતા.

ન્યૂઝીલૅન્ડમાં લૉકડાઉનમાં છૂટછાટ

કોરોના વાઇરસને લીધે અત્યાર સુધી વિશ્વમાં 30 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત થઈ ગયા છે. જૉન હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર વિશ્વભરમાં અત્યાર સુધી કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 30 લાખ, 41 હજાર, 550 થઈ ગઈ છે.

અત્યાર સુધી 2.11,159 લોકોનો જીવ ગયો છે. મરનારા લોકોની સંખ્યા હજુ વધારે હોઈ શકે. કારણ કે કેટલાય દેશોમાં સંબંધિત મામલાઓની અધિકૃત જાણકારી નથી મળી.

ન્યૂઝીલૅન્ડનો દાવો છે કે દેશમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનને રોકવામાં સફળતા મળી છે અને કોવિડ-19ને પ્રભાવી રીતે નાબૂદ કરાયો છે.

અહીં ઍલર્ટ લેવલને ઘટાડવામાં આવ્યું છે જેનાથી જરૂરી વ્યવસાય, આરોગ્ય સેવા અને સ્કૂલનું કામકાજ ફરી શરૂ કરી શકાશે.

ચાર લાખ જેટલા લોકો કામ પર પાછા ફરી શકશે. સ્કૂલ અને ડે બોર્ડિંગ જેવી સુવિધાઓ શરૂ કરવામાં આવશે.

ન્યૂઝીલૅન્ડનાં વડા પ્રધાન જૅસિન્ડા આર્ડેને ચેતવણી આપી છે કે લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવી રહી છે પરંતુ હજી ખતરો ખતમ નથી થયો.

તેમણે લોકોને ઘરે રહેવા અને ઘરેથી કામ કરવા માટે વિનંતી કરી છે અને મહામારીના બીજા તબક્કા અંગે પણ ચેતવ્યા હતા.

ન્યૂઝીલૅન્ડમાં સરહદ બંધ કરવા અને આઇસોલેશન જેવા પગલાં લેવાને કારણે કોરોના વાઇરસથી જલ્દી મુક્તિ મળી શકી છે.

દેશમાં કોરોના સંક્રમણના 1500 કેસ સામે આવ્યા છે જેમાં સંદિગ્ધ સંક્રમિતો પણ સામેલ છે અને કોરોના સંક્રમણને કારણે મરણાંક 19 છે.

ન્યૂઝીલૅન્ડે કોરોના વાઇરસ વિરુદ્ધનું યુદ્ધ જીતી લીધું?

મન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જૅસિન્ડા અર્ડને કહ્યું છે કે તેમના દેશમાં એવો કોઈ પણ મામલો નથી કે જેની અત્યાર સુધી તપાસ કરવામાં આવી ન હોય. તેમણે દાવો કર્યો છે કે ન્યૂઝીલૅન્ડે કોરોના વાઇરસ વિરુદ્ધનો જંગ જીતી લીધો છે.

ન્યૂઝીલૅન્ડમાં મધરાતથી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવશે. અહીંના આરોગ્યવિભાગના ડાયરેક્ટર જનરલ ડૉક્ટર ઍશ્લે બ્લૂમફિલ્ડે જણાવ્યું છે કે 'દેશે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લીધું છે.' જોકે, એમણે એવું પણ ઉમેર્યું કે આનો એવો અર્થ નથી થતો કે હવે દેશમાં સંક્રમણમો કોઈ કેસ નથી. તેમણે કહ્યું, "આનો એવો અર્થ થાય છે કે અમને ખ્યાલ છે કે કેસો ક્યાંથી આવી રહ્યા છે."

ન્યૂઝીલૅન્ડમાં સોમવારે એક નવો કેસ સામે આવ્યો હતો અને એક મૃત્યુ નોંધાયું હતું. દેશમાં 1500 કરતાં પણ ઓછા કેસો નોંધાયા છે અને આમાંથી 80 ટકા દરદીઓ સાજા થઈ ગયા છે. અત્યાર સુધી અહીં કોરોના વાઇરસને લીધે 80 લોકોનાં મૃત્યુ થયાં છે.

વુહાન શહેરમાં હવે એક પણ દર્દી નહીં

ચીનના નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તા મી ફેંગે કહ્યું કે વુહાનમાં કોરોના વાઇરસથી સંક્રમિત કોઈ પણ દર્દી હવે હૉસ્પિટલમાં નથી. તમામને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

વુહાન ચીનનું જ શહેર છે, જ્યાંથી કોરોના વાઇરસના સંક્રમણની શરૂઆત થઈ હતી.

મીએ કહ્યું, "સ્વાસ્થયકર્મીઓની આકરી મહેનતના કારણે વુહાનમાં ભરતી કરાયેલાં તમામ સંક્રમિત ઠીક થઈને બહાર નીકળ્યા છે." વુહાનમાં શનિવાર સુધી સંક્રમિતોની સંખ્યા 46,452 હતી.

કહેવામાં આવી રહ્યું છે કે વુહાનથી જ આખી દુનિયામાં મહામારી ફેલાઈ અન હવે શહેરમાંથી પણ તમામ સંક્રમિત લોકો સ્વસ્થ થઈને હૉસ્પિટલની બહાર ગયા છે.

સંક્રમણના ફેલાવા પછી ચીનના હૂબે પ્રાંતનું આ શહેર 76 દિવસ સુધી સંપૂર્ણ રીતે બંધ હતું.

અહીં પહેલો કેસ ગત વર્ષના ડિસેમ્બર માસના વચ્ચેના દિવસોમાં આવ્યો હતો.

પેરિસમાં માસ્કની કાળાબજારી

ફ્રાન્સમાં પોલીસે કહ્યું કે તેણે કાળા બજારી માટે રાખવામાં આવેલાં 1 લાખ 40 હજાર ફેસ માસ્કને કબજે કર્યા છે.

અધિકારીઓએ કહ્યું છે કે તેમને આ વાતની ખબર ત્યારે પડી જ્યારે પેરિસના ઉત્તરમાં સેન્ટ ડેનિસથી એક ટ્રક પાસેથી વેપારી માસ્ક ઉતરાવતા હતા.

ફ્રાન્સનું કહેવું છે કે ફેસ માસ્કનો સ્ટૉક અને તેનું ઉત્પાદન માત્ર સ્વાસ્થકર્મીઓ માટે જ થવું જોઈએ.

કોરોના વાઇરસની મહામારી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી પેરિસમાં માસ્કની જપ્ત કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો