કોરોના ઇમ્યુનિટી : શું બે વખત કોરોના થઈ શકે છે?

    • લેેખક, જૅમ્સ ગૅલેઘર
    • પદ, આરોગ્ય અને વિજ્ઞાન સંવાદદાતા

શું કોરોના વાઇરસનો ચેપ ફરી લાગી શકે છે? અમુક લોકો કેમ બીજા કરતા વધારે બીમાર પડી જાય છે? શું શિયાળામાં વાઇરસ પાછો આવશે? શું વૅક્સિન કામ કરશે ? ઇમ્યુનિટી પાસપોર્ટ કારગર સાબિત થશે ? લાંબા ગાળે વાઇરસનું શું ભવિષ્ય હશે ?

કોરોના વાઇરસને લગતા મોટાભાગના પ્રશ્નોના જવાબમાં ક્યાંકને ક્યાંક ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક ક્ષમતાનો ઉલ્લેખ છે.

અત્યારે આ વાઇરસ વિશે આપણે બહુ નથી જાણતા. આપણને વાઇરસથી કેવી રીતે રક્ષણ મળશે?

આપણી રોગપ્રતિકારક શક્તિ જે કોઈ પણ સંક્રમણ સામે લડે છે તેના બે ભાગ હોય છે.

પ્રથમ સ્તરે તે સંક્રમણ સાથે લડવાનું શરૂ કરે છે અને શરીરમાં કોઈ બહારના તત્ત્વ પ્રવશે કરે તેની સાથે જ તે કામે લાગી જાય છે.

પ્રથમ તબક્કામાં શરીરમાં અમુક કેમિકલ રિલીઝ થાય છે જેનાથી સોજો આવે છે અને વ્હાઇટ બ્લડ સેલ્સથી સંક્રમિત કોષિકાઓ નષ્ટ થાય છે. પરંતુ આ કોરોના વાઇરસને લાગુ પડતું નથી. આ આપણને કોરોના વાઇરસ સામે રક્ષણ નથી આપી શકતું.

આમાં ઍડેપ્ટિવ રિસ્પૉન્સની જરૂર પડે છે. આમાં એવા કોષિકાઓની જરૂર હોય છે જે ઍન્ટી બૉડીઝ બનાવે, આ ઍન્ટી બૉડીઝ વાઇરસની સાથે ચોંટીને તેને રોકે છે. ટી સેલ એવા કોષિકાઓ પર જ હુમલો કરે છે જે સંક્રમિત હોય છે, આને કહેવાય સેલ્યુલર રિસ્પૉન્સ.

અમુક અભ્યાસ સૂચવે છે કે આ પ્રક્રિયામાં દસ દિવસ જેટલો સમય લાગી જાય છે. લગભગ દસ દિવસના સમયમાં ઍન્ટી બૉડીઝ બનવા લાગે છે જે કોરોના વાઇરસ પર હુમલો કરે છે અને ગંભીર દર્દીમાં શક્તિશાળી રોગપ્રતિકારક ક્ષમતા વિકસે છે.

જો ઍડેપ્ટિવ ઇમ્યુન રિસ્પૉન્સ શક્તિશાળી હોય છે તો તે સંક્રમણ સામે લાંબાગાળામાં પ્રભાવી રહેશે અને શરીરને ભવિષ્યમાં પણ રક્ષણ આપશે. હજી એ નથી જાણી શકાયું કે જે લોકોમાં હળવા લક્ષણ કે પછી બિલ્કુલ કોઈ લક્ષણ ન દેખાયા હોય, તે લોકોમાં શું આ રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે કે કેમ.

આ ઇમ્યુનિટી કેટલો સમય સુધી ચાલે છે?

રોગપ્રતિકારક શક્તિની યાદશક્તિ આપણા જેવી જ હોય છે, તે અમુક સંક્રમણને સારી રીતે યાદ રાખે છે પરંતુ બીજા કેટલાક સંક્રમણને ભૂલી જાય છે.

ઓરી એક એવો રોગ છે જેને રોગપ્રતિકારક તંત્ર યાદ રાખે છે, એક વખત ઓરી નીકળે પછી શરીર તેને જીવનપર્યંત યાદ રાખે છે ( જેમ એમએમઆર વૅક્સિનનાં નબળા વર્ઝનમાં થાય તેવું).

જોકે, બીજા અન્ય સંક્રમણ આપણા રોગપ્રતિકારક તંત્રને યાદ નથી રહેતા જેમકે બાળકોને શ્વાસ તંત્ર સંબંધી તકલીફ (રેસ્પિરેટરી સિંક્ટિઅલ વાઇરસ) શિયાળામાં અનેક વખત થાય છે.

સાર્સ -કોવ-2 નામનો આ કોરોના વાઇરસ હજી નવો છે એટલે તેની સામે ઉત્પન્ન થયેલી રોગપ્રતિકારક ક્ષમતા કેટલી શક્તિશાળી છે તે વિશે હજી બહુ માહિતી નથી પરંતુ આ વિશે સંકેત આપી શકે તેવા છ અન્ય વાઇરસ છે.

આમાંથી ચાર એવા વાઇરસ છે જે શરદીના લક્ષણ ઉત્પન્ન કરે છે અને તેની સામે રોગપ્રતિકારક શક્તિ લાંબો સમય સુધી નથી ટકી શકતી.

કેટલાક અભ્યાસમાં સામે આવ્યું છે કે કેટલાક દર્દી એક વર્ષમાં અનેક વખત આ વાઇરસથી પીડાય છે.

સાર્સ અને મર્સ નામના અન્ય બે ખતરનાક વાઇરસ છે , જેમાં અમુક વર્ષો પછી પણ ઍન્ટી બૉડીઝ જોવા મળ્યા છે.

યુનિવર્સિટી ઑફ ઇસ્ટ ઍંગલિયાના પ્રોફેસર પૉલ હન્ટરે કહ્યું કે "પ્રશ્ન એ નથી કે તમારી અંદર રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે કે નહીં પરંતુ કેટલા સમય માટે થાય છે એ મહત્ત્વપૂર્ણ છે."

"સાર્સ વિશે કરવામાં આવેલા શોધમાં જાણવા મળ્યું કે રોગ સામે માત્ર એક કે બે વર્ષ માટે રક્ષણ ઊભું થાય છે. પરંતુ આ વિશે હજી ચોક્કસપણે કંઈ ન કહી શકાય. જોકે બની શકે છે રોગ સામે પૂર્ણ રીતે રક્ષણ ઉત્પન્ન ન થયું હોય તો ફરીથી હળવું સંક્રમણ થઈ શકે છે."

શું લોકોને બીજી વખત સંક્રમણ થયું છે?

ટૂંકા ગાળાની અંદર લોકોને ફરીથી સંક્રમણ થયું હોવાના અહેવાલ જોવા મળ્યા છે. અમુક લોકોને ખરેખર બીજી વખત સંક્રમણ થયું હોય તેવા અહેવાલ પણ છે.

જોકે એક વિચારસરણી એ પણ છે કે કોરોના વાઇરસ છુપી અવસ્થામાં જતો રહે છે અને પછી રિઍક્ટિવેટ થાય છે.

જોકે, મોટાભાગના વૈજ્ઞાનિકો માને છે કે ખોટા ટેસ્ટને કારણે દર્દીને કોરોના નેગેટિવ જાહેર કરવામાં આવેલા હોય છે.

કોઈએ કોરોના વાઇરસ સામે શરીરમાં ઉત્પન્ન થયેલા રક્ષણને ચકાસવા માટે ફરીથી સંક્રમિત થવાનો પ્રયોગ કર્યો નથી પરંતુ આ પ્રયોગ બે રીસસ મકાઉ વાંદરા પર કરવામાં આવ્યો છે.

તેમને બે વખત સંક્રમિત કરવામાં આવ્યા, એક વખત સંક્રમણ સામે રક્ષણ આપતી રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવા અને ત્રણ અઠવાડિયા પછી બીજી વખત સંક્રમિત કરવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે આટલા ટૂંકા ગાળામાં તેઓ બીજી વખત સંક્રમિત નહોતા થઈ શક્યા.

જો મારામાં ઍન્ટી બૉડીઝ હોય તો હું સુરક્ષિત છું?

આની કોઈ ગૅરંટી નથી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ લૉકડાઉનમાં ઢીલ આપવા માટે ઇમ્યુનિટી પાસપોર્ટ આપવાના અમુક દેશોના વિચારને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

આમાં જો તમે ઍન્ટી બૉડી ટેસ્ટ પાસ કરો તો તમે કામ પર જઈ શકો છો. કૅયર હોમ્સ અને હૉસ્પિટલમાં કામ કરનાર કર્મીઓ માટે આ બહુ અગત્યનું છે, જેઓ સંક્રમિત થવાના ખતરામાં જીવતા હોય છે.

લગભગ દરેક દર્દીમાં થોડા ઍન્ટી બૉડીઝ તો હોય જ છે, પરંતુ બધા દર્દી એક સરખાં નથી હોતા. ન્યુટ્રલાઇઝિંગ ઍન્ટી બૉડીઝ (પ્રભાવી) એ હોય છે જે કોરોના વાઇરસ પર ચોંટીને બીજી કોષિકાઓને સંક્રમિત થવાથી રોકી શકે છે.

ચીનમાં 175 દર્દીઓ પર કરવામાં આવેલ એક સર્વેમાં જાણવા મળ્યું કે 30 ટકા દર્દીઓમાં જ બહુ ઓછા પ્રમાણમાં પ્રભાવી ઍન્ટી બૉડી હાજર હતા.

એટલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે સેલ્યુલર ઇમ્યુનિટી ( પ્રથમ તબક્કાનું રોગપ્રતિકારક તંત્ર) પણ કોરોના વાઇરસ સંક્રમણથી સાજા થવામાં અગત્યનું હોઈ શકે છે. આને બીજી રીતે પણ જોઈ શકાય કે તમારા શરીરમાં ઍન્ટી બૉડી હોઈ શકે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમારા શરીરમાં વાઇરસ જીવિત નહીં હોય અને તમે બીજાને સંક્રમિત ન કરી શકો.

ઇમ્યુનિટી કેમ અગત્યની છે?

સામાન્ય જીવનમાં તો રોગપ્રતિકારક શક્તિ અગત્યની હોય છે જ પરંતુ કોવિડ-19 નું સંક્રમણ તમને એક કે અનેક વખત થઈ શકે છે અને કેટલા સમયગાળાની અંદર થઈ શકે, તેમાં પણ ઇમ્યુનિટી અગત્યનો ભાગ ભજવે છે.

ઇમ્યુનિટીની અસર એના પર પણ થશે કે વાઇરસ તમારા માટે કેટલો ઘાતક સાબિત થઈ શકે છે. જો લોકોમાં થોડી પણ ઇમ્યુનિટી હશે તો રોગ થોડો ઓછો ઘાતક બની શકે છે.

જો રોગપ્રતિકારક શક્તિના પ્રશ્નોને સમજવામાં આવે તો લૉકડાઉનની સમસ્યાનો ઉકેલ થઈ શકે છે.

લાંબા ગાળાની રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવી મુશ્કેલ હોય તો વૅક્સિન બનાવવી પણ અઘરી બનશે. તેનાથી વૅક્સિનના વપરાશમાં પણ ફેરફાર થશે. બની શકે કે જીવનમાં એક વખત અથવા દર વર્ષે એક વખત રસી મૂકાવાની રહે.

સંક્રમણ અથવા રસીકરણથી કોરોના વાઇરસના સંક્રમણ સામે ઉત્પન્ન થયેલી રોગપ્રતિકારક શક્તિ કેટલા સમય સુધી ટકી રહે છે તે વિશે માહિતી મળવાથી જાણી શકાશે કે વાઇરસને રોકી શકવામાં આપણે કેટલા સક્ષમ બની શકશું. આ એક મોટો પ્રશ્ન છે જેનો જવાબ હજી મળ્યો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો