You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ગત બે વર્ષોમાં અકસ્માતમાં 1100થી વધુ કામદારોનાં મૃત્યુ થયાં - BBC TOP NEWS
ગુજરાતના શ્રમ અને રોજગારમંત્રી દિલીપ ઠાકોરે રાજ્યની વિધાનસભામાં જણાવ્યું છે કે ગત બે વર્ષમાં મરનારા 1,128 મજૂરોમાંથી 842 ખેતીના ક્ષેત્રે, જ્યારે 286 બાંધકામક્ષેત્રે જોડાયેલા હતા. ગુજરાતમાં ગત વર્ષ દરમિયાન થયેલા અકસ્માતોને પગલે ખેતી અને બાંધકામક્ષેત્રે કામ કરનારા 1100થી વધુ મજૂરોનાં મૃત્યુ થયાં છે.
ચોંકાવનારી આ જાણકારી રાજ્યના શ્રમ અને રોજગારીમંત્રી દિલીપ ઠાકોરે વિધાનસભાગૃહમાં સોમવારે આપી.
ઠાકોરે વિધાનસભામાં જણાવ્યું, "ગત બે વર્ષ દરમિયાન અકસ્માતમાં મરનારા 1,128 કામદારોમાંથી 842 ખેતીક્ષેત્રે, જ્યારે 286 બાંધકામક્ષેત્રે સંકળાયેલા હતા. આ દરમિયાન સૌથી વધુ ખેતીક્ષેત્રના મજૂરો ભાવનગરમાં જ્યારે અમદાવાદ જિલ્લામાં બાંધકામક્ષેત્રના 37 મજૂરો માર્યા ગયા હતા."
ગુજરાતમાં હાલમાં ખેતીક્ષેત્રે કામ કરનારા 28.65 લાખ જ્યારે બાંધકામક્ષેત્રે 6.65 લાખ કામદારો સૂચિબદ્ધ છે.
આ રીતે બન્ને કામો માટે 35 લાખ લોકો કામદારો તરીકે સૂચિબદ્ધ છે.
રાજ્ય સરકાર અનુસાર ખેતીક્ષેત્રે સૌથી વધુ મજૂરો 2.18 લાખ આણંદ જિલ્લામાં છે. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ એટલે કે એક લાખ કામદારો બાંધકામક્ષેત્રે સંકળાયેલા છે.
કોવિશિલ્ડનો બીજો ડોઝ હવે ચાર નહીં, આઠ સપ્તાહ બાદ લાગશે
કેન્દ્ર સરકારે કોરોનાની રસી કોવિશિલ્ડના બીજા ડોઝનો સમયગાળો ચાર સપ્તાહથી વધારીને આઠ સપ્તાહ કરી દીધો છે. આ માટેની ભલામણ રસીકરણ પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર સમૂહ અને કોવિડ-19 માટે રસીના પ્રબંધન માટેના રાષ્ટ્રીય સમૂહે કરી હતી.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે બીજો ડોઝ છથી સાત સપ્તાહો વચ્ચે આપવામાં આવ્યો ત્યારે શરીરની રોગપ્રતિકારશક્તિ વધી ગઈ હતી. જોકે, આઠ સપ્તાહ બાદ બીજો ડોઝ અપાયો ત્યારે આવું થયું નહોતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં કોવિશિલ્ડના બન્ને ડોઝ વચ્ચે ચારથી છ સ્પ્તાહનું અંતર રાખવા માટે સહમતી સધાઈ હતી. એવું પણ જણાવાયું છે કે બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવાની વાત માત્ર કોવિશિલ્ડ વૅક્સિન માટે જ લાગુ પડે છે. કોવૅક્સિનના બે ડોઝ વચ્ચેના સમયગાળામાં કોઈ ફેરફાર નથી આવ્યા.
સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય સચિવોને લખાયેલા એક પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્યસચિવ રાજેશ ભૂષણે જણાવ્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયે એનટીએજીઆઈ અને એનઈજીવીએસીની મહત્ત્વની ભલામણ સ્વીકારી લીધી છે.
કંગનાને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર, સુશાંતની 'છીછોરે' શ્રેષ્ઠ હિંદી ફિલ્મ
67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરી દેવાઈ છે. વર્ષ 2019માં બનેલી ફિલ્મો અને તેના કલાકારો માટે પુરસ્કારની જાહેરાત કરાઈ છે.
દિવંગત અભિનેતા સુશાતસિંહ રાજપૂત અભિનિત 'છિછોરે'ને શ્રેષ્ઠ હિંદી ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો છે. જ્યારે કંગના રનૌતને 'મણિકર્ણિકા' અને 'પંગા' માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવૉર્ડ અપાયો છે.
મનોજ બાજપેયીને 'ભોંસલે' માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ મળ્યો છે.
જોકે, આ પુરસ્કારોની જાહેરાત ગત વર્ષે મે માસમાં થવાની હતી પણ કોરોના વાઇરસની મહામારીના કારણે ન થઈ શકી.
સિક્કિમને ફિલ્મ શૂટિંગ માટેના મનપસંદ રાજ્યનો ઍવોર્ડ અપાયો છે. સોહિની ચટ્ટોપાધ્યાયને શ્રેષ્ઠ ફિલ્મસમિક્ષકનો ઍવોર્ડ મળ્યો છે.
નોંધનીય છે કે ડાયરેક્ટોરેટ ઑફ ફિલ્મ ફેસ્ટિવલ તરફથી આ ઍવૉર્ડ આપવામાં આવે છે. આ સંસ્થા માહિતી અને પ્રસારણમંત્રાલય હેઠળ કામ કરે છે.
અમિત શાહના સંકલ્પપત્ર માટે મમતાએ કહ્યું, 'બિનબંગાળીઓનું ગુજરાતી ઘોષણાપત્ર'
ગૃહમંત્રી અમિત શાહે રવિવારે પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યાલય ખાતેથી વિધાનસભાની ચૂંટણી માટેનું સંકલ્પપત્ર જાહેર કર્યું હતું.
ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પપત્ર જાહેર કરતાં પોતાને 'વાણિયા' ગણાવ્યા અને કહ્યું, 'મારી પર ભરોસો રાખજો.'
ભાજપના સંકલ્પપત્રને 'સોનાર બાંગ્લા સંકલ્પપત્ર' નામ આપવામાં આવ્યું છે.
જોકે ટીએમસીએ આ સંકલ્પપત્ર પર નિશાન સાધ્યું છે.
તૃણમૂલ કૉંગ્રેસે તેમના ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટર ટ્વીટ કર્યું છે.
આ પોસ્ટરમાં એક તરફ મમતા બેનરજીની અને એક તરફ નરેન્દ્ર મોદીની તસવીર છે.
મમતા બેનરજીની તસવીર સાથે લખ્યું છે કે "દીદીનું ઘોષણાપત્ર બંગાળના લોકો દ્વારા બંગાળના લોકો માટે છે."
જ્યારે નરેન્દ્ર મોદીની તસવીર નીચે લખ્યું છે, "ભાજપનું ઘોષણાપત્ર બહારના લોકો અને બિનબંગાળીઓનું છે, જેને ગુજરાતી લોકો બંગાળના મતદારોને મૂર્ખ બનાવવા લાવ્યા છે."
ભાજપના કાર્યકરો મહેનત કરે છેએટલે કોરોનાનો ચેપ લાગતો નથી : રાજકોટના ધારાસભ્ય
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કહ્યું, “જે લોકો મહેનત કરે, મજૂરી કરે, તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત થતા નથી. ભાજપના કાર્યકરો પણ મહેનત કરે છે, મજૂરી કરે છે માટે તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત થયા નથી.”
ગોવિંદ પટેલ પોતે મહિનાઓ પહેલાં કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા.
ગોવિંદ પટેલ રાજ્યના વિજ્ઞાન અને ટેક્નૉલૉજી મંત્રી પણ રહી ચૂક્યા છે.
રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કોરોનાની રસીકરણની કામગીરીમાં ઝડપ લાવવા સ્થાનિક ધારાસભ્ય, સંસદસભ્ય અને કૉર્પોરેટરની મીટિંગ બોલાવાઈ હતી. જે પછી તેમણે આ વાત કરી હતી.
કોરોના વાઇરસનું સંક્રમણ ફરીથી ફેલાયું તેના માટે જનતાને જવાબદાર ઠેરવતાં તેમણે કહ્યું, “લોકોનું બેજવાબદારીપૂર્વકનું વર્તન જોવા મળ્યું છે. લોકો રસ્તા પર ચાલતા માસ્ક નહોતા પહેરતા,ભીડભાડવાળી જગ્યાએ બેસતા હતા. હોટલમાં બેસીને અને લારી-ગલ્લા પર ટોળે વળતા હતા.”
‘કોર્ટરૂમમાં ધમકીઓ આપવામાં આવી’ – હાથરસ કેસનાં પીડિતાનો પરિવાર
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર હાથરસના કથિત ગૅંગરેપ અને 20 વર્ષની પીડિતાના મૃત્યુનો કેસ હાથરસની કોર્ટમાં ચાલી રહ્યો છે.
પીડિતાના ભાઈએ અલાહાબાદ હાઈકોર્ટમાં એક ઍફિડેવિટ દાખલ કરી છે.
જેમાં લખવામાં આવ્યું છે કે આ મહિને સુનાવણી દરમિયાન પીડિત પરિવાર અને તેમના વકીલોને ધમકીઓ મળી હતી અને તેમના પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે.
પીડિતાના ભાઈએ લખ્યું છે, ‘ધમકાવવાની ઘટના 5 માર્ચે જ્યારે હાથરસની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી થઈ, ત્યારે થઈ હતી.’
આ બાદ મૃત્યુની તપાસની સુનાવણી કરી રહેલી અલાહાબાદ હાઈકોર્ટની બે ન્યાયાધીશોની બૅન્ચે રિપોર્ટ માગ્યો છે અને કહ્યું છે કે આ સંભાવનાઓ પર વિચાર કરશે કે આ કેસને એ જ કોર્ટમાં રખાય કે ટ્રાન્સફર કરાય.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો