You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Veganism : કોરોના વાઇરસનો ચેપ શાકાહારી લોકોને લાગવાનો ઓછો ખતરો છે? શું છે સત્ય?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
વર્ષ 2019ના અંતમાં જ્યારે સમગ્ર વિશ્વ કોરોના વાઇરસ નામની ઘાતક બીમારીથી વાકેફ થયું, ત્યારથી ઘણા લોકો કોરોના વાઇરસની ઉત્પત્તિ, તે થવા પાછળનાં કારણો તેમજ કોને વધુ ખતરો અને કોણ વધુ સુરક્ષિત એ બાબતોએ ચર્ચા કરી રહ્યા છે
પરંતુ હજુ સુધી આ વાતનો કોઈ એક આધારભૂત ગણી શકાય તેવો જવાબ નથી મળ્યો.
કોરોના વાઇરસે સર્જેલા વાતાવરણે આપણી આસપાસ ઘણી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ પણ ફરતી કરી છે. આવી જ એક માન્યતા છે કોરોના અને માંસાહાર વચ્ચેના સંબંધ અંગેની.
કોરોનાની ઉત્પત્તિ ચીનના વુહાન શહેરની પ્રાણીઓનાં માંસ માટેની માર્કેટમાંથી થઈ હોવાની થિયરીના કારણે ઘણા લોકો એવું માને છે કે માંસાહારીઓને આ વાઇરસનો ચેપ લાગવાનો વધુ ખતરો છે.
જ્યારે શાકાહારીઓને આ ચેપ લાગવાની શક્યતા ઓછી રહેલી છે.
થોડા દિવસ પહેલાં આ વાત ત્યારે ફરી એક વાર ચર્ચામાં આવી જ્યારે ભારતની કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના (CSIR) એક સર્વેનાં તારણોને ટાંકીને કેટલાક પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાનોએ એવા સમાચાર ચલાવ્યા કે કોરોના વાઇરસનો ચેપ લાગવાનો શાકાહારીઓનો ઓછો ખતરો છે.
પરંતુ શું આ સત્ય છે? શું આ વાત આધારભૂત માની શકાય તેવી છે? બીબીસી ગુજરાતીએ આ દાવાઓની સત્યતાની તપાસ કરી હતી.
શું હતાં સર્વેનાં તારણો?
CSIR દ્વારા કોરોના વાઇરસ સીરોપૉઝિટિવિટી સર્વે હાથ ધરાયો હતો. જેમાં દેશનાં 17 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 10,427 વૉલિન્ટિયરોએ ભાગ લીધો હતો. જે પૈકી 10.14 ટકા લોકોમાં કોરોના માટેનાં ઍન્ટિબોડી વિકસિત થયા હોવાનું જાણવા મળ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સર્વેમાં ભાગ લેનારા લોકોના અભ્યાસ પરથી જાણવા મળ્યું હતું કે જે લોકો હાઈ-એક્સપોઝરવાળું કામ કરે છે. જેઓ ધૂમ્રપાન નથી કરતા, જેઓ માંસાહારી છે તેમજ જેમનું બ્લડગ્રૂપ બી છે તેમને કોરોના વાઇરસ થવાનો વધુ ખતરો છે.
આ અંગે સમગ્ર દેશનાં મીડિયા સંસ્થાનોએ અહેવાલો પ્રકાશિત કર્યા હતા અને જણાવ્યું હતું કે, ધૂમ્રપાન કરનારા અને માંસાહાર ન કરનારાઓને કોરોના વાઇરસનો વધારે ખતરો છે.
આ સિવાય સર્વેમાં કહેવાયું હતું કે જે લોકોમાં આ વાઇરસ સામે લડી શકવા માટેના ઍન્ટિબોડી વિકસિત થયા છે. તેમની ન્યૂટ્રલાઇઝેશન ઍક્ટિવિટીમાં છ માસ બાદ ઘટાડો થયો હતો.
જે છ મહિના બાદ વાઇરસ સામે લડવાની તેમના શરીરે મેળવેલી ક્ષમતામાં ઘટાડાનો નિર્દેશ કરે છે.
શું છે હકીકત?
જ્યારે આ સર્વેનાં તારણો અંગેના સમાચાર પ્રકાશિત થવા લાગ્યા ત્યારે CSIR દ્વારા આ અંગે સ્પષ્ટતા જારી કરવામાં આવી હતી.
CSIRએ પોતાની વેબસાઇટ પર આવા અહેવાલો અંગે સ્પષ્ટતા કરતાં લખ્યું હતું કે, "CSIRના અભ્યાસમાં જણાવાયું કે ધૂમ્રપાન કરનારા અને શાકાહારી લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગવાનો ઓછો ખતરો છે" એવા કોઈ શીર્ષકવાળી પ્રેસનોટ તેમણે જારી કરી નથી.
તેમણે પોતાના સર્વેનાં તારણો અંગે સ્પષ્ટતા કરતાં આગળ લખ્યું હતું કે "ફાઇબરસમૃદ્ધ ડાયટમાં ઍન્ટિ ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીસ હોવાના કારણે તે કોરોના સામે એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે."
તેમજ કોરોના સામે ધુમ્રપાન કરનારાને રક્ષણ મળતું હોવાની વાત અંગે સ્પષ્ટતા કરતાં CSIRની સાઇટ પર લખાયું હતું કે, "આને અંતિમ પરિણામ માનવું ન જોઈએ. કારણકે સીરોપૉઝિટિવિટીએ ઇન્ફૅક્શનના ખતરાનો સંપૂર્ણપણે યોગ્ય માપદંડ નથી."
તેમજ સંસ્થાએ આગળ સ્પષ્ટતા કરતાં લખ્યું હતું કે "આવા કોઈ પણ અભ્યાસમાં કોઈ પણ માપદંડ સાથે સંલગ્નતાની જ્યાં સુધી પ્રાયોગિક ધોરણે પુષ્ટિ ન થઈ જાય ત્યાં સુધી તેમની વચ્ચે કાર્યકારણનો સંબંધ ન હોવાનું માનવું જોઈએ."
આ અંગે વધુ સ્પષ્ટતા મેળવવા માટે અમે આ અભ્યાસના લેખકો પૈકી એક ડૉ. શાંતનુ સેનગુપ્તા સાથે વાત કરી હતી. તેમણે આ સમગ્ર બાબતને મીડિયા સંસ્થાનોની ભૂલ ગણાવી હતી.
તેમણે કહ્યું હતું કે, "CSIRએ અભ્યાસમાં જણાવ્યું હતું કે આ અભ્યાસ પરથી કોઈ પણ અંતિમ પરિણામ કાઢવામાં નથી આવ્યું. આ અંગે વધુ અભ્યાસની જરૂર છે."
"પરંતુ મીડિયા સંસ્થાનોએ સમગ્ર અભ્યાસમાંથી એક લાઇન પકડીને તેને હેડલાઇન બનાવવાની લાયમાં આ કર્યું હતું. CSIRએ આ અંગે અંતિમ પરિણામ ક્યારેય નથી જાહેર કર્યું."
"અમે તેની સ્પષ્ટતા પણ કરી છે. આ પ્રકારના અભ્યાસોમાં હજુ આગળ અભ્યાસની જરૂરિયાત હોય છે. તે ન થાય ત્યાં સુધી કશું જ સનાતન સત્ય તરીકે ન સ્વીકારી શકાય."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો