કોરોના : સરકારી આંકડા નહીં, સળગતી ચિતાઓ બતાવે છે ભયંકર વાસ્તવિકતા

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

આટલી મોટી સંખ્યામાં સળગતી ચિતાઓને મેં પહેલી વખત જોઈ છે. એક જ દિવસની અંદર દિલ્હીનાં ત્રણ સ્મશાનગૃહોની અંદર મને દુખ અને અફસોસનાં દૃશ્યો જોવા મળ્યાં. ત્યાં જે મૃતદેહો સળગી રહ્યા હતા તે બધા કોરોના વાઇરસના શિકાર બન્યા હતા.

શનિવારે મેં દિલ્હીની હૉસ્પિટલોમાં ઓક્સિજન, આઈસીયુ બેડ, વૅન્ટિલેટર અને દવાઓની અછત સામે સંઘર્ષ કરી રહેલા લોકોને જોયા હતા. અંતિમ શ્વાસ લઈ રહેલા દર્દીઓના સ્વજનોની આંખોમાંથી આંસુ વહેતા હતા.

સોમવારે સ્મશાનગૃહમાં વૃદ્ધો, યુવાનો અને બાળકોને એકબીજા સાથે ગળે વળગીને રડતાં જોયાં. ચિતા સળગાવવા માટે પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહેલા લોકોને જોયા અને જ્યારે સ્મશાનગૃહ પણ નાનાં પડવા લાગ્યાં ત્યારે ખુલ્લા મેદાનમાં કામચલાઉ સ્મશાન બનતાં જોયાં, જેથી ત્યાર પછી આવનારા મૃતદેહોને સળગાવી શકાય.

દિલ્હીમાં આજકાલ કોવિડ 19ના કારણે મરનારાઓની સંખ્યા સત્તાવાર રીતે દૈનિક 350થી 400 વચ્ચે હોવાનું જણાવાય છે. મેં ત્રણ સ્મશાનગૃહોમાં અમુક કલાકોની અંદર જ 100થી વધારે ચિતાઓને સળગતી જોઈ.

સરાય કાલે ખાં પાસે રિંગ રોડની નજીક ટ્રાફિકની ભીડથી દૂર એક વિદ્યુત સ્મશાનગૃહ છે. અહીં એક તરફ અનેક ચિતાઓ સળગી રહી હતી જ્યારે બીજી તરફ વધુ મૃતદેહ આવી રહ્યા હતા જેના અંતિમસંસ્કારની તૈયારી ચાલતી હતી.

સ્વજનો, ઍમ્બ્યુલન્સવાળા અને સેવકોનું એક ટોળું એકઠું થયું હતું. એક સાથે લગભગ 10થી 12 મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવતા હતા.

ખુલ્લું મેદાન બન્યું સ્મશાનઘાટ

અંતિમસંસ્કાર કરવા માટે ત્યાં માત્ર એક પંડિત હાજર હતા અને તેઓ એટલા વ્યસ્ત હતા કે તેમની સાથે વાત કરવી મુશ્કેલ હતી.

મેં મારા મોબાઇલ ફોનથી વીડિયો શૂટ કરવાનું શરૂ કર્યું તો ત્યાંની ગરમીના કારણે ફોન બંધ થઈ ગયો. હું વિચારવા લાગ્યો કે આટલો મજબૂત ફોન પાંચ મિનિટમાં બંધ પડી ગયો, પરંતુ આ પૂજારી અહીં આગની જ્વાળાઓ વચ્ચે ક્યારથી અંતિમ સંસ્કાર કરાવતા હશે.

હું તેમની નજીક ગયો અને પૂછ્યું કે ત્યાં દર કલાકે કેટલી ચિતા સળગાવાય છે. તેમણે મારી સામે જોયા વગર જ કહ્યું કે "અહીં ચોવીસે કલાક મૃતહેદો આવી રહ્યા છે. સંખ્યા કઈ રીતે યાદ રાખવી."

દર થોડી મિનિટે મૃતદેહોને લઈને એક પછી બીજી, બીજી પછી ત્રીજી ઍમ્બ્યુલન્સ અંદર આવી રહી હતી. મારું માથું ઘૂમવા લાગ્યું.

મેં ત્રાસવાદીઓના હુમલા, હત્યાઓ અને બીજી ઘટનાઓને કવર કરી છે. પરંતુ સામૂહિક અંતિમસંસ્કાર થતા અગાઉ ક્યારેય નથી જોયા.

એક તો ચિતાની આગની ગરમી, ઉપરથી ધગધગતા સૂરજની ગરમી અને આ ઉપરાંત માથાથી પગ સુધી પહેરેલી પીપીઈ કિટના કારણે ત્યાં ઊભા રહેવું મુશ્કેલ બની ગયું હતું. હું કદાચ ભાવુક પણ થઈ ગયો હતો.

થોડો સમય એક બાજુ ઊભા રહ્યા પછી જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે એક મહિલા રિપોર્ટરે મને જણાવ્યું કે થોડે દૂર એક ખુલ્લા મેદાનમાં એક કામચલાઉ સ્મશાનગૃહ બની રહ્યું છે.

હું ત્યાં ગયો તો મેં જોયું કે કેટલાક મજૂરો ખુલ્લા મેદાનમાં ચિતાઓ માટે 20-25 પ્લૅટફૉર્મ તૈયાર કરી રહ્યા હતા. ત્યાં હાજર એક વ્યક્તિએ કહ્યું કે આ આગામી દિવસોની તૈયારી છે કારણકે કોવિડથી મરનારા લોકોની સંખ્યા હજુ વધવાની છે.

લોદી રોડ વિદ્યુત સ્મશાનગૃહમાં વધારે ભીડ હતી. ચિતાઓ પણ મોટી સંખ્યામાં સળગી રહી હતી. ત્યાં મૃતકોના સ્વજનો મોટી સંખ્યામાં હાજર હતા. મેં જોયું કે એક જ પરિવારના ઘણા લોકો એકબીજાને ગળે લગાવીને રડી રહ્યા હતા.

ઍમ્બ્યુલન્સ અંદર આવી રહી હતી અને તેમાંથી મૃતદેહો ઉતારવામાં આવતા હતા. મેં ગણતરી તો નહોતી કરી પરંતુ મારા અંદાજ પ્રમાણે ત્યાં એકસાથે 20થી 25 ચિતાઓ સળગતી હતી. ઘણા સ્વજનો પીપીઈ કિટ પહેલીને આવ્યા હતા.

આવી જ કિટ પહેરીને એક યુવાન બાજુની બૅન્ચ પર બેઠો હતો. તેણે મને જણાવ્યું કે તેમના પિતાનું સોમવારે સવારે અવસાન થયું હતું. તેઓ કોવિડ પૉઝિટિવ હતા.

તે ત્યાં પહેલાંથી પહોંચી ગયા હતા. હૉસ્પિટલેથી તેમના ભાઈ તેમના પિતાનો મૃતદેહ લઈને આવવાના હતા. થોડા સમય પછી તે રડવા લાગ્યા. ત્યાં હાજર લોકો તેમને આશ્વાસન આપવા લાગ્યા.

ત્યાં હાજર બધા લોકો પોતાનાં સગાં-સંબંધીઓને અંતિમ વિદાય આપવા આવ્યા હતા. તેથી આવી ક્ષણે તેઓ સ્વભાવિક રીતે જ એકબીજાના દુખને સમજી શકતા હતા.

સીમાપુરી સ્મશાનગૃહની સ્થિતિ

સીમાપુરી સ્મશાનગૃહ થોડું સાંકડું છે. આમ છતાં ત્યાં મોટી સંખ્યામાં ચિતાઓ સળગતી હતી. કેટલાંક પ્લૅટફૉર્મ પહેલાંથી હાજર હતાં, જ્યારે કેટલાંક પ્લૅટફૉર્મ નવાં બન્યાં હતાં.

અંદર સ્વજનો પોતાની રીતે મૃતદેહો લાવતા હતા અને લાકડાની વ્યવસ્થા પણ તેઓ જાતે કરતા હતા. ત્યાં મને બજરંગદળના એક સભ્ય મળ્યા, જેઓ ઍમ્બ્યુલન્સ સેવા સાથે સંકળાયેલા છે.

તેમણે મને જણાવ્યું કે તેઓ 10 દિવસથી સતત હૉસ્પિટલેથી મૃતદેહો લાવી રહ્યા છે. શીખોની એક સંસ્થા અહીં દરેક પ્રકારની સુવિધા પૂરી પાડવા કોશિશ કરતી હતી, પરંતુ લોકોની સંખ્યા બહુ વધારે હતી.

એક સરદારજીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી સ્થિતિ એટલી ખરાબ છે કે હવે લોકોને કહેવું પડશે કે બીજા સ્મશાનગૃહમાં જાવ. તેઓ ત્યાં સેવામાં લાગેલા હતા.

તેમણે દાવો કર્યો કે સીમાપુરી સ્મશાનગૃહમાં રોજના 100થી વધુ મૃતદેહો બાળવામાં આવતા હતા.

મુસ્લિમ કબ્રસ્તાનો સ્થિતિ કેવી છે?

લોદી રોડ સ્મશાનથી થોડે દૂર મુસ્લિમોનું એક કબ્રસ્તાન છે. પરંતુ ત્યાં માત્ર એક જનાજાની નમાજ થઈ રહી હતી.

ઓખલાના બટલા હાઉસમાં પણ એક કબ્રસ્તાન છે. ત્યાંના એક રહેવાસી સાથે ફોન પર વાત કરી તો તેમણે કહ્યું કે અગાઉ ત્યાં ત્રણ-ચાર લોકોની કબર ખોદવામાં આવતી હતી, પરંતુ એપ્રિલની શરૂઆતથી અહીં રોજની 20થી 25 કબર ખોદવામાં આવે છે. તેમણે કહ્યું, "ગઈકાલે મેં જાતે બે જનાજાની નમાજ પઢી હતી."

આરટીઓ પર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની ઇમારત પાછળ એક કબ્રસ્તાન છે. આ કબ્રસ્તાનમાં મૃતકોની વચ્ચે પણ ભેદભાવ જોવા મળ્યો. અહીં કબર ખોદવાનું કામ કરતી એક વ્યક્તિએ જણાવ્યું કે કોવિડથી મરનારા લોકો માટે અલગથી કબરો ખોદવામાં આવી છે.

તેઓ મને કબ્રસ્તાનના છેડે એક ખૂણામાં લઈ ગયા. મેં તેમને પૂછ્યું કે અહીં કોવિડથી મરનારા કેટલા લોકોની દફનવિધિ કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે 20થી 20 લોકોની રોજ દફનવિધિ થાય છે. પરંતુ તે સમયે ત્યાં જનાજાની કોઈ નમાજ નહોતી ચાલતી. તેમણે કહ્યું કે લોકો ફઝર (સવાર)ની નમાજ પછી અથવા ઈશા (સાંજ)ની નમાજ પછી પોતાના સ્વજનોને દફનાવતા હોય છે.

ત્યાં હાજર એક વ્યક્તિએ કહ્યું કે તેમના માતાનું સવારે જ કોવિડથી અવસાન થયું હતું. તેમના ભાઈ મૃતદેહ લેવા હૉસ્પિટલે ગયા હતા. તેમણે જણાવ્યું કે કોવિડનો ચેપ લાગ્યાના 12 દિવસ પછી તેમના માતાનું મૃત્યુ થયું હતું.

હું માત્ર ત્રણ સ્મશાનગૃહમાં ગયો હતો. દિલ્હીમાં અનેક ડઝન સ્મશાનગૃહ છે. કોવિડના કેસમાં કેટલો ઉછાળો આવ્યો છે અને તેનાથી કેટલા મોત વધ્યા છે, તેનો અંદાજ અહીં આવ્યા પછી મળે છે. અહીં સતત સળગતી ચિતાઓને જોઈને ખબર પડી જાય છે કે સરકાર કોવિડથી થતા મૃત્યુનો બહુ નીચો આંકડો દર્શાવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો