You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇરફાન ખાન સાથે કામ કરનારા ગુજરાતી કલાકારો તેમને કઈ રીતે યાદ કરે છે?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
એક મહાન અભિનેતા તરીકે ઇરફાન ખાન હંમેશાં લોકોને યાદ રહેશે. કૅન્સર સામે ઝૂઝતાં ઇરફાન ખાને 29 એપ્રિલે મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા.
ઇરફાન એવા અભિનેતા હતા કે તેઓ કશુંય બોલ્યા વગર માત્ર ઊભા રહે તો તેમની આંખો વાતો કરતી અને તેમનું મૌન અભિનય કરતું.
ઇરફાનનાં ગુજરાત અને ગુજરાતી સાથેનાં કેટલાંક સંભારણાં વાગોળીએ તો તેઓ જ્યારે ફિલ્મોમાં જાણીતા ઍક્ટર નહોતા બન્યા ત્યારે તેમણે એક ટીવી સિરીઝમાં કામ કર્યું હતું.
જેમાં જાણીતા ડિરેક્ટર્સે અલગઅલગ વાર્તાને ટીવી પડદે ડિરેક્ટ કરી હતી.
તેમાં જાણીતા ગુજરાતી લેખક ચંદ્રકાંત બક્ષીની વાર્તા 'એક સાંજની મુલાકાત' પરથી પણ એક એપિસોડ તૈયાર થયો હતો.
બક્ષીની વાર્તા પરથી હિન્દીમાં 'એક શામ કી મુલાકાત' નામની એ સિરીઝમાં ઇરફાન ખાને ભૂમિકા ભજવી હતી.
તેમની સાથે રઘુવીર યાદવ, હિમાની શિવપુરી અને ટિસ્કા ચોપડા પણ હતા.
મજાની વાત એ છે કે ચંદ્રકાંત બક્ષીની એ સ્ટોરી ટીવી પડદે અત્યારના જાણીતા ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયાએ ડિરેક્ટ કરી હતી. એમાં એક ભૂમિકા ગુજરાતી નાટકોના જાણીતા કલાકાર સંજય ગોરડિયાએ ભજવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ઇરફાનના ઘરે અમે મૅકઅપ અને ફ્રેશ થવા જતા'
સંજય ગોરડિયાએ 'એક શામ કી મુલાકાત'નાં સંસ્મરણો વાગોળતાં બીબીસીને કહ્યું હતું કે "એ વખતે તો ઇરફાન આજે છે એટલો જાણીતો અભિનેતા નહોતો. મેં ફક્ત બે દિવસ તેમની સાથે કામ કર્યું હતું. ઇરફાનની જે ઍક્ટિંગ ટેકનીક છે એ તે વખતે મારા પલ્લે પડી નહોતી. એ વખતે મારી ઍક્ટિંગની જે સમજ છે એ આજે છે એટલી પરિપક્વ નહોતી. એ વખતે ઇરફાનની પહેલી ફિલ્મ આવી નહોતી."
"અમે એ વખતે મુંબઈના પોઈશર વિસ્તારમાં એક બંગલો છે ત્યાં શૂટિંગ કરતા હતા અને ઇરફાનનું ઘર એ વખતે મલાડમાં હતું. એટલે કે શૂટિંગના સ્થળથી નજીક હતું. અમે લોકો મૅકઅપ અને ફ્રેશ થવા માટે ઇરફાનના ઘરે જતા હતા. મારો એક સીન ઇરફાન સાથે રિક્ષામાં હતો. મને યાદ છે કે એ વખતે હું ઇરફાનના ઘરે મૅકઅપ કરાવતો હતો. ઇરફાન સોફામાં આડો પડીને છાપું વાંચતો હતો."
તેમણે વધુમાં કહ્યું, "મને યાદ છે કે રિક્ષાવાળો સીન એક જ ટેકમાં લેવાનો હતો એવું અમને કહેવામાં આવ્યું હતું. અન્ય એક સીન કિરાણાની દુકાન પાસે હતો. એ સીન સ્ક્રિપ્ટમાં નહોતો. તિગ્માંશુએ અમને કહ્યું હતું કે તમે બંને જણા આ સીન તમારી રીતે ઇમ્પ્રોવાઇઝ કરો એટલે કે વિકસાવો."
"ઇરફાન સાથે એ સીન કરવાની મને ખૂબ મજા આવી હતી. ઇરફાન મૂળે નાટકનો કલાકાર અને હું પણ નાટકનો કલાકાર. નાટકના કલાકારોને સીન ઇમ્પ્રોવાઇઝ કરવાની ટેકનીક હાથવગી હોય. એ સીનમાં મજા એ આવી હતી કે તિગ્માંશુ કટ બોલતો જ નહોતો અને હું અને ઇરફાન બોલ્યે જ રાખતા હતા."
ઍક્ટર તરીકે ઇરફાનની ખૂબી જણાવતાં સંજય ગોરડિયાએ કહ્યું હતું કે ઇરફાન આઉટ ઑફ બૉક્સ ઍક્ટર હતો.
"ઇરફાન ઍક્ટિંગમાં અન્ડરપ્લે ખૂબ સારી રીતે કરી શકતા હતા. અન્ડરપ્લે ઍક્ટિંગ કરવામાં મહારત અને સિફત જોઈએ. સમજણ વગર કોઈ અન્ડરપ્લે ઍક્ટિંગ કરે તો એ ફ્લૅટ ઍક્ટિંગ લાગે. ઇરફાન અન્ડરપ્લેમાં અનોખો નિખાર લાવતો હતો. ઉપરાંત તેમની આંખોમાં અજબ ખેંચાણ હતું."
સંજય ગોરડિયા કહે છે કે "હું હાલમાં જ ઇરફાનની તાજેતરની ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'ના પ્રીમિયરમાં ગયો હતો. એ ફિલ્મના એક લેખક ભાવેશ માંડલિયા મારા મિત્ર છે. ફિલ્મના પ્રીમિયરમાં ઇરફાન નહોતા આવી શક્યા, તેઓ વિદેશમાં સારવાર હેઠળ હતા. મને તો એમ કે હવે થોડા દિવસમાં સારવાર પછી તેઓ આવી જશે, પરંતુ તેના નિધનના સમચાર સાંભળ્યા એટલે ખૂબ ઝાટકો લાગ્યો હતો."
'ઇરફાનભાઈએ દવા લઈને શૂટિંગ કર્યું હતું'
ઇરફાનની છેલ્લી રજૂ થયેલી ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'ના એક લેખક ભાવેશ માંડલિયા પણ ગુજરાતી છે. તેઓ મૂળે વડોદરાના છે.
બીબીસી સાથે વાત કરતાં ભાવેશ માંડલિયાએ કહ્યું હતું કે ઇરફાનભાઈની અભિનયની તેમજ કિરદારની સમજણ અચંબો પમાડે એવી હતી. ઍક્ટર તરીકે તેઓ કેટલાક સંવાદ શબ્દેશબ્દ બોલતા હતા અને કેટલાક સંવાદમાં તેઓ કેટલાક શબ્દો પડતાં મૂકતા હતા. આ તેમની ખાસિયત હતી.
"શૂટિંગ વખતે પણ તેઓ પૂછતાં કે આ સંવાદમાં કોઈ શબ્દ ચૂક્યો તો નથી ને. તેમજ જે શબ્દો પડતાં મૂક્યા હોય તો એ જણાવી દેતા કે આ વાક્ય અહીંથી તોડું છું. ઇરફાનભાઈ એટલા ઉદાર અને ભર્યાભર્યા હતા કે અસુરક્ષા શબ્દ તેમની પાસે ફરકતો જ નહીં. ઘણી વખત એવું થતું હોય છે કે ફિલ્મમાં કોઈ એક ઍક્ટરનો રોલ અન્ય ઍક્ટરના રોલથી સહેજ પેરેલલ જતો હોય તો એ અભિનેતાને અસુરક્ષા લાગવા માંડતી હોય છે."
વધુમાં ભાવેશ માંડલિયા કહે છે, "ઇરફાનભાઈ એનાથી બિલકુલ અલગ હતા. 'અંગ્રેજી મીડિયમ'માં સાથી અભિનેતા દીપક ડોબરિયાલના રોલમાં તેમને હીર દેખાયું તો અમને વારંવાર કહેતા કે દીપકનો રોલ સરસ રીતે ડેવલપ થવા દેજો, એના કિરદારમાં ભરપૂર સ્કૉપ છે. તેઓ કહેતા કે દીપક ડોબરિયાલના રોલને સાઇડ ઍક્ટરની જેમ ટ્રિટમેન્ટ નહીં આપતા. કોઈ મુખ્ય કલાકાર આવું કહે એવું બહુ ઓછું બનતું હોય છે."
"ક્યારેક તો એવું બનતું કે પોતાના ડાયલૉગ્સની કેટલીક લાઇન્સ તેઓ દીપકને આપી દેતા કે દીપક તું યહ બોલ દે. ઘણા કલાકારોને શૂટિંગ વખતે મૉનિટર પર જોવાની ટેવ હોય છે કે સીન બરાબર થયો છે કે નહીં. ઇરફાનભાઈ ક્યારેય મૉનિટર પર જોતા નહોતા. મોટા કલાકારોના સેટ પર હોય છે એવા એક પણ નખરાં તેમનામાં નહોતાં. તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી શૂટિંગના છેલ્લા કેટલાક દિવસ તો તેઓ પેઇનકિલર અને દવા લઈને સેટ પર આવતા હતા. તેમને તાવ હોય તોય સેટ પર આવે ત્યારે એકદમ લાઇવ અને દુરસ્ત દેખાય."
"તેઓ જાણતા હતા કે સેટ પર ફિલ્મના મુખ્ય કલાકારનો ઉત્સાહ ઝળકતો હોય તો સેટના અન્ય કલાકાર-કસબીઓ પર તેની પૉઝિટિવ અસર વર્તાય છે. તેથી શરીરમાં નબળાઈ હોય તોય સેટ પર તેઓ કળવા દેતા નહોતા. અમારી ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'નું અડધું શૂટિંગ લંડનમાં થયું છે અને તેમની સારવાર પણ લંડનમાં ચાલતી હતી."
"શૂટિંગના છેલ્લા કેટલાક દિવસોમાં તકલીફ રહેતી હતી. એને કારણે લંડનના કેટલાક સીન અમે મુંબઈ આવીને શૂટ કર્યા હતા. ઇરફાનભાઈને એવો ભરોસો હતો કે તેઓ બીમારીને હરાવી દેશે અને હેમખેમ બહાર આવી જશે પરંતુ અફસોસ કે એવું ન થયું."
'સંજીવ કુમારની રાહ પર ચાલવાવાળા એકમાત્ર Actor-Star'
જાણીતા ગુજરાતી અભિનેતા દર્શન જરીવાલાએ બીબીસીને જણાવ્યું હતું કે સ્વ. ઇરફાન ખાન સાથે કામ કરવાની મારી ઇચ્છા અધૂરી જ રહી ગઈ. એક ફિલ્મ "આજા નચ લે"માં અમે બંને હતા, પણ એકસાથે નહીં. હું એમની કળાનો ખૂબ મોટો ચાહક રહ્યો છું.
"સંજીવ કુમાર પછી, સંજીવ કુમારની રાહ પર સાર્થક રીતે ચાલવાવાળા શ્રી ઇરફાન ખાન એકમાત્ર અધિકૃત Actor-Star હતા. એમને વિશે ભૂતકાળમાં વાત કરવી ખૂબ જ કરુણ પરિસ્થિતિ છે, મારે માટે અને માત્ર ભારતીય જ નહીં, વૈશ્વિક ફિલ્મ જગત માટે પણ. એમનો અભિનય સત્યતા અને ઊંડાણથી છલોછલ હતો. ભારતે એક વિશ્વ કક્ષાનો ઉત્તમ અભિનેતા ગુમાવ્યો."
'ઇરફાને કૉમેડી સિરિયલમાં મને મુખ્ય ભૂમિકા આપી'
મૂળ ગુજરાતી એવા અન્ય અભિનેતા મનોજ જોષીએ ઇરફાન ખાન વિશે વાત કરતાં મીડિયાને જણાવ્યું હતું કે "અમારી બંનેની કારકીર્દી સાથે જ શરૂ થઈ હતી. 'ચાણક્ય' ટીવી સિરિયલમાં અમે સાથે હતા. અમે આન, બિલ્લુ વગેરે ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. ઇરફાને એક કૉમેડી સિરિયલ બનાવી હતી જેમાં મને મુખ્ય ભૂમિકા આપી હતી જે ક્યારેય રિલીઝ થઈ શકી નહોતી."
"ઇરફાને હિન્દી સિનેમામાં તો મુકામ હાંસલ કર્યો જ, સાથોસાથ હોલીવૂડમાં પણ તેણે પોતાનું અને ભારતીય સિનેમાનું નામ બનાવ્યું. અદભુત કલાકાર હતો. તેનું અવસાન ખૂબ જ દુખઃદ ઘટના છે. "
ઇરફાનની ગાંધીઆશ્રમની મુલાકાત
ઇરફાનની ફિલ્મ પિકુનું શૂટિંગ સુરેન્દ્રનગર પાસે થયું હતું. ઇરફાન સાથે એ વખતે દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન પણ ગુજરાત આવ્યા હતા.
ઉપરાંત ઇરફાનની ફિલ્મ 'ડી-ડે'નું શૂટિંગ કચ્છમાં થયું હતું. 2016માં ફિલ્મ મદારીના પ્રમોશન વખતે ઇરફાન અમદાવાદ આવ્યા હતા. એ વખતે તેઓ પોતાના પુત્રને લઈને ખાસ ગાંધીઆશ્રમ ગયા હતા.
ગાંધીઆશ્રમમાં એ વખતે પ્રતિમાબહેન વોરાએ તેમને રેંટિયો કેવી રીતે ચલાવાય એ દર્શાવ્યું હતું. ઇરફાન અને તેમના દીકરાએ પણ રેંટિયો ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.
એ સ્મરણ વાગોળતાં પ્રતિમાબહેને બીબીસીને જણાવ્યું હતું કે " તેમને ગાંધીઆશ્રમમાં ખૂબ રસ પડ્યો હતો. મેં જ તેમને આશ્રમનાં વિવિધ સ્થળ બતાવ્યાં હતાં. ગાંધીઆશ્રમમાં હૃદયકુંજ નામનું જે સ્થળ (બાપુનું નિવાસસ્થાન) છે એ તેમને ખૂબ ગમ્યું હતું. 15-20 મિનિટ તેઓ ત્યાં જ રહ્યા હતા. તેઓ એ સ્થળને મહેસૂસ કરવા માગતા હતા."
"ગાંધીજી જે ખંડમાં બેસીને લોકોને મળતાં એ ખંડ વગેરે જોઈને ઇરફાન તેમજ તેમનો પુત્ર ખુશ થયા હતા. ગાંધીજીનાં રચનાત્મક કાર્યો વિશે મેં તેમને જણાવ્યું હતું. આશ્રમમાં પણ ઇરફાનને જોઈને લોકો ટોળે વળી ગયાં હતાં."
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો