કોરોના વાઇરસ: શું 'બદનામ' તબલિગી જમાત વરદાન સાબિત થશે?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

તબલિગી જમાતના ડઝનેક લોકો કોરોના ચેપમાંથી સાજા થયા પછી હવે પ્લાઝ્મા આપવા માટે આગળ આવી રહ્યા છે.

લૉકડાઉન અગાઉ દિલ્હીમાં તબલિગી જમાતની મિટિંગ મળી હતી. એ પછી જમાત સાથે સંબંધિત કોરોના પોઝિટિવના કેસ મોટી સંખ્યામાં મળી આવ્યા હતા.

દેશના ઘણા વિસ્તારમાં ચેપ ફેલાવવા માટે જમાતના લોકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.

દિલ્હી અને દેશના અન્ય બે રાજ્યોમાં પ્લાઝ્મા થેરપીની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસનો કોઈ ઇલાજ હજી મળ્યો નથી કે રસી પણ બની નથી. રસી બનાવવા માટે ભારત સહિત દુનિયાભરમાં પ્રયાસો ચાલી રહ્યા છે.

'અલ્લાહના આભારી'

પ્લાઝ્મા થેરપીની ટ્રાયલમાં અત્યાર સુધીમાં પ્રોત્સાહક પરિણામો મળ્યા છે.

દિલ્હીમાં ત્રણ હૉસ્પિટલમાં જમાતના સભ્યોએ રક્તદાન કર્યું છે. એક મહિના સુધી ક્વૉરેન્ટાઇનમાં રહ્યા પછી સાજા થઈને આ લોકો બહાર આવી રહ્યા છે.

તામિલનાડુના રહેવાસી ફારૂક બાસા દસ જમાતીમાંથી એક છે જેમણે રવિવારે પ્લાઝ્મા ડોનેટ કર્યું છે. તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, દેશના લોકોને મદદરૂપ થઈને પોતે ખુશ છે.

તેમણે કહ્યું, "મીડિયામાં કોરોના પોઝિટિવના કારણે અમારી છાપને બહુ નુકસાન કરવામાં આવ્યું છે. પરંતુ અલ્લાહની મહેરબાની છે કે અમે આ કદમ ઉઠાવી રહ્યા છીએ અને (પ્લાઝ્મા આપવાથી) અમારી છાપમાં સુધારો થશે."

જમાત અને કોરોનાનું કલંક

દિલ્હીમાં તબલિગી જમાતનો કાર્યક્રમ થયો તે પછી એવા સમાચારો વહેતા થયા કે તેમના કારણે દેશભરમાં ચેપ ફેલાયો છે.

દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલા તબલિગી જમાતના મુખ્ય કાર્યાલયમાં લૉકડાઉન જાહેર થયું તે અગાઉ માર્ચના બીજા અને ત્રીજા અઠવાડિયે કાર્યક્રમો થયા હતા.

દેશભરમાં 24 માર્ચે લૉકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી તેના કારણે ઘણા લોકો ત્યાં ફસાઈ ગયા હતા. તેમાંથી 250 જેટલા વિદેશી નાગરિકો હતા.

અહીં એકઠા થયેલા જમાતીઓમાંથી એક હજારથી વધુના કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યા અને તેમને ક્વોરૅન્ટીનમાં મૂકી દેવાયા હતા.

'કોરોના જેહાદી'નું આળ

પોલીસે જમાતના વડા મોહમ્મદ સાદ કાંધલવી સામે ફોજદારી ગુનો દાખલ કર્યો છે.

ઈડીના જણાવ્યા અનુસાર મની લૉન્ડરિંગનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. મૌલાનાના પરિવાર અને તેમના સમર્થકોનું કહેવું છે કે પોલીસે લગાવેલા આરોપો 'કપોળકલ્પના' જ છે.

કેટલાક મીડિયામાં તબલિગી જમાતના સભ્યોને 'વાઇરસ' અથવા તો 'કોરોના વાઇરસના વાહક' કહેવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયામાં હેશટૅગ 'કોરોના જેહાદી' ટ્રૅન્ડ થયો હતો અને ઘણા જમાતીઓ પર જાણી જોઈને ચેપ ફેલાવાનો આરોપ મૂકાયો હતો.

જમાતીઓ ઇરાદાપૂર્વક ભીડમાં ગયા અને ચેપ ફેલાવ્યો એવું કહેવાયું. જમાતીઓની સરખામણી આત્મઘાતી વિસ્ફોટક ટોળી સાથે કરવામાં આવી.

કેટલાય દિવસો સુધી સરકાર તરફથી કોરોના ચેપના આંકડા અપાતા હતા, તેમાં તબલિગી જમાતના કારણે કેટલા ચેપ ફેલાયા તે જણાવાતું રહ્યું હતું. તે પછી દેશભરમાં ઘણી જગ્યાએ મુસ્લિમોને પરેશાન કર્યાની ખબરો પણ આવી.

તબલિગી જમાત વૈશ્વિક સંગઠન છે અને પશ્ચિમના ઘણા દેશોમાં પણ તેની શાખાઓ આવેલી છે. 1926માં તેની સ્થાપના થઈ હતી.

જમાત પર સતત પ્રહારો થવા લાગ્યા તે પછી સંયુક્ત આરબ અમીરાતે તે બાબતમાં નારાજગી વ્યક્ત કરી હતી.

અરબ જગતના ઘણા પ્રભાવી લોકોએ ભારતની બિનસાંપ્રદાયકિતા સામે સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, એકતા રાખવી જરૂરી છે અને વાઇરસનો કોઈ ધર્મ નથી હતો.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ રવિવારે પત્રકારપરિષદમાં એકતાની જરૂર પર ભાર મૂક્યો હતો.

જમાતના લોકોએ પ્લાઝ્મા ડોનેટ કર્યું તે ખબર આવ્યા તે પહેલાં પત્રકારોને તેમણે કહ્યું કે, "મને એક વિચાર આવે છે કે કાલે એવું પણ બનશે કે કોઈ મુસ્લિમના પ્લાઝ્માથી હિંદુ દર્દી સાજો થશે કે હિંદુના પ્લાઝ્માથી મુસ્લિમ દર્દી સાજો થશે. બધા જ મનુષ્યની બે આંખો અને એક શરીર હોય છે. બધાના રક્ત લાલ હોય છે. ભગવાને આપણા વચ્ચે દીવાલ ખડી કરી નથી."

મૌલાનાની અપીલ પછી રવિવારે સૌથી પ્રથમ અનસ સઈદે પ્લાઝ્મા આપ્યા હતા.

તેમણે કહ્યું કે, "અમારા માટે છેલ્લા કેટલાક અઠવાડિયા બહુ મુશ્કેલ હતા. બધા અમને જ કોરોના ફેલાવા માટે દોષ દેતા હતા. અમારું ક્વોરૅન્ટીન હવે પૂરું થયું છે. મૌલાનાએ પ્લાઝ્મા આપવા માટે અપીલ કરી છે એટલે અમે તે આપવા માટેનું નક્કી કર્યું છે."

બીજા રાજ્યોમાં પણ ઘણા પ્લાઝ્મા ડોનેટ કરવા આગળ આવ્યા છે.

જમાતના સભ્ય બરકત ખલીલ અને તેમના પરિવારના આઠ સભ્યોને ગયા મહિને અમદાવાદમાં કોરોના પૉઝિટિવ આવ્યો હતો.

બરકત કહે છે, "અમારામાંથી ચાર હવે સંપૂર્ણ સાજા થઈ ગયા છે. અમે થોડા જ દિવસોમાં પ્લાઝ્મા ડોનેટ કરવાના છીએ."

જમાતના લોકો સાથે થયેલા વ્યવહારથી તેઓ બહુ દુખી છે. તેમનું કહેવું છે કે, "અમારા સમાજને રાજકીય રીતે શિકાર બનાવવામાં આવ્યો છે."

ડૉક્ટર શોએબ અલી જમાત સાથે નિકટનો સંબંધ ધરાવે છે. દિલ્હીના જમાતના લોકોને પ્લાઝ્મા ડોનેટ કરવા માટે પ્રેરિત કરવા માટેનું કામ તેમને સોંપવામાં આવ્યું છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે બહુ મહેનત કરવાની જરૂર તેમને પડતી નથી.

તેઓ કહે છે: "ગયા મહિને જેમનો કોરોના પૉઝિટિવ આવ્યો હતો અને હવે સાજા થઈ ગયા છે તે બધા પ્લાઝ્મા આપવા માટે તૈયાર છે. મારું માનવું છે કે આગામી થોડા દિવસોમાં દિલ્હીમાં 300થી 400 લોકો પ્લાઝ્મા આપશે."

ડૉક્ટર શોએબ અલીનું કહેવું છે કે જમાતના લોકો એક નાગરિક તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે.

તેઓ આને ડેમેજ કન્ટ્રોલ માનવા તૈયાર નથી. તેઓ કહે છે, "ગયા મહિને જમાતને બદનામ કરવામાં ના આવી હોત તો પણ લોકો પ્લાઝ્મા આપત, કેમ કે આ લોકો ખુદાથી ડરવાવાળા છે અને તેમને બલિદાન આપવાનું શીખવાયું છે."

ડૉક્ટર શોએબ અલીનું માનવું છે કે પ્લાઝ્મા આપવાની પ્રક્રિયામાં ઘણા દિવસો લાગશે, કેમ કે દિલ્હીની હૉસ્પિટલમાં હજી સુવિધાઓનો અભાવ છે.

તેમનું કહેવું છે કે રવિવારે આઠથી દસ લોકો પ્લાઝ્મા આપવા પહોંચ્યા હતા, પણ વેઇટિંગ લિસ્ટ હતું. સોમવારે 60 લોકોએ પોતાના પ્લાઝ્મા આપ્યા છે.

કેજરીવાલે એક કોરોના દર્દી પ્લાઝ્મા થેરપીને કારણે સાજા થયા હોવાની વાત કરી હતી.

લખનૌની સરકારી હૉસ્પિટલના ડૉક્ટર તૌસિફ ખાન દેના સૌપ્રથમ પ્લાઝ્મા ડોનર છે. માર્ચમાં એક દર્દીનો ઇલાજ કરવાને કારણે તેમને પણ ચેપ લાગ્યો હતો.

તેમણે જણાવ્યું કે તેમના પ્લાઝ્મા જેમને અપાયા છે તે દર્દી સાજો થઈ રહ્યો છે.

ડૉ. તૌસિફ કહે છે, "અમે કોરોના ચેપને કારણે ગંભીર બીમારીમાં સપડાયેલા દર્દીઓને પ્લાઝ્મા થેરપી આપી રહ્યા છીએ."

"આવા દર્દીઓના શરીરમાં જરૂરી એન્ટિબૉડી પેદા થતા નથી, કેમ કે તેમને ડાયાબિટીસ કે હાઇપરટેન્શન વગેરે હોય છે."

પ્લાઝ્મા આપવાની પ્રક્રિયા અંગે જણાવતા તેઓ કહે છે, "આ સરળ પ્રક્રિયા છે. કોરોનાના દર્દીએ તે માટે બે વાર ટેસ્ટમાં નૅગેટિવ થવું જરૂરી છે."

"ત્યારબાદ તેમને 14 દિવસ ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવે છે. તેમણે પ્લાઝ્મા આપવા હોય તો હૉસ્પિટલ જઈને આરટી-પીસીઆર (રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્શન પોલિમરઝ ચેઇન રિઍક્શન) ટેસ્ટ કરાવવાનો હોય છે."

"તેનું રિઝલ્ટ પણ નૅગેટિવ આવે તે પછી પ્લાઝ્મા ડોનેટ કરી શકાય છે."

તેઓ જણાવે છે કે રક્તમાં 55 ટકા પ્લાઝ્મા હોય છે અને તેનો 90 ટકા હિસ્સો પાણી હોય છે. તેમાંથી ફક્ત 10માંથી ઍન્ટિબૉડી મળે છે.

ફક્ત સ્વસ્થ પ્લાઝ્મા જ દર્દીઓને આપવામાં આવે છે. તેઓ કહે છે, "અમે 500 મિલીલિટર પ્લાઝ્મા કાઢીએ છીએ, જેનાથી કમસે કમ એક દર્દીને બચાવી શકાય છે."

પ્લાઝ્મા થેરપી હજી ટ્રાયલના ધોરણે ચાલે છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને અન્ય કેટલાક રાજ્યોમાં ચાલી રહી છે. ઘણા રાજ્યોએ આ થેરપીના પ્રયોગ માટે કેન્દ્રની મંજૂરી માગી છે.

અત્યારે એ સ્પષ્ટ નથી કે તબલિગી જમાતના સભ્યોમાંથી મળેલા પ્લાઝ્મા કેટલા દર્દીઓને આપવામાં આવશે.

ડૉક્ટરોનું કહેવું છે કે પ્લાઝ્માને માઇનસ 30 ડિગ્રી સેલ્સિયલ તાપમાને એક વર્ષ સુધી સાચવી શકાય છે. માઇનસ 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર પાંચ સાલ સુધી જાળવી શકાય છે.

ભવિષ્યમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધે ત્યારે પણ તેનો ઉપયોગ થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો