You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાનો કેર : ભારતમાં કોવિડ-19ની સ્થિતિ વિશ્વના વિજ્ઞાનીઓ માટે ચિંતાનો વિષય કેમ ?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતની હૉસ્પિટલોમાં દર્દનાક દૃશ્યો પ્રવર્તી રહ્યાં છે, જેને જોઈને વિશ્વના અનેક દેશો આઘાતની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાનું માનવું છે કે મહામારીનું આ સંકટ માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી અને સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લઈ શકે છે.
કોરોનાની મહામારીથી વધુ એક વખત સ્પષ્ટ થઈ ગયું છે કે સમગ્ર વિશ્વ કેટલી હદે એકબીજા સાથે જોડાયેલું છે અને એકબીજા પર આધારિત છે.
બુધવારની સ્થિતિ પ્રમાણે, ભારતમાં 29 લાખ 79 હજાર ઍક્ટિવ કેસ છે, જ્યારે બે લાખથી વધુ મૃત્યુ આ બીમારીને કારણે થયાં છે.
વાઇરસ માટે સરહદો નથી
વાઇરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય એટલે તેમાં થોડો ફેરફાર થતો હોય છે, જે અસામાન્ય હોય છે અને કેટલાક કિસ્સામાં તે વાઇરસને ઓછો ઘાતક પણ બનાવી દે છે. પરંતુ કેટલાક કિસ્સામાં તે વાઇરસને વધુ ઝડપથી ફેલાય તેવો, વધુ ઘાતક તથા વૅક્સિન પણ તેની પર બિનઅસરદાર રહે તેવો બનાવી દે છે.
WHOનાં મુખ્ય વિજ્ઞાની ડૉ. સૌમ્યા વિશ્વનાથનના કહેવા પ્રમાણે, "વાઇરસ સરહદ, રાષ્ટ્રીયતા, ઉંમર, લિંગ કે ધર્મના ભેદભાવ નથી જોતો. અત્યારે જે ભારતમાં જોવા મળી રહ્યું છે, તે અન્ય દેશોમાં પણ દેખાઈ રહ્યું છે."
પ્રવાસ નિયંત્રણ, વારંવાર ટેસ્ટ, ક્વોરૅન્ટીન તથા અન્ય પ્રકારની કાળજી રાખવા છતાં તેનો ફેલાવો થવાની શક્યતા રહે છે.
જો કોઈ એક દેશમાં મોટા પ્રમાણમાં વાઇરસ ફેલાઈ ગયો હોય અને પ્રવાસી ત્યાંથી આવ્યો હોય તો તે પોતાની સાથે તેને લઈ જઈને અન્ય દેશમાં ફેલાવે તેની સંભાવના વધી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં વાઇરસનું જે સ્વરૂપ જોવા મળી રહ્યું છે તેને 'B.1.617' એવું ઔપચારિક નામ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 361 સૅમ્પલનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 220માં તે હોવાનું બહાર આવ્યું હતું.
GISAIDના ડેટાબેઝ મુજબ દુનિયાના કમસે કમ 21 દેશમાં આ વાઇરસ જોવા મળી રહ્યો છે.
યુકેમાં ફેબ્રુઆરીના છેલ્લા મહિનાથી એપ્રિલના બીજા મહિના દરમિયાન આ વાઇરસના 103 કેસ નોંધાયા હતા. આંતરરાષ્ટ્રીય પ્રવાસને કારણે વૅરિયન્ટ યુકે પહોંચ્યો હોય તેમ માનવામાં આવે છે.
ભારતમાં વાઇરસ વિશે ખાસ અભ્યાસ નથી થઈ રહ્યો, જેના કારણે તે કેટલો ઝડપથી ફેલાય છે તથા કેટલો ઘાતક છે, એવું નક્કરપણે કહી ન શકાય.
હાલની તકે યુકેમાં જોવા મળતા વૅરિયન્ટને વધુ ચિંતાજનક માનવામાં આવી રહ્યો છે, જે વિશ્વના 50 કરતાં વધુ દેશમાં જોવા મળી રહ્યો છે.
વાઇરસ, વૅરિયન્ટ અને વિપદા
ભારત (કે કોઈ પણ દેશમાં) વાઇરસનો મોટા પાયે ફેલાવોએ વિજ્ઞાનીઓ માટે ચિંતાનો વિષય બની રહે છે, કારણ કે તેનાથી વાઇરસના નવાં વૅરિયન્ટ્સ પેદા થવાની શક્યતા વધી જાય છે.
અમુક નિષ્ણાતો દ્વારા તેને 'ડબલ મ્યૂટન્ટ' વાઇરસ તરીકે ઓળખે છે. કોરોના વાઇરસની તસવીર પર તમે જોયું હોય તો જે અણિ પર બે ભિન્ન સ્વરૂપ આવેલાં હોય છે.
લૅબોરેટરીમાંથી એવા અણસાર મળી રહ્યા છે કે તે થોડા વધુ ઝડપથી ફેલાય તેવા છે અને ઍન્ટિબોડી આ વાઇરસને ઓળખી તેને અટકાવવામાં મુશ્કેલી અનુભવી શકે છે.
અમેરિકાની લ્યુસિયાના યુનિવર્સિટીમાં વાઇરૉલૉજીના પ્રોફેસર ડૉ. જર્મી કામિલના કહેવા પ્રમાણે, વિશ્વમાં ભારતીય વૅરિયન્ટના 400 કરતાં ઓછા કેસ નોંધાયા છે.
ગત વર્ષે કોરોના ટોચ પર હતો ત્યારે ભારતમાં દૈનિક મહત્તમ 93 હજાર કેસ નોંધાયા હતા. જ્યારે લહેરમાં છેલ્લા કેટલાક દિવસથી દૈનિક ત્રણ લાખ કરતાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે. પહેલી લહેરની સરખામણીમાં મૃત્યુ પણ વધુ થઈ રહ્યાં છે.
આ વાઇરસને કારણે શરીરની સંરક્ષણપ્રણાલીને કેવી રીતે અને કેટલું નુકસાન થાય છે તેનો અભ્યાસ ચાલુ છે. યુનિવર્સિટી ઑફ કૅમ્બ્રિજમાં ક્લિનિકલ બાયૉલૉજીના પ્રાધ્યાપક રવિ ગુપ્તાના કહેવા પ્રમાણે : "ભારતની વસતિ તથા વસતિગીચતાએ વાઇરસને સ્વરૂપ બદલવા માટેનું તથા નવા વૅરિયન્ટ તૈયાર કરવા માટે સાનુકૂળ સ્થિતિ પૂરી પાડે છે."
ભારતમાં ધાર્મિક આયોજનો, ચૂંટણી સભાઓ, આંદોલનો સહિતના મેળાવડા દરમિયાન માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગનો છડેચોક ભંગ થયો હતો, જેના કારણે વાઇરસ ઝડપભેર ફેલાયો હોઈ શકે છે. નવા વૅરિયન્ટમાં 'કારણ અને અસરનો સંબંધ' પણ હોઈ શકે છે.
છતાં આ મુદ્દે હજુ સુધી કંઈ પણ કહેવું વહેલું ગણાશે. જો વાઇરસના કોઈ વૅરિયન્ટ પર રસી અસરકારક ન હોય તો વૅક્સિનમાં ફેરફાર કરવામાં આવે છે અથવા તો જરૂર પડ્યે 'બુસ્ટર ડોઝ' આપવામાં આવે છે, જે ખૂટતી રક્ષા પ્રણાલી ઊભી કરે છે.
ડૉ. કામિલના કહેવા પ્રમાણે, "આદર્શ વૅક્સિનની રાહ જોવાની જરૂર નથી અને ખચકાટ રાખ્યા વગર સમય આવ્યે રસી લઈ લેવી રહી. મોટા ભાગના લોકો પર તે બહુ મોટી અસર કરી શકે છે અને તેના અભાવે મૃત્યુ પણ થઈ શકે છે."
વાઇરસ, વિશ્લેષણ અને વિઘ્ન
વૅલકમ સેંગર ઇન્સ્ટિટ્યૂટ ખાતે કોવિડ-19 જિનૉમ સિક્વન્સિંગનો અભ્યાસ કરી રહેલી પાંખના ડાયરેક્ટર ડૉ. જૈફ બૅરેટના કહેવા પ્રમાણે, "મને નથી લાગતું કે તે ઍસ્કેપ મ્યૂટન્ટ છે (જેનો મતલબ છે કે) રસી દ્વારા તેને અટકાવી ન શકાય."
"મને લાગે છે કે આપણે તેની પર ચાંપતી નજર રાખવાની જરૂર છે, પરંતુ હાલમાં તો ચિંતાને કોઈ કારણ જણાતું નથી."
આમ છતાં ચિંતાને કારણ છે. દરેક ચેપ વખતે વાઇરસ બદલાતો રહે છે. એક દેશમાં કોરોનાના કેસ જેમ વધુ, તેમ વધુ અને વધુ મ્યુટન્ટ્સ ઊભા થવાની શક્યતા રહે છે. વિજ્ઞાનીઓને એ વાતની ચિંતા છે કે જ્યારે વાઇરસ સ્વરૂપ પરિવર્તન કરે, ત્યારે કેટલાક મ્યુટન્ટ એવા પેદા થઈ શકે છે કે જેની પર રસી અસરદાર ન હોય.
યૂકે ખાતે કોવિડ-19ના જિનૉમિક્સના સંયુક્ત અભ્યાસના (કૉગ-યુક) ડાયરેક્ટર ડૉ. શેરોન પિકૉકના કહેવા પ્રમાણે : "વાઇરસના નવાં વૅરિયન્ટ્સ ઉત્પન્ન ન થાય તે માટે જરૂરી છે કે તેનો આપણામાં જ ફેલાવો ન થાય. આથી નવા વૅરિયન્ટ્સને નિયંત્રિત રાખવા પણ વૈશ્વિક કેસોની સંખ્યા નિયંત્રણમાં રહે તે જરૂરી છે."
લૉકડાઉન તથા સોશિયલ ડિસ્ટન્સિંગ દ્વારા તેને નિયંત્રણમાં રાખી શકાય, પરંતુ રસીકરણ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે.
વૅક્સિન, વસતિ અને વિનિપાત
બુધવારની સાંજથી ભારતે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને માટે રસીકરણની શરૂઆત કરી દીધી છે.
આ પહેલાં ફ્રન્ટલાઇન વર્કર્સને (મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, સફાઈ કર્મચારી), 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા 45 વર્ષથી વધુ ઉંમરના સહબીમારી ધરાવતા નાગરિકો માટે રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું.
એનડીટીવીના રિપોર્ટ મુજબ કોરોના વાઇરસ અંગે વ્હાઇટ હાઉસના મુખ્ય સલાહકાર ડૉ. ઍન્થોની ફાઉચીએ જણાવ્યું હતું કે ભારતમાં વિકસાવવામાં આવેલી 'કોવૅક્સિન'એ ડબલ મ્યૂટન્ટ વાઇરસ સામે અસરકારક છે.
બુધવાર (તા. 28 એપ્રિલ) સવારની સ્થિતિ મુજબ, 14 કરોડ 78 લાખ જેટલા ડોઝ અપાઈ ગયા છે, જેમાં એક ડોઝ તથા ડબલ ડોઝનો પણ સમાવેશ થાય છે. 24 કલાક દરમિયાન 25 લાખ 56 હજાર જેટલી વૅક્સિન આપવામાં આવી હતી.
રસીકરણની સંખ્યાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં અગ્રેસર છે, પરંતુ વસતિદીઠ ટકાવારીની દૃષ્ટિએ આ દર ખૂબ જ નીચો છે. એક અનુમાન મુજબ દેશની માત્ર 10 ટકા વસતિને એક ડોઝ તથા બે ટકા વસતિને જ બંને ડોઝ મળ્યા છે.
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે, બુધવાર (તા. 28 એપ્રિલ) સાંજની સ્થિતિ મુજબ, રાજ્યમાં 95 લાખ 64 હજાર 559 નાગરિકોને પ્રથમ ડોઝ તથા 21 લાખ 93 હજાર 303 નાગરિકોને બંને ડોઝ અપાઈ ગયા છે.
ઉત્પાદન, અવઢવ, અવરોધ
વિશ્વમાં સૌથી વધુ વૅક્સિન બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દેશમાં આવેલી છે. ભારતમાં 'કોવૅક્સિન' તથા 'કોવિશિલ્ડ' અપાઈ રહી છે. આ સિવાય 'ઝાયકોવ-ડી', 'જૉન્સન ઍન્ડ જૉન્સન' કે 'સ્પુતિનક V' પણ અલગ-અલગ તબક્કે છે.
માર્ચ મહિનામાં કોરોનાના કેસોની સંખ્યા વધવા લાગતા ભારતે કોરોના માટે ઑક્સફૉર્ડ-ઍસ્ટ્રાઝેનકા વૅક્સિનની નિકાસ અટકાવી દીધી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો માટે 'કો-વૅક્સ' સ્કિમ શરૂ કરવામાં આવી છે.
સોમવારે (તા. 26મી એપ્રિલે) આ યોજનામાં ભાગીદાર એવા ગ્લોબલ વૅક્સિન અલાયન્સ (ગાવી)એ કહ્યું હતું કે ભારતમાંથી આવક ક્યારે શરૂ થાય છે તેના પર અમારી મીટ મંડાયેલી છે.
આને કારણે વિશ્વના અનેક દેશોમાં રસીકરણની કામગીરીની શરૂઆતમાં અવરોધ ઊભો થઈ શકે છે. ભારત દ્વારા ઉત્પાદન વધારવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે તથા આ દરમિયાન જેટલું ઉત્પાદન થઈ રહ્યું છે, તેનો સ્થાનિકસ્તરે વપરાશ થઈ રહ્યો છે.
વિજ્ઞાનીઓ માને છે કે ભારતમાં જે પ્રકારની સ્થિતિ પ્રવર્તમાન છે, તેને જોતાં તેને બરાબર રીતે જ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
ડૉ. સ્વામિનાથનના કહેવા પ્રમાણે, "જેટલું બને એટલું જલદીથી આપણે રસીકરણ બમણું કરવા માટે પ્રયાસ કરવા જોઈએ. અન્યથા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવા માટે વાઇરસ તેનાથી બનતા શક્ય તમામ પ્રયાસ કરશે."
બીજી બાજુ, વૈશ્વિકસ્તરે નજર કરીએ તો એક પછી એક દેશમાં વાઇરસ ફેલાઈ રહ્યો છે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, બુધવાર (તા. 28 એપ્રિલ)ની સાંજની સ્થિતિ પ્રમાણે, વિશ્વમાં કોરોનાના 14 કરોડ 88 લાખ 41 હજાર કેસ નોંધાયેલા છે તથા તેના કારણે 31 લાખ 38 લોકોનાં મૃત્યુ થયાં છે.
ત્રણ કરોડ 21 લાખ 77 હજાર કેસ તથા પાંચ લાખ 73 હજાર 385 મૃત્યુ સાથે અમેરિકા વિશ્વનો સૌથી વધુ પીડિત દેશ છે.
ભારતની સ્થિતિ એ વાતની યાદ અપાવે છે કે જ્યાં સુધી બધા સલામત નથી, ત્યાં સુધી કોઈ સલામત નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો