કોરોના રસી લીધા પછી પણ થાય છે સંક્રમણ, વૅક્સિન કેટલી અસરકારક?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોનાની રસીના બંને ડોઝ લીધાનાં ત્રણ અઠવાડિયાં પછી દિલ્હીસ્થિત સાયન્સ જર્નાલિસ્ટ પલ્લવ બાગ્લાને ઓચિંતો ભારે તાવ ચઢ્યો, ગળામાં દુખાવો શરૂ થયો અને તકલીફ વર્તાવા લાગી.

22 એપ્રિલે તેઓ કોરોના પૉઝિટિવ આવ્યા. ચાર દિવસ પછી છાતીના સ્કેનમાં જોવા મળ્યું કે તેમનાં ફેફસાંનો રંગ સફેદ થઈ રહ્યો હતો. એટલે કે તેમને ચેપ લાગ્યો હતો.

તેમનો તાવ ઊતરતો ન હતો. તેથી કોરોનાનાં લક્ષણો દેખાયાંના આઠ દિવસ પછી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ ખાતે ડૉક્ટરોએ 58 વર્ષીય બાગ્લાના બ્લડ ટેસ્ટ કરાવ્યા અને સ્ટીરોઇડ આપ્યાં. તેમને પહેલેથી ડાયાબિટીસ હતું તેથી તેમનું બ્લડશુગર વધી ગયું. સદનસીબે તેમનું ઓક્સિજનનું લેવલ જોખમી સ્તરે ઘટ્યું ન હતું.

રસીએ વૅન્ટિલેટર પર જતા બચાવ્યા

આઠ દિવસની સારવાર પછી તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે ડૉક્ટરોએ તેમને બાગ્લાની ઉંમરના જ એક એવા પુરુષ દર્દીનાં ફેફસાંનું સ્કેન દર્શાવ્યું જેમને ડાયાબિટીસ હતું અને રસી પણ લીધી ન હતી. ડૉક્ટરોએ બાગ્લાના સ્કેન રિપોર્ટ સાથે તેની સરખામણી કરી.

બાગ્લા કહે છે, "બંનેમાં તફાવત સ્પષ્ટ હતો. ડૉક્ટરોએ જણાવ્યું કે મેં રસી મુકાવી ન હોત તો કદાચ મને આઈસીયુમાં વૅન્ટિલેટર પર મૂકવો પડ્યો હોત. સમયસર સંપૂર્ણ રસીકરણના કારણે મારો જીવ બચી ગયો."

ભારતમાં 1.3 અબજની વસતીમાંથી હજુ ફક્ત ત્રણ ટકાનું સંપૂર્ણ રસીકરણ થયું છે. છતાં બીજો ડોઝ લીધાનાં બે અઠવાડિયાં પછી પણ કોરોનાનો ચેપ લાગતો હોય તેવા કેસ વધી રહ્યા છે.

ઘણા ડૉક્ટરો, નર્સ, હૉસ્પિટલ અને ક્લિનિકના કર્મચારીઓને અત્યાર સુધીમાં આવા ચેપ લાગ્યા છે. બાગ્લા તેમાં અપવાદ લાગતા હતા, તેથી વૈજ્ઞાનિકોએ વાઇરસના જિનેટિક કોડને ઉકેલવા માટે તેમનાં નાક અને ગળામાંથી નમૂના લીધા છે.

આ કાર્યવાહીનો હેતુ વૈજ્ઞાનિકોને સતાવતા કેટલાક પ્રશ્નોનો જવાબ શોધવાનો છે.

શું રસી નવા વૅરિયન્ટથી બચાવી શકશે?

શું ભારતમાં અત્યારે અપાતી બે રસીઓ લોકોને નવા અને અલગ પ્રકારના વેરિયન્ટ ધરાવતા વાઇરસ સામે પૂરતા પ્રમાણમાં રક્ષણ આપી શકશે?

કોરોના વાઇરસની રસી અસરકારક છે એ વાતમાં કોઈ શંકા નથી. તે ચેપ સામે રક્ષણ નથી આપતી, પરંતુ મોટા ભાગના લોકોને વાઇરસના સૌથી ખતરનાક વેરિયન્ટનો ચેપ લાગ્યો હોય તો પણ ગંભીર બીમારી અને મૃત્યુ સામે રક્ષણ આપે છે.

પરંતુ રસી 100 ટકા સચોટ હોતી નથી. રોગચાળો અત્યંત ઝડપથી ફેલાતો હોય ત્યારે તેણે ખાસ કામ કરવાનું હોય છે.

તેથી સંપૂર્ણ રસીકરણ પછી પણ ચેપ લાગવાની શક્યતા રહે છે જેને બ્રેકથ્રૂ ઇન્ફેક્શન કહે છે.

અમેરિકામાં 26 એપ્રિલ સુધીમાં9.5 કરોડ લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું હતું તેમાંથી 9045 લોકોને ફરી ચેપ લાગ્યો હતો તેમ સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના આંકડા દર્શાવે છે.

આ પૈકી 835 દર્દી (9 ટકા)ને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 132 (એક ટકા)ના મોત નીપજ્યાં હતાં. હૉસ્પિટલમાં દાખલ થયેલા ત્રીજા ભાગના દર્દી અને મૃત્યુ પામેલા 15 ટકા દર્દીને 'કોઈ લક્ષણ ન હતા અથવા કોવિડ-19ને લગતી સમસ્યા ન હતી.'

ભારતમાં ડેટાનો અભાવ

ભારતમાં હજુ નક્કર ડેટાનો અભાવ છે તેથી કોઈ બાબતની સાબિતી આપી શકાતી નથી.

હેલ્થકેર વર્કરોએ રસીના બંને ડોઝ લીધા હોવા છતાં તેમને ચેપ લાગ્યો હોય તેવા કેસ વધી રહ્યા છે. તેમાંથી કેટલાકનાં મોત પણ થયાં છે. પરંતુ તેમના મૃત્યુ માટે કોરોનાનો ચેપ સીધી રીતે જવાબદાર હતો કે નહીં તે જાણી શકાયું નથી.

સત્તાવાર આંકડામાં દાવો કરાયો છે કે ભારતમાં રસી મેળવનાર દર 10,000 પૈકી ચાર વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે. પરંતુ આ ડેટા અપૂરતો હોવાની શક્યતા છે. ટેસ્ટ કરાવનારા લોકોને ત્રણ મહિના સુધી પૂછવામાં નહોતું આવ્યું કે તેમણે રસી મુકાવી હતી કે નહીં.

હૉસ્પિટલોમાંથી મળતા પુરાવા પણ મિશ્ર ચિત્ર રજૂ કરે છે.

અમેરિકામાં મેયો ક્લિનિકના પ્રોફેસર ડૉ. વિન્સેન્ટ રાજકુમાર જણાવે છે કે તેમણે તામિલનાડુની બે મોટી સરકારી હૉસ્પિટલો સાથે વાત કરી હતી. તેમાં જાણવા મળ્યું કે રસી લેનારા કાર્યકરોમાંથી બહુ ઓછી સંખ્યામાં લોકોને ચેપ લાગ્યો હતો. તેમણે મને જણાવ્યું, "જેમને ચેપ લાગ્યો હતો તેઓ ઝડપથી સાજા થઈ ગયા હતા."

બે ડોઝ પછી પણ સંક્રમણ થઈ રહ્યું છે

ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. ફરાહ હુસૈન જણાવે છે કે, "બીજી તરફ દિલ્હીની સૌથી મોટી કોવિડ-19 હૉસ્પિટલ લોકનાયક જયપ્રકાશ નારાયણ (એલએનજેપી) હૉસ્પિટલના આઈસીયુમાં કામ કરતા 60 ટકા ડૉક્ટરોને સંપૂર્ણ રસીકરણ પછી પણ ચેપ લાગ્યો હતો."

"તેમનામાંથી કેટલાકના પરિવારજનોને ચેપ લાગ્યો અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી."

દિલ્હીની ફોર્ટિસ C-DOCમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે રસી મુકાવ્યા બાદ 113માંથી 15 હેલ્થ વર્કરને બીજા ડોઝના બે સપ્તાહ પછી ચેપ લાગ્યો હતો. તેમાંથી 14 કેસ હળવા હતા જ્યારે એક વ્યક્તિને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

ડાયાબિટોલૉજિસ્ટ અને આ અભ્યાસના સહલેખક ડૉ. અનૂપ મિશ્રાએ જણાવ્યું કે, "હેલ્થ વર્કર્સમાં બ્રેકથ્રૂ ઇન્ફેક્શનના ઘણા કેસ જોવા મળ્યા છે. પરંતુ તેમાંથી મોટા ભાગના હળવા હતા. રસીના કારણે તીવ્ર ચેપને અટકાવી શકાય છે."

કેરળમાં સંપૂર્ણ રસીકરણ પછી બ્રેકથ્રૂ ઇન્ફેક્શનનો ભોગ બન્યા હોય તેવા છ હેલ્થકેર વર્કર્સના નમૂના લેવામાં આવ્યા હતા.

તેમાંથી બે દર્દીને એવા વેરિયન્ટનો ચેપ લાગ્યો હતો જેમાં ચોક્કસ મ્યુટેશન હતા. તેના કારણે તે શરીરની રોગપ્રતિકારક શક્તિને બાયપાસ કરી શક્યા હતા.

જોકે, તેમાંથી કોઈ કેસ ગંભીર ન હતો તેમ અગ્રણી જિનેટિસિસ્ટ અને આ અભ્યાસમાં સામેલ ડૉ. વિનોદ સ્કેરિયાએ જણાવ્યું હતું.

વૈજ્ઞાનિકો કહે છે કે ભારતમાં રસીના બંને ડોઝ લીધા પછી કેટલા લોકોને ચેપ લાગે છે તે જાણવા વધારે ડેટા એકત્ર કરવાની જરૂર છે. તેનાથી જાણી શકાશે કે રસી કઈ રીતે કામ કરે છે.

જાણીતા વાઇરોલૉજિસ્ટ ડૉ. શાહીદ જમીલ જણાવે છે કે, "મોટી સંખ્યામાં લોકો પૂછે છે કે રસીકરણ પછી પણ મોટી સંખ્યામાં લોકોને ફરીથી ચેપ લાગે છે તે વાત સાચી કે ખોટી?"

"આવા બિનઆધારભૂત અહેવાલોના કારણે રસી મુકાવવા માગતા લોકોના મનમાં ઘણી શંકા જાગે છે."

ધીમું રસીકરણ ચિંતાનો વિષય

સૌથી મોટી ચિંતા એ છે કે ભારતમાં રસીકરણનો દૈનિક દર ઘટી રહ્યો છે. હર્ડ ઇમ્યુનિટી હજુ ઘણી દૂર છે. (સમુદાયના મોટા ભાગના લોકો જ્યારે રસીકરણ અથવા ચેપના ફેલાવાના કારણે રોગપ્રતિકારક શક્તિ મેળવે ત્યારે તેને હર્ડ ઇમ્યુનિટી કહે છે.) લોકો રસી મુકાવતા ખચકાય થાય તો સ્થિતિ વધુ બગડી શકે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતની જીવલેણ અને અનિયંત્રિત બીજી લહેરના કારણે વાઇરસના મ્યુટેશનની શક્યતા વધી જાય છે. તેમાંથી વધારે ચેપી વેરિયન્ટ કદાચ રસીની અસરમાંથી છટકી જશે.

ભવિષ્યમાં કોરોનાની લહેરનો સામનો કરવા માટે વાઇરલ મ્યુટેશનના સિક્વન્સને ઉકેલવાનું કામ અનિવાર્ય બનશે.

વૈજ્ઞાનિકોના મતે મહત્ત્વની વાત એ છે કે રસીની અસરકારકતા વધારે-ઓછી હોય તો પણ ગંભીર બીમારી રોકવા અને હૉસ્પિટલાઇઝેશન ટાળવામાં તે ઉપયોગી બનશે.

પરંતુ સંપૂર્ણ રસીકરણ કરાવનારાને પણ ચેપ લાગી શકે છે અને બીજાને ચેપ આપી શકે છે હજુ લાંબા સમય માટે સાવધાની રાખવી પડશે.

માસ્ક પહેરવાં, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું, હવાની યોગ્ય અવરજવર ન હોય તેવી અથવા એરકંડિશન્ડ વર્કપ્લેસમાં કામ ન કરવું, વગેરે જરૂરી રહેશે.

ઉદાહરણ તરીકે ડબલ માસ્કિંગને ફરજિયાત કરી શકાય છે. કેરળમાં ડબલ માસ્કિંગ ફરજિયાત બનાવાયું છે.

જાહેર આરોગ્યના મૅસેજ અત્યાર સુધી બહુ ગૂંચવણ પેદા કરતા રહ્યા છે, પરંતુ તેને સ્પષ્ટ કરવાની જરૂર છે. શું સંપૂર્ણ રસીકરણ કરાવનાર લોકો ઘરમાં અથવા ઑફિસમાં મુક્ત રીતે એકઠા થઈ શકે?

બાગ્લા જણાવે છે, "રસી કામ કરે છે. પરંતુ તે તમને બેફામ અને બેદરકાર બનવાનું લાઇસન્સ નથી આપતી. તમારે અત્યંત સાવચેત તો રહેવું જ પડશે." તેમની વાત સાચી છે, કારણ કે તેમને અનુભવ થઈ ચૂક્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો