'ધ લૅન્સેટ'માં પીએમ મોદીની ભારતમાં કોરોનાની સ્થિતિને લઈને આકરી ટીકા કરાઈ

વિશ્વની સૌથી પ્રસિદ્ધ મેડિકલ જર્નલ 'ધ લૅન્સેટ'ના એક સંપાદકીય લેખમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાં લખવામાં આવ્યું છે કે તેમની સરકારનું ધ્યાન ટ્વિટર પર પોતાની ટીકાને દબાવવા પર વધારે અને કોરોના મહામારી પર કાબૂ મેળવવા પર ઓછું છે.

જર્નલે લખ્યું, "આવા મુશ્કેલ સમયમાં મોદીના પોતાની ટીકા અને ખુલ્લી ચર્ચાને દબાવવાના પ્રયાસો માફીને લાયક નથી."

રિપોર્ટમાં કહેવાયું છે કે 'ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ મેટ્રિક્સ ઍન્ડ ઇવોલ્યુએશન'ના અનુમાન અનુસાર ભારતમાં એક ઑગસ્ટ સુધીમાં કોરોનાથી થનારો મૃત્યુઆંક 10 લાખ સુધી પહોંચી શકે છે.

'લૅન્સેટ' અનુસાર કોરોના વિરુદ્ધની પ્રારંભિક સફળતા બાદ સરકારની ટાસ્ક ફૉર્સની બેઠક એપ્રિલ સુધી એક વાર પણ મળી નથી.

જર્નલ અનુસાર, "આ ફેંસલાનાં પરિણામો આપણી સામે છે. હવે મહામારી વધી રહી છે અને ભારતે નવી રીતે પગલાં લેવાં પડશે."

"આની સફળતા એ વાત પર નિર્ભર કરશે કે સરકાર પોતાની ભૂલો સ્વીકારે છે અને દેશને પારદર્શકતા સાથે નેતૃત્વ આપી શકે છે કે કેમ?"

જર્નલમાં શું લખાયું?

જર્નલના મતે વૈજ્ઞાનિક રીતે જાહેર સ્વાસ્થ્ય સંબંધિત પગલાં ભરવાં પડશે.

જર્નલે એવું સૂચન કર્યું છે કે જ્યાં સુધી રસીકરણ સંપૂર્ણ ઝપડથી શરૂ નથી થતું, ચેપને ફેલાતો અટકાવવા માટે જરૂરી તમામ પગલાં ભરવાં જોઈએ.

"જેમજેમ કેસ વધી રહ્યા છે, સરકારે સમય પર ચોક્કસ ડેટા ઉપલબ્ધ કરાવવા જોઈએ. દર 15 દિવસે લોકોને બતાવવું જોઈએ કે શું થઈ રહ્યું છે અને આ મહામારીને ઘટાડવા માટે ક્યાં પગલાં ભરવાં જોઈએ."

"આમાં દેશવ્યાપી લૉકડાઉન પર પણ વાત થવી જોઈએ."

જર્નલ અનુસાર સંક્રમણને સારી રીતે સમજવા અને ફેલાતું અટકાવવા માટે જિનોમ સિક્વૅન્સિંગને વધારવું જોઈએ.

"સ્થાનિક સ્તરે સરકારોએ સંક્રમણને અટકાવવા માટે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. જોકે, એ સુનિશ્ચિત કરવું કે લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, ભીડ એકઠી ન થાય, ક્વોરૅન્ટીન અને ટેસ્ટિંગ થાય, આ બધાના કેન્દ્રમાં સરકારની મહત્ત્વની ભૂમિકા હોય છે."

જર્નલમાં એવું પણ કહેવાયું છે કે રસીકરણના અભિયાનમાં ઝડપ કરવાની જરૂર છે. હાલ આ મામલે બે મોટા પડકારો છે, એક રસીનો પુરવઠો વધારવો અને આ માટે વિતરણકેન્દ્ર બનાવવાં, જે ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચી શકે. કેમ કે ત્યાં દેશની 65 ટકા વસતી રહે છે અને તેના સુધી સ્વાસ્થ્યસેવાઓ પહોંચતી નથી.

સરકારે સ્થાનિક અને પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો સાથે મળીને કામ કરવું જોઈએ.

જર્નલમાં ભારતની હૉસ્પિટલોની વર્તમાન સ્થિતિ અને સ્વાસ્થ્યમંત્રીના એ નિવેદનનો ઉલ્લેખ પણ કરાયો છે, જેમાં કહેવાયું હતું કે ભારત મહામારીના અંત તરફ આગળ વધી રહ્યું છે.

સરકારના રસીકરણ-અભિયાનની પણ ટીકા

જર્નલ અનુસાર કેટલાક મહિના સુધી કેસ ઘટ્યા બાદ સરકારે એ બતાવવાનો પ્રયાસ કર્યો કે ભારતે કોરોનાને હરાવી દીધો છે. સરકારે બીજી લહેરના જોખમ અને નવા સ્ટ્રેન સંબંધિત ચેતવણીઓની અવગણના કરી હતી.

સંપાદકીય અનુસાર, "ચેતવણી છતાં સરકારે ધાર્મિક આયોજનો થવાં દીધાં, જેમાં લાખો લોકો એકઠા થયા. આ ઉપરાંત ચૂંટણીરેલીઓ પણ યોજાઈ."

જર્નલમાં સરકારના રસીકરણ-અભિયાનની પણ ટીકા કરાઈ છે.

લૅન્સેટે લખ્યું છે, "કેન્દ્રના સ્તરે રસીકરણ-અભિયાન પણ નિષ્ફળ ગયું છે. કેન્દ્ર સરકારે રસીકરણ વધારવા માટે 18 વર્ષથી વધારે ઉંમર ધરાવતા તમામ લોકોને રસી આપવા અંગે રાજ્યો પાસેથી સલાહ ના લીધી અને અચાનક નીતિ બદલી નાખી, જેનાથી પુરવઠામાં ઘટ સર્જાઈ અને અવ્યવસ્થા ફેલાઈ."

જર્નલ અનુસાર આ મહામારીને પહોંચી વળવા માટે કેરળ અને ઓડિશા જેવાં રાજ્યો વધારે તૈયાર હતાં. તે વધારે ઓક્સિજનનું ઉત્પાદન કરીને બીજાં રાજ્યોની મદદ કરી રહ્યાં છે.

જ્યારે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ કોરોનાની બીજી લહેર માટે તૈયાર નહોંતાં અને તેને ઓક્સિજન, હૉસ્પિટલોમાં બેડ તથા બીજી જરૂરી મેડિકલ સુવિધા ત્યાં સુધી કે અંતિમ સંસ્કાર માટે જગ્યાની ઘટ સામે પણ ઝૂઝવું પડ્યું.

જર્નલમાં એવું પણ કહેવાયું છે કે કેટલાંક રાજ્યોએ બેડ અને ઓક્સિજનની માગ કરી રહેલા લોકો વિરુદ્ધ દેશની સુરક્ષા સાથે સંકળાયેલા કાયદાઓનો ઉપયોગ કર્યો છે.

વિપક્ષે સરકારની ટીકા કરી

લૅન્સેટના આ રિપોર્ટને ટાંકીને વિપક્ષે સરકાર પર સવાલ કરવાનું શરૂ કરી દીધું છે.

કૉંગ્રેસના નેતા અને પૂર્ણ નાણામંત્રી પી. ચિદમ્બરમે ટ્વિટર પર લખ્યું છે, " લૅન્સેટના સંપાદકીય બાદ, જો સરકારમાં શરમ હોય તો એણે દેશની માફી માગવી જોઈએ."

તેમણે સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધનના રાજીનામાની પણ માગ કરી છે.

કૉંગ્રેસ નેતા જયરામ રમેશે લખ્યું છે, "સરકારનો ઢંઢેરો પીટનારા પહેલાં લૅન્સેટ રિપોર્ટના સંપાદકીયનો ઉપયોગ પોતાનાં વખાણ માટે કરી ચુક્યા છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો