You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PM નરેન્દ્ર મોદીએ કોઈને પુછ્યા વગર સૌથી કડક લૉકડાઉન લાગુ કર્યું હતું? - બીબીસી ઇન્વેસ્ટિગેશન
- લેેખક, જુગલ પુરોહિત અને અર્જુન પરમાર
- પદ, બીબીસી સંવાદદાતા, નવી દિલ્હી
આ શબ્દો યાદ છે? "..સમગ્ર દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ થશે... લોકોને તેમના ઘરમાંથી બહાર નીકળવાની સંપૂર્ણ મનાઈ છે... આગામી 21 દિવસ સુધી બહાર નીકળવું એટલે શું એ પણ તમારે ભૂલી જવાનું છે..."
24 માર્ચ, 2020ના રોજ રાતે 8 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ "મહામારીને ફેલાતી અટકાવવા અને વાઇરસની ચેઇન તોડવા માટે" દેશને થંભાવી દીધો હતો.
તે દિવસ સુધીમાં ભારતમાં કોરોનાના 519 કેસ નોંધાયા હતા અને નવ વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતાં.
બીજી પણ એક વાત હતી.
વડા પ્રધાને પોતાના વક્તવ્યમાં કહ્યું કે તેમની સરકાર રાજ્ય સરકારો સાથે કામ કરી રહી છે અને નિષ્ણાતોની સલાહ લઈ રહી છે.
હકીકતમાં અઢી મહિના કરતાં વધુ સમયથી ભારત સરકારે વાઇરસ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું અને તેનો સામનો કરવાની તૈયારી ચાલતી હતી. તેમાં બધાને સાથે રાખીને કામ થતું હતું તેવો દાવો કરાયો હતો.
સરકારે કહ્યું હતું કે, "વડા પ્રધાન તમામ તૈયારીઓ પર વ્યક્તિગત નજર રાખી રહ્યા છે."
જોકે, બીબીસીની વિસ્તૃત તપાસમાં જાણવા મળ્યું કે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનનો આટલો મોટો નિર્ણય લેવામાં આવ્યો તે અગાઉ બધા સાથે વિચારવિમર્શ થયો હોય કે સલાહ લેવામાં આવી હોય તેના કોઈ પુરાવા નથી, અથવા બહુ ઓછી માહિતી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2005ના માહિતીના અધિકારના કાયદાનો ઉપયોગ કરીને અમે વિવિધ એજન્સીઓ, સંબંધિત સરકારી વિભાગો તથા રાજ્ય સરકારોનો સંપર્ક કર્યો, જેઓ કોરોના મહામારીનો સામનો કરવા સાથે સંકળાયેલાં હતાં.
અમે તેમને પૂછ્યું કે દેશભરમાં લૉકડાઉન લાદતા પહેલાં તેમને આ વિશે ખબર હતી કે નહીં. લૉકડાઉન અગાઉ તેમણે કેવી તૈયારી કરી હતી અને વિપરીત પરિસ્થિતિનો સામનો કરવામાં તેમણે કેવી ભૂમિકા ભજવી હતી.
પહેલી માર્ચ 2021ના રોજ અમે માહિતી અને પ્રસારણ મંત્રાલયનો સંપર્ક કર્યો, જેથી આ અહેવાલ અંગે અમે સરકારનો દૃષ્ટિકોણ જાણી શકીએ.
જોકે, માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અથવા તેમના સચિવ અમિત ખરે મુલાકાત આપવા માટે તૈયાર થયા ન હતા.
મોટા ભાગના વિભાગોએ અમને જણાવ્યું કે તેમની સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી ન હતી અથવા વિશ્વનું સૌથી મોટું લૉકડાઉન લાદવામાં તેમની ભૂમિકા દર્શાવવા માટે તેમની પાસે કોઈ માહિતી નથી.
તો પછી ભારતે આ નિર્ણય કેવી રીતે લીધો અને આવી અભૂતપૂર્વ પરિસ્થિતિમાં જ્યારે સરકારના મહત્ત્વના વિભાગો લૉકડાઉન અંગે બિલકુલ અંધારામાં હતા, ત્યારે સરકારી મશીનરી નાગરિકોને કઈ રીતે મદદ કરવાની હતી?
પહેલાં સંદર્ભ સમજીએ
જાન્યુઆરી 2020ના મધ્યથી લઈને 24 માર્ચે લૉકડાઉન લાગુ થયું ત્યાં સુધી અઢી મહિના કરતાં વધુ સમયગાળા દરમિયાન ભારત કહેતું રહ્યું કે વાઇરસના ફેલાવા પર સતત નજર રખાઈ રહી છે અને તેનો સામનો કરવા માટે કામ કરી રહ્યું છે.
22 ફેબ્રુઆરી, 2020ના દિવસે ભારત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કરવા માટે તૈયારી કરી રહ્યું હતું.
દેશના આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને જાહેરાત કરી : "ભારતની મજબૂત સર્વેલન્સ સિસ્ટમ કોરોના વાઇરસને દેશમાં પ્રવેશતો અટકાવવા માટે સક્ષમ છે."
જોકે કેસ સતત વધતા જતા હતા. ત્યારે 5 માર્ચ, 2020ના રોજ તેમણે સંસદને ખાતરી આપી કે દેશમાં "રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકાર પાસે પર્સનલ પ્રૉટેક્ટિવ સાધનો અને એન-95 માસ્કનો બફર સ્ટોક છે" તથા "મહામારીને પહોંચી વળવા આખા દેશમાં પૂરતા પ્રમાણમાં આઇસોલેશન બેડ હાજર છે."
આમ છતાં, ત્રણ સપ્તાહથી પણ ઓછા સમયમાં એક સખત અને દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી.
ચોક્કસ શબ્દોમાં કહીએ તો 24 માર્ચે ભારત સરકારે પોતાના નિર્ણયને ન્યાયોચિત ઠરાવતાં કહ્યું કે વડા પ્રધાનની જાહેરાત અગાઉથી જ "30 કરતાં વધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પહેલાંથી સંપૂર્ણ લૉકડાઉન જાહેર કરી દીધું હતું".
સરકારે એક વાત ન જણાવી કે આમાંથી મોટા ભાગના લૉકડાઉનની જાહેરાત રાજ્યોએ પોતાને ત્યાંની સ્થિતિ અને તૈયારીના આધારે કરી હતી. તેમાંથી અમુકે તો 31 માર્ચ 2020 સુધીનું લૉકડાઉન જાહેર કર્યું હતું, જ્યારે વડાપ્રધાને જાહેર કરેલું લૉકડાઉન શરૂઆતમાં ત્રણ સપ્તાહનું હતું.
વૈશ્વિક સ્થિતિ કેવી હતી?
ભારતમાં લૉકડાઉનની જાહેરાત થઈ ત્યારે યુરોપના કેટલાક દેશોમાં લૉકડાઉન નહીં પણ ચુસ્ત નિયંત્રણો લાગુ હતાં.
તેમાં ઇટાલી, સ્પેન અને ફ્રાન્સ સામેલ હતાં. WHOના આંકડા મુજબ તે સમયે ઇટાલીમાં કોવિડના 60,000થી વધુ કેસ નોંધાયા હતા અને લગભગ 6,000 લોકો મૃત્યુ પામ્યા હતા. સ્પેનમાં 50,000 કેસ હતા અને 3,000 મૃત્યુ થયા હતા. ફ્રાન્સમાં લગભગ 20,000 કેસ હતા અને 700 લોકો મૃત્યુ પામ્યા હતા.
પરંતુ ચીનમાં 80,000થી વધુ કેસ હતા અને 3,000 મૃત્યુ નોંધાયા હતા. છતાં ચીને માત્ર હુબેઈ પ્રાંતમાં લૉકડાઉન જાહેર કર્યું હતું. આખું ચીન લૉકડાઉન કરાયું ન હતું.
ભારતે કઈ રીતે નિર્ણય લીધો?
વડા પ્રધાન મોદીનું 24 માર્ચનું ભાષણ એ લૉકડાઉનની પ્રથમ જાહેરાત હતી. સરકારી ફાઇલો મુજબ આ કામ નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટી (એનડીએમએ)ના ઑર્ડર નંબર 1-29/2020-PP (Pt II) દ્વારા કરવામાં આવ્યું હતું.
અહીં એ નોંધવું જરૂરી છે કે NDMAના અધ્યક્ષ તરીકે વડા પ્રધાન હોય છે.
Issued by NDMAના પૉલિસી ઍન્ડ પ્લાન ડિવિઝન દ્વારા ઇશ્યૂ થયેલો અને કેન્દ્રિય ગૃહસચિવને સંબોધીને લખાયેલા 24 માર્ચ 2020ના પત્રમાં જણાવ્યું છે:
"..દેશભરમાં વિવિધ પગલાં લાગુ કરવામાં એક સાતત્યની જરૂર છે… દેશમાં કોવિડ-19નો ફેલાવો અટકાવવા માટે NDMAએ ભારત સરકારના મંત્રાલયો/વિભાગો, રાજ્ય સરકારો અને રાજ્યના સત્તાવાળાઓને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનાં પગલાં લેવા સૂચના આપવાનો નિર્ણય લીધો છે."
ગૃહસચિવ NDMAની નેશનલ ઍક્ઝિક્યુટિવ કમિટીના અધ્યક્ષ હોય છે.
તેમણે તે જ દિવસે 'માર્ગદર્શિકા પણ જાહેર' કરી હતી અને લૉકડાઉન અમલમાં આવી રહ્યો હતો.
અમે NDMAનો સંપર્ક કર્યો
અમારી આરટીઆઈ અરજીમાં અમે 'આ ઑર્ડર આપતા પહેલાં NDMAએ કઈ જાહેર ઑથોરિટી/નિષ્ણાતો/વ્યક્તિઓ/સરકારી સંસ્થાઓ/ ખાનગી સંસ્થાઓ અને રાજ્ય સરકારની ઑથોરિટીઓની સાથે ચર્ચા વિચારણા કરી હતી તેની યાદી' માંગી હતી.
અમે એ માહિતી પણ માગી હતી કે, 24 માર્ચ, 2020 અગાઉ કોરોના વાઇરસ મહામારી અંગે NDMAએ કેટલી બેઠકો યોજી હતી. જેમાં વડાપ્રધાન હાજર રહ્યા હોય.
તેના જવાબમાં NDMAએ અમને જણાવ્યું કે આવી કોઈ ચર્ચા-વિચારણા કરવામાં આવી ન હતી. આ બાબતે પર એવી કોઈ બેઠક મળી ન હતી, જેમાં વડા પ્રધાન હાજર રહ્યા હોય.
વડા પ્રધાનના કાર્યાલય (PMO)એ શું કહ્યું?
યાદ કરો કે પહેલાંથી એવું દેખાડવામાં આવ્યું હતું કે કોરોના વાઇરસનો હુમલો શરૂ થયો ત્યારથી વડા પ્રધાન સમગ્ર તૈયારીઓ પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા છે.
તેથી અમે પીએમઓ પાસેથી કોરોના વાઇરસને લગતી તમામ બેઠકોની યાદી માંગી, જેમાં વડાપ્રધાને ભાગ લીધો હોય.
અમે એવા મંત્રીઓ, મુખ્ય મંત્રીઓ અને સલાહકારોની યાદી પણ માંગી જેમની સાથે લૉકડાઉનની જાહેરાત અગાઉ પીએમઓએ ચર્ચા-વિચારણા કરી હોય.
PMOએ અમે માંગેલી માહિતી બે વખત પૂરી પાડી ન હતી.
એક અરજીને 'અસ્પષ્ટ' અને 'બિનસાતત્યપૂર્ણ' ગણાવીને નકારી કાઢવામાં આવી હતી.
બીજી અરજીને એમ કહીને ફગાવી દેવાઈ કે તેમાં "આરટીઆઈ ઍક્ટ, 2005ની સેક્શન 7(9)ને લાગુ થાય છે જે કહે છે કે, માહિતી જે સ્વરૂપમાં માંગવામાં આવી હોય તે સ્વરૂપે આપવી જોઈએ, સિવાય કે તેનાથી જાહેર ઑથોરિટીના ફંડનો અપ્રમાણસર વ્યય થાય અથવા જેનાથી સંબંધિત રેકર્ડની સુરક્ષા કે જાળવણીને નુકસાન થાય તેમ હોય."
સરકારમાં પારદર્શિતા અને જવાબદારી અંગે કામ કરતાં અંજલિ ભારદ્વાજે જણાવ્યું કે આ સેક્શન હેઠળ સરકારને કોઈ મુક્તિ મળતી નથી.
તેમણે કહ્યું, "તે સેક્શનમાં માત્ર એટલું જણાવાયું છે કે કોઈ માહિતીની અરજીનો જવાબ આપવાથી પુષ્કળ પ્રમાણમાં સમય અથવા સંસાધનનો ખર્ચ થશે તેમ લાગે તો તે માહિતી કોઈ બીજા સ્વરૂપમાં આપી શકાય છે. જોકે, સેક્શન 7(9)નું કારણ આપીને માહિતી આપવાનો ઇનકાર કરવો એ ગેરકાયદેસર છે."
લોકડાઉનની જાહેરાતના ચાર દિવસ અગાઉ 20 માર્ચ, 2020ના દિવસે વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો.
પીએમઓની પ્રેસ રિલિઝમાં કોઈ જગ્યાએ 'લૉકડાઉન' શબ્દનો ઉલ્લેખ કરાયો ન હતો.
તેથી અમે એ માહિતી માંગી કે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના મુદ્દે ચર્ચા થઈ હતી કે નહીં.
પીએમઓએ અમારી અરજી આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયને ટ્રાન્સફર કરી અને ત્યાંથી તે ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી. અંતમાં અમને તે જ પ્રેસ રિલીઝ ફરી રિફર કરવામાં આવી.
હવે ગૃહ મંત્રાલય વિશે વાત કરીએ
આ અહેવાલ માટે આ મંત્રાલય બે કારણોથી મહત્ત્વનું છે.
પ્રથમ, ગૃહ મંત્રાલય (MHA)ની ઑથોરિટી હેઠળ જ લૉકડાઉનની માર્ગદર્શિકા જાહેર થઈ હતી.
બીજું, અમે વિવિધ સરકારી મંત્રાલયો અને વિભાગોને લૉકડાઉનમાં તેમની ભૂમિકા વિશે પૂછ્યું ત્યારે તેમણે અમારી RTI અરજી સીધી ગૃહ મંત્રાલયને ટ્રાન્સફર કરી હતી. આવું કરનારામાં વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ), રાષ્ટ્રપતિનું સેક્રેટરિયેટ, આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય, નાણા મંત્રાલયના વિભાગો તથા ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) વગેરે સંસ્થાઓ સામેલ હતી.
લૉકડાઉનની જાહેરાત અગાઉ MHAએ કેટલી ચર્ચા-વિચારણા કરી હતી તે વિશે માહિતી માંગતી અમારી અરજી ફગાવી દેવાઈ હતી.
કારણ?
મંત્રાલયે જણાવ્યું કે અમારી અરજી "વ્યૂહાત્મક અને આર્થિક હિતોને લગતી હતી અને તેમાં એવી માહિતી છે, જે વિશ્વાસના સંબંધો હેઠળ આવે છે તેથી આરટીઆઈ ઍક્ટ, 2005ના સેક્શન 8(1)(અ) અને (ઇ) હેઠળ તેને જાહેર કરી શકાય નહીં."
વિવિધ મંત્રાલયો અને વિભાગોએ ગૃહ મંત્રાલયને જે આરટીઆઈ અરજીઓ ટ્રાન્સફર કરી હતી તેના જવાબમાં પણ આવી જ પેટર્ન જોવા મળી હતી. કેટલાક કિસ્સામાં ગૃહ મંત્રાલયે RTI અરજીઓ મંત્રાલયને પરત મોકલી હતી અને તેમની પાસે જે માહિતી માંગવામાં આવી હોય તેનો જવાબ આપવા જણાવાયું હતું.
શું રાજ્યોને ખબર હતી?
રાષ્ટ્રીય રાજધાનીમાં લેફ્ટનન્ટ ગવર્નર, મુખ્ય મંત્રી અને ચીફ સેક્રેટરિયેટની કચેરીને લૉકડાઉન અગાઉ વિચારવિમર્શ કરાયો હતો કે નહીં તેની જાણકારી ન હતી.
તેવી જ રીતે આસામ અને તેલંગણાના મુખ્ય મંત્રીની કચેરી (સીએમઓ)એ જણાવ્યું કે લૉકડાઉન અગાઉ તેમની સાથે ચર્ચા થઈ હતી, તેવું દર્શાવવા કોઈ માહિતી નથી.
પંજાબ, ગુજરાત અને ઉત્તર પ્રદેશના ગવર્નરના સચિવાલયે પણ જણાવ્યું કે તેમની પાસે માહિતી નથી.
રસપ્રદ વાત એ છે કે ઉત્તર પ્રદેશના સીએમઓએ અમારી ક્વેરી અમને પરત મોકલી અને ભારત સરકાર પાસે માહિતી માંગવા કહ્યું હતું.
ઈશાન ભારતને મહામારી સામે સજ્જ કરવા કામ કરનારા કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ ડૅવલપમેન્ટ ઑફ નૉર્થ ઇસ્ટર્ન રિજન (DONER)એ સ્પષ્ટતા કરી કે લૉકડાઉન અગાઉ તેની સાથે ચર્ચા-વિચારણા થઈ ન હતી.
કોરોના વાઇરસ GOMનું શું થયું અને શું કૅબિનેટે ક્યારેય લૉકડાઉનની ચર્ચા કરી હતી?
3 ફેબ્રુઆરી, 2020ના રોજ સરકારે પીએમના નિર્દેશ પર નોવેલ કોરોના વાઇરસને નિયંત્રણમાં રાખવા માટે મંત્રીઓના ઉચ્ચ સ્તરીય જૂથ (જીઓએમ)ની જાહેરાત કરી હતી.
આ GOMનું નેતૃત્વ આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન સંભાળતા હતા. તેમાં નાગરિક ઉડ્ડયન, વિદેશ મંત્રાલય, શિપિંગ તથા ગૃહમંત્રી સામેલ હતા.
3 ફેબ્રુઆરીથી લઈને લૉકડાઉન જાહેર થયું તે દરમિયાન આ જૂથે કેટલીક બેઠકો યોજી હતી. તેમણે કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા હતા.
જેમકે તમામ આંતરરાષ્ટ્રીય કૉમર્શિયલ પૅસેન્જર વિમાનોને ભારતમાં પ્રવેશતા રોકવાનો નિર્ણય લેવાયો હતો.
અમે કૅબિનેટ સેક્રેટરિયેટ પાસે માહિતી માંગી હતી કે શું GOMએ લૉકડાઉન લાદવાની ભલામણ કરી હતી કે નહીં.
અમે કૅબિનેટ સેક્રેટરિયેટને શા માટે પૂછ્યું?
કારણ કે, "આ (કૅબિનેટ) સેક્રેટરિયેટ કૅબિનેટ અને તેની સમિતિઓને સેક્રેટરિયલ સહાય પૂરી પાડે છે તથા મંત્રાલયો વચ્ચે સંકલન કરીને સરકારને નિર્ણય લેવાની પ્રક્રિયામાં મદદ કરે છે. દેશમાં ગંભીર કટોકટીની સ્થિતિનું નિયંત્રણ તથા વિવિધ મંત્રાલયો વચ્ચે કામગીરીનું સંકલન કરવું એ પણ કૅબિનેટ સેક્રેટરિયેટનું એક કામ છે."
જોકે, તેમણે અમારી અરજી ગૃહ મંત્રાલયને ટ્રાન્સફર કરી હતી.
થોડા જ દિવસોમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, "માંગવામાં આવેલી માહિતીને આરટીઆઈ ઍક્ટ, 2005ના સેક્શન 8(1)(અ) અને (ઈ) હેઠળ જાહેર કરી શકાય નહીં."
આ જ આરટીઆઈ અરજી આરોગ્ય મંત્રાલયને પણ કરવામાં આવી હતી. જોકે, આરોગ્ય મંત્રાલયે તેનો હજુ સુધી જવાબ આપ્યો નથી. તેનો જવાબ મળશે તો આ અહેવાલ અપડેટ કરવામાં આવશે.
કૅબિનેટ સચિવાલય પાસેથી મેળવેલી માહિતી દર્શાવે છે કે લૉકડાઉન અગાઉના દિવસોમાં કેન્દ્રીય કૅબિનેટે બેઠક યોજી હતી. પરંતુ તેમાં કોરોના મહામારી અથવા લૉકડાઉન વિશે ચર્ચા થઈ હતી કે નહીં તે જણાવાયું નથી.
'અમને ખબર હતી કે લૉકડાઉન આવવાનું છે'
માહિતી અને પ્રસારણ મંત્રાલયે જવાબ આપ્યો ન હતો. અમે સરકારની થિંક-ટૅન્ક ગણાતા નીતિ આયોગના વાઇસ ચૅરમૅન ડૉ. રાજીવ કુમારને લૉકડાઉન વિશે પૂછ્યું હતું.
કૅબિનેટ મંત્રીનો દરજ્જો ધરાવતા રાજીવ કુમારે જણાવ્યું, "મને લાગે છે કે (લૉકડાઉન)નું આયોજન ન હતું. ભારતના વૈવિધ્ય અને નબળાઈના કારણે આવા લૉકડાઉનની જરૂર હતી. અમે તેની ચર્ચા કરી અને પછી તે લાગુ કરવામાં આવ્યું. તે અચાનક ક્યાંકથી ટપકી પડ્યું હતું તેમ કહેવું યોગ્ય નહીં ગણાય. પીએમએ બધા સાથે વાત કરી હતી".
'લોકશાહીના સિદ્ધાંતની વિરુદ્ધ'
NDMA અને ગૃહ મંત્રાલય પાસેથી અમને આરટીઆઈ હેઠળ જે જવાબ મળ્યા તેની સમીક્ષા કરતા અંજલિએ જણાવ્યું, "ડિઝાસ્ટર મૅનેજમૅન્ટની વાત આવે ત્યારે વિસ્તૃત સત્તા રહેલી છે. કોરોના વાઇરસના કેસ જાન્યુઆરીથી શરૂ થયા હતા અને ભારતમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં લૉકડાઉન જાહેર થયું હતું."
"તે કોઈ પૂર કે ભૂકંપ જેવી આફત ન હતી કે રાતોરાત આવી ગઈ હોય. તેથી વડા પ્રધાને જ્યારે લૉકડાઉનની જાહેરાત કરી ત્યારે આ નિર્ણય પહેલાં બધા સાથે ચર્ચા કરવામાં આવી હશે અને બધાની તૈયારી જોવામાં આવી હશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે."
આરટીઆઈ અરજીઓ જે રીતે નકારી કાઢવામાં આવી તે વિશે તેમણે કહ્યું કે "આ પ્રતિભાવ અસ્વીકાર્ય છે. સરકારના વિચારવિમર્શ વિશે એવું તો કયું રહસ્ય હોઈ શકે જે લોકો સમક્ષ જાહેર કરી ન શકાય? આ વલણ લોકશાહીના સિદ્ધાંતની વિરુદ્ધ છે."
રાજ્યોએ પોતે અજાણ હોવાની વાત કરી તે વિશે તેમણે કહ્યું, "તેનાથી જવાબદારી નક્કી કરવામાં કોઈ ફાયદો નહીં થાય. રાજ્યો સરળતાથી જવાબદારીમાંથી ખસી જશે અને કહી દેશે કે તેમને કોઈ વાતની ખબર ન હતી."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.