પશ્ચિમ બંગાળ સંકલ્પપત્ર : અમિત શાહે કહ્યું 'વાણિયો છું, મારી પર ભરોસો રાખજો'

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં જીત માટે ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ પૂરજોશ પ્રચાર કરી રહ્યાં છે.

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ પશ્ચિમ બંગાળમાં સભાઓ ગજવી હતી.

તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે ભાજપના કાર્યાલય ખાતેથી પશ્ચિમ બંગાળની ચૂંટણી માટેનું સંકલ્પપત્ર જાહેર કર્યું હતું.

ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પપત્ર જાહેર કરતાં પોતાને 'વાણિયા' ગણાવ્યા અને કહ્યું, 'મારી પર ભરોસો રાખજો.'

ભાજપના સંકલ્પપત્રને 'સોનાર બાંગ્લા સંકલ્પપત્ર' નામ આપવામાં આવ્યું છે.

જેની જાહેરાત કરતાં અમિત શાહે કહ્યું, "અનેક વર્ષોથી સંકલ્પપત્ર એક પ્રક્રિયા બનીને રહી ગઈ હતી."

"જ્યારથી ભાજપની સરકારો બનવા લાગી ત્યારથી સંકલ્પપત્રનું મહત્ત્વ વધવા લાગ્યું કેમકે ભાજપની સરકારો બની એ પચી જ સંકલ્પપત્ર પર સરકારો ચાલવા લાગી છે."

ભાજપનું 'સોનાર બાંગ્લા સંકલ્પપત્ર'

અમિત શાહે કહ્યું, "આ સંકલ્પપત્રનો મૂળ વિચાર સોનાર (સુવર્ણ) બાંગ્લા બનાવવાનો છે."

"સદીઓ સુધી બંગાળે અનેક બાબતોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમકે આધ્યાત્મિકતા, વિજ્ઞાન, રાજનીતિ, સમાજસુધારા, શિક્ષણ કે કળા."

"બંગાળ તમામ ક્ષેત્રોમાં મોખરે રહેતું હતું."

શાહે કહ્યું, "સંકલ્પપત્રમાં માત્ર જાહેરાતો નથી, આ દુનિયાના સૌથી મોટા પક્ષના સંકલ્પ છે."

"દેશનાં 16થી વધારે રાજ્યોમાં જેમની સરકાર છે, એ પક્ષના આ સંકલ્પ છે. જેમની પૂર્ણ બહુમત સાથે સતત બીજી વખત સરકાર બની છે એ પક્ષના આ સંકલ્પ છે."

'સરકારી નોકરીઓમાં મહિલાઓને 33 ટકા અનામત'

અમિત શાહે કહ્યું, "એક વખત હતો, જ્યારે ભારતનું 30 ટકા ઔદ્યોગિક ઉત્પાદન બંગાળમાં થતું હતું, હવે આ આંકડો 3.5 ટકા પર આવી ગયો છે. આની માટે 73 વર્ષથી રાજ કરતી સરકાર જવાબદાર છે."

અમિત શાહે મમતા બેનરજીની સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે પશ્ચિમ બંગાળ મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત રાજ્ય બની ગયું છે.

આ સાથે જ તેમણે સંકલ્પપત્રમાં મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં 33 ટકા અનામતની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું કે પીએમ કિસાન નિધિ યોજનાનો ખેડૂતોને લાભ મળશે અને સાથે-સાથે જે 75 લાખ ખેડૂતોને મમતા દીદીએ ત્રણ વર્ષથી 18 હજાર રૂપિયા નથી પહોંચાડ્યા, તે સીધા તેમનાં ખાતાંમાં મોકલવામાં આવશે.

'CAA પ્રથમ કૅબિનેટમાં જ લાગુ કરીશું'

ભાજપના સંકલ્પપત્રમાં નાગરિકતા સુધારા કાનૂન એટલે કે CAA અંગે પણ વચન આપવામાં આવ્યું છે.

અમિત શાહે કહ્યું, "અમે નક્કી કર્યું છે કે સિટીઝનશિપ ઍમેન્ટમૅન્ટ ઍક્ટને પહેલી કૅબિનેટમાં જ લાગુ કરીશું."

તેમણે એવું પણ કહ્યું કે મુખ્ય મંત્રી શરણાર્થી યોજના અંતર્ગત દરેક શરણાર્થી પરિવારને પાંચ વર્ષ સુધી દસ હજાર રૂપિયા પ્રતિવર્ષ આપવામાં આવશે.

સાથે-સાથે અમિત શાહે સીમાસુરક્ષા અંગે પણ વાત કરી હતી.

તેમણે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે વ્યક્તિ તો શું, પક્ષી પણ ફરકી ન શકે એવી સીમાસુરક્ષાની વ્યવસ્થા અમે કરીશું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો