You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Corona Tips : એ ઉપાયો જે તમને કોરોના વાઇરસ સંક્રમણથી બચાવશે
કોરોના વાઇરસના કારણે આપણું જીવન અને સંબંધો બદલાઈ રહ્યાં છે. આવા સમયે ઢગલાબંધ સલાહો મળવા લાગે તે ઊલટાની મૂંઝવે તેવી પણ હોઈ શકે છે. અહીં તમને ઉપયોગી થાય એવી કેટલીક ટિપ્સ આપી છે.
કેવી રીતે કરવી સુરક્ષા
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસ સામે સૌથી સચોટ ઉપાય સ્વચ્છતા જાળવવી તે છે.
- સમયાંતરે તમારા હાથ સાબુ અને પાણી અથવા આલ્કોહોલ આધારિત હૅન્ડ રબથી સારી રીતે ધુઓ. ઘસીને હાથ ધોવાથી તેના પર રહેલા વાઇરસ નાશ પામે છે.
- આંખ, નાક અને હોઠને હાથથી અડવાનું ટાળો. હાથથી આપણે અનેક સપાટીને સ્પર્શ કરતા હોઈએ છીએ અને તેમાં વાઇરસ આવી ગયો તેવું બને. આવા હાથે તમે ચહેરાનાં આ અંગોને અડો તો તેનાથી શરીરમાં ચેપ પ્રવેશી શકે.
ચેપ ફેલાતો કેવી રીતે રોકી શકાય?
- ખાંસી કે છીંક આવે ત્યારે ટિસ્યૂ પર કે હાથરૂમાલ પર કરો. તે પણ ના હોય ત્યારે કોણી વાળીને તેની વચ્ચે કરો જેથી છાંટા આસપાસ ઊંડે નહીં.
- ટિસ્યૂ તરત ફેંકી દો. તેની પાછળનો હેતુ વાઇરસ ધરાવતા છાંટા બીજા સુધી ના પહોંચે અને ચેપ ના લગાવે તેવો છે.
- આ જ કારણસર એકબીજાથી 2 મિટરનું - બંને બાજુ હાથ ફેલાવીએ લગભગ તેટલું અંતર રાખવા માટેનું કહેવામાં આવે છે.
- ઘણા બધા વિસ્તારોમાં લોકોને ઘરની બહાર ના નીકળવા સૂચના આપવામાં આવી છે. અનિવાર્ય કામે જ બહાર નીકળવું જોઈએ, જેથી ખાંસી કે છીંક ખાનારા બીજા લોકોના સંપર્કમાં આવવાનું બને નહીં.
- બહાર નીકળો અને સંપર્કમાં આવો ત્યારે હાથ મેળવવાનું ટાળો એમ WHO કહે છે. જરાક નમીને કે નમસ્તે કહીને હાથ જોડીને અભિવાદન કરી શકાય.
માસ્ક અને મોજાં ઉપયોગી થાય ખરાં?
બજારમાં મળતાં કાપડના સાદા માસ્કથી ચેપથી બચી શકાતું નથી. કારણ એ કે તે બહુ ઢીલા હોય છે, આંખેને ઢાંકતા નથી અને લાંબો સમય પહેરી શકાતા નથી.
ચેપ લાગ્યો હોય તે વ્યક્તિએ માસ્ક પહેર્યો હોય તેનાથી તેમના છાંટા બહાર ઊડતાં અટકે છે.
યાદ રાખો કે Sars-CoV-2 વાઇરસનો ચેપ લાગ્યો હોય, તેમાંથી ઘણી વ્યક્તિઓને બીમારીનાં કોઈ લક્ષણો દેખાતાં નથી. તેથી બીજા લોકો વચ્ચે જઈએ ત્યારે માસ્ક પહેરી રાખવામાં કંઈ ખોટું નથી.
મોજાં વિશે પણ WHO કહે છે કે તે પહેર્યાં પછીય ચેપ લાગી શકે છે. મોજું પહેર્યું હોય અને પછી તેનાથી ચહેરાને અડવામાં આવે તો ચેપ લાગવાની શક્યતા રહે જ.
WHOના જણાવ્યા અનુસાર મોજાં પહેરવાં કરતાંય હાથને વારંવાર સાબુ અને પાણીથી ધોવાથી Covid-19 સામે વધારે રક્ષણ મળે છે.
Covid-19 ચેપ લાગ્યો છે તેનો ખ્યાલ કેમ આવે?
કોરોના વાઇરસના ચેપનું મુખ્ય લક્ષણ તાવ આવવો અને સૂકી ખાંસી થવી છે. આ બંને પર ધ્યાન આપવું જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગળું બગડવું, માથું દુખવું અને ઝાડા થવા એવાં લક્ષણો પણ કેટલાક કેસોમાં દેખાયાં છે. કેટલાક કેસમાં સ્વાદ જતો રહે અને ગંધ આવતી બંધ થઈ જાય તેવી ચર્ચા પણ ચાલતી રહે છે.
લક્ષણો જોવાં મળે તો શું કરવું જોઈએ?
WHOના જણાવ્યા અનુસાર આવાં લક્ષણો દેખાય ત્યારે ઘરમાં જ ભરાઈને રહેવું જોઈએ. માથાનો દુખાવો અને સામાન્ય શરદી જેવાં હળવાં લક્ષણો હોય ત્યારે પણ ઘરે જ રહેવું જોઈએ.
યાદ રાખો 80% કેસમાં Covid-19 ચેપ હળવા પ્રકારનો હોય છે, પણ તમારે બીજા સાથે સંપર્કમાં ના આવવાની કાળજી ખાસ લેવી જોઈએ.
તમને તાવ આવવા લાગે, ખાંસી આવે અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે તો મેડિકલ સલાહ લેવી જોઈએ. શ્વાસનળીમાં ચેપના કારણે કે બીજી ગંભીર સ્થિતિને કારણે આવું થયું હોઈ શકે છે.
દવાખાને જતા પહેલાં અગાઉ ફોન પર વાત કરી લો - અત્યારે બધી જ જગ્યાએ સારવાર માટેની મુશ્કેલીઓ છે ત્યારે યોગ્ય કઈ જગ્યાએ જવું તેની જાણકારી પહેલાં મેળવી લેવી જોઈએ.
Covid-19 કેટલી ઘાતક બીમારી છે?
તબીબી પ્રકાશન ધ લૅન્સેટ ઇન્ફેશિયસ ડિસીઝમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસ અનુસાર ચેપ લાગ્યો હોય તેમાંથી 0.66%ના મોત થવાની શક્યતા છે.
સિઝનલ ફ્લૂના ચેપમાં 0.1%ના મોત થવાની શક્યતા હોય છે, તેનાથી આ ઊંચું પ્રમાણ કહેવાય, પરંતુ અગાઉના અંદાજ કરતાં આ ઘણો નીચો મૃત્યુદર છે.
જોકે ચેપ લાગવાના કેટલા કેસ થશે તેની જાણકારી પૂરી ના થાય ત્યાં સુધી પાકા પાયે કહી ના શકાય કે Covid-19 બીમારીના કારણે મોતની શક્યતા કેટલી.
રોગચાળા દરમિયાન મૃત્યુના દરની ગણતરી કરવી મુશ્કેલ હોય છે, કેમ કે લોકોને ચેપ લાગે અને તેમનું મૃત્યુ થાય તેમ ઘણો સમયગાળો હોય છે.
લંડનની ઇમ્પિરિયલ કૉલેજના હાલના અંદાજ અનુસાર 80 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓ માટે મૃત્યુનો દર 10 ગણો વધારે છે, જ્યારે 40થી નીચેની ઉંમરમાં તે ઓછો છે.
ચીનના પ્રથમ 44,000 કેસનું વ્યાપક વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવેલો કે ડાયાબિટીસ, લોહીનું ઊંચું દબાણ, હૃદયની કે શ્વાસોશ્વાસની બીમારી ધરાવતા લોકોમાં મૃત્યુનું પ્રમાણ કમસે કમ પાંચ ગણું વધારે હતું.
શું ઉપચાર શક્ય બનશે ખરો?
નવા વાઇરસના ઉપચાર માટે કોઈ ચોક્કસ દવા અત્યારે ઉપલબ્ધ નથી.
સારવારના બીજા વિકલ્પો છે ખરા, પણ મોટા ભાગના લોકો જાતે જ સાજા થઈ જાય છે.
વૈશ્વિક મહામારી વચ્ચે માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું?
બહુ કપરો કાળ આવ્યો છે તેની ના નહીં. તેથી તમને ચિંતા થતી હતી, તણાવ અનુવતા હશો, અકળાતા હશો, દુખ અનુભવતા હશો, કંટાળતા હશો, એકાકીપણા અને હતાશાની લાગણી થતી હશે.
રોગચાળા વચ્ચે માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે માટે બ્રિટિશ નેશનલ હેલ્થ સર્વિસે 10 ટિપ્સ તૈયાર કરી છે:
- ફોન, વીડિયો કોલ કે સોશિયલ મીડિયાથી મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં રહો
- તમને ચિંતા થતી હોય તે બાબતની ચર્ચા કરો
- બીજા લોકોની ચિંતાને પણ સમજવાની કોશિશ કરો
- તમારું નવું રૂટિન હોય તેને સુચારુ રીતે ચલાવવા માટે વ્યવહારુ માર્ગો શોધો, શાકભાજી કેમ લાવવા, ઘેરથી કામ કેમ કરવું વગેરે
- તંદુરસ્તીની કાળજી લો: નિયમિત કસરત કરો, સંતુલિત પૌષ્ટિક ખોરાક લો અને પૂરતા પ્રમાણમાં પાણી પીવો. ધૂમ્રપાન ટાળો અને વધારે શરાબપાન ના કરો
- માહિતી યોગ્ય જગ્યાએથી જ મેળવો અને મહામારી વિશે વાંચવાનું અને જોવાનું મર્યાદિત પ્રમાણમાં જ રાખજો
- લાગણીઓનો સામનો કરો: કેટલીક સ્થિતિ આપણા કાબૂમાં નથી તેવું કબૂલવામાં કશું ખોટું નથી. તેના બદલે તમારા નિયંત્રણમાં હોય તે બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરો, જેમ કે તમારું વર્તન
- તમને મજા પડતી હોય તે પ્રવૃત્તિ કરો. શક્ય ના હોય ત્યારે સ્થિતિને સ્વીકારી લો, નવું શીખો.
- વર્તમાન પર જ ધ્યાન કેન્દ્રીત કરો અને યાદ રાખો કે આ સંકટ થોડા સમય માટે જ છે
- રૂટિન જેવું રાખીને સારી ઊંઘ લો અને સૂતાં પહેલાં કેફેન તથા સ્ક્રીન ટાઇમ ઓછો કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો