ઇરફાન ખાન : જેમાં અભિનેતાનો જીવ ગયો એ ન્યૂરોઍન્ડોક્રાઇન કૅન્સર શું છે?

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચર્ચિત અભિનેતા ઇરફાન ખાનનું નિધન થયું છે.

લગભગ બે વર્ષ પહેલા તેમને એક દુર્લભ બીમારી થઈ હતી. આ બીમારી વિશે તેમણે ટ્વિટર પર માહિતી આપી હતી.

પાંચ માર્ચ 2018એ તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ એક ખતરનાક બીમારીથી પીડાઈ રહ્યા છે.

તેમના આ ટ્વીટ પછી લોકોમાં તેમની બીમારી વિશે અટકળો ચાલી રહી હતી.

થોડા દિવસ પછી તેમણે એક અન્ય ટ્વીટ કરીને કહ્યું કે તેમને ન્યૂરોઍન્ડોક્રાઇન ટ્યુમર છે.

બીમારી વિશે ઇરફાને શું કહ્યું હતું

ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું, "જીવનમાં અણધાર્યા ફેરફાર તમને ઘણું શીખવે છે. છેલ્લા દિવસોમાં મને આ જ સમજવા મળ્યું છે. જાણવા મળ્યું છે કે મને ન્યૂરોઍન્ડોક્રાઇન ટ્યુમર થઈ ગયું છે. આને સ્વીકાર કરવું મુશ્કેલ છે. પરંતુ મારી આસપાસના લોકોના પ્રેમ અને દુઆઓથી મને શક્તિ મળી છે. આશા પણ બંધાઈ છે. હાલ બીમારીની સારવાર માટે મારે દેશથી દૂર જવું પડશે. પરંતુ હું ઇચ્છું છું કે તમે મને સંદેશ મોકલતા રહો."

પોતાની બીમારી વિશે ઇરફાન ખાને લખ્યું, "ન્યૂરો સાંભળીને લોકોને લાગે તે કે આ સમસ્યા જરૂર મસ્તિષ્ક સાથે જોડાયેલી હશે પરંતુ આવું નથી. આ વિશે વધારે જાણવા માટે તમે ગૂગલ કરી શકો છો. જે લોકોએ મારા શબ્દોની પ્રતિક્ષા કરી કે હું મારી બીમારી વિશે કંઈક કહું તેમના માટે હું કેટલીક અન્ય કહાણીઓ લઈને પાછો આવીશ."

ટ્યુમરમાં શું થાય છે?

ઇરફાન ખાનને ન્યૂરોઍન્ડોક્રાઇન ટ્યુમર થયું હતું, અને સારવાર માટે લંડન ગયા હતા.

એનએચએસ ડૉટ યુકે મુજબ ન્યૂરોઍન્ડોક્રાઇન ટ્યુમર એક દુર્લભ પ્રકારનું ટ્યુમર છે જે શરીરના અલગ અલગ અંગોમાં વિકસી શકે છે.

શરૂઆતમાં તેની અસર સૌ પ્રથમ બ્લડ સેલ્સ પર થાય છે જે લોહીમાં હૉર્મોન્સ છોડે છે. આ બીમારી ક્યારેક બહુ ધીમે વધે છે પરંતુ દરેક દર્દીમાં અલગ અલગ અસર જોવા મળે છે.

લક્ષણ શું છે?

દર્દીના શરીરના કયા ભાગમાં ટ્યુમર થયું છે તેનાથી લક્ષણ નક્કી થાય છે.

જેમકે, પેટમાં ટ્યૂમર થયું હોય તો સતત અપચની ફરિયાદ રહે છે. આ ફેફસાંમાં થાય તો સતત કફ બન્યા કરે છે.

આ બીમારીમાં દર્દીનું બ્લડ પ્રેશર અને શુગર લેવલ વધ્યા-ઘટ્યા કરે છે.

કારણ અને સારવાર શું?

નિષ્ણાતો હજી આ બીમારીના કારણને લઈને ચોક્કસ તારણ નથી કાઢી શક્યા.

ન્યૂરોઍન્ડોક્રાઇન ટ્યુમર થવાના અનેક કારણ હોઈ શકે છે. પરંતુ આ આનુવાંશિક ( જિનેટિક) રૂપે થઈ શકે છે. માનવામાં આવે છે કે પરિવારમાં જો આ રોગ પહેલા કોઈને થયો હોય તો આગળ પરિવારજનોને આ બીમારી થઈ શકે છે.

અનેક વખત બ્લડ ટેસ્ટ, સ્કૅન અને બાયોપ્સી કરીને પછી બીમારીની જાણ થાય છે.

ટ્યુમરના કયા સ્ટેજમાં છે, તે શરીરના કયા ભાગમાં છે અને દર્દીનું સ્વાસ્થ્ય કેવું છે, તેના આધાર પર સારવાર નક્કી થાય છે.

સર્જરી કરીને ટ્યુમરને કાઢી શકાય છે પરંતુ મોટાભાગે સર્જરી માત્ર બીમારીને નિયંત્રણમાં લેવા માટે કરવામાં આવે છે.

તે સિવાય દર્દીને એવી દવાઓ આપવામાં આવે છે જેનાથી શરીર ઓછી માત્રામાં હૉર્મોન રિલીઝ કરે.

ઇરફાન હારી ગયા

ગત વર્ષે 2019માં ઇરફાન ખાન લંડનથી સારવાર કરાવીને ભારત આવ્યા હતા અને

કોકિલાબેન હૉસ્પિટલના ડૉક્ટરોની સારસંભાળમાં તેમની સારવાર ચાલી રહી હતી અને રુટીન ચેકઅપ કરાવી રહ્યા હતા.

હાલમાં તેમની ફિલ્મ અંગ્રેજી મીડિયમની શૂટિંગ દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ જતી હતી.

એવામાં કેટલીક વખત આખી યુનિટે શૂટિંગ રોકવું પડતું હતું, જ્યારે ઇરફાનની તબિયત સારી થાય ત્યારે તેઓ શૉટ માટે તૈયાર થઈ જતા હતા.

હાલમાં જ તેમનાં માતા સઇદા બેગમનું જયપુરમાં અવસાન થયું હતું.

લૉકડાઉનને કારણે ઇરફાન પોતાનાં માતાની અંતિમ યાત્રામાં સામેલ નહોતા થઈ શક્યા.

મંગળવારે તેમની હાલત કથળી પછી તેમને મુંબઈના કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમની હાલત સારી નહોતી અને તેઓ આઈસીયુમાં હતા. બુધવારે તેમનું નિધન થયું હતું.

ગત વર્ષે માર્ચમાં ઇરફાને ટ્વીટ કરીને લોકો પ્રત્યે આભાર પ્રકટ કર્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો