You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના લૉકડાઉન : 'અમદાવાદમાં તોફાનો સમયે પણ આવી સ્થિતિ ન હતી'
- લેેખક, જીગર ભટ્ટ
- પદ, બીબીસી ગુજરાતી
“અમદાવાદમાં તોફાન થતાં ત્યારે ધંધા પર આવી અસર પડી નથી. એકપણ વખત દુકાનનું તાળું પણ તૂટ્યું નથી. કર્ફ્યૂમાં આંશિક રીતે જ્યારે છૂટછાટ અપાતી, ત્યારે અમે દુકાન ખોલતાં અને લોકો ખરીદી કરવા આવતા.”
આ શબ્દો છે અમદાવાદના કોટ વિસ્તારમાં દુકાન ધરાવતા હેમંતભાઈ શાહના, જેમની દુકાન 140 વર્ષ જૂની છે.
“જ્યારે આજે કોરોનાના ભયના કારણે બધુ બંધ છે. બજાર શરૂ થશે પછી પણ લોકો ખરીદી કરવા નહીં આવે.”
ત્રણ દરવાજા પાસેના ઢાલગરવાડમાં જેમની 70થી 80 વર્ષ જૂની દુકાન છે તેવા હફીઝભાઈ ડહેલાવાલા ઉપરોક્ત વાત સાથે સહમત થતા કહે છે:
“2002માં પણ પબ્લિકની અવર-જવર રહેતી હતી. તોફાનો પૂર્ણ થયા પછી લોકો ખરીદી કરવા આવતા. બજાર ખુલશે તો પણ કોરોનાના ડરના કારણે લોકો નહીં આવે.”
અમદાવાદમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 2300ને પાર પહોંચી છે, જેમાંથી મોટા પ્રમાણમાં કેસ કોટ વિસ્તારમાં નોંધાયેલાં છે.
અમદાવાદના તમામ મોટા બજારો અને હૉલસેલના વેપારીઓની દુકાન કોટ વિસ્તારમાં છે, પરંતુ હાલ ત્યાં લૉકડાઉન છે.
દિવાળી અને રમઝાન જેવા તહેવારોમાં પુષ્કળ લોકો અહીં ખરીદી કરવા આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'રમઝાન-દિવાળીમાં છ મહિનાની કમાણી'
ત્રણ દરવાજા વેપારી મહાજનના એક સભ્ય તરીકે હેમંતભાઈ કહે છે, “અમારે ધંધામાં બે દિવાળી હોય છે. એક દિવાળી અને બીજો રમઝાનનો તહેવાર.”
“આ દરમિયાન વેપારીઓ ઘણી મોટી કમાણી કરે છે. પરંતુ આ વખતે રમઝાનની સિઝન સાવ ખાલી ગઈ છે.”
રેડિમેડ ગાર્મેન્ટ્સના હોલસેલ અને રિટેલ વેપારી ઉવેશ મનસુરી કહે છે, “અમારે તહેવારમાં ક્યારેક છ મહિનાની કમાણી થઈ જાય છે.”
ત્રણ દરવાજાને ભૌગોલિક રીતે જોઈએ તો એક તરફ જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, કાંકરિયા અને બીજી તરફ શાહપુર, દરિયાપુર, કાલુપુર, ખાનપુર વગેરે મિશ્ર વસતિ ધરાવતા બહુલ વિસ્તારો છે.
ત્રણ દરવાજાનું બજાર નજીક હોવાથી લોકો અહીંથી ખરીદી કરવાનું પસંદ કરે છે. આમાંથી મોટાભાગના વિસ્તારોને કોરોનાના હૉટસ્પોટ જાહેર કરાયા છે.
ઢાલગરવાડ કાપડ મહાજનના પ્રમુખ ફઝલભાઈ કહે છે કે અમારા કપડાંના ધંધામાં વૈશાખ મહિનો, રમઝાન મહિનો અને દિવાળી મહત્ત્વની હોય છે. વૈશાખ મહિનામાં ગામડાંના લોકો ખરીદી કરવા આવે, પરંતુ આ વખતે લૉકડાઉનમાં એ ન આવ્યા, રમઝાનની સિઝન ગઈ હવે માત્ર દિવાળી પર જ આધાર છે.
ફઝલભાઈ વધુમાં કહે છે કે લોકો રમઝાનમાં પાછળના દિવસોમાં ખરીદી કરે, પરંતુ પાછળના દિવસોમાં પણ કોરોના વાઇરસના કારણે લોકો આવશે કે નહીં એ મોટો પ્રશ્ન છે.
ઉવેશ મનસુરી કહે છે, “દિવાળી પછી અમે તરત રમઝાનની તૈયારી કરીએ. લોકો તહેવારના બે મહિના પહેલાં આગળ ઓછી ખરીદી કરે અથવા કરે જ નહીં. બજાર બંધ હોવાથી વેચાણ થયું જ નહીં. માલ પડી રહ્યો છે.”
'દુકાળમાં અધિક માસની સ્થિતિ, શટર ડાઉન થવાની પણ શક્યતા'
ત્રણ દરવાજા વેપારી મહાજનના પ્રમુખ સાજિદભાઈ મનસુરી કહે છે, ''દુકાળમાં અધિક માસની સ્થિતિ ઊભી થઈ છે. કોરોના પહેલાં મંદી હતી અને હવે કોરોનાના કારણે સાવ સ્થિતિ ખરાબ થઈ છે.”
હેમંતભાઈ કહે છે, “ભવિષ્યમાં કેટલીક દુકાનોના શટર ડાઉન થવાની શક્યતા છે, કારણ કે પહેલાં પણ દિવસના બે પાંચ હજાર લાવવાના અઘરા પડી રહ્યા હતા, હવે સ્થિતિ વધારે બગડશે.”
સાજિદ ભાઈને પોતાની લગેજ અને ટ્રાવેલિંગ બૅગની દુકાન છે. તેઓ કહે છે, "લોકો ટ્રાવેલિંગ જ કરતા નથી તો ક્યાંથી બૅગ કે બીજો કોઈ સામાન વેચાશે."
"મારી દુકાનમાં આઠ માણસ કામ કરે છે, મારે માણસાઈ ખાતર પણ હાલ તેમને પગાર આપવો પડે. દસ-બાર હજાર રૂપિયા પગાર હોય. ઘણી આકરી અસર થાય છે."
પ્રમુખ તરીકે બધાની સ્થિતિ વર્ણવતા સાજિદભાઈ કહે છે, "બજારમાં હાલ કોઈની પાસે બાકી લેણાં કે ઉધાર માગી શકાતું નથી. તમામની સ્થિતિ એક જેવી જ છે. ધંધો ઉધારીમાં ચાલતો હોવાથી તમામના રૂપિયા ફસાઈ ગયાં છે"
ઉવેશભાઈ કહે છે કે, લૉકડાઉનના કારણે ઉઘરાણીના પૈસા અટકી ગયા છે. કપડાંનો ધંધો ઉધારી પર ચાલે છે. લોકોના પૅમેન્ટ ફસાઈ ગયા છે. અમારે તો લોકોને પગાર ચૂકવવો જ પડે છે. હાલ અમારી બચતમાંથી ચૂકવી રહ્યા છીએ.
સાજિદભાઈ અને ઉવેશભાઈ બંને કહે છે કે, આ તકલીફના સમયમાં કોઈનો પણ પગાર રોકી ન શકાય.
હેમંતભાઈ કહે છે કે હાલ તો અમે બે મહીનાના પગાર અને કેટલાંકને વધારાની રકમ કમાણી વિના આપી. મેનો પગાર પણ એમ જ આપવો પડશે.
'2020માં કમાણી ભૂલી જવાની'
ઉવેશભાઈ કહે છે કે, જે પ્રકારે બજાર પર અસર પડી રહી છે તે જોતાં લાગે છે કે 2020માં કમાણી ભૂલી જવાની છે.
તેઓ કહે છે, “ધંધો ચાલુ થયા પછી પણ પૈસા આવશે કે નહીં તે મોટા પ્રશ્ન છે, કારણ કે માર્કેટ ઉધારી પર ચાલે છે. મટીરિયલ, પ્રોસેસિંગ, મૅન્યુફૅક્ચરર, ડિલર, હું અને મારી નીચે નાના વેપારી એમ એક લાંબી ચેઇન હોય છે. "
“જ્યારે આ બધા સરખી રીતે ઍક્ટિવ થાય ત્યારે જ ધંધો સરખી રીતે થઈ શકે છે. આ સેટ થતાં બે મહિના નીકળી જશે."
“તેઓ કહે છે, “દિવાળીની સિઝન સારી રીતે નીકળી જાય તો સારું.”
'... નહીં તો માલ ફેંકવો પડશે'
દુકાન ખોલવા અંગે ઢાલગરવાડ કાપડ મહાજનના પ્રમુખ ફઝલભાઈ કહે છે, “દુકાનો બે ત્રણ દિવસ માટે ખોલવી પડશે કારણ કે કાપડ પર ચોંટેલી ધૂળને સાફ ન કરીએ તો એના ધાબાં પડે અને માલ ફેંકી દેવો પડે.
અમે બે-ત્રણ દિવસ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરીને ખોલીશું. સાફ સફાઈ કરીશું. જો ગ્રાહકો આવશે તો ચાલુ રાખીશું બાકી બંધ કરી દઈશું.
તેઓ કહે છે કે, બજાર ખોલવી એ સરકારની આગામી નીતિને આધારિત છે.
જ્યારે દુકાન ખોલવા અંગે ત્રણ દરવાજા વેપારી મહાજનનો વિચાર અલગ છે.
ત્રણ દરવાજા વેપારી મહાજનના પ્રમુખ સાજિદ ભાઈ કહે છે, “સરકાર દુકાનો ખોલવાની મંજૂરી આપશે તો પણ માર્કેટમાં લોકો પહેલાં દસેક દિવસ ખરીદી કરવાનું ટાળશે માટે અમે પણ દુકાનો ન ખોલવાનું વિચારી રહ્યા છીએ.”
હિંદુઓ મુસ્લિમ પાસેથી શું માલ ખરીદશે?
હિંદુઓ મુસ્લિમો પાસેથી માલ ન ખરીદે તે અંગે જે મૅસેજ ચાલી રહ્યા છે. તે અંગે હેમંતભાઈ કહે છે કે આ વાત અઘરી છે કપડાંના ધંધામાં મોટા ભાગનો કારીગર વર્ગ મુસ્લિમ છે. તેમણે બનાવેલ માલ લેવો જ પડે છે.
તેઓ વધુ કહે છે કે, આતો હાલ માહોલ એવો છે માટે લોકો ખાલી માત્ર મૅસેજ ફોર્વર્ડ કરે છે.
આ વાતને મુસ્લિમ વેપારીઓ પણ નકારે છે અને કહે છે, “અમને પણ કોઈ હિંદુ વેપારી માલ આપવાની ના પાડતું નથી.”
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો