ઋષિ કપૂર : ગુજરાતી નાટક પરથી બનેલી ફિલ્મ 102 નૉટઆઉટના સ્ટાર 67 વર્ષે આઉટ

જાણીતા ફિલ્મ અભિનેતા અને બોલીવૂડના રિયલ 'ચોકલેટી હીરો' ઋષિ કપૂરનું નિધન થયું છે.

27 વર્ષ બાદ અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર ફરી એક વાર ફિલ્મ '102 નૉટઆઉટ'માં પિતાપુત્રના રોલમાં જોવા મળ્યા હતા.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની ઉંમર 102 વર્ષ અને ઋષિ કપૂરની ઉંમર 75 વર્ષની હતા.

એ ફિલ્મમાં જીવનથી થાકી જનાર બીકણ અને દવા પર જીવનાર એક વૃદ્ધ તરીકે બાબુલાલ વખારિયાની ભૂમિકા એમણે ભજવી હતી.

આ ફિલ્મ લેખક-કવિ-નાટ્યકાર સૌમ્ય જોશીના સફળ ગુજરાતી નાટક '102 નૉટઆઉટ' પરથી બની હતી. ફિલ્મનું લેખન પણ સૌમ્ય જોષીએ કર્યું હતું. ફિલ્મના ડાયરેક્ટર ઉમેશ શુકલા હતા.

ફિલ્મ અભિનેતા ઇરફાન ખાનના નિધન બાદ વધુ એક બોલીવૂડ અભિનેતાના નિધનથી બોલીવૂડ સહિત સમગ્ર દેશમાં શોકનો માહોલ છે.

ફિલ્મ 'બૉબી'થી શરૂઆત

ઋષિ કપૂરે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 1973માં ફિલ્મ 'બૉબી'થી કરી હતી.

તેમને વર્ષ 1974માં આ જ ફિલ્મ માટે ફિલ્મફેર બેસ્ટ ઍક્ટરનો ઍવૉર્ડ પણ મળ્યો હતો.

આ સિવાય બાળકલાકારના રૂપમાં તેઓ 'શ્રી 420' અને 'મેરા નામ જોકર'માં પણ જોવા મળ્યા હતા.

ઋષિ કપૂરે છેલ્લી વાર ઇમરાન હાશમી સાથે 'ધ બૉડી' ફિલ્મમાં કામ કર્યું હતું.

ઋષિ કપૂરે હાલમાં જ એલાન કર્યું હતું કે તેમની આગામી ફિલ્મ બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે હશે.

આ ફિલ્મ હોલીવૂડ ફિલ્મ ધ ઇન્ટર્નની હિંદી રિમેક હતી.

ઋષિ કપૂર અભિનિત જાણીતી ફિલ્મોમાં લૈલા મજનૂ, સરગમ, કર્ઝ, પ્રેમરોગ, નગીના, હનીમૂન, ચાંદની, હિના, બોલ રાધા બોલ, યે વાદા રહા, દીવાના વગેરેનો સમાવેશ થાય છે.

2012માં એમણે શાનદાર અભિનય કર્યો હતો. એ ફિલ્મ સંજય દત્ત કાંચા ચિનાની વિલનની ભૂમિકામાં છવાઈ ગયા હતા તો ઋષિ કપૂરે નાની પણ ખૂબ મહત્ત્વની એવી રઉફ લાલાની ભૂમિકા ભજવી હતી.

ઋષિ કપૂર અને નીતુ સિંહ

ઋષિ કપૂર અને નીતુ સિંહની જોડી ફિલ્મ પડદે ઘણી સફળ રહી હતી.

આ જોડીએ 11 હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, જેમાં રફુચક્કર, ખેલ ખેલ મેં, કભી કભી, અમર અકબર એન્થોની અને દૂસરા આદમી મુખ્ય છે.

આ જોડી ફિલ્મ 'દો દૂની ચાર' અને 'જબ તક હૈ જાન' (2012) પણ સાથે જોવા મળી હતી.

તેમને ઝીન સિને ઍવૉર્ડનો 'બેસ્ટ લાઇફટાઇમ જોડી 2011'નો ઍવૉર્ડ પણ મળ્યો હતો.

આ સિવાય ઋષિ કપૂરને 2008માં ફિલ્મફેર લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ, 2011માં ફિલ્મ 'દો દૂની ચાર' માટે ફિલ્મફેર ક્રિટિક્સ બેસ્ટ ઍક્ટરનો ઍવૉર્ડ, 2016માં

સ્ક્રિન લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ, 2017માં 'કપૂર ઍન્ડ સન્સ' માટે ફિલ્મફેરનો બેસ્ટ સપૉર્ટિંગ ઍક્ટર સહિતના ઍવૉર્ડ મળ્યા છે.

આ સિવાય ઋષિ કપૂરના ફિલ્મનાં 'તેરી ઉમ્મિદ તેરા ઇંતઝાર', 'તેરે મેરે હોઠોં પે', 'પાયલિયા', 'સોચેંગે તુમ્હે પ્યાર', 'દેર ના હો જાયે', 'આજ કલ યાદ કુછ ઓર રહેતા નહીં', 'ચહેરા હૈ યા ચાંદ ખીલા હૈ', મેરી કિસ્મત મેં તું નહીં શાયદ સહિત અનેક એવાં ગીતો આજે પણ લોકોના હોઠે રમી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો