You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લિજ્જત પાપડ: 80 રૂપિયાની લોનથી મહિલાઓએ શરૂ કરેલો ધંધો જ્યારે 1600 કરોડનો બન્યો
વિશ્વવિખ્યાત લિજ્જત પાપડનાં સહસ્થાપકોમાંથી એક અને પદ્મશ્રીથી સન્માનિત જસવંતીબહેન પોપટનું સોમવારે 97 વર્ષની વયે નિધન થયું છે.
આ સાથે જ 80 રૂપિયાની લૉન લઈને પાપડનો ધંધો શરૂ કરનાર સાત મહિલાઓમાંથી હવે કોઈ હયાત નથી.
તેમની યાત્રા અને સિદ્ધિઓએ ઉદ્યોગસાહસિકતા અને મહિલા સશક્તિકરણની દુનિયા પર અમીટ છાપ છોડી છે.
એક સારા વિચારનો ઈમાનદારીથી અમલ કરવામાં આવે તો કેટલા પરિવારની જિંદગી બહેતર બનાવી શકાય તેનું લિજ્જત પાપડ સર્વોત્તમ ઉદાહરણ છે.
લિજ્જતની કથા માત્ર કમાણી કરવાના ઈરાદાને બદલે પોતાની ક્ષમતા અને મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીને જીવનનિર્વાહની જરૂરિયાતમાંથી સર્જાયેલા મોટા 'આંદોલન'ની કથા છે. કૃતનિશ્ચયી થઇને સાથે આકરી મહેનત કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે.
'લિજ્જત પાપડ' ની અભૂતપૂર્વ કથા
મહિલાઓના હાથે બનેલા લિજ્જત પાપડ ભારતમાં જ નહીં, વિદેશમાં પણ પ્રખ્યાત છે, એ સૌ કોઈ જાણે છે. મુંબઈની સાત મહિલાઓએ પોતપોતાના પરિવારને આર્થિક મદદ કરવાના હેતુસર 1959ની 15 માર્ચે શરૂ કરેલું આ સાહસ આજે અત્યંત સફળ બિઝનેસ મૉડેલ બની ગયું છે.
સાત ગૃહિણીઓ પાસે ઘરેલુ સાહસ શરૂ કરવાના પૈસા ન હતા. તેથી તેમણે સામાજિક કાર્યકર અને 'સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયા'ના સભ્ય છગનલાલ કરમસી પારેખ પાસેથી 80 રૂપિયાની લોન લીધી હતી. તે પૈસામાંથી અડદનો લોટ, હિંગ અને બીજી જરૂરી સામગ્રી ખરીદી હતી.
શરૂઆતમાં સસ્તા અને સાધારણ ક્વૉલિટીના તથા મોંઘા અને ઉત્તમ ક્વૉલિટીના એમ બે પ્રકારના પાપડ બનાવવામાં આવતા હતા. પરંતુ ગુણવત્તા એટલે કે ક્વૉલિટી બાબતે કોઈ સમાધાન નહીં કરવાની સલાહ છગનલાલ પારેખે આપી હતી. લિજ્જત દ્વારા આજે બનાવવામાં આવતા કુલ 2.5 કરોડ કિલો પાપડનો સ્વાદ એકસરખો હોવાનું એક કારણ આ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગૃહિણીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા આ સહકારી આંદોલનની દેશનાં 17 રાજ્યોમાં 88 શાખાઓ છે. રૂપિયા 1600 કરોડનું ટર્નઓવર ધરાવતો 'શ્રી મહિલા ગૃહઉદ્યોગ લિજ્જત પાપડ' વિશ્વના 25 દેશોમાં 80 કરોડ રૂપિયાના પાપડની નિકાસ કરે છે.
સૌથી મહત્વની વાત એ છે કે લિજ્જત દેશની 45,000 મહિલાઓને રોજગાર આપે છે.
'મુશ્કેલ દિવસોમાં પણ અમે અટક્યા નહીં'
બીબીસીને 2021માં આપેલા ઇન્ટરવ્યૂમાં જસવંતીબહેને તેમના મુશ્કેલ દિવસોની વાત કરી હતી.
જસવંતીબહેન કહે છે કે અમે ખરાબમાં ખરાબ દિવસો જોયા છે.
તેઓ કહે છે કે, "અમે તમામ મહિલાઓ સવારે 4.30 વાગ્યાથી કામ શરૂ કરી દેતા હતા. અમે સવારે સૌપ્રથમ લોટ બનાવતા અને પછી પાપડ બનાવતા. નવેક વાગ્યા સુધીમાં તો પાપડ બનાવવાનું કામ પૂરું થઈ જતું. પછી અમને મજૂરી મળતી. શરૂઆતથી જ અમારો નિયમ રહ્યો છે કે જે દિવસે અમે કામ કરીએ છીએ તે દિવસે જ અમને પૈસા મળે છે."
"પહેલા અમને હાથમાં પૈસા મળતા હતા, હવે બૅન્કમાં પૈસા આવે છે. પહેલા તમામ મહિલાઓ સવારે ટ્રેનમાં આવતી હતી. પરંતુ હવે લિજ્જત પાસે પોતાની બસ અને કાર પણ છે અને હવે દરેકને આ સુવિધા આપવામાં આવી છે."
"અમારું કામ દરેક સિઝનમાં અવિરત ચાલતું હતું. મુંબઈના વરસાદથી ઘણી વખત અમે પરેશાન થયા હતા પરંતુ દરેક સમસ્યાનો ઉકેલ અમે જાતે જ શોધી લીધો છે. અગાઉ અમે સગડીમાં પાપડ બનાવતા હતા અને ચોમાસાની ઋતુમાં વાદળોને કારણે પાપડ સૂકવવામાં અમને તકલીફ પડતી હતી તેથી અમે ગૃહિણીઓએ ખૂબ જ ચતુરાઈથી તેનો ઉકેલ શોધી કાઢ્યો હતો. અમે સ્ટવ સળગાવ્યો અને તેના પર એક ટોપલી ઊંધી મૂકી અને તેના પર અમે પાપડ સૂકવવા લાગ્યા. વરસાદ પણ અમારી હિંમત તોડી શક્યો નહીં. આજે અમારી પાસે ઇલેક્ટ્રિક સગડી છે. હવે તેના પર પાપડ બનાવવામાં આવે છે."
"દરેક સિઝનમાં મહિલાઓ પોતપોતાની રીતે 25 કિલો લોટ તૈયાર કરતી હતી. આ કામ ક્યારેય અટક્યું નથી અને આજે પણ ચાલુ છે. કોઈપણ દાન કે મદદ વિના અમે આ કામ કરી રહ્યા છીએ. હકીકતમાં તો અમે દેશમાં આવેલી દરેક આપત્તિમાં દાન આપ્યું છે, પરંતુ ક્યારેય કોઈની પાસેથી એક રૂપિયો લીધો નથી."
પાપડનું નામ લિજ્જત કેવી રીતે પડ્યું?
વર્ષ 1962માં મહિલાઓના આ સમૂહનું નામ 'શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ' રાખવામાં આવ્યું હતું.
લિજ્જત એ ગુજરાતી શબ્દ છે. લિજ્જત નામ વિશે જશવંતીબેન જોરથી હસીને કહે છે કે, "આ નામ પાછળ પણ એક રમૂજી વાર્તા છે. અમારી ગૃહિણીઓની મહેનતનું ફળ મળવા લાગ્યું હતું. હવે તેને એક ઓળખ આપવાની જરૂર હતી. એવી ઓળખ કે જેનું નામ લોકોમાં પ્રચલિત થાય. તેના માટે અખબારોમાં એક જાહેરાત આપવામાં આવી અને એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કહેવામાં આવ્યું કે જે કોઈ પાપડનું નામ સૂચવશે તેને એક પુરસ્કાર મળશે. ધીરજબેન રૂપારેલ દ્વારા સૂચવાયેલ 'લિજ્જત' નામ સૌને ગમ્યું. આ નામનો અર્થ 'સ્વાદ' છે અને આ માટે તેમને એ સમયે 5 રૂપિયાનો ઍવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. મને પણ આ નામ ગમ્યું હતું. પછી મેં કહ્યું હા, આ નામ સારું છે. લિજ્જત એવું નામ છે જેમાં ઇજ્જત પણ છે. એટલે આપણી ઇજ્જત પણ વધશે."
ગુજરાતમાં ક્યારે શરૂ થઈ શાખા?
લિજ્જતની પહેલી શાખા મુંબઈમાં શરૂ થયા બાદ બીજી શાખા ગુજરાતના તાપી જિલ્લાના વાલોડ ખાતે 1968માં શરૂ કરવામાં આવી હતી. બીબીસી-ગુજરાતીએ વાલોડ શાખાની મુલાકાત લઈને લિજ્જતના પરિશ્રમને જાણવાનો પ્રયાસ કર્યો હતો.
વાલોડ શાખાનાં સંચાલિકા લક્ષ્મીબહેને કહ્યું હતું, "અમારી સંસ્થામાં સવારે સાડા પાંચ વાગ્યાથી કામકાજ શરૂ થઈ જાય છે. દરરોજ સવારે સાડા પાંચથી દસ વાગ્યા સુધી પાપડના લોટનું વિતરણ કરવામાં આવે છે. બહેનો એ લોટ પોતપોતાના ઘરે લઈ જઈને તેમાંથી પાપડ વણે છે. બીજા દિવસે એ પાપડ જમા કરાવે છે અને નવો લોટ લઈ જાય છે."
વાલોડ શાખાનાં કર્મચારી જ્યોતિબહેન નાયિકાએ કહ્યું હતું, "ગામની 1200થી 1300 બહેનો અમારી સંસ્થામાંથી રોજગારી મેળવે છે. મહિલાઓને પાપડ વણવાનું મહેનતાણું દર પખવાડિયે બૅન્કમાં જમા કરાવવામાં આવે છે. લોટના વિતરણના પ્રમાણમાં પૅમેન્ટ આપવામાં આવે છે. પાપડ વણીને મહિલાઓ મહિને 5,000થી 8000 રૂપિયાની કમાણી કરે છે."
લિજ્જત કઈ રીતે કામ કરે છે?
લિજ્જત સમગ્ર સમુદાયના આર્થિક તથા સામાજિક વિકાસ અને સામૂહિક માલિકીની ફિલસૂફીને અનુસરે છે. લિજ્જત તેના તમામ કાર્યકારી સભ્યોને માલિક ગણે છે. નફા- નુકસાન બંનેમાં સમાન ભાગીદાર ગણે છે.
લિજ્જતમાં બધા નિર્ણય સર્વસંમતિના આધારે લેવામાં આવે છે. સંગઠનનાં તમામ સભ્ય બહેન કોઈ પણ નિર્ણયને વીટો કરવાનો અધિકાર ધરાવે છે. આ સંસ્થામાં પુરુષો પગારદાર કર્મચારી હોઈ શકે છે, પણ આ સંસ્થાનું સભ્યપદ માત્ર સ્ત્રીઓને જ મળે છે.
આ સંગઠનનું સંચાલન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, બે સચિવ અને બે ખજાનચી સહિતના એકવીસ સભ્યોની મૅનેજિંગ કમિટી કરે છે. સંચાલિકાઓ વિવિધ શાખાઓ અને વિભાગોનાં પ્રભારી તરીકે કામ કરે છે.
લિજ્જતનું કામકાજ માત્ર પાપડ પૂરતું મર્યાદિત નથી રહ્યું. લિજ્જત હવે મસાલા, ઘઉંનો લોટ, રોટલી, ડિટર્જન્ટ પાઉડર, ડિટર્જન્ટ સાબુ અને લિક્વિડ ડિટર્જન્ટનું ઉત્પાદન પણ કરે છે.
સ્ત્રીઓના સ્વાવલંબન માટે વર્ષો પહેલાં કરાયેલી પહેલ આજે હજારો મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહી છે અને હવે તો લિજ્જતની સફળતાની ગાથાના વર્ણવતી ફિલ્મ પણ બની રહી છે.
રેકોર્ડ મુજબ લિજ્જત પાપડે માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ લોકપ્રિયતા મેળવી હતી. તે યુકે, યુએસએ, મધ્ય પૂર્વ એશિયા, થાઈલેન્ડ, સિંગાપોર, હોંગકોંગ, હોલેન્ડ, જાપાન અને સમગ્ર મધ્ય પૂર્વ - ખાસ કરીને ગલ્ફ દેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો