કોરોના વાઇરસ : શું લૉકડાઉન કેસર કેરીનો સ્વાદ બગાડશે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ફળોના રાજા કેરીની મોસમ આંગણે આવી ગઈ છે, પરંતુ લૉકડાઉનનું ગ્રહણ કદાચ કેરીના ખેડૂતો અને સ્વાદરસિયાઓને નિરાશ કરે તો નવાઈ નહીં.

ગુજરાતમાં તેમજ દેશવિદેશમાં પણ તાલાળા ગીરની કેસર કેરીની ખૂબ માગ છે. જોકે કોરોના વાઇરસને કારણે થયેલા લૉકડાઉનમાં કેરીની માગ અને વેચાણમાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

ખરીદવેચાણ બંધ છે, અવરજવર પણ બંધ છે. આવા સમયે કેરીને માર્કેટમાં કેવી રીતે પહોંચાડવી એ પણ સવાલ છે.

તાલાળા એપીએમસી (એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)ના સેક્રેટરી હરસુખભાઈ જારસાણિયાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે "આ વખતે કેરીની મોસમ સારી છે. ઉત્પાદન પણ ગયા વર્ષ જેવું જ છે, પરંતુ કોરોના વાઇરસના કેરને લીધે કેટલીક તકલીફો ઊભી થઈ છે."

જસાણિયા કહે છે, "લૉકડાઉનને લીધે એક મહિનાથી કામધંધા બંધ છે, તેથી લોકોની જે ખરીદશક્તિ છે એ સ્વાભાવિક રીતે થોડી ઓછી થઈ જવાની છે. પરિણામે કેરીનું અપેક્ષા મુજબ વેચાણ થશે કે કેમ એ એક પ્રશ્ન છે."

તેઓ કહે છે કે ગુજરાતમાં કેસર કેરી સૌથી વધુ રાજ્યનાં ચાર શહેરોમાં ખવાય છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ. આ શહેરોમાં અનેક લોકો નાનામોટા રોજગાર સાથે જોડાયેલા હોય છે. લૉકડાઉનને લીધે તેમની આવક પર જે અસર થઈ છે એને લીધે કેરીની ખપત ઘટે એવી શક્યતા છે."

"લૉકડાઉનની મુદ્દત 3 મે સુધી છે. એ પછી લૉકડાઉન હશે કે નહીં એના વિશે કોઈ જાણતું નથી. લૉકડાઉનની મુદત પૂરી થયા પછી એપીએમસીમાં કેરીની હરાજી પાંચથી દસ મે દરમિયાન શરૂ થાય એવી શક્યતા છે. તેથી હાલ તો લૉકડાઉન જે છે એની સમસ્યા એપીએમસીમાં નથી, કારણ કે હરાજી શરૂ નથી થઈ. કેરીની મોસમ 15 મે પછી બરાબર જામે છે. એ વખતે કોરોના અને લૉકડાઉનની શું સ્થિતિ હશે એના પર ઘણું નિર્ભર રહે છે."

કેરી કદાચ મોંઘી પણ પડી શકે છે

લૉકડાઉન અંગે વાત કરતાં હરસુખભાઈએ કહ્યું હતું કે દર વર્ષે કેરીના ઇજારા અપાય છે. કેરીના જાણકાર અને વેચાણ કરતાં લોકો કેરીના જુદા-જુદા બગીચા ચોક્કસ રકમ ચૂકવીને ઇજારા પર રાખે છે અને એમાંથી જે પાક ઊતરે તેનું વેચાણ કરે છે.

"આ વખતે લૉકડાઉન જાહેર થતાં ઘણા ઇજારા અપાયા નથી, કારણ કે ઇજારા લેવા માટે આવનારાની સંખ્યા પાંખી રહી છે. આના લીધે થાય એવું કે જેનો બગીચો હોય એ ખેડૂતે જ વેચાણ કરવું પડશે. તેણે જ મજૂરો બોલાવીને આંબા પરથી કેરીઓ ઉતરાવી પડશે. વાહનો બોલાવીને માલ રવાના કરવો પડશે."

"જ્યારે ઇજારો આપી દેવાયો હોય, ત્યારે આ તમામ જવાબદારી ઇજારેદાર પર હોય છે. તેથી ઈજારા પર આપવા માગતા જે લોકોના કેરીના બાગ ઇજારા પર નથી ગયા તે બાગાયતદાર પોતે વેચાણ કરશે એને લીધે એને કેરી મોંઘી પડશે. તેથી માર્કેટમાં પણ એ મોંઘી પડી શકે છે. ”

લૉકડાઉનને લીધે ઍક્સ્પૉર્ટ પર અસર

ગુજરાતના તાલાળાની કેસર કેરી વિદેશમાં પણ ખૂબ ઍક્સ્પૉર્ટ થાય છે.

જોકે કોરોના વાઇરસને લીધે ઍક્સ્પૉર્ટમાં પણ મુશ્કેલી સર્જાઈ શકે છે.

હરસુખભાઈ જારસાણિયા કહે છે, "સામાન્ય રીતે એપ્રિલના બીજા સપ્તાહથી કેરી ઍક્સ્પૉર્ટ થવાની શરૂ થઈ જાય છે, પરંતુ હજી સુધી ઍક્સ્પૉર્ટ શરૂ થયું નથી. કોરોનાને લીધે કેસર કેરીના એક્સપૉર્ટ પર અસર પડી છે."

તાલાળામાં કેસર કેરીનો બગીચો ધરાવતાં બાગાયતદાર ગફારભાઈ કુરેશીએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે "કેરીની મોસમ બાગાયતદારો અને ઈજારેદારો માટે એક મહિનાની હોય છે. એક મહિનામાં કેરીનો નિકાલ કરવો પડે. જો આગામી પંદર દિવસમાં ઍક્સ્પૉર્ટને મંજૂરી મળી જાય તો અમારા જેવા લોકોને રાહત રહે. જો ઍક્સ્પૉર્ટની મંજૂરી ન મળે તો અમારો પાક પડ્યો રહે અને સસ્તા દામે અહીં જ વેચવો પડે. એને લીધે બાગાયતદારોને નુકસાન વેઠવાનો વારો આવે."

"બીજી વાત એ પણ છે કે કેસર કેરી બ્રિટન, અમેરિકા, યુરોપના કેટલાક દેશો તેમજ દુબઈ વગેરેમાં પણ જાય છે. આ દેશોમાં કોરોનાએ હાહાકાર વર્તાવ્યો છે તો ઍક્સ્પૉર્ટની મંજૂરી મળ્યા પછી પણ ત્યાં કેસરની ખપત કેટલી રહેશે એ પણ સવાલ છે. શક્ય છે કે કેટલાક દેશો પણ કેસર લેવા માટે તૈયાર ન હોય."

"આવા સમયમાં બહેતર એ છે કે કેસર કેરીનો જે પલ્પ થાય છે એના માટે યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ. જે રીતે કેટલાક પાકમાં સરકાર ભાવબાંધણું નક્કી કરી આપે છે એમ કેસર કેરીનો પલ્પ તૈયાર થાય અને એના માટે સરકાર ભાવબાંધણું કરીને એ પ્રક્રિયાને પ્રોત્સાહન આપે તો કેરીનો પાક લેનારા સચવાઈ રહે."

લૉકડાઉનને લીધે પેટી મળતી નથી

રાજુલા તાલુકાના વડગામમાં કેરીનો પાક લેતાં પીઠુભાઈ બોરિચાએ કહે છે કે લૉકડાઉનને લીધે કેરી ભરવા માટેની પેટી મળતી બંધ થઈ ગઈ છે.

"લૉકડાઉન જાહેર થયા પછી પૂંઠાનાં ખોખાં એટલે કે પેટ બનાવતાં કારખાનાંઓ બંધ રહ્યાં. એમાં કામ કરવા આવતા માણસો પણ ઘણે ઠેકાણે રવાના થઈ ગયા, એને લીધે ખોખાંનું ઉત્પાદન બંધ થયું. અમારી પાસે કેરી તો પડી છે પણ ભરવી શેમાં એ સવાલ છે."

તાલાળાના કેસર કેરીના બાગાયતદાર ગફારભાઈ કુરેશીએ કહ્યું હતું કે લૉકડાઉનને પગલે કેરીના પાકને જુદીજુદી અસર થઈ છે.

"આંબા પર શરૂઆતમાં નાનીનાની કેરી થાય જેને કાઠિયાવાડમાં ખાખડી કહે છે. જે સંભારા, અથાણાં કે ગોળકેરી તરીકે રોજિંદા ભોજનમાં લેવાય છે. આ લૉકડાઉનને લીધે એ ખાખઠી (નાની કાચી કેરી) અમારે ત્યાં પડી રહી છે. બે રૂપિયે કિલો પણ ખાખઠી ના કોઈ લેવાલ નથી. મારી પાસે આંબાવાડિયામાં પાંચસો આંબા છે. ગયા વર્ષે 24 એપ્રિલે 3000 રૂપિયાની ખાખઠીનું અમે વેચાણ કર્યું હતું. આ વખતે 24 એપ્રિલે અમે 70 રૂપિયાની ખાખઠી વેચી છે."

ગફારભાઈ વધુમાં કહે છે, "ખાખઠી ઉપરાંત, મોટી કેરી જે ખરી પડે છે એ મુરબ્બા – છુંદા વેગેરે બનાવવામાં વપરાય છે. એનું પણ મોટું બજાર છે. દર વર્ષે અમે એ કેરી પંદર-વીસ રૂપિયે કિલો વેપારીઓને વેચતા હોઈએ છીએ અને વેપારીઓ ત્રીસ કે ચાલીસ રૂપિયે કિલોના ભાવે વેચે છે."

"અત્યારે એ કેરીઓ પણ મોટી સંખ્યામાં પડી રહી છે. લૉકડાઉન નહીં લંબાય તો કેરીના બાયાગતદારોને કદાચ વાંધો નહીં આવે, પરંતુ જો લંબાયું તો કેરીના બાગાયતદારો અને ઇજારેદારોને રાતા પાણીએ રોવાનો વારો આવશે. લૉકડાઉન પછી પણ કેરીના વેચાણનું ચિત્ર કેવું હશે એ અત્યારે કળી શકાતું નથી."

ગફારભાઈએ કહ્યું હતું કે "જેમને મંજૂરી મળી હોય એ જ વાહન-વ્યવહાર કરી શકે છે. તેથી એની પણ મર્યાદા છે. ખરેખર તો એવું કરવું જોઈએ કે સરકારે એવી મંજૂરી આપવી જોઈએ કે વેપારી ગામડે જઈને કેરી ખરીદી શકે. વેપારીઓ ગીરમાં બગીચે બગીચે જઈને ખરીદી કરે તો એપીએમસી માર્કેટમાં ભીડ નહીં થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે. તેમજ બાગાયતદારોનું પણ કમિશન બચી જશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો