કોરોના વાઇરસ : લિટરે ક્રૂડ કરતાં પાણીની બૉટલ મોંઘી, લૉકડાઉન પછી શું?

    • લેેખક, ડૉ.જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આજે દુનિયાના લગભગ બધાજ દેશો કોરોના વાઇરસની ચપેટમાં આવી ગયા છે. આને પરિણામે વિશ્વભરમાં આર્થિક ગતિવિધિ ઘટી ગઈ છે.

ગત સપ્તાહે ઑઇલ ફ્યૂચરના જૂનના કૉન્ટ્રેક્ટમાં બ્રૅન્ટ ક્રૂડઑઈઇનો ભાવ ઘટીને બે દશકના તળિયે આવી ગયો, પરંતુ અપેક્ષા કરતાં વહેલાં આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ જશે, તેવી આશાએ તેમાં 20 ટકા સુધીનો ઉછાળો જોવાયો.

એજ રીતે અમેરિકામાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (ડબ્લ્યુ.ટી.આઈ.) ક્રૂડનો ભાવ પણ 15 ડૉલરની નીચે જોવા મળ્યો હતો, જે છેલ્લા 21 વર્ષની સૌથી નીચી સપાટી છે.

તાજેતરમાં જ ઑપેક દેશોએ 9.7 મિલિયન બૅરલ પ્રતિદિન જેટલો ઉત્પાદનમાં કાપ કર્યો છે. જેનું મુખ્ય કારણ વિશ્વભરમાં કોરોના વાઇરસને કારણે આર્થિક ગતિવિધિ છે.

આમ છતાં ક્રૂડના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઑપેક દેશોએ સમજૂતી કરી ત્યારે લાગી રહ્યું હતું કે વિશ્વ બજારમાં ક્રૂડના ભાવમાં સ્થિરતા આવશે પણ તેવું બન્યું નથી.

લૉકડાઉન : કલ, આજ ઔર કલ

કોરોનાને કારણે પેટ્રોલિયમ પેદાશો જેવાં કે ડીઝલ, પેટ્રોલ, એવિએશન ટર્બાઇન ફ્યૂયલ (એ.ટી.એફ.)ની માગ ઘટી ગઈ છે.

હાલમાં ચીનમાં લૉકડાઉન ઉઠાવી લેવામાં આવ્યું છે વળી એવા સમાચાર છે કે અન્ય કેટલાક દેશો પણ ક્રમશઃ લૉકડાઉન ઉઠાવી લેવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

આમ ક્રમે-ક્રમે દેશો જ્યારે કોરોનાની અસરથી મુક્ત થતાં જશે, તેમ-તેમ ક્રૂડઑઇલની માગ વધશે.

પરંતુ અત્યારે વિશ્વમાં ઉત્પાદિત ક્રૂડઑઇલનો સ્ટોક એટલો બધો વધી ગયો છે કે ક્રૂડઑઇલનો સ્ટોરેજ કરતી કંપનીઓ પોતાની ક્ષમતા હવે પૂરી થઈ ગઈ છે.

વળી જે ઑઇલ ટૅન્કરો લંગારેલાં છે, તે હવે પોતાનો લૉડ બીજી સ્ટોરેજ ક્ષમતા ન મળે ત્યાર સુધી સ્ટેન્ડ-ટુ પોઝિશન હેઠળ છે.

એવું અનુમાન છે કે સમગ્ર વિશ્વમાં ક્રૂડઑઇલનાં જ્યાં-જ્યાં પણ સ્ટોરેજ યુનિટ છે, તે સંપૂર્ણપણે ભરાઈ ગયાં છે.

વિશ્વભરમાં જ્યાં સુધી લૉકડાઉનની અસર છે, ત્યાં સુધી આ સ્ટોરેજ ખાલી થવાની શક્યતા નહિવત્ છે.

પાણીની બૉટલ મોંઘી

એવું માનવામાં આવે છે કે એક વખત લૉકડાઉન ખૂલ્યા પછી બજારો પૂર્વવત્ ખૂલતાં ક્રૂડના ભાવ ક્રમશઃ વધશે.

જોકે ભારત જેવા પોતાની જરૂરિયાતના 80 ટકા કરતાં વધુ ક્રૂડની આયાત કરતા દેશ માટે ક્રૂડના નીચા ભાવ અર્થતંત્રને જરૂરથી ફાયદો કરાવશે.

ક્રૂડના ભાવ તળિયે આવ્યા છે, તેથી ભારતનું આયાતબિલ ઘટશે અને જેથી વ્યાપાર ખાધ ઘટશે.

આજે એક લિટર ક્રૂડનો ભાવ પીવાના પાણીની બૉટલ કરતાં પણ સસ્તો થઈ ગયો છે.

એક તબક્કે ક્રૂડના ભાવ એક લિટરદીઠ રૂપિયા સાત આસપાસ પહોંચી ગયા, જ્યારે આના કરતાં બમણા ભાવે પાણી મળે છે.

અંદાજ અને ઉત્પાદન

વિશ્વ ભરમાં ક્રૂડઑઇલની સ્ટોરેજલિમિટ હવે પૂરી થવા આવી છે જેથી એવું લાગી રહ્યું છે કે વિશ્વભરના તેલઉત્પાદકોએ એ હજુ પણ ઉત્પાદન ઘટાડવું પડશે.

રિફાઇનરીઓ તેલને ગૅસોલિન, ડીઝલ અને અન્ય ઉત્પાદનોમાં ફેરવવા તૈયાર નથી, કેમ કે ઘણી ઓછી ફ્લાઇટ્સ ઉડી રહી છે, આંતરરાષ્ટ્રીય વેપાર ઝડપથી ધીમો થઈ ગયો છે.

તેલ પહેલેથી જ બૅરેજ પર સંગ્રહિત કરવામાં આવી રહ્યું છે.

રાયસ્ટાડ ઍનર્જી, રિસર્ચ અને કન્સલ્ટિંગ ફર્મના ઑઈલબજારોના વિશ્લેષક લુઇસ ડિકસને જણાવ્યું હતું કે વેપારીઓએ અટકળો, આશાઓ, ટ્વીટ્સ અને અહેવાલોને આધારે ભાવ ઘટાડ્યા હતા. "પરંતુ હવે તેમાં વાસ્તવિકતા લાગી રહી છે."

વિશ્વમાં 8.3 અબજ બૅરલની સંગ્રહિત ક્ષમતા છે, જેમાંથી 7.2 અબજ બૅરલ ઑનશોર અને બાકીનું ફ્લૉટિંગ વેસલ્સમાં સંગ્રહાયેલું છે.

'પાણી' પર તેલ

ઑન-શોર સ્ટોરેજ કૅપેસિટી 1.7 બિલિયન બૅરલ છે જ્યારે ઑનશોર અને ફ્લૉટિંગ મળીને કુલ સ્ટોરેજ કૅપેસિટી 7.2 છે.

VLCC (વેરી લાર્જડ ક્રૂડઑઈલ કૅરિયર) વેસલ્સ માં 1.8 બિલિયન બૅરલ જ્યારે સ્મૉલ સ્યૂએઝમૅક્સ (સુએઝ કૅનાલમાંથી પસાર થઈ શકે તેવા જહાજ) અને અફ્રામેક્સ (80 હજારથી એક લાખ 20 મૅટ્રિક ટનની ક્ષમતા) વેસલ્સની ક્ષમતા 4.6 બિલિયન બૅરલ છે.

વિશ્વની આ ક્રૂડઑઈલ ક્ષમતાઓ અત્યારે ઉભરાઈ રહી છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી.

ક્રૂડઑઈલનો સંગ્રહ કરતા દેશોની સંગ્રહક્ષમતામાં સૌથી વધુ યુનાઇટેડ સ્ટેટ્સ (635.0 મિલિયન બૅરલ), ચીન (550.0 મિલિયન બૅરલ), યુરોપના 28 દેશો (585.0 મિલિયન બૅરલ), જાપાન (528 મિલિયન બૅરલ) અને દક્ષિણ કોરિયા(214 મિલિયન બૅરલ)નો સમાવેશ થાય છે.

તેલ અને તેલની ધાર

આઈ.ડી.બી. બેંકના મુખ્ય રોકાણ અધિકારી અને વૈશ્વિક વેલ્થ મૅનેજમૅન્ટના વડા, ગ્રૅગરી લિઓએ જણાવ્યું હતું કે, વિશ્વવ્યાપી શટડાઉનથી માગ નોંધપાત્ર રીતે ઓછી થઈ છે કે ક્રૂડઑઈલ સ્ટોર કરવા માટે જગ્યા નથી રહી.

વિશ્વમાં હાલનું તેલ ઉત્પાદન દરરોજ આશરે 90 મિલિયન બૅરલ છે, પરંતુ માગ ફક્ત 75 મિલિયન બૅરલ પ્રતિદિન છે.

ઑઇલમાં ફ્યૂચર કૉન્ટ્રેક્ટ 30 ડૉલર પ્રતિબૅરલ આ વરસમાં પૂરા થાય છે, પરંતુ ઑઈલ ડિમાન્ડ અને સપ્લાયમાં ગડબડ થશે, તો તેમના માટે આ સોદો નુકસાનીનો પુરવાર થશે.

વિશ્વની અગ્રિમ ખાનગી ઑઈલ કંપની કહે છે કે તેના બધા સ્ટોરેજ ભંડારો ક્રૂડઑઈલ અને રિફાઇન્ડ ફ્યૂઅલથી પેક થઈ ગયા છે.

કોવિડ-19ને કારણે લૉકડાઉનની અસર રહેશે, ત્યાં સુધી આવી સ્થિતિ જળવાઈ રહેશે.

સંગ્રહનો સમય

કેરેબિયન અને દક્ષિણ આફ્રિકામાં સ્ટોરેજ લગભગ સંપૂર્ણ રીતે ભરાઈ ગયું છે અને અંગોલા, બ્રાઝિલ અને નાઇજીરિયા થોડા દિવસોમાં ભરાઈ જશે.

ગોલ્ડમૅન સાશના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, એપ્રિલ 17 2020 સુધીમાં કુશિંગ સ્ટોરેજ હબ 77% પૂર્ણ હોવાનું નોંધાયું હતું.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે સરકાર વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ 75 મિલિયન બૅરલ મૂકવા માંગતી હતી", જે કટોકટી દરમિયાન બફર તરીકે ઉપયોગમાં લેવાય છે. અમેરિકા પાસે અનામત લગભગ 635 મિલિયન બૅરલ તેલ છે અને 75 મિલિયન બૅરલ વધુ સંગ્રહવા માટે સજ્જ છે.

આમ એક બાજુ તેલની માંગ ઘટી રહી હોવાને કારણે વિશ્વમાં તેલના સ્ટોરેજ કરતા પ્રમુખ દેશો, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, યુરોપ, જાપાન અને દક્ષિણ કોરિયા અને કૅનેડા તેલનો પૂર્ણ ક્ષમતાએ સ્ટોરેજ કરી રહ્યા છે.

આવતીકાલ પર આશ

અમુક તેલ પૉર્ટના બાર્જ ઉપરથી વપરાય રહ્યું છે તો ઑઈલ ટ્રૅડર્સ તેલના ભાવ ઘટતાં હવે ઑઈલ ટૅન્કર્સનો ઉપયોગ કરી રહ્યા છે.

અત્યારે 60 જેટલી વીએલસીસી ટૅન્કરોમાં 1.8 બિલિયન બૅરલ તેલ ટૅન્કરોમાં ક્રૂડ સંગ્રહિત છે, જ્યારે સુપર ટૅન્કરોમાં 4.3 બિલિયન બૅરલ તેલ સંગ્રહિત છે.

આમ WTI માં બોલાયેલો ઐતિહાસિક કડાકાએ વેપારીઓને તેલનો સંગ્રહ કરવા તરફ દોર્યા છે.

કોરોનાની અસરથી ચીન પછી હવે ઇટાલી બહાર આવી રહ્યું છે અને હજુ બીજા દેશો પણ ધીરે-ધીરે બહાર આવશે તેની રાહ ઑઈલ ટ્રૅડર્સ જોઈ રહ્યા છે અને બજારો ખુલતાં ઑઈલ માર્કેટ સુધરશે તેવી આશા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો