You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : 'મોઘવારીમાં પૂરું નથી થતું', મોબાઇલ રિપૅરિંગનું કામ કરનાર મહિલા
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી ગુજરાતી
- અમદાવાદનાં સિમ્પી યાદવ મોબાઈલ રિપૅરકામ શીખી રહ્યાં છે
- તેઓ કહે છે કે 'મોંઘવારી વધી છે, શાકભાજી મોંઘાં થયાં તો અમે શાકભાજી નથી ખરીદી શકતાં'
- સીએમઆઈઈ રિપોર્ટ સૂચવે છે કે 2017 અને 2022ની વચ્ચે, લગભગ 2.1 કરોડ મહિલાઓ કાયમી ધોરણે વર્કફોર્સમાંથી બહાર નીકળી ગઈ હતી.
- વર્ષ 2004-05માં યુવાન (15થી 29 વર્ષ) ગ્રામીણ મહિલાઓનો શ્રમભાગીદારીનો દર (એલએફપીઆર) 42.8 ટકા હતો
- તે સમયથી તેમાં ઘટાડો થઈ રહ્યો છે અને 2018-19 સુધીમાં તે ઘટીને 15.8 ટકા થઈ ગયો છે
અમદાવાદનાં વટવા વિસ્તારમાં રહેતાં સિમ્પી યાદવ બીબીસી સાથે મોંઘવારીની વાત કરતાં હતાં ત્યારે તેમના ગળે ડૂમો ભરાઈ ગયો હતો.
સિમ્પી કહે છે, "મોંઘવારી વધી છે. આગળ હજી વધી રહી છે. શાકભાજી મોંઘાં થયાં તો અમે શાકભાજી નથી ખરીદી શકતાં."
સ્વસ્થ થયા બાદ તેઓ ઉમેરે છે, "મારા પતિને ક્યારેક કામ મળે છે તો ક્યારેક નથી મળતું. એટલે મેં વિચાર્યું કે હું મોબાઇલ શીખી લઉં તો થોડી રાહત થાય. આજુબાજુવાળા કહે છે કે મોબાઇલ રિપૅરકામ તો પુરુષોનું છે. તમારાં નાનાં બાળકો છે, તમે એ કામ કેવી રીતે કરશો? પરંતુ મારા પતિના સહયોગથી મેં મોબાઇલ રિપૅરકામ શીખવાનું શરૂ કર્યું છે."
સિમ્પી ઘરે માળા બનાવે છે અને મોબાઇલ રિપૅરકામ શીખે છે. ઘરના બે છેડા ભેગા કરવા બે કામ કરવાં જરૂરી હોવાનું તેઓ માને છે.
સિમ્પી કહે છે, "ઘરમાં એક જણ કમાય છે અને તેને ત્રણ જણાનું પાલનપોષણ કરવાનું હોય છે. જે અત્યારના સમયમાં થઈ નથી રહ્યું."
પુત્રી પણ માતાના માર્ગે
તેમની પુત્રી પલ્લવી ઘરમાં માતાને મોતીકામમાં મદદ કરે છે અને એ પણ મોબાઇલ રિપૅરકામ શીખે છે.
પલ્લવી પણ પહેલાં સિલાઇકામ કરતી હતી.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પલ્લવી કહે છે, "મોંઘવારી વધી એ કારણે સિલાઈકામમાં પૈસા મળતા નથી એટલે સિલાઈકામ છોડી દેવું પડ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી પલ્લવી મોબાઇલ રિપૅરકામ શીખીને પોતાની દુકાન શરૂ કરવા માગે છે.
પલ્લવી કહે છે, "આજે બધા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. હું પણ કરું છું. હું વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલૉડ કરીશ. એનાથી લોકો સુધી મારું કામ પહોંચશે અને એ રીતે થોડા લોકો તો ફોન રિપૅર કરવાવવા મારી પાસે આવશે."
'આજીવિકા બ્યૂરો' નામની સંસ્થાનાં ગીતાબહેનના કહેવા અનુસાર, અમદાવાદમાં સિમ્પી જેવી ઘણી મહિલાઓ મોબાઇલ રિપૅરકામ શીખી રહી છે.
મહિલાઓ મોબાઇલ રિપૅરિંગના કામ તરફ વળી રહી છે એ પાછળ મોંઘવારી સૌથી વધારે જબાબદાર પરીબળ હોવાનું મનાઈ રહ્યું છે.
ઘરા બે છેડા ભેગા કરવા માટે ગૃહિણીઓને પણ હવે રોજગારના વિકલ્પો શોધવા પડી રહ્યા છે.
આવું જ કંઈક 'વર્કફોર્સ'માંથી બહાર નિકળી ગયેલી મહિલાઓનું પણ છે.
રોજગારીમાં મહિલા ક્યાં છે?
તાજેતરનો સીએમઆઈઈ રિપોર્ટ સૂચવે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં દેશના શ્રમભાગીદારીના દરમાં છ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.
વર્ષ 2017 અને 2022ની વચ્ચે, લગભગ 2.1 કરોડ મહિલાઓ કાયમી ધોરણે વર્કફોર્સમાંથી બહાર નીકળી ગઈ હતી. તેનો અર્થ એ થયો કે એ તમામ મહિલાઓ કાં તો બેરોજગાર છે કાં તો નોકરીની શોધમાં જ નથી.
એનાથી એકંદરે મહિલાઓની શ્રમભાગીદારીમાં મોટો ઘટાડો થયો છે. આ ઘટાડો વર્ષ 2022માં 40 ટકા થયો છે.
જોકે આ આંકડાઓ જોઈને નવાઈ પામવા જેવું નથી. ડેટા સૂચવે છે તેમ શ્રમમાં મહિલાઓની ભાગીદારીનું વલણ વર્ષોથી ચિંતાજનક બનતું જઈ રહ્યું છે.
વર્ષ 2004-05માં યુવાન (15થી 29 વર્ષ) ગ્રામીણ મહિલાઓનો શ્રમભાગીદારીનો દર (એલએફપીઆર) 42.8 ટકા હતો. એ સમયથી તેમાં ઘટાડો થઈ રહ્યો છે અને વર્ષ 2018-19 સુધીમાં તે ઘટીને 15.8 ટકા થઈ ગયો છે.
પિરિયોડિક લૅબર ફોર્સ સર્વે (પીએલએફએસ) અનુસાર, વર્ષ 2018-19માં યુવા શહેરી મહિલાઓમાં બેરોજગારીનો દર 25.7 ટકા હતો. એની સરખામણીએ સમાન વયજૂથના પુરુષોમાં બેરોજગારીનો દર 18.7 ટકા હતો.
આ બધા વચ્ચે સીએમઆઈઈના તાજેતરના આંકડા વધુ ચિંતાજનક છે.
જાન્યુઆરી-એપ્રિલ 2016માં લગભગ 2.8 કરોડ મહિલાઓ બેરોજગાર હતી અને કામ કરવા ઇચ્છુક હતી. ડિસેમ્બર 2021 સુધીમાં આ સંખ્યા ઘટીને માત્ર 80 લાખ થઈ ગઈ હતી.
ગ્રામીણ વિસ્તારોમાં પુરુષોની સરખામણીમાં ઓછી મહિલાઓ બેરોજગાર છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં મહિલા અને પુરુષ બંને માટે બેરોજગારીનો દર વધી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં મહિલા કામદારોમાં બેરોજગારીના દરમાં વધારો વધુ સાતત્યપૂર્ણ રહ્યો છે.
વર્ષ 2011 અને 2017ના નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો- એનસીઆરબીના રાજ્યોના અપરાધના ડેટાનું વિશ્લેષણ કરતાં, બિહાર અને દિલ્હી જેવાં રાજ્યોમાં મહિલાઓ સામેના ગુનાઓમાં નજીવો વધારો જોવા મળ્યો હતો અને આ જ સમય દરમિયાન મહિલાશ્રમની ભાગીદારીમાં ઘટાડો થયો હતો.
જોકે કોઈ નક્કર પુરાવા નથી અને આ સંશોધન માત્ર ગુના અને શ્રમબળ વચ્ચે નકારાત્મક સંબંધ દર્શાવે છે. મહિલા સામેનો ગુનો એ મહિલાઓને ઘરની બહાર નીકળીને કામ પર જતાં અટકાવવા ઊભા કરતા ઘણા અવરોધો પૈકીનો એક છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો