કોરોના વાઇરસ : ગુજરાતમાં રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ કેમ બંધ કરી દેવાયો?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે અને અમદાવાદમાં સૌથી વધારે કેસો જોવા મળી રહ્યા છે ત્યારે સંક્રમણની તપાસ માટેની રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ અટકાવી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં અનેક સ્થળોએ રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ છેલ્લા ત્રણ દિવસથી સતત થઈ રહ્યો હતો. જોકે, રાજ્ય સરકારે આખરે સોમવારે નિર્ણય લીધો કે હવેથી એ રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ અહીં નહીં થાય.

હવે સરકારી તંત્રે રેપિડ ટેસ્ટ વગર માત્ર પીસીઆર ટેસ્ટ મારફતે જ પોતાનું કામ કરવાનું રહેશે.

રેપિડ ટેસ્ટની ગુણવત્તાને લઈને પણ વિવાદ થયો હતો. જોકે, હવે બીજી કોઈ રેપિડ ટેસ્ટ કિટ આવવાની છે કે નહીં તથા ફરી રેપિડ ટેસ્ટિંગ શરૂ કરાશે કે નહીં તેની ચોખવટ હજુ સરકારે કરી નથી.

રાજ્યમાં સંક્રમણના કેસો વધી રહ્યા છે ત્યારે સારી કક્ષાની રેપિડ ટેસ્ટ કિટથી સર્વેલન્સ ઝડપી અને ચુસ્ત થઈ શકે એવું જાણકારોનું માનવું છે.

કઈ રીતે થતો હતો આ કિટનો ઉપયોગ

છેલ્લા ત્રણ દિવસોથી ગુજરાતભરમાં સ્વાસ્થ્ય કર્મચારીઓ વિવિધ વિસ્તારોમાં ફરીને રેપિડ કિટની મદદથી લોકોનું સ્ક્રિનિંગ કરી રહ્યા હતા. લોહીના નમૂના લઈને તેમાં વાઇરસની હાજરી છે કે નહીં તે ચકાસવામાં આવી રહ્યું હતું.

આ રીતે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં રૅન્ડમલી લોકોની પસંદગી કરી, તેમનું પરીક્ષણ કરી સંબંધિત વિસ્તારમાં વાઇરસનો ફેલાવા અંગે જાણકારી મેળવવામાં આવતી હતી.

આ ઉપરાંત પી.સી.આર. ટેસ્ટના માધ્યમથી છેલ્લો નિર્ણય કરવામાં આવતો હતો કે ખરેખર વ્યક્તિને કોરોના પૉઝિટિવ છે કે નહીં.

જોકે, હવે તમામ વિસ્તારોમાં આ રેપિડ ટેસ્ટની જગ્યાએ માત્ર સ્ક્રિંનિંગ કરવાનું રહેશે, જેમાં લોકોને તાવ, શરદી જેવાં લક્ષણો છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે.

ઉપયોગ કેમ બંધ કરાયો?

આ રેપિડ ટેસ્ટ કિટ સંદર્ભે બીબીસી ગુજરાતીએ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર એન.બી. ઉપાધ્યાય સાથે વાત કરી.

તેમણે કહ્યું કે સરકારની સૂચના મુજબ મંગળવારથી તેમણે આ રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ બંધ કરી દીધો છે.

એન. બી. ઉપાધ્યાયનું માનવું છે કે પરિણામો વિરોધાભાસી લાગતાં સરકારે તેનો ઉપયોગ કરવાની ના પાડી હોય એવું બની શકે છે.

આ વિશે જ્યારે ભાવનગરનાં મ્યુનિસિપલ કમિશનર એમ. એ. ગાંધી સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી તો તેમણે કહ્યું કે "આ કિટનો ઉપયોગ તો હજી છેલ્લા ત્રણ દિવસોથી જ થઈ રહ્યો હતો અને તેની પહેલાં અમે આખા શહેરમાં કિટ વગર જ સ્ક્રિનિંગ કરી રહ્યાં હતા."

એમ. એ. ગાંધી માને છે કે આ તબક્કે તંત્રને કોઈ રેપિડ કિટની જરૂર નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક ઉચ્ચઅધિકારી નામ નહીં આપવાની શરત સાથે બીબીસી ગુજરાતીને કહ્યું, "રેપિડ ટેસ્ટનો ફાયદો એ હતો કે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કેટલા લોકો સંક્રમિત હોઈ શકે એનો તાળો મળી શકતો હતો. તેનાથી તે સ્ક્રિનિંગની પ્રક્રિયા સહેલી થઈ ગઈ હતી. અમે તે ટેસ્ટ બાદ જે પૉઝિટિવ લોકો હોય તેમની પી.સી.આર. ટેસ્ટ કરીને પછી કોઈ પણ નિર્ણય લેતા હતા."

રેપિડ ટેસ્ટનો ઉપયોગ કેમ બંધ કરી દીધો છે, તે વિશે બીબીસી ગુજરાતીએ ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, તેઓ વાત કરવા માટે ઉપલબ્ધ થઈ શક્યાં નહોતાં. બીબીસી ગુજરાતીએ મોકલેલા ટેક્સ્ટ મૅસેજનો પણ તેમણે જવાબ આપ્યો નહોતો.

ગુણવત્તાનો સવાલ

બીબીસીના જ એક અહેવાલ પ્રમાણે દેશભરમાં અનેક લોકોએ આ મામલે પરીક્ષણોની સંખ્યા ઓછી હોવાની વાત કરી છે.

આ ચિંતાને લઈને જ અનેક રાજ્યોએ Indian Medical Research Council (ICMR)ને રેપિડ ટેસ્ટ કરવા માટેની કિટ ઉપલબ્ધ કરાવવાની વાત કરી હતી.

પ્રથમ તબક્કે ICMR આ માટે રાજી ન હતું, પરંતુ ત્યારબાદ આ સંસ્થાએ ચીનની બે કંપનીઓ પાસેથી કિટ મગાવવાનો રસ્તો મોકળો કરી દીધો હતો.

જોકે આ કિટ મળી તેના થોડા દિવસોમાં જ રાજ્ય સરકારોએ તેની ગુણવત્તા પર સવાલો કર્યાં હતા અને તેનો ઍક્યુરસી રૅટ બરાબર ન હોવાની ફરિયાદો કરી હતી.

આ કિટનો ઍક્યુરસી રૅટ 5% જેટલો જ આવતો હતો. જેમ કે, પી.સી.આર. ટેસ્ટ બાદ પૉઝિટિવ વ્યક્તિની રેપિડ ટેસ્ટ નેગેટિવ આવતી હતો. એવી જ રીતે રેપિડ ટેસ્ટમાં પૉઝિટિવ હોય તેની પી.સી.આર. ટેસ્ટ નેગેટિવ આવતી હતી.

રાજ્યોની ફરિયાદો બાદ ICMRએ આ ટેસ્ટનો ઉપયોગ બે દિવસ માટે રોકી દેવાનું કહી દીધું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક ઉચ્ચઅધિકારીએ નામ નહીં આપાવની શરતે કહ્યું, "અમને પહેલાં તેનો ઉપયોગ કરવાનું કહ્યું તો અમે વ્યવસ્થિત ટ્રેનિંગ આપી હતી."

"પછી, આ ટેસ્ટ રોકી દેવાનું કહ્યું તો અમે તે ટેસ્ટ વિના જ સ્ક્રિંનિંગ કર્યું, પછી ફરીથી તેનો ઉપયોગ કરવાનું કહ્યું અને હવે તેનો ઉપયોગ ફરીથી બંધ કરવાનું કહ્યું છે."

આમ, હાલ AMC હાલમાં આ કિટનો ઉપયોગ નથી કરતી.

રેપિડ ટેસ્ટ કિટ ગુજરાત માટે કેમ મહત્ત્વની?

રેપિડ ટેસ્ટ કિટની જરૂરિયાત બાબતે પબ્લિક હેલ્થ સૅક્ટરમાં કામ કરતાં અનેક લોકો સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.

મોટાભાગનાં લોકોનું માનવું છે કે, ઍક્યુરસી સારી હોય તેવી રેપિડ ટેસ્ટ કિટની હાલમાં ખૂબ જરૂરિયાત છે.

આ માટે ગાંધીનગરસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર ડૉક્ટર દિલીપ માવળંકર કહે છે કે જ્યારે સરકારને લૉકડાઉન હઠાવવું કે નહીં એ નિર્ણય કરવાનો છે ત્યારે આ સમયે રેપિડ ટેસ્ટ કિટની ખૂબ જરૂર છે.

ડૉક્ટર દિલીપ માવળંકર કહે છે, "સારી ગુણવત્તાની રેપિડ ટેસ્ટ કિટથી કરવામાં આવેલા સ્ક્રિનિંગથી અસિમ્ટોમૅટિક લોકોને પણ શોધી શકાય છે. એક મોટી વસાહતમાં કેટલાય અસિમ્ટોમેટિક લોકો હશે, તેમાં રૅન્ડમ રેપિડ ટેસ્ટના ઉપયોગથી જ ખબર પડી શકે કે તેમાં કેટલા પૉઝિટિવ લોકો ફરી રહ્યા છે."

તેઓ ઉમેરે છે, "હાલમાં લોકો પોતે પણ હૉસ્પિટલ જવામાં ડરે છે અને પ્રાઇવેટ ટેસ્ટ ખુબ મોંઘી છે. આ સંજોગોમાં રેપિડ ટેસ્ટ કિટ આપણા દેશમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. "

હાલમાં અમુક રિસર્ચથી એવું જાણવા મળ્યું છે કે, પી.સી.આર ટેસ્ટનું પરિણામ પણ 70 ટકા ઍક્યુરેટ હોય છે. 98 ટકા ઍક્યુરેસી તો પી.સી.આર.ની સાથે ઍક્સ-રે અને સીટી સ્કૅનથી જ મળે છે. એટલે જો થોડી સારી ચોકસાઈવાળી કિટ આપણે વિકસાવી શકીએ તો તે આ સમયમાં સૌ માટે આશીર્વાદ સમાન રહેશે, તેવું ઘણા નિષ્ણાતો માને છે.

આવી જ રીતે પબ્લિક હેલ્થના સૅક્ટરમાં કામ કરતા ડૉક્ટર હનીફ લાકડાવાળાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, આ કિટ ક્ષતિપૂર્ણ છે તે દેશ માટે એક મોટું સેટ-બૅક છે. સરકારે તેનો પર્યાય તરત જ શોધવો જોઈએ.

તેઓ માને છે કે, ઘણા ગરીબ પરિવારોમાં લક્ષણો હોય તે છતાં તેઓ હૉસ્પિટલમાં દાખલ થવાની બીકે બીકે રિપોર્ટ કરાવવા જતા નથી, આવા લોકો માટે રેપિડ કિટની જરૂર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો