You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું આ છે સોશિયલ ડિસ્ટન્સિંગનું સર્વોત્તમ ઉદાહરણ? - ફૅક્ટ ચેક
- લેેખક, શ્રુતિ મેનન
- પદ, બીબીસી સંવાદદાતા, રિયાલિટી ચૅક
દેશમાં લૉકડાઉનને લાગુ કરવવા માટે પ્રશાસન કડક પગલાં લઈ રહ્યું છે ત્યારે તેને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક પ્રકારની માહિતી શૅર કરવામાં આવી રહી છે.
અમુક સમાચાર મોટાપાયે શૅર કરવામાં આવી રહ્યા છે તેની સત્યતા વિશે બીબીસીએ તપાસ કરી હતી.
સોશિયલ ડિસ્ટન્સિંગનું સર્વોત્તમ ઉદાહરણ?
ભારતમાં જ્યારે લૉકડાઉન વધારવામાં આવ્યું ત્યારે સોશિયલ મીડિયા પર આ તસવીરો શૅર થવા લાગી જેમાં દાવો કરવામાં આવ્યો કે ઉત્તર પૂર્વ ભારતના રાજ્ય મિઝોરમમાં એક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.
જ્યારે દેશના અન્ય ભાગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનને લઈને પ્રશ્નો છે ત્યારે લોકો આ તસવીરોને જોઈને કહી રહ્યા હતા કે દેશ માટે આ એક દાખલો છે કે કેવી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ.
પરંતુ આ તસવીરો સાથે કરવામાં આવતો દાવો સત્ય નથી કારણકે આ તસવીરો ભારતની નથી, આ તસવીરો ભારતના પાડોશી દેશ મ્યાનમારની છે.
જો રિવર્સ ઇમેજ સર્ચ કરીએ તો જાણવા મળે છે કે આ તસવીર ફિલિપીન્સમાં એબીએસ-સીબીએન ન્યૂઝ અને દક્ષિણ પૂર્વ એશિયાના મીડિયામાં આ મહિનામાં જ વાપરવામાં આવી હતી, અને કહેવામાં આવ્યું હતું કે આ મ્યાનમારની તસવીરો છે.
આ તસવીરો ફેસબુક પર કેટલાક મ્યાનમારના યૂઝર્સે પણ આ તસવીરો પોસ્ટ કરી છે જેમાં પણ તે લોકો કહી રહ્યા છે કે આ મ્યાનમારની એક માર્કેટ છે.
જો તસવીરોને ઝૂમ કરીને જોવામાં આવે તો જાણી શકાશે કે એક-બે દુકાનોના બોર્ડ અને વિજ્ઞાપનની ઉપરનું લખાણ બર્મીઝ લિપિમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું દીપડાને કારણે લૉકડાઉનનો ભંગ થયો?
પંજાબમાં એક દીપડાને કારણે મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર સડક પર ભેગા થયા હતા, એવો એક વીડિયો સોશિયલ મીડિયામાં અનેક વખત શૅર કરવામાં આવ્યો હતો.
પંજાબના જલંધર જિલ્લાના આ વીડિયોમાં દીપડો મકાનોની દીવાલ ટપીને દોડતો દેખાય છે, અને લોકો ડરને કારણે ભાગદોડ કરતા દેખાય છે.
અમુક પોસ્ટમાં #coronavirus અથવા #Covid-19 હૅશટૅગ પણ મૂકવામાં આવ્યા હતા અને કેટલીક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે દીપડો લૉકડાઉનનો ભંગ કરી રહ્યો છે. એક ફેસબુક પોસ્ટ 5,500 કરતા વધારે વખત જોવામાં આવી હતી.
પરંતુ આ પ્રકારની પોસ્ટની નીચે જોઈ શકાય છે કે અમુક લોકોએ કહ્યું છે કે આ એક વર્ષ જૂનો વીડિયો છે. જો કીવર્ડ સર્ચ કરવામાં આવે તો આ વાતની પણ પુષ્ટિ કરી શકાય છે.
2019ની શરૂઆતમાં આ વીડિયો વાઇરલ થયો હતો અને ભારત તથા વિદેશના મીડિયામાં પણ આની ચર્ચા થઈ હતી.
આ વીડિયોનો હાલના લૉકડાઉન સાથે કોઈ સંબંધ નથી.
શું ભારતનો આભાર માનવા ઍલ્પ્સ પર્વતનું શિખર શણગારવામાં આવ્યું?
ઍલ્પ્સ પર્વતશ્રેણીનું સૌથી ઊંચું શિખર મૅટરહૉર્ન સ્વિટ્ઝરલૅન્ડ અને ઇટાલીની સરહદ વચ્ચે સ્થિત છે, અને તેના પર અલગ-અલગ રંગોના પ્રકાશથી ભારતનો ઝંડો ઝગમગતો દેખાય છે.
ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા દ્વારા ટ્વીટ કરવામાં આવેલી આ તસવીરને મોટા પ્રમાણમાં શૅર કરવામાં આવી હતી.
દાવો કરવામાં આવ્યો હતો કે આ તસવીર કોરોના વાઇરસ સામેની લડતમાં ભારતની અગ્રણી ભૂમિકાને દર્શાવે છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી એસ સંતોષ પ્રમાણે આની પાછળ કારણ હતું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મલેરિયાની દવા હાઇડ્રૉક્સીક્લોરોક્વિન અન્ય દેશોને સપ્લાઇ કરી છે.
કોરોના વાઇરસના સંક્રમણની સારવારમાં આ દવા કારગર સાબિત થઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું પરંતુ હજી સુધી તેના કોઈ ક્લિનિકલ ટ્રાયલ કે વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે આ દવા કોરોના સંક્રમણની સારવારમાં અસરકારક છે.
ભારત આ દવાનું મોટું ઉત્પાદક છે અને ભારતે ઓછામાં ઓછા 55 દેશોને આ દવા સપ્લાય કરવાની તૈયારી બતાવી છે, જોકે તેમાં સ્વિટ્ઝરલૅન્ડનો સમાવેશ નથી થતો.
પરંતુ અન્ય દેશોને આ દવા સપ્લાય કરવાને કારણે સ્વિસ સરકારે ઍલ્પ્સના પર્વત પર ભારતનો ઝંડો પ્રકાશથી શણગાર્યો હોય એવું પણ નથી.
માર્ચના અન્તથી મૅટરહૉર્નનું સ્થાનિક પ્રશાસન અલગ-અલગ દેશોના ઝંડાને અહીં શણગારે છે, જે કોરોના સંક્રમણથી લડી રહ્યા છે. આ મુશ્કેલીના સમયથી પસાર થઈ રહેલા દેશો માટે આશાનું પ્રતીક છે.
મુસ્લિમ વ્યક્તિનું થૂંકવું અને કોરોના વાઇરસ
એક મુસ્લિમ વ્યક્તિ થૂંકતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે.
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં મુસ્લિમોને લઈને અનેક એવા મૅસેજ સોશિયલ મીડિયા પર આવ્યા છે જેમાં તેમનાથી દૂર રહેવા અને ડરવા જેવા દાવા કરવામાં આવ્યા.
વીડિયોમાં આ વ્યક્તિ પોલીસકર્મીઓ સાથે એક ગાડીમાં જઈ રહી છે અને તે એક પોલીસકર્મી પર થૂંકે છે.
બાંગ્લામાં લખેલ શબ્દોનો અર્થ થાય છે, ‘જેમને પુરાવા જોતા હોય તેમના માટે, અહીં નિઝામુદ્દીનના જમાતી પોલીસકર્મી પર થૂંકી રહ્યા છે’.
દિલ્હીમાં નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના મરકઝને લઈને વાત કરવામાં આવી રહી છે.
માર્ચ મહિનામાં મરકઝના સમાચાર બહાર આવ્યા પછી દેશમાં કોરોના સંક્રમણના વધેલા હજારો કેસ માટે જમાતીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
રિવર્સ ઇમેજ સર્ચમાં જોઈ શકાય છે કે આ વીડિયોનો દિલ્હીના મરકઝ સાથે કોઈ સંબંધ નથી.
આ વીડિયો ફેબ્રુઆરી મહિનામાં મુંબઈ મિરર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં એક 26 વર્ષીય યુવાન જેની ધરપકડ કરવામાં આવી હતી તેને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાને લઈને પોલીસ સાથે તેની રકઝક થઈ રહી હતી.
આ વીડિયો મહારાષ્ટ્રના થાણે છે, દિલ્હીનો નહીં.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો