You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિદેશથી મદદ ન લેવાની મનમોહન સિંહે શરૂ કરેલી પરંપરા પીએમ મોદીએ કેમ તોડી?
કોરોના મહામારીની ભયાનકતાએ ભારતને વિદેશોમાંથી મદદ લેવા પર મજબૂર કર્યું છે.
કહેવાય છે કે મોદી સરકારને 16 વર્ષ જૂની પરંપરા મજબૂરીમાં બદલવી પડી છે, જેમાં વિદેશી ઉપહાર, દાન અને મદદ નહીં લેવાનો નિર્ણય લેવાયો હતો.
કોરોનાના કેસ અને મૃત્યુ વધતાં ભારતમાં મેડિકલ ઓક્સિજન, દવાઓ અને અનેક ઉપકરણો નકામાં સાબિત થઈ રહ્યાં છે.
16 વર્ષ પહેલાં મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારે સુનામીસંકટના સમયે નિર્ણય લીધો હતો કે ભારત હવે પોતાના દમ પર લડાઈ લડી શકે છે, આથી કોઈ વિદેશી મદદને સ્વીકારશે નહીં. પણ હવે સ્થિતિ એવી છે કે મોદી સરકાર બાંગ્લાદેશ અને ચીનથી પણ મદદ લેવા માટે તૈયાર છે.
ગુરુવારે ભારતના વિદેશસચિવ વર્ષવર્ધન શ્રૃંગલાએ વિદેશી મદદ સ્વીકારવાના નિર્ણયનો બચાવ કર્યો અને પત્રકારોને કહ્યું કે લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે જે પણ કરવું પડે, એ સરકાર કરશે.
સરકારે બચાવ કર્યો
શ્રૃંગલાએ કહ્યું કે બહુ સંકટનો સમય છે. પહેલી વાર સરકારે સાર્વજનિક રીતે તેનો બચાવ કર્યો છે.
શ્રૃંગલાએ વિદેશી મદદનો બચાવ કરતા કહ્યું, "અમે આને રાજનીતિ તરીકે જોતા નથી. અમે પણ લોકોની મદદ કરી છે અને અમને પણ મદદ મળી રહી છે. આ દર્શાવે છે કે પૂરી દુનિયા એક એકબીજા પર નિર્ભર છે. તેનાથી એ પણ ખબર પડે છે કે આખી દુનિયા સાથ મળીને કામ કરી રહી છે."
ગુરુવારે પાકિસ્તાનના એક નિર્ણયનાં પણ વખાણ થઈ રહ્યાં છે. પાકિસ્તાન ભારતનો પડોશી દેશ છે અને તેણે પણ મુશ્કેલ સમયમાં મદદની વાત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુરુવારે પાકિસ્તાનમાં યુરોપીયન યુનિયનનાં રાજદૂત એંદ્રોઉલા કામિનારાએ ટ્વીટ કરીને કહ્યું, "આપણે પાકિસ્તાનનો દિલથી આભાર માનવો જોઈએ કે તેણે ઈયુથી ભારત મોકલાઈ રહેલી માનવીય મદદ માટે તેના ઍરસ્પેસના ઉપયોગની તત્કાળ મંજૂરી આપી."
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાને એકબીજાના ઍરસ્પેસના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે જાહેરાત કરી કે તે ઍન્ટી-વાઇરલ દવાની 10,000 શીશી, 30,000 પીપીઈ કિટ અને ઝિંક, કૅલ્સિયમ, વિટામિન સીની સાથે અન્ય જરૂરી દવાઓ ભારત મોકલશે.
હર્ષ શ્રૃંગલાએ કહ્યું કે અંદાજે 40 દેશોથી ઓક્સિજન સંબંધિત મદદને લઈને કામ ચાલુ છે.
ભારત તાકાતવર દેશ અમેરિકા, રશિયા, જર્મની અને સાઉદી અરેબિયાથી લઈને ઇજિપ્ત, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશ અને ગુયાના સુધી મદદ લઈ રહ્યું છે.
શ્રૃંગલાએ કહ્યું કે ભારતને લોકો દિલ ખોલી મદદ કરી રહ્યા છે, કેમ કે ભારતે પણ ભૂતકાળમાં આવું કર્યું હતું.
ઇસ્લામિક દેશોથી પણ મદદ
ભારતને અખાતના ઇસ્લામિક દેશોથી પણ મુશ્કેલ સમયમાં મદદ મળી રહી છે.
25 એપ્રિલે ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરની યુએઈના વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ફોન પર વાત થઈ હતી.
આ વાતચીત બાદ ગુરુવારે મેડિકલ આપૂર્તિથી ભરેલું એક કાર્ગો દિલ્હી પહોંચ્યું. ભારતને સાઉદી અરેબિયા, કુવૈત અને કતારથી પણ મદદ મળી રહી છે.
વિદેશી મદદ સ્વીકારનો બચાવ કરતા શ્રૃંગલાએ કહ્યું કે ભારતે 80થી વધુ દેશોમાં કોરોનાની રસીના 6.5 કરોડ ડોઝ મોકલ્યા છે.
શ્રૃંગલાએ કહ્યું કે જે દેશોને લાગી રહ્યું છે કે ભારત મુશ્કેલ સમયમાં તેની સાથે હતું, તેઓ ખૂલીને મદદ કરી રહ્યા છે.
યુએઆઈથી આજે એટલે કે 30 એપ્રિલે ઓક્સિજનનો જથ્થો આવી શકે છે, તેમાં 140 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન હશે.
બહરીનથી પણ ઓક્સિજન આવવાનો છે. કુવૈત ઓક્સિજન સિલિન્ડર અને 185 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન મોકલવાનું છે.
રેમડેસિવિર મામલે પણ ભારતને ઇજિપ્ત, બાંગ્લાદેશ, ઉઝબેકિસ્તાન અને યુએઈથી મદદ મળી રહી છે.
મનમોહન સિંહની યાદ
વિદેશી મદદ મામલે 2004માં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહનું એક નિવેદન યાદ કરાઈ રહ્યું છે.
ડિસેમ્બર 2004માં આવેલી સુનામી દરમિયાન તેઓએ કહ્યું હતું, "અમને લાગે છે કે આપણે જાતે જ સ્થિતિને સંભાળી લઈશું અને લાગશે કે મદદની જરૂર છે ત્યારે મદદ લેશું."
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, ભારતે 1991માં ઉત્તરકાશી ભૂકંપ, 1993માં લાતુર ભૂકંપ, 2001માં ગુજરાત ભૂકંપ, 2000માં બંગાળ ચક્રવાત અને 2004માં બિહાર પૂર બાદ કોઈ પ્રકારની વિદેશી મદદ નહોતી લીધી.
આ નીતિ છેલ્લાં 16 વર્ષથી ચાલી રહી છે અને ભારતે ઉત્તરાખંડમાં 2013માં આવેલા પૂર, 2005માં કાશ્મીરમાં ભૂકંપ અને 2014માં કાશ્મીરમાં પૂર દરમિયાન વિદેશી મદદ લેવાનો ઇનકાર કર્યો હતો.
2018માં કેરળમાં જ્યારે પૂર આવ્યું ત્યારે યુએઈએ કેરળને 700 કરોડ રૂપિયાની મદદની રજૂઆત કરી હતી પણ મોદી સરકારે પણ લેવાનો ઇનકાર કરી દીધો હતો.
સોનિયા ગાંધીનું સરકાર પર નિશાન
શુક્રવારે કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં વિદેશી મદદને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
સોનિયા ગાંધીએ કહ્યું, "આંતરરાષ્ટ્રીય મદદનું સ્વાગત છે, પણ એ દયનીય સ્થિતિ છે કે આ રીતની મદદનો પણ વડા પ્રધાન મોદીના જયજયકારમાં ઉપયોગ થઈ રહ્યો છે. "
"મોદી સરકારની પ્રાથમિકતા જ ખોટી છે. એક તરફ સૅન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ આગળ વધારાઈ રહ્યો છે અને બીજી તરફ દેશવિદેશમાંથી મદદ માટે મજબૂર થવું પડી રહ્યું છે."
ચીન સાથે ભારતનો છેલ્લાં બે વર્ષથી તણાવ ચાલી રહ્યો છે, પણ ભારતે અહીંથી પણ મદદ માટે મજબૂર થવું પડ્યું છે.
ભારતમાં ચીનના રાજદૂત સુન વેઇદોંગે ટ્વીટ કરીને કહ્યું કે ચીની સપ્લાયર ભારતને મદદ મોકલવા માટે રાતદિવસ એક કરીને કામ કરે છે.
ચીની વિદેશમંત્રી વાંગ યીએ ગુરુવારે ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરને એક પત્ર મોકલ્યો હતો, જેમાં શક્ય એટલી મદદની વાત કરાઈ હતી.
વડા પ્રધાન મોદી કેટલાક દિવસો પહેલાં ભારતને દુનિયાની ફાર્મસી ગણાવતા હતા અને હવે ભારત દવાઓ માટે અન્ય દેશો સામે જોઈ રહ્યું છે.
કહેવાય છે કે મોદી સરકારે કોરોના વાઇરસ મહામારીને સામાન્ય ગણી અને હવે તેનું પરિણામ ભારતીયોને ભોગવવું પડી રહ્યું છે.
વિદેશી મીડિયામાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા થઈ રહી છે.
કહેવાય છે કે પીએમ મોદીની નીતિઓને કારણે ભારતમાં કોરોના સંક્રમણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો