ગુજરાતમાં કોરોના : દર મિનિટે લગભગ 10 સંક્રમિત અને પાંચ રિકવર થયા, હૉસ્પિટલો ઊભરાઈ - BBC TOP NEWS

ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંગળવારે જારી કરાયેલા આંકડા અનુસાર રાજ્યમાં ફરી એક વારે દિવસના સૌથી વધુ કેસો સામે આવ્યા છે.

જારી કરાયેલ માહિતી અનુસાર મંગળવારે રાજ્યમાં 14,352 નવા કેસો મળી આવ્યા હતા. તેમજ 170 દર્દીઓનાં દુ:ખદ મૃત્યુ થયાં હતાં.

નોંધનીય છે કે મંગળવારે જ રાજ્યની હાઇકોર્ટે કોરોનાની પરિસ્થિતિને લઈને થયેલી સુઓમોટો સુનાવણીમાં હૉસ્પિટલો બહાર લાગેલી લાંબી લાઇનો માટે સરકારની ઝાટકણી કાઢી હતી.

જો આંકડાની તપાસ કરવામાં આવે તો પાછલા અમુક દિવસોમાં ગુજરાત રાજ્યના રિકવરી રેટમાં સમગ્રપણે ભારે ઘટાડો નોંધાયો છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 74 ટકા થઈ ગયો હતો.

જોકે રાજ્ય સરકાર દ્વારા સતત પરિસ્થિતિ કાબૂમાં લેવાના તમામ પ્રયત્નો કરાઈ રહ્યા હોવાની વાત કરવામાં આવી રહી છે.

મંગળવારના આંકડાના વિશ્લેષણ અનુસાર રાજ્યમાં દર મિનિટે લગભગ દસ વ્યક્તિ સંક્રમિત મળી આવી રહ્યા છે. તો તેની સામે માત્ર પાંચ વ્યક્તિ રિકવર થઈ રહ્યા છે.

ઓછા અને ધીમા રિકવરી રેટના કારણે પણ રાજ્યની હૉસ્પિટલોમાં દર્દીઓનું ભારણ વધ્યું હોવાનું નિષ્ણાતો માને છે. બીજી બાજુ કઠણાઈ એ છે કે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં તૈયાર કરાયેલ 900 બેડની હૉસ્પિટલમાં સ્ટાફની અછતને કારણે રાજ્ય સરકાર દર્દીઓને દાખલ નથી કરી શકી રહી.

ગુજરાત : ઓક્સિજનની અછત, રિફિલિંગ પ્લાન્ટ પર ફાયરિંગ

ન્યૂઝ18 ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે કચ્છ પોલીસ દ્વારા અપાયેલ માહિતી અનુસાર જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ ખાતે ભેગા થયેલાં જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાતાં એક વ્યક્તિએ પોતાની રિવોલ્વર વડે જમીન પર ત્રણ બુલેટ ફાયર કરી હતી.

સોમવારે રાત્રે કચ્છના ભચાઉ ટાઉનના મોટા ચીરાઈ ગામના ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ સુધી જવાનો રસ્તો વાહન વડે બ્લોક કરવા બાબતે બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું.

આ ઘટના વખતે રાજભા જાડેજા નામના એક શખ્સે અન્ય જૂથના લોકોને ભયભીત કરવા માટે પોતાની રિવોલ્વર વડે ત્રણ બુલેટ જમીન તરફ ફાયર કરી હતી. નોંધનીય છે કે ઘટનાસ્થળે હાજર એક પોલીસકર્મીએ મામલો શાંત પાડ્યો હતો.

આ ઘટના રાજ્યમાં લોકો ઓક્સિજન મેળવવા માટે કેટલા આકુળ-વ્યાકુળ છે તેની હકીકત બયાન કરે છે.

પોલીસનું કહેવું છે કે ખાનગી ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ સામે ભારે ભીડ ભેગી થઈ હતી. જે દરમિયાન આ ઘટના બની. આ મામલે સાત વ્યક્તિઓ પર FIR દાખલ કરવામાં આવી છે.

કોરોનાનો પ્રસાર અટકાવવા MG મોટર ઇન્ડિયા ગુજરાતમાં પ્લાન્ટ બંધ કરશે

લાઇવમિન્ટ ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે મંગળવારે MG મોટર ઇન્ડિયાએ જાહેરાત કરી હતી કે તેઓ આગામી સાત દિવસ એટલે કે પાંચ મે સુધી પોતાનો હાલોલ ખાતેનો પ્લાન્ટ બંધ રાખશે. કંપનીએ રાજ્યમાં કોરોનાના ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણમાં ઘટાડો થાય તે હેતુથી આ નિર્ણય લીધો હોવાની જાહેરાત કરી છે.

MG મોટર ઇન્ડિયાના પ્રમુખ અને મૅનેજિંગ ડિરેક્ટર રાજીવ ચાબાએ એક ટ્વીટ મારફતે આ જાણકારી આપી હતી.

તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, "અમે વડોદરાના હાલોલ ખાતે આવેલો અમારો પ્લાન્ટ આગામી સાત દિવસ સુધી કોરોનાનાના સંક્રમણની ચેઇન તોડવાના હેતુસર બંધ રાખીશું. આ કપરા સમયમાં અમારા કામદારો પોતાની સુરક્ષા જાળવવા અને લોકોની સંભાળ લેવા માટે પ્રતિબદ્ધ છે."

પ્લાન્ટ 29 એપ્રિલથી પાંચ મે સુધી બંધ રહેશે. નોંધનીય છે કે પાછલા અઠવાડિયે હિરો મોટોકૉર્પ દ્વારા દેશમાં આવેલી પોતાની છ ઉત્પાદન માટેની ફૅસિલિટી હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.

કોરોનાની મુશ્કેલ ઘડીમાં આંતરરાષ્ટ્રીય સમુદાય ભારતની પડખે

કોરોનાની બીજી લહેરમાં ભારતમાં રેકર્ડબ્રેક સંખ્યામાં નવા લોકો સંક્રમિત થઈ રહ્યા છે. પાછલા અમુક મહિનાથી દર્દીઓની સંખ્યમાં થઈ રહેલા સતત વધારાના કારણે દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર ભારે સંકટ ઊભું થયું છે.

આવા કપરા સમયે ભારતને વિશ્વના વિકસિત દેશો તરફથી આશ્વાસન સંંદેશ મળી રહ્યા છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોંએ સોશિયલ મીડિયા પર લખેલા એક સંદેશામાં કહ્યું કે, "ફ્રાન્સ અને ભારત હંમેશાં એકસાથે રહ્યા છે. અમે દરેક સહાયતા પૂરી પાડવા માટે તત્પરતાથી લાગેલા રહીશું. ફ્રાન્સ ભારતને મેડિકલ ઉપકરણ, વૅન્ટિલેટર અને ઓક્સિજનનો જથ્થો તથા આઠ ઓક્સિજન જનરેટર આપશે."

આ સિવાય ભારતમાં કોરોનાના સતત વધી રહેલા મામલાને જોતાં અમેરિકન કંપની ગિલિએડ સાયન્સિઝ કહ્યું છે કે તેઓ ભારતને રેમડેસિવિર દવાની 4.5 લાખ શીશીઓ આપશે.

બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ફરી એક વાર ભારતને મદદ કરવાના સંકલ્પ અંગે વાત કરી છે. તેમણે કહ્યું, "કોરોનાની હાલની પરિસ્થિતિ અંગે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ છે. જે બાદથી અમે તબક્કાવાર ભારતને શક્ય તમામ મદદ કરી રહ્યા છીએ. જેમાં રેમડેસિવિરનો જથ્થો અને અન્ય દવાઓ પણ સામેલ છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો