You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Happy Hypoxia : કોરોનામાં યુવાનો માટે ઘાતક બની રહેલી હેપી હાઇપોક્સિયાની સ્થિતિ શું છે?
ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં અભૂતપૂર્વ વ(ધારાની સાથોસાથ મૃત્યુદરમાં થયેલા વધારાએ પણ ચિંતા જન્માવી છે.
તેમાં પણ કોરોનાની આ બીજી લહેર યુવાનો માટે એક મોટો પડકાર બનીને સામે આવી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કારણે યુવાનોના મૃત્યુદરમાં 25 ટકાનો વધારો જોવા મળ્યો છે.
જ્યારે સામેની બાજુએ 60 વર્ષ કરતાં વધુની ઉંમરના લોકોના મૃત્યુદરમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.
આ સિવાય નિષ્ણાતો આ લહેરમાં યુવાનો વધુ સંક્રમિત થઈ રહ્યા હોવાની વાત વારંવાર કહી ચુક્યા છે.
તો આખરે યુવાન વસતી માટે પહેલી લહેરની સરખામણીએ કોરોના કેમ ઘાતક બની રહ્યો છે? આખરે એું તો શું છે કે આ કોરોનાની આ લહેર યુવાનો માટે ખૂબ જ જોખમરૂપ સાબિત થઈ રહી છે?
કેટલાક ડૉક્ટરોના અભિપ્રાય પ્રમાણે રાજ્યમાં કોરોનાથી થઈ રહેલાં મૃત્યુમાં યુવાનોના મૃત્યુદરમાં થયેલા વધારા પાછળ કોરોનાનું એક ઘાતક લક્ષણ 'હેપી હાઇપોક્સિયા' જવાબદાર હોઈ શકે છે.
નોંધનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશના વિવિધ ભાગોમાં આના કારણે ઘણાં યુવાનોના જીવ ગયા હોવાના અહેવાલો જોવા મળ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આખરે આ હેપી હાઇપોક્સિયા શું છે? કેમ તે આટલા બધા યુવાનોનાં મોતનું કારણ બની રહ્યું છે?
'હેપી હાઇપોક્સિયા' શું છે?
બીબીસી મરાઠી માટે મયંક ભાગવતે લખેલા એક અહેવાલ અનુસાર હેપી હાઇપોક્સિયા એ એવી પરિસ્થિતિ છે, જેમાં દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હોય છે. પરંતુ તેઓને શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી પડતી.
આ પરિસ્થિતિ અંગે વાત કરતાં અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનનાં પૂર્વ પ્રમુખ ડૉ. મોના દેસાઈ જણાવે છે કે, "હેપી હાઇપોક્સિયા એ એક સૂચક છે. કે જેનાથી તમારા ફેફસાં પર કોરોના વાઇરસની અસર થઈ છે કે કેમ તે તાત્કાલિક ખબર પડી શકે છે."
તેઓ કહે છે કે, "આ એક એવી પરિસ્થિતિ છે જેમાં દર્દી આરામની અવસ્થામાં હોય ત્યારે તેમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડતી નથી. પરંતુ શરીરને નજીવો સ્ટ્રેસ આપવામાં આવતાંની સાથે જ ઓક્સિજનના સ્તરમાં અસામાન્ય ફેરફાર થવા લાગે છે."
"આ પરિસ્થિતિ વ્યક્તિને જણાવી દે છે કે તેમનાં ફેફસાં હાલ કેટલાં સ્વસ્થ છે? તે કોરોના વાઇરસની અસર હેઠળ છે કે નહીં?"
હેપી હાઇપોક્સિયામાં શરીરમાં ઓક્સિજન લેવલ ઓછું હોવા છતાં દર્દી એકદમ નૉર્મલ દેખાય છે. તેમને શ્વાસોચ્છવાસની ક્રિયામાં કોઈ તકલીફ જોવા મળતી નથી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે વ્યક્તિને શ્વાસોચ્છવાસની ક્રિયામાં તકલીફ પડવાની શરૂઆત ઓક્સિજનનું સ્તર 90ની નીચે જતું રહે ત્યારે પડતી હોય છે.
પરંતુ હેપી હાઇપોક્સિયાની સ્થિતિમાં ઘણા યુવાન દર્દીઓનું ઓક્સિજનનું સ્તર 80 કરતાં પણ ઘટી જાય ત્યાં સુધી પોતાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની વાતની ખબર પડતી નથી. જેથી તેમના ઇલાજમાં બિનજરૂરી મોડું થાય છે.
અહેવાલ પ્રમાણે હાલ ઘણા દર્દીઓ હેપી હાઇપોક્સિયાની સમસ્યા સાથે કોરોનાગ્રસ્ત હાલતમાં હૉસ્પિટલે પહોંચી રહ્યા છે.
કેમ યુવાનો માટે વધુ ખતરો?
નિષ્ણાત તબીબોના અભિપ્રાય અનુસાર યુવાનોએ વર્કિંગ ગ્રૂપમાં આવતા હોવાના કારણે તેમને સામાન્ય કરતાં કોરોનાનો વધુ ઘાતક ચેપ લાગવાની શક્યતા હોય છે.
જો કોરોનાનો આવો ઘાતક ચેપ કોઈ યુવાનને લાગી જાય અને તેની રોગપ્રતિકારક ક્ષમતા સારી હોય તો હેપી હાઇપોક્સિયાની સ્થિતિને કારણે ઘણા સમય સુધી તેઓ હૉસ્પિટલમાં સારવાર લેતા નથી.
જે કારણે આવા દર્દીનાં ફેફસાંને ભારે નુકસાન થાય છે. જેની સારવાર શક્ય બનતી નથી. અને દર્દીનું અકાળ મૃત્યુ નીપજે છે.
હેપી હાઇપોક્સિયાને કેવી રીતે ઓળખવો?
ઇન્ડિય મેડિકલ ઍસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડૉ. ચંદ્રેશ જરદોશ જે-તે વ્યક્તિ હેપી હાઇપોક્સિયાની પરિસ્થિતિ અનુભવી રહ્યો છે કે કેમ તે અંગે જાણવા માટે કેટલીક ટિપ્સ આપી હતી.
તેમણે કહ્યું કે, "દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું દિવસમાં આઠ વખત પલ્સ ઑક્સિમિટરથી પોતાનું ઓક્સિજન લેવલ તપાસતા રહેવું જોઈએ."
"આરામની પરિસ્થિતિમાં જો વ્યક્તિનું ઓક્સિજન લેવલ 95 કરતાં વધુ હોય તો તેમના શરીરમાં કોરોના વાઇરસ નથી તેવું મનાય છે."
પરંતુ આ અંગે ચોક્કસ નિર્ધાર પર પહોંચવા માટે તેઓ કહે છે કે વ્યક્તિએ આરામની સ્થિતિમાં અને પછી છ મિનિટ સુધી ચાલ્યા બાદ પલ્સ ઓક્સિમિટર વડે પોતાનું ઓક્સિજન લેવલ તપાસવું જોઈએ.
"હેપી હાઇપોક્સિયાની સ્થિતિમાં ચાલ્યા બાદ માપવામાં આવેલ ઓક્સિજનનું સ્તર ચાર પૉઇન્ટ સુધી ઘટી શકે છે. જો આવું થાય તો સમજવું કે તમે હેપી હાઇપોક્સિયાની સ્થિતિ અનુભવી રહ્યા છો અને તમારાં ફેફસાં કોરોના વાઇરસના કારણે અસરગ્રસ્ત થવાનું શરૂ થઈ ચુક્યું છે. એટલે તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવાની જરૂર પડશે."
"જો આમાં મોડું કરવામાં આવે તો આ પરિસ્થિતિ ઘાતક પણ બની શકે છે. તેથી આ પરિસ્થિતિના છળથી બચવા માટે પલ્સ ઓક્સિમિટર જ હાલ આપણું હથિયાર છે તેમ માનવું."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો