કોરોનાના કેર વચ્ચે ચીન પણ ભારતની મદદે આવ્યું

ભારતમાં ચીનના રાજદૂત સુન વેઇડૉન્ગે ટ્વીટ કરીને જણાવ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સહાનુભૂતિ સંદેશ મોકલ્યો છે.

તેમણે ટ્વીટમાં લખ્યું, "રાષ્ટ્રપતિ શીએ કહ્યું છે 'હું ભારતમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિને લઈને ચિંતિત છું. ચીનની જનતા અને સરકાર તરફથી અને સાથે જ મારી તરફથી હું ભારત સરકાર અને જનતા પ્રત્યે ભારે સંવેદના વ્યક્ત કરું છું."

"સંયુક્ત ભવિષ્ય સાથે માનવતા એક સમુદાય છે. એકજૂથતા અને સહયોગથી જ વિશ્વઆખાનાં રાષ્ટ્રો આખરે આ મહામારીને હરાવી શકશે."

"ચીની પક્ષ ભારતીય પક્ષ સાથે મહામારીથી લડવાની દીશામાં અને મદદ કરવા માટે મજબૂતીથી ઊભો છે. મને વિશ્વાસ છે કે ભારત સરકારના નેતૃત્વમાં ભારતીય જનતા ચોક્કસથી મહામારી પર વિજય પ્રાપ્ત કરશે."

રેમડેસિવિરને લઈને ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે કેવા નિર્દેશ જાહેર કર્યા?

ઍમ્સના નિદેશક ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ સ્વાસ્થ્ય મંત્રાલયની એક પત્રકારપરિષદ દરમિયાન શુક્રવારે કહ્યું હતું કે રેમડેસિવિર ઇન્જેક્શન માત્ર હૉસ્પિટલમાં અને ડૉક્ટરોની દેખરેખ હેઠળ જ આપી શકાય છે.

તેમણે એવું પણ જણાવ્યું કે ઘરે રેમડેસિવિર ઇન્જેક્શન લેવાનો પ્રયાસ ન કરાય.

આરોગ્ય મંત્રાલય અનુસાર દિવસમાં ચાર વખત 650 એમજી પૅરાસિટામૉલ દવા લેવા છતાં તાવ ઓછો ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે.

આની સાથે જ ઓક્સિજનનું સ્તર ઘટતાં કે શ્વાસ લેવામાં તકલીફ અનુભવાતા તત્કાલ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકારપરિષદ દરમિયાન જણાવાયું હતું કે દિવસમાં બે વખત ગરમ પાણીથી કોગળા કરવા જોઈએ અને બાષ્પ લેવી જોઈએ.

ખ્યાતનામ એન્કર રોહિત સરદાનાનું કોરોના સંક્રમણ બાદ નિધન

લોકપ્રિય ટીવી પત્રકાર અને ઍંકર રોહિત સરદાનાનું નિધન થયું છે. આશરે 40 વર્ષના રોહિત સરદાનાએ 24 એપ્રિલના રોજ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ સીટી સ્કૅનમાં કોરોના સંક્રમિત જણાયા છે.

અઠવાડિયા પહેલાંના આ ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે તેમની હાલતમાં સુધારો છે, પરંતુ આ ટ્વીટ કર્યાના છ દિવસ બાદ જ તેમનું મૃત્યુ થઈ ગયું.

રોહિત સરદાનાના સહકર્મી અને ઇન્ડિયા ટુડેના વરિષ્ઠ ટીવી પત્રકાર રાજદીપ સરદેસાઈએ પણ ટ્વીટ કરીને રોહિતનું મૃત્યુ થયું હોવાની વાતની પુષ્ટિ કરી છે.

રાજદીપે અન્ય એક ટ્વીટમાં માહિતી આપી હતી કે રોહિતનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રોહિતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

તેમણે ટ્વિટર પર જણાવ્યું, "રોહિત સરદાના આપણને બહુ વહેલા છોડીને જતા રહ્યા. ઊર્જાવાન, ભારતના વિકાસ માટે ઉત્સાહિત અને ઋજુ હૃદયી આત્મા. કેટલાય લોકો રોહિતને યાદ રાખશે."

કોરોનાની તબાહી જારી, 24 કલાકમાં ભારતમાં 3.86 લાખ લોકો સંક્રમિત, 3498નાં મોત

ભારતમાં કોરોનાની તબાહી રોકાવાનું નામ નથી લઈ રહી.

દરરોજ સંક્રમણ અને મોતના નવા રેકર્ડ બની રહ્યા છે.

પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમણના ભારતમાં ત્રણ લાખ, 86 હજાર, 452 નવા મામલા સામે આવ્યા છે અને 3,498 લોકોનાં મૃત્યુ થયાં છે.

21 એપ્રિલ બાદથી ભારતમાં દરરોજ કોરોનાના ત્રણ લાખ કરતાં વધુ નવા મામલા સામે આવ્યા છે.

પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન

ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું 91 વર્ષની વયે કોરોનાની માંદગીના કારણે મૃત્યુ થયું હતું.

તેમનું દિલ્હી ખાતેની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

સોલી સોરાબજી ભારતના નામચીન વકીલો પૈકી એક હતા. તેમને પદ્મવિભૂષણના સન્માનથી નવાજવામાં આવ્યા છે.

1953માં બૉમ્બે હાઇકોર્ટમાં પ્રૅક્ટિસની શરૂઆત કરનારા સોલી સોરાબજીને સુપ્રીમ કોર્ટ વર્ષ 1971માં સિનિયર વકીલનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

તેમણે વર્ષ 2000થી 2006 સુધી સંયુક્ત રાષ્ટ્ર વર્લ્ડ કોર્ટમાં સભ્ય તરીકે સેવા આપી હતી.

આ સિવાય વર્ષ 2002માં તેમને ભારતના બંધારણના કામકાજના રિવ્યૂ બાબતના પંચના સભ્ય તરીકે નીમવામાં આવ્યા હતા.

તેઓ ઘણા મહત્ત્વપૂર્ણ કેસોમાં વકીલ તરીકે કોર્ટમાં હાજર રહી ચુક્યા હતા.

WHOની યુરોપને ચેતવણી, 'નિયંત્રણો ઘટાડશો તો ભારત જેવા હાલ થશે'

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ યુરોપિયન દેશોને ચેતવણી આપી છે કે કોવિડ-19ના કારણે લગાવાયેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપવાથી ભારતની જેમ ત્યાં પણ કોરોનાની આંધી સર્જાઈ શકે છે.'

સમાચાર એજન્સી AFP અનુસાર યુરોપ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ હેન્સ ક્લૂગે ગુરુવારે કહ્યું, "જ્યારે બીમારી સામે બચવા માટેના ઉપાયોમાં છૂટછાટ આપવામાં આવે, ભારે સંખ્યામાં લોકો એક જગ્યાએ એકઠા થવા લાગે, જ્યારે વાઇરસના વધુ ચેપી વૅરિયન્ટ સામે આવવા લાગે અને વૅક્સિનેશનનો દર ઘણો ધીમો હોય તો આ સ્થિતિમાં કોઈ પણ દેશમાં કોરોનાની આંધી સર્જાઈ શકે છે."

તેમણે કહ્યું કે, "એ સમજવાની ઘણી જરૂર છે કે ક્યાંય પણ ભારત જેવી સ્થિતિ સર્જાઈ શકે છે."

નોંધનીય છે કે પાછલા અમુક દિવસોથી ભારતમાં કોરોનાના મામલાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જાણકારો માને છે કે લોકો ભારે સંખ્યામાં એકઠા થયા હોવાના કેટલાક પ્રસંગોના કારણે ભારતમાં આ સ્થિતિ સર્જાઈ છે.

કોરોના : ગુજરાતમાં 27 દિવસ બાદ થયેલા ઘટાડા બાદ ફરી કેસો વધ્યા

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુરુવારે ગુજરાતમાં કોરોના વાઇરસના 14,327 નવા કેસો મળી આવ્યા હતા.

નોંધનીય છે કે બુધવારે 27 દિવસમાં પ્રથમ વખત કેસો ઘટ્યા બાદ ફરી એક વાર વધારાનો ટ્રૅન્ડ જોવા મળ્યો છે.

બુધવારે થયેલા ઘટાડાને પગલે ઘણાને આશા હતી કે હવે ધીરે-ધીરે કેસોની સંખ્યામાં ઘટાડાનું વલણ જોવા મળશે. પરંતુ બીજા જ દિવસે આ આશા પર પાણી ફરી વળ્યું હતું.

રાજ્યના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા જારી કરાયેલ આંકડા અનુસાર રાજ્યમાં પાછલા 24 કલાકમાં કુલ 180 વ્યક્તિનાં મૃ્ત્યુ પણ થયાં હતાં.

પાછલા ઘણા દિવસોથી રાજ્યમાં દરરોજ 13,500 કેસો જોવા મળી રહ્યા છે, જ્યારે દૈનિક 170 જેટલાં મૃત્યુ પણ થઈ રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડોદરા : ઓક્સિજનની અછતનો ભોગ બનતાં 22 દર્દીઓ માંડ-માંડ બચ્યા

વડોદરાની કૅર મલ્ટિ-સ્પેશિયાલિટીમાં દાખલ કોરોનાના 22 ક્રિટિકલ દર્દીઓ ઓક્સિજનની અછતનો ભઓગ બનવાથી માંડમાંડ બચ્યા હતા.

હૉસ્પિટલ પાસે પોતાના દર્દીઓને પૂરો પાડવા માટે માત્ર પાંચ કલાક ચાલે તેટલો જ ઓક્સિજન હોઈ, પોતાના પર દોષારોપણ ન થાય તે માટે હૉસ્પિટલે દર્દીનાં સગાંને આ વાતથી વાકેફ કરી ઓક્સિજનની વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું.

જોકે, બાદમાં ત્રણ કલાક સુધી અન્ય હૉસ્પિટલો પાસે રહેલ બફર સ્ટૉકમાંથી મદદ મેળવી હૉસ્પિટલને દર્દીઓના જીવ બચાવવામાં સફળતા મળી હતી.

જે બાદ હૉસ્પિટલને સપ્લાયર પાસેથી ઓક્સિજનનો નવો પુરવઠો મળી ગયો હતો.

હૉસ્પિટલના અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર સાથે વાત કરતાં કહ્યું હતું, "અમારે આ બાબત અંગે દર્દીનાં સગાંને જાણ કરવી પડી. અમે ઓક્સિજન કંટ્રોલ રૂમમાં પણ આ અંગે જાણ કરી હતી પરંતુ ત્યાંથી કોઈ જવાબ નહોતો આવ્યો."

ગુજરાત : આર્થિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણથી રોડ ટ્રાન્સપૉર્ટ સૅક્ટરને દૈનિક 150 કરોડનું નુકસાન

કોરોના વાઇરસની બીજી લહેર માત્ર નાગરિકો માટે જ નહીં પરંતુ ગુજરાતના રોડ ટ્રાન્સપૉર્ટ સૅક્ટર માટે પણ ઘાતક નીવડી છે.

કોરોના વાઇરસની રોકથામ માટે રાજ્યમાં લદાયેલાં નિયંત્રણોને પગલે રાજ્યમાં ટ્રક ટ્રાન્સપૉર્ટ ક્ષેત્રને દરરોજ 150 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

નોંધનીય છે કે રાજ્યનાં ઘણાં શહેરોમાં રાજ્ય સરકાર દ્વારા નાઇટ કર્ફ્યુ અને મિનિ લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે.

રાજ્યની મોટા ભાગની APMC, ટેક્સટાઇલ માર્કેટ અને રાત્રિ કર્ફ્યુના કારણે રાજ્યના ટ્રાન્સપૉર્ટ સૅક્ટરના બિઝનેસ વૉલ્યુમમાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસ સાથે વાત કરતાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશનના પ્રમુખ મુકેશ દવે જણાવે છે, "મોટા ભાગના ટ્રાન્સપૉર્ટરોને માલસામાન પહોંચાડવામાં તકલીફ પડી રહી છે."

"ટ્રાન્સપૉર્ટ સૅક્ટરમાં કામ કરતાં ઘણા લોકોને કોવિડનું સંક્રમણ લાગુ પડ્યું છે. કર્ફ્યુના કારણે જે લોકો કામ કરી રહ્યા છે તેમણે પણ ઘરે સલામતીથી પહોંચવા માટે સાંજે સાડા છ વાગ્યે ઑફિસ બંધ કરી દેવી પડે છે. "

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો