સુરતમાં કોરોના વાઇરસના કેસોમાં આટલો ઉછાળો કેમ જોવા મળી રહ્યો છે?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં ગત રવિવારે કોરોનાના નવા 1580 કેસો નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 2,86,263 થઈ જવા પામી હતી.

એક માર્ચથી રાજ્યમાં સતત કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ પાછલા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં સુરત જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

રવિવારે પણ સુરત જિલ્લામાં કોરોનાના 510 નવા કેસ નોંધાયા હતા. જ્યારે બીજા ક્રમે 451 કેસો સાથે અમદાવાદ હતું.

અહીં નોંધનીય છે કે અમદાવાદ એ સુરત કરતાં વસતિ અને વિસ્તારની દૃષ્ટિએ મોટો જિલ્લો છે. તેમ છતાં કેમ સુરતમાં અમદાવાદ કરતાં પણ વધુ સંખ્યામાં કોરોનાના નવા કેસો જોવા મળી રહ્યા છે?

આ અગાઉ પણ લૉકડાઉન ખુલ્યા બાદ ઘણા દિવસો સુધી રાજ્યમાં કોરોનાના નવા કેસોની બાબતમાં સુરત અમદાવાદ કરતાં આગળ રહ્યું હતું.

તે સમયે સુરત શહેરની પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે કોરોનાના નિયંત્રણ માટેની જવાબદારી જેમને સોંપાઈ હતી, તે કેન્દ્રીય ટીમોએ શહેરની નોંધપાત્ર સંખ્યામાં મુલાકાતો લીધી હતી. તેમજ મોટી સંખ્યામાં ટૅક્સટાઇલ અને હિરાઉદ્યોગ સાથે જોડાયેલાં એકમો બંધ રાખવામાં આવ્યાં હતાં.

હવે જ્યારે ફરીથી શહેરમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બની ગયું હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે તે અંગેનાં કારણો જાણવા માટે અમે સ્થાનિક અધિકારી અને ઉદ્યોગકારો સાથે વાત કરી હતી.

સુરતમાં સંક્રમણ માટે ટ્રાવેલ હિસ્ટ્રીવાળા કેસો જવાબદાર?

શહેરમાં વધતાં જતાં કોરોનાના પ્રકોપનાં સંભવિત કારણો અંગે વાત કરતાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ કમિશનર ડૉ. આશિષ નાયકના જણાવ્યું હતું કે, "પાછલા અમુક સમયથી સુરતમાં રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસો આવવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે સુરત એ ડાયમંડ અને ટેક્સાઇલ ઇન્ડસ્ટ્રીનું રાષ્ટ્રીય હબ છે."

"જે કારણે અહીં મોટી સંખ્યામાં લોકો વેપારાર્થે દેશના અન્ય ભાગોમાંથી આવતા હોય છે. આમ, સુરતમાં આંતરરાજ્ય અવરજવરનું પ્રમાણ વધુ છે."

તેમણે આગળ વાત કરતાં જણાવ્યું, "પાછલા અમુક સમયથી જિલ્લામાં કોરોનાના જે નવા કેસો મળી રહ્યા છે તેમાંથી મોટા ભાગના કેસો ટ્રાવેલ હિસ્ટ્રીવાળા હોય છે."

"આ સિવાય પાછલા અમુક સમયથી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ થવાના કારણે ઘણી શાળા કૉલેજોમાં પણ ઍસિમ્પ્ટોમેટિક કેસો મળી રહ્યા છે. જેઓ અજાણતાં આ સંક્રમણના વાહકો બની રહ્યા છે. તેમજ ટેક્સટાઇલ અને હિરાઉદ્યોગના એકમોમાં પણ જનરલી સ્ક્રીનિંગ દરમિયાન કોરોનાના નવા કેસો મળી આવી રહ્યા છે. જેમાંથી ઘણા કેસો ઍસિમ્પટોમેટિક હોય છે."

આ સિવાય ડૉ. આશિષ નાયક અન્ય જિલ્લાઓની સરખામણીએ સુરતમાં વસતિગીચતા વધુ હોવાને કારણે પણ રાજ્યમાં સૌથી વધુ કેસો સુરતમાં નોંધાયા હોવાની વાત સાથે સંમત થાય છે.

સુરતમાં કોરોનાના વધી રહેલા કેસો પાછળ હીરાઉદ્યોગની ભૂમિકા?

સુરત શહેરમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાનાં સંભવિત કારણો વિશે વાત કરવા અમે જૅમ્સ ઍન્ડ જ્વેલરી ઍક્સપૉર્ટ કાઉન્સિલના ગુજરાત પ્રદેશના ચૅરમૅન દિનેશ નાવડિયાનો સંપર્ક સાધ્યો.

તેમણે શહેરમાં કોરોનાના કેસોમાં થયેલા વધારા માટે હીરાઉદ્યોગની કોઈ પ્રત્યક્ષ ભૂમિકા ન હોવાની વાત કરી છે.

તેમણે સંક્રમણ વધવા અંગેનાં સંભવિત કારણો વિશે જણાવતાં કહ્યું કે, "સુરતમાં ટેક્સટાઇલ અને ડાયમંડઉદ્યોગ મોટા પ્રમાણમાં હોવાના કારણે દુનિયાભરથી અહીં લોકો પોતાના વેપારાર્થે આવતા હોય છે."

"તેમજ કેટલાક એવા પણ લોકો છે જેઓની એક ઑફિસ સુરતમાં છે તો બીજી ઑફિસ મુંબઈ કે દેશના અન્ય કોઈ ભાગમાં છે. આવા લોકો પણ અઠવાડિયાના અંતે સુરતમાં આવે છે."

"તેમજ સુરત વેપારનું કેન્દ્ર છે, જેથી અહીં વેપારીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. આ વેપારીઓને પોતાના વેપારના કામસર અવારનવાર દેશનાં અન્ય રાજ્યોની કે દુનિયાના અન્ય દેશોની મુલાકાતે જવા-આવવાનું થાય છે."

"જે કારણે કોરોના જેવા ચેપી સંક્રમણમાં વધારો થવાની સંભાવના વધી જાય છે."

"જોકે, આ બધા વચ્ચે સુરતમાં કોરોનાની પરિસ્થિતિ વણસી એ માટે અમુક હદે થોડા દિવસો પહેલાં સમગ્ર જિલ્લામાં યોજાયેલ રાજકીય મેળાવડાઓને પણ જવાબદાર માનવામાં આવે છે."

સુરતની વસતિગીચતા સંક્રમણ વકરવાનું મોટું કારણ?

દક્ષિણ ગુજરાત ટેક્સાટઇલ ઍસોસિયેશનના પ્રમુખ જિતુ વખારિયા પણ સુરતમાં સતત વધી રહેલા કોરોનાના કેસો માટે જિલ્લામાં થતી અવરજવરને મોટું કારણ માને છે.

તેઓ કહે છે કે, "સુરત એ મિનિ ઇંડિયા છે. અહીં ભારતનાં બધાં રાજ્યોમાંથી લોકો ધંધા-રોજગાર અર્થે આવે છે."

જિતુ વખારિયા પણ સુરતમાં કોરોનાના કેસોમાં વધારા માટે ટેક્સટાઇલઉદ્યોગને સીધી રીતે જવાબદાર માનતા નથી.

તેઓ કહે છે, "આમ તો ટેક્સટાઇલઉદ્યોગમાં પહેલાંથી સોશિયલ ડિસ્ટન્સિંગ અનુસરવામાં આવે છે. તેથી કામની જગ્યાએથી એકબીજાને સંક્રમણ લાગવાની શક્યતા આ ઉદ્યોગમાં નથી. પરંતુ જ્યાં ટેક્સટાઇલ એકમોમાં કામ કરતા લોકો રહે છે તે વિસ્તારો ઘણી ગીચ વસતિ ધરાવે છે."

"આવા વિસ્તારોમાં રહેવાને કારણે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં કોરોના જેવો ચેપી રોગ સરળતાથી ફેલાઈ શકે તેવી સંભાવના હોય છે."

આ સિવાય તેઓ સમયની સાથે લોકોનાં મનમાં કોરોના માટે રહેલો ભય ઘટ્યો હોવાના કારણે જિલ્લામાં કોરોનાના કેસો વધ્યા હોવાની વાત કરે છે.

જિતુ વખારિયા જિલ્લામાં પરિસ્થિતિ વધુ ન વણસે તે માટેના ઉપાય સૂચવતા કહે છે કે, "સુરતમાં કોરોના વધુ ન પ્રસરે તે માટે લોકોએ પણ પહેલાંની જેમ જ તેની પ્રત્યે ગંભીરતા દાખવવી પડશે. અને બચાવનાં તમામ પગલાં લેવાં પડશે. તો જ હાલની પરિસ્થિતિમાંથી રાહત મળી શકે તેવી સંભાવના છે."

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસો સુરતમાંથી મળી આવી રહ્યા છે

ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા અપાયેલ માહિતી અનુસાર 20 માર્ચના રોજ સુરત શહેરમાં રાજ્યમાં નોંધાયેલા કુલ 1,565 કેસો પૈકી સૌથી વધુ 484 કેસો સુરતમાં નોંધાયા હતા. જ્યારે બીજા ક્રમે 406 કેસો સાથે અમદાવાદ હતું.

જ્યારે 19 માર્ચના રોજ રાજ્યમાં નોંધાયેલા કુલ 1,415 કેસો પૈકી 450 કેસો સુરતમાં નોંધાયા હતા. તેમજ 344 નવા કેસો અમદાવાદમાં નોંધાયા હતા.

18 માર્ચની વાત કરીએ તો રાજ્યમાં નોંધાયેલા કુલ 1,276 કોરોનાના નવા કેસો પૈકી સૌથી વધુ 395 નવા કેસો સુરતમાં નોંધાયા હતા જ્યારે બીજા ક્રમે 304 કેસો સાથે અમદાવાદ હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો