You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં મિનિ લૉકડાઉન : બુધવારથી રેસ્ટોરાં, મોલ બંધ અને 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ
ગુજરાત રાજ્યનાં આઠ મહાનગરો સહિત 20 શહેરોમાં લદાયેલા રાત્રિ કર્ફ્યુ સહિત હવે 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાદવાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરાઈ છે.
રાજ્યનાં 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
આ નિયંત્રણો 28 એપ્રિલ 2021, બુધવારથી 5મી મે 2021, બુધવાર સુધી અમલી રહેશે.
રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે કે આ નિયંત્રણો દરમિયાન 29 શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે આ નિર્ણય મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, પોલીસ મહાનિદેશક આશીષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
નવા આદેશ પ્રમાણે હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટા ઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.
શું છે પ્રતિબંધો અને શું રહેશે ખુલ્લું, શું બંધ?
- આ સમયગાળા દરમિયાન અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી-ફળોની દુકાન, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બૅકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રાખી શકાશે.
- 29 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાં અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત્ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત્ રહેશે.
- 29 શહેરોમાં તમામ રેસ્ટોરાં બંધ રહેશે માત્ર ટેક-અવે સેવા ચાલુ રાખી શકાશે.
- તમામ 29 શહેરોમાં મોલ, શૉપિંગ કૉમ્પલેક્સ, સિનેમાહોલ, ઑડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વૉટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યૂટી પાર્લર અને અન્ય ઍમ્યુઝમૅન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
- સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.
- સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે, માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.
- સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સ્પૉર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.
- સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિઓ હાજર રહી શકશે, અંતિમવિધિમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર